લઘુ સિદ્ધાન્તવહી/અશુદ્ધ કવિતાનો પુરસ્કાર
અશુદ્ધ કવિતાનો પુરસ્કાર
કવિતા બે છેડા પર ફરતી રહી છે. પ્રતીકવાદી કવિઓનો શુદ્ધકવિતાનો છેડો અને પાબ્લો નેરુદા જેવાનો અશુદ્ધકવિતાનો છેડો, અને બંને ધ્રુવો પર જાતજાતનાં ખેંચાણો વચ્ચે કવિતાએ પોતાને સિદ્ધ કરી છે. શુદ્ધની અશુદ્ધકવિતાથી દૂર રહેવાની તાણ અને અશુદ્ધની શુદ્ધકવિતાથી દૂર રહેવાની તાણને કારણે એક ચોક્કસ પ્રકારની તંગ સપાટી બંને કવિતાના ધ્રુવો પર અનુભવાય છે. એક છેડા પર પ્રતિજ્ઞાબદ્ધતાની અને બીજા છેડા પર પ્રતિબદ્ધતાની દૃઢતા કવિતાને આગવી મુદ્રા આપે છે. આજના ભાવકે આ બંને કવિતાનો વિવેકપૂર્વક મુકાબલો કરવાનો રહ્યો છે. પાબ્લો નેરૂદાની શતાબ્દી ઊજવાઈ રહી છે ત્યારે એની જ પગંતનો પણ જુદા અવાજનો અમેરિકન અશ્વેત કવિ યુસેફ કોમ્યુન્યાહકા (Yusef Komyunyokaa)ની પ્રતિબદ્ધ દૃઢતાને જોવી ગમે એવી છે. કોમ્યુન્યાહકાને ૧૯૯૪માં પુલિત્ઝર પારિતોષિક એનાયત થયું છે. પણ શહેરી ગરીબી અને રંગભેદ કે જાતિભેદનો એને સામનો કરવો પડ્યો છે. પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં જુદા જુદા વયજૂથના અને વર્ગના આફ્રિકી-અમેરિકીઓને અધ્યયન કરાવે છે અને સ્પષ્ટ માન્યતા ધરાવે છે કે કવિતા એ શબ્દરમત અને ભાષારમત નથી પણ કવિતા અર્થ અંગેનું, અનુભવ અંગેનું અને માનવઅસ્તિત્વના અંગત તેમજ પ્રતિષ્ઠાપૂર્ણ સંઘર્ષો અંગેનું ક્ષેત્ર છે. આ કવિના વર્ગો અશ્વેત કવિઓને બહાર લાવી એને પ્રોત્સાહિત કરવાનું કાર્ય કરી રહ્યા છે. કોમ્યુન્યાહકાના પિતા અને પિતામહ બંને સુથારીકામમાં માહેર હતા. પણ કવિના પિતાએ ઘર છોડીને જતી રહેલી પોતાની પત્નીને પાછી વાળવા પોતાના પુત્રને પત્રો લખવા પ્રેર્યો હતો અને પુત્રના પત્રો દ્વારા માતા પાછી પણ ફરેલી, બસ ત્યારથી આ કવિને ખાતરી હતી કે આ જ એનાં ઓજારો છે. કવિ કહે છે કે ફૂટપટ્ટી, કરવતી, રંધો, હથોડી, કાનસ, વગેરેએ મને ઓજારોનું મૂલ્ય શીખવ્યું છે. આ ઓજારોને ખૂબ સાવધાનીપૂર્વક અને ચોકસાઈપૂર્વક વાપરવાનાં રહે છે. પોતાનાં ઓજારોને બરાબર જાણવા પડે, જેથી વાપરનાર પોતે એને પોતાની વિરુદ્ધ ન વાપરી બેસે. સૈનિક તરીકે વિયેટનામ યુદ્ધમાં ગયેલા કોમ્યુન્યાહકાને પોતાના અનુભવોને અવતારવા માટે ચૌદ વર્ષની રાહ જોવી પડી છે. આ કવિ જેમની સામે લડ્યો એમને પૂરી કરુણા સાથે નિરૂપે છે. કવિ જાણે છે કે શત્રુને જન્માવવા માટે તમારે એક ચોક્કસ પ્રકારની અમાનુષતા ભીતરમાં તૈયાર કરવી પડે છે, જેને કારણે તમે એને હણી શકો. યુદ્ધનો અનુભવ આ કવિને સ્વાસ્થ્યકર પ્રક્રિયા (Healing process)માં પરોવે છે. કવિ કહે છે મેં ઈતિહાસનું ઉત્ખનન કર્યું છે. અતિશય મૌનમાં ધરબાઈ ગયેલી જિંદગીઓને જોવા મેં પ્રયત્ન કર્યો છે. ગુલામી યુગ જેવા સમયના યુગોમાં પહોંચવું પડે, એનું પુનઃ સર્જન કરવું પડે. આમ કરવાથી જ તમે એમની વચ્ચે, એમની આસપાસ ફરી શકો. આ કવિની એક રચના છે, જેમાં શ્વેત સૈનિકો માટેના વિયેટનામના દારૂના બારમાંથી નાયકને કાઢી મૂકવામાં આવે છે અને નાયક અશ્વેત માટેના દારૂના બારમાં પહોંચે છે ને ત્યાં વિયેટનામી છોકરીઓને જુએ છે. કહે છે કે ‘પોતાના સૌન્દર્ય અને યુદ્ધથી ઘવાયેલી છોકરીઓ. આ છોકરીઓ હમણાં અમારા આલિંગનમાં દોડતી આવશે, જેના ભાઈઓની અમે યુદ્ધમાં કતલ કરી છે.’ યુદ્ધખોરીમાં સામા પક્ષના મનુષ્યોને શત્રુ બનાવવા માટે જોઈતી સંવેદનહીનતાને આ કવિએ વારંવાર સ્પર્શી છે. પાબ્લો નેરુદા કે એની પંગતના આવા અશુદ્ધ કવિતાના પુરસ્કર્તાઓ અનુઆધુનિકયુગમાં કેન્દ્રમાં આવી સાહિત્યની સ્વાયત્તતા અને સ્વતંત્રતાને નવેસરથી જોવા પ્રેરે છે એ હકીકતની ઉપેક્ષા કરી શકાય તેમ નથી.
●