લઘુ સિદ્ધાન્તવહી/જીવનનો નવેસરથી સ્વીકાર

૫૭

જીવનનો નવેસરથી સ્વીકાર

હમણાં એક સાહિત્યકાર મિત્ર મળવા આવ્યા અને એમના સંતાનને આર્ટ્સના પ્રવાહમાં પ્રવેશ મેળવવો હતો, તો અમદાવાદની પ્રસિદ્ધ શાળાઓમાં આર્ટ્સના પ્રવાહો લુપ્ત થતા હોવાથી કેવી મુસીબતોનો સામનો કરવો પડ્યો એની વીતક એમણે વર્ણવી. કોઈ એકાદ ઠેકાણે જ્યાં પ્રવેશ મળ્યો, તો માધ્યમ જુદું હતું અને સતત માતૃભાષાના માધ્યમમાં આગળ વધનાર એમના સંતાનની પ્રગતિને ત્યાં મોટો અવરોધ આવશે એની દહેશત વ્યક્ત કરી. આ આપણા વર્તમાનની તાસીરનો નમૂનો છે. આજે માહિતીક્રાંતિ જે રીતે ગતિ પકડી રહી છે, મોબાઈલ ફોન, ઈ-મેઇલ, ઈન્સ્ટન્ટ મેસેજિંગ, ઈન્ટરનેટ ચૅટ-જે રીતે હાથવગાં બની રહ્યાં છે અને યુનિવર્સિટીઓમાં જે રીતે માધ્યમ અભ્યાસોમાં સ્પર્ધા થઈ રહી છે એમાં ‘વાંચો નહીં, બસ જુઓ’નો જુવાળ આવ્યો છે. આ જુવાળને કારણે કોઈ એક ભાષાના પ્રભુત્વ હેઠળ માતૃભાષાઓ ભયમાં આવી પડી છે. સુકાતા આર્ટ્સના પ્રવાહો, ભયમાં મુકાયેલી માતૃભાષાઓ, વાચનની તદ્દન છીછરી થતી જતી પ્રવૃત્તિ અને પદ્ધતિ આ બધાં વચ્ચે સાહિત્યની કઈ દશા હશે - અને થશે એની તો અટકળ જ કરવાની રહી. સાહિત્યના ક્ષેત્રની આંતરિક સ્થિતિ પણ ગઈ સદીના અંતભાગ તરફ જતાં જતાં ચિંતાપ્રેરક બની છે. પશ્ચિમમાં બીજા વિશ્વયુદ્ધના નરસંહાર પછી એકબાજુ સાહિત્યસર્જનની અશક્યતાનો વિચાર આગળ ધરાયો હતો, તો બીજી બાજુ પ્રસિદ્ધ અને પ્રશિષ્ટ કૃતિઓનાં સંશોધનો અને પ્રકાશનોથી ઓચાઈને વિદ્વત્પ્રવૃત્તિને સિદ્ધાન્તોની ભૂમિ ખૂંદવાનું જચી રહ્યું હતું. સાહિત્ય વિશે ઘણું વિચાર્યું. હવે સાહિત્યની વિચારણા અંગે વિચારણા કરીએ એવું સ્વીકારી સાહિત્યનું વિવેચન પ્રત્યક્ષ સાહિત્યથી હટીને સિદ્ધાન્તસાહિત્ય તરફ વળ્યું. સોસ્યુર ને હેય્ડગર ને વિટગેન્સ્ટાઈન જેવાને સહારે એ ભાષાતત્ત્વવિચારી શાખા બનવા મથતું રહ્યું. એમાં વળી ફ્રેન્ચ સંરચનાવાદી અને પછી અનુસંરચનાવાદી વિચારણાઓએ વિવેચનમાં અર્થ, શૈલી, સ્વરૂપ, ઇતિહાસ, કૃતિનું કર્તૃત્વ - વગેરે વિશે નવી પરિભાષાઓ જન્માવી. સાહિત્ય હવે સૌન્દર્યાનુભૂતિ માટે ખપનું ન રહ્યું. સત્ય માટે ખપનું બન્યું, અને સત્ય તે પણ એવું સત્ય, જે ભ્રામક હોય. સત્યને એની મિથથી, એની વિચારધારાથી, એની સંઘટનાથી હાથ ધોવાના રહ્યા. સાહિત્ય ભાષાની માત્ર ઠાલી રમત બની રહ્યું. સિદ્ધાન્તારૂઢ આ પ્રકારનો છેલ્લાં વર્ષોનો અભિગમ સાહિત્યના ઉચ્ચતર અભ્યાસમાં હાવી રહ્યો છે. પરંતુ માઈકલ પેન અને જોન શાડ દ્વારા સંપાદિત અને ‘કન્ટિન્યૂઅમ’ દ્વારા પ્રકાશિત ‘લાઈફ આફ્ટર થિયરી’માં નોંધાયેલી એક નાનકડી ઘટના આશાવાદ પ્રેરે છે. સાહિત્યની આવી પરિસ્થિતિ વચ્ચે લોકબ્યૂરો (Loughborough) યુનિવર્સિટીમાં ૨૦૦૧ દરમ્યાન થયેલ અધિવેશનમાં હાજર ઝાક દેરિદા, ફ્રૅન્ક કર્મોડ, ક્રિસ્તોફર નૉરિસ અને ટૉરિલ મોઇનાં બયાનોએ સાહિત્યમાં નવેસરથી જીવનને ધબકતું જોવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ફ્રૅન્ક કર્મોડ કહે કે મને સિદ્ધાન્તનો ડર નથી, મને સિદ્ધાન્તો પરના સિદ્ધાન્તો અને એના પરના સિદ્ધાન્તોનો ડર છે. તો ટૉરિલ મોઈ કટાક્ષમાં કહે છે કે કોઈ પણ સાહિત્યના અધ્યાપકને ખીજવવો હોય તો તમારે શબ્દોને અર્થ છે એટલું કહેવું પૂરતું રહેશે. નૉરિસ માનવતાવાદી અભિગમમાં પ્રવેશી કહે છે કે ‘હું જ્યારે શબ્દ વાપરું છું, એ શબ્દનો અર્થ ફક્ત એનો અર્થ કરવાનો હું જે પસંદ કરું એ જ હોય છે.’ એવું કોઈ આલાભાઈ ગાલાભાઈનું બેજવાબદાર વાક્ય સ્વીકારી ન શકાય. તો ‘સાહિત્યનો અવકાશ સૈદ્ધાન્તિક રીતે આપણને બધું જ વાંચવા અને કંઈ પણ વાંચવા અવકાશ આપે છે.’ એવું કહેનાર દેરિદા કબૂલે છે કે સત્યને સત્યપૂર્ણ બનવા અને અર્થને અર્થપૂર્ણ બનવા સંરચનાગત રીતે ગેરસમજ કે જૂઠાણાની શક્યતાએ ખુલ્લાં રહેવું જરૂરી છે. એટલે કે દેરિદાએ જીવનનો સ્વીકાર નવેસરથી કર્યાનો અહીં અણસાર છે. સિદ્ધાન્તો પ્રકાશ બની સાહિત્યને અજવાળી જૂદું કાંઈ દેખાડે ત્યાં સુધી એ આવકાર્ય છે, પણ સિદ્ધાન્તો ધુમ્મસ થઈ સાહિત્યને ધૂંધળું બનાવે કે પ્રત્યક્ષ સાહિત્યથી જ અભ્યાસીનો વિચ્છેદ કરી બેસે તો સિદ્ધાન્તો અંગે ફરીથી વિચારવાનો અવસર ઊભો થયો છે.