લઘુ સિદ્ધાન્તવહી/નાટકનો ભાષાબંધ
નાટકનો ભાષાબંધ
કવિતાનું ગદ્ય, કથાસાહિત્યનું ગદ્ય, નિબંધનું ગદ્ય, નાટકનું ગદ્ય, એમ ગદ્ય જુદાં જુદાં સ્વરૂપોમાં પ્રયોજાય છે ત્યારે સ્વરૂપગત અને હેતુગત એવાં જુદાં જુદાં કલેવર નીપજે છે. એને પામવાની અને સંવેદવાની પ્રક્રિયામાં પણ ખાસ્સો ફરક પડે છે. ૧૯પરમાં હૅરિસ ઝેલિગ દ્વારા ‘ભાષાબંધ વિશ્લેષણ’ (discourse analysis) સંજ્ઞા પ્રચારમાં આવી ત્યારથી જુદા જુદા સાહિત્યસંપ્રદાયોએ એનો જુદો જુદો અર્થ કર્યો છે અને વિવિધ અભિગમો એને માટે અખત્યાર કર્યા છે. પણ એક વાત આ બધામાં નિશ્ચિત છે તે એ છે કે ‘ભાષાબંધ વિશ્લેષણ’ એ ભાષાનો અભ્યાસ છે. વ્યાકરણની સીમા વાક્યની સીમા આગળ પૂરી થાય છે જ્યારે ભાષાબંધ વિશ્લેષણની સીમા વ્યાકરણની સીમા જ્યાં પૂરી થાય છે ત્યાંથી શરૂ થાય છે. બીજા શબ્દોમાં કહીને તો ‘ભાષાબંધ વિશ્લેષણ’ મૂળભૂત રીતે વાક્યાંતર્ગત સંબંધોને અતિક્રમીને આંતરવાક્ય સંબંધોના અભ્યાસને તાકે છે. હમણાં ૧૯૯૮માં વિમલા હેરમનનું ‘નાટ્યાત્મક ભાષાબંધ’ (Dramatic Discourse) પુસ્તક રુટલેજ દ્વારા પ્રકાશિત થયું છે અને એમાં નાટકના ભાષાબંધની વિશિષ્ટતાને તપાસવાનો પ્રયત્ન થયો છે. આપણે ત્યાં નાટકનું ગદ્ય તપાસવાનો રડ્યોખડ્યો પ્રયત્ન વિનોદ અધ્વર્યુએ કર્યો છે ખરો, પરંતુ અહીં નાટકના ગદ્યને નહીં, પણ નાટકના ભાષાબંધને વિશ્લેષવાનો હેતુ છે, એમ કહીએ ત્યારે ભાષાવિજ્ઞાનની અને ભાષાબંધની નવી પદ્ધતિઓની અને એની અભિજ્ઞતાની સહાય લેવામાં આવી છે એવો અર્થ સ્પષ્ટ થાય છે. અહીં પુસ્તકનું પેટાશીર્ષક ‘સંવાદ-એક પારસ્પરિક આંતરક્રિયા