લઘુ સિદ્ધાન્તવહી/સેબ્રેનિકાનો ઘોર નરહત્યાકાંડ

૮૬

સેબ્રેનિકાનો ઘોર નરહત્યાકાંડ

યુદ્ધની વાર્તા રમ્ય હોય છે, પણ યુદ્ધ પોતે ઘોર છે. અને એમાંય યુદ્ધના નીતિનિયમો નેવે મૂકીને સૈન્ય જ્યારે હત્યારું બને છે કે સૈનિક શૂરવીર મટી મારો બને છે ત્યારે એમાં નરી જંગાલિયત સિવાય કશું હોતું નથી. મહાભારતના યુદ્ધમાં અભિમન્યુની હત્યા કે પાંડવોના પુત્રોની અશ્વત્થામા દ્વારા હત્યા એવાં ક્રુરતાનાં ઉદાહરણો છે; તો હિટલરની સામ્રાજ્યલાલસા, યુદ્ધખોરી અને યુદ્ધ આડે લાખો યહૂદીઓની આયોજિત કતલ એ નજીકનું ઉદાહરણ છે. બીજું વિશ્વયુદ્ધ એની ખુવારી, હિટલરે કરેલો યહૂદી સંહાર પછી એમ હતું કે જગત થોડો ઘણો પણ પાઠ શીખ્યું છે, પરંતુ વીસમી સદીના અંતમાં બોસ્નિયામાં જે બન્યું છે અને બોસ્નિયા જે રીતે કત્લેઆમોનું ક્ષેત્ર બન્યું છે તે જોતાં બીજા વિશ્વયુદ્ધ પછીનો એ મહાદારૂણ માનવહત્યાકાંડ છે. તાજેતરમાં બહાર આવેલા પુરાવાઓ અને અહેવાલોએ એટલું તો સાબિત કર્યું છે. મિલન કુન્દરાએ મૃત્યુના બે ચહેરાઓ ગણાવ્યા છે. એક એનો ન-હોવાપણાનો ચહેરો અને બીજો ભયાનક ભૌતિક ચહેરો એટલે કે મૃતશરીર, મડદું. હજારોની સંખ્યામાં ગૅસચેમ્બરમાં ઓરાતાં હિટલરની આગેવાની હેઠળનાં માનવશરીરો કે પછી બોસ્નિયાનાં મેદાનોમાં હજારોની સંખ્યામાં ઢાળી પડાતાં ને રખડતાં રાત્કો લાદિકની આગેવાની હેઠળનાં મડદાંઓ - મૃત્યુનો બીજો ચહેરો છે. નેટોની અને મુએનની હાજરી તેમજ દરમિયાનગીરી છતાં બોસ્નિયામાં ૧૯૯૨ના એપ્રિલથી શરૂ થયેલી લડાઈ દરમિયાન છળ અને શંકાની આડમાં વંશીય સાફસૂફીને નામે દેશ ફાવે તેમ હત્યાઓ, બળાત્કારો, અત્યાચારો અને સામુહિક કત્લોનો ભોગ બન્યો છે. બોસ્નિયાના સર્બોની વ્યૂહરચના હતી કે ‘ગ્રેસ્ટર સર્બિયા’ની રચના માટે મુસ્લીમોનો ખાત્મો બોલાવી દેશને ચોખ્ખો કરવામાં આવે. કદાચ આ બાબતમાં સ્રેબ્રેનિકા, હિટલરના ટ્રેબલિન્કા જેવું બીજું મૃત્યુ-છાવણી બન્યું. સાત હજારથી વધુ મુસ્લીમો સાફ થયા. વંશીય સાફસૂફીનો આ લોહિયાળ નમૂનો છે. સ્રેબ્રેનિકાની આ ઘટના બીજા વિશ્વયુદ્ધ પછીનો યુરોપનો ઘોરતમ નરહત્યાકાંડ હતો અને આ નરહત્યાકાંડ પણ યુ.એન.