લઘુ સિદ્ધાન્તવહી/સાહિત્યનો, ભૂતકાળ અને સ્મરણ સાથેનો સંબંધ

૮૫

સાહિત્યનો, ભૂતકાળ અને સ્મરણ સાથેનો સંબંધ

સંસ્કૃતના જાણીતા આલંકારિક રાજશેખરે એની ‘કાવ્યમીમાંસા’ અંતર્ગત કાવ્યહેતુ રૂપે કવિત્વના જે આઠ આધારો ગણાવ્યા છે, એમાં સ્મૃતિની દૃઢતા (स्मृतिदाढंर्यम्) એક છે. બીજી રીતે કહીએ તો સાહિત્યને સ્મૃતિ કે સ્મરણનો કેવો અને કેટલો ખપ છે એ મહત્ત્વનો પ્રશ્ન છે. અને આજે જ્યારે જીવનલેખન (life-writing) વિશેષ રીતે આધિપત્ય ભોગવી રહ્યું છે ત્યારે તો એ પ્રશ્ન વધુ ધ્યાન માગી લે તેવો છે. સાહિત્યને નામે નકરાં સ્મરણો ઠલવાતાં રહે અને સ્મૃતિમાંથી નર્યું જીવન ઉલેચાતું રહે ત્યારે આ પરિસ્થિતિ વધુ ચિંત્ય બને છે. ૧૯૮૫માં અવસાન પામેલા ઈટાલીના મહત્ત્વના લેખક ઇતાલિયો કાલ્વિનોનું ૧૯૯૧માં ‘પ્રશિષ્ટ કૃતિઓ શા માટે વાંચવી જોઈએ?’ (‘વાઈ રીડ ધ કલાસિક્સ?’) એવા શીર્ષક હેઠળ એક મરણોત્તર પ્રકાશન બહાર પડ્યું છે, ને એમાં પ્રશિષ્ટની ચર્ચા સાથે સાહિત્યનો ભૂતકાળ અને સ્મરણ સાથેનો સંબંધ લેખકે જરાક જુદી રીતે ચર્ચ્યો છે. કાલ્વિનો ‘ઑડિસી’ની ચર્ચા કરતાં કહે છે કે ‘ઑડિસી’ મહાકાવ્ય વિવિધ મુસાફરીઓની કથાઓનું બનેલું છે. ઑડિસ્યૂસ સાથે હંમેશાં ‘ભૂલી જવાપણાનું જોખમ’ સંકળાયેલું છે. લોટસ ઇટર્સ, સર્સી, સાયરન્સ વગેરે ભૂલી જવા માટે નોતરતાં કેટકેટલાં પરાક્રમો છે! પણ શું ભૂલી જવા? ટ્રોજન યુદ્ધ? ઘેરો? ટ્રોજન અશ્વ? — નહીં. એનું ઘર. ઓડિસ્યૂસની મુસાફરીનો એકમાત્ર હેતુ, પુનર્ગમન, એટલે કે પાછા ફરવાનું ભૂલી જવું એના જેવું બીજું કોઈ જોખમ નથી. કાલ્વિનો કહે છે કે પાછા ફરવાનું યાદ કરવું એટલે ભૂતકાળને શોધવો-જે ભવિષ્ય પણ છે. અને પછી ઉમેરે છે કે સ્મૃતિઓ યા સ્મરણો ખરેખર ખપનાં છે, પણ જો એ ભૂતકાળના સંસ્કારો અને ભવિષ્યની યોજનાઓને એક સાથે ઝાલી શકે તો જ. સ્મૃતિ કે સ્મરણની આ ચોખવટ પછી કાલ્વિનો પ્રશિષ્ટ અંગેનો મુદ્દો છેડે છે. કાલ્વિનો દર્શાવે છે કે પ્રશિષ્ટ કૃતિઓ ‘ક્યાંક’થી (‘from’ somewhere) વંચાય છે અને આ ‘ક્યાંક’ સ્પષ્ટ થવું જોઈએ. નહીં તો કૃતિ અને વાચક હંમેશાં અર્થહીન અટવાયા કરે છે. ટૂંકમાં કાલ્વિનોની ચર્ચા બે વાત સ્પષ્ટ કરે છે. સ્મરણોનો ખપ છે, પણ સ્મરણમાં રહી કેવળ રાચવાનું નથી, પાછા પણ ફરવાનું છે. વર્તમાનની ક્ષણ પરથી ભૂતકાળને જોવાનો છે. અને એમ ભૂતકાળને જોતી વેળાએ શું કરવું જોઈએ એનો અણસાર કાલ્વિનોના એક ઉદાહરણમાંથી મળી રહે છે. કાલ્વિનો મોટરકારમાં બાજુમાં જડાતો, પાછળના રસ્તાનું પ્રતિબિંબ પાડતો અરીસો (rear view mirror) નમૂના રૂપે આગળ ધરી ચર્ચા કરે છે. સદીની એને મોટી શોધ ગણી છે. કારણ કે એમાં રોજિંદા વપરાશના અરીસાને એ રીતે જડવામાં આવ્યો છે કે તમારી જાત એમાંથી બાકાત રહે (excluded self from vision.) પાછળના રસ્તાનું પ્રતિબિંબ લેવાનું અને પોતાને બાદ કરીને લેવાનું એવું સૂચવતો આ અરીસો જીવનલેખન સાથે કામ પાડનારા લેખકો માટે યોગ્ય દર્પણ ધરે છે. સ્મરણોમાં જવાનું, પણ પછી પાછા ફરવાનું ભૂલવાનું નહીં. વર્તમાનની ક્ષણ પરથી બધું સંયોજવાનું અને છતાં પોતાને બાદ રાખવા જેટલી વસ્તુલક્ષિતા કેળવવાની, એ જીવન-લેખન માટેની અનિવાર્ય શિસ્ત છે. ભૃગુરાય અંજારિયાએ એક વાર વાતવાતમાં કહેલું કે સ્મરણનો પ્રવેશ પૂરો થાય છે, ત્યાંથી સાહિત્યનો પ્રવેશ શરૂ થાય છે. ઘણા બધા લેખકો પાછા ફરવાનું ભૂલી જાય છે અને ઘણા બધા લેખકો પોતાને બાદ કરવાનું ભૂલી જાય છે. એકમાં સંયોજનનો અભાવ વર્તાય છે, બીજામાં અંગત સંડોવણીનો ડહોળ રહી જાય છે. સ્મરણ સાથે પાનું પાડનારાઓએ આ બંને જોખમો સાથે બાથ ભીડવાની રહે છે.