એ જેને ‘સહીસલામત ક્ષેત્ર’ જાહેર કરેલું એમાં થયો છે. યુનાઇટેડ નેશન્સના સંવાદદાતાને દહેશત હતી કે બોસ્નિયાની સર્બ લશ્કરી ટુકડીઓ સ્રેબ્રેનિકામાં પ્રવેશ કરશે તો લોહીસ્નાન થયા વગર નહીં રહે. કારણ મુસ્લીમો અને સર્બો વચ્ચેનું વૈમનસ્ય પાર વગરનું છે. એમાં વાત એવી હતી કે ૧૯૯૨માં બ્રાતુનાકમાં જે ઘણા બધા નાગરિક સર્બોની હત્યા થઈ એમાં સ્રેબ્રેનિકાના મુસ્લિમ યુવાનેતા નાસિર ઓરિકનો હાથ હતો એવું સર્બો દૃઢપણે માનતા હતા. બીજી બાજુ સર્બો જનરલ રાત્કો લાદિકને મુસ્લીમો પરત્વે અંગત વેર હતું. સ્રેબ્રેનિકામાં જન્મેલા રાત્કો લાદિકે સ્રેબ્રેનિકાની પૂરી કાર્યવાહી પોતાના હાથમાં લઈ હેતુને પાર પાડવાનો નિરધાર કર્યો હતો. મુસ્લીમ યુવાનેતા નાસિર ઓરિકે સ્રેબ્રેનિકાના મુસ્લીમોને સાથે લઈ સર્બોના ગામ ક્રાવિકા પર ‘ક્રિસમસ આક્રમણ’ કરેલું, એમાંના બહુ થોડા બચેલા. ઘરબાર વિનાના થયેલા. એમનાં સગાંઓના વેરણછેરણ મૃતદેહોને દાટવાની પણ એમની પાસે પૂરી જોગવાઈ નહોતી. આમાંના એક સર્બને પછીથી પૂછવામાં આવેલું : ‘ક્રિસમસ આક્રમણ પછી ક્રાવિકામાંથી બ્રાતુનાક આવી નિરાશ્રિત તરીકે રહેલા સર્બોમાં ખૂબ કડવાશ હતી?’ જવાબ હતો : ‘ખૂબ રોષે ભરાયેલા હતા.’ ‘એ લોકો શું કહેતા હતા?’ ‘કહેતા હતા કે ‘બદલો’. અમારી પણ પાંચ મિનિટ આવશે અને એ તક મળી’ ‘બદલો’. ‘હા લોહિયાળ બદલો’. તો, યુદ્ધની આડશે ખેલાયેલો આ સ્રેબ્રેનિકાનો કિસ્સો હતો. જનરલ લાદિકે નિરાશ્રિત બનેલા મુસ્લીમો સામે જોઈને પોતાની લશ્કરી ટુકડીઓને કહ્યું : ‘હવે મજા આવવાની છે. તમારા ઘૂંટણ સુધી લોહી ભરાયેલું હશે.’ સર્બોએ એક વ્યવસ્થિત યોજના દ્વારા મુસ્લીમ સ્ત્રીપુરુષોને પકડ્યાં અને બહુ ચપળતાથી અને ઝડપથી સંખ્યાબંધ બસો અને ટ્રકો દ્વારા રવાના કર્યાં. સાથે બુલડોઝરો અને અર્થમુવરો મોકલ્યાં. દેખાવ એવો હતો કે બસો અને ટ્રકો દ્વારા સર્બો લશ્કરી ટુકડીઓને સ્થળાંતર કરાવવામાં આવે છે. એક ચેકપૉઈન્ટ પર સર્બ નાગરિકદળનો એક જુવાન બસમાં ચઢી બેઠો. જે બન્યું તેનો અહેવાલ એક સ્ત્રીએ રજૂ કર્યો છે. કહે છે : ‘એ જુવાન હતો, એનો ચહેરો સખ્ત હતો. મને કોઈ તીવ્ર સિગારેટની પરસેવાની અને આછી દારૂની વાસ આવી. તૂટ્યા ફૂટયા શબ્દોમાં એણે કંઈક કહ્યું અને ઓચિંતો કમરપરના પટામાંથી ચાકુ ખોસેલો ખેંચ્યો અને હવામાં ઊંચે ધર્યો. એ હસતો હતો. એના બાવડાં મજબૂત હતાં. પછી એકદમ એ નીચે વળ્યો. ચાકુનું પાનું બહાર કાઢી કોઈક સ્ત્રીના ખભા પર સૂતેલા બાળકની ડોકમાં ખોસી દીધું. બસની બારીઓ પર અને સીટના પાછલા ભાગ પર લોહી છંટાયું. બસમાં ચીસાચીસ થઈ ગઈ. પેલો સ્ત્રી સામે જોરથી બરાડ્યો અને પછી ડાબા હાથે એણે સ્ત્રીના માથાને બળજબરીથી નીચું દબાવ્યું ‘પી આને, રાંડ મુસ્લીમ, પી આને.’ સ્રેબ્રેનિકાના યુદ્ધ અપરાધની લેવાયેલી નોંધમાં કેટલાક બચી ગયાનાં બયાનો છે. એક કહે છે : જ્યારે ટ્રક થોભી, અમે એકદમ બહાર ગોળીબાર સાંભળ્યો. ટ્રકની ઉપર પથ્થર વરસાદ થવા માંડ્યો. અમને પાંચ પાંચની સંખ્યામાં બહાર આવવાનું જણાવ્યું. હું ટોળામાં વચ્ચે હતો. અને આગળનાઓ બહાર જવા નહોતા માગતા. ભયભીત થઈને પાછા હટતા હતા. પણ અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. જ્યારે પાંચની સંખ્યામાં હું નીચે ઊતર્યો તો ચારેબાજુ મડદાં વિખેરાયેલાં પડેલાં હતાં. ‘ચાલો જગા શોધી લો’ અને અમને જમીન પર સૂઈ જવાનું કહ્યું. મેં પણ જમીન પર લંબાવ્યું. મેં પાછળની ગનફાયરનો અવાજ સાંભળ્યો. મારા જમણા હાથમાં ગોળી વાગી. ત્રણ ગોળીઓ મારી પાંસળીમાં ઘૂસી ગઈ’ - વળી બીજા એક બચી ગયેલાએ અહેવાલ આપ્યો છે : ‘મેં મારી સગી આંખે જોયું કે અમે કોઈ જંગલવિસ્તારમાં છીએ. અમને બબ્બેની જોડીમાં ટ્રકમાંથી નીચે ઊતરવા કહ્યું. કોઈ ખુલ્લી જગ્યામાં અમને લઈ જવામાં આવ્યા. અમારી આંખ પર બાંધેલી પટ્ટીઓ એકદમ ખૂલતાં અમે ચીસો પાડવા લાગ્યા. ખુલ્લી જગ્યા મડદાંઓથી લદાયેલી હતી. મને પહેલી હારમાં મૂક્યો. પહેલો ગોળીબાર થાય ત્યાં મેં ડાબી બાજુ પડતું મેલ્યું. તેથી બધાં શરીરો મારા પર પડ્યાં. કલાકેક પછી મેં જોયું તો ચારેબાજુ મડદાં હતાં. એ લોકો વધુ ને વધુ ટ્રકો લાવતા હતા. બુલડોઝરનો ચાલક ચાલી ગયો એટલે હું પેટથી ઘસડાતો મડદાંઓ પર સરકતો સરકતો છેવટે જંગલમાં ઘૂસી ગયો.’ આ અને આવા કેટલાક કિસ્સાઓ હજી વણનોંધાયેલા હશે. ગઈ સહસ્રાબ્દીના છેલ્લા દાયકામાં ઘટેલા સ્રેબ્રેનિકાના ઘોર હત્યાકાંડ પછી પૂછવો પડે એવો પ્રશ્ન એ છે કે બધાં જ પ્રાણીઓમાં એક માત્ર મનુષ્ય પ્રાણી જ કેમ વારંવાર સભ્યતાનાં નિયંત્રણોને તોડીફોડી આક્રમક રૂપ ધારણ કરે છે અને પોતાની જાતિઓનો સંહાર કરે છે. એનો જવાબ એ તો નથી કે આપણે આપણી જાતિઓનો સંહાર કરીએ છીએ, કારણ આપણે મૂળભૂત રીતે હત્યારા છીએ. ઇતિહાસ તો સ્પષ્ટ બતાવે છે કે યુદ્ધ નહીં પણ સમૃદ્ધિ શાંતિ બક્ષે છે, તો પછી મહાભારત અને હોમરના સમય પહેલાંથી-લાંબાકાળથી - એવું કેમ બનતું આવ્યું છે કે યુદ્ધની તૈયારીઓ કરવાનો શિરસ્તો જ ચાલુ રહ્યો છે અને શાંતિ એક માત્ર ભ્રમ બનીને રહી ગઈ છે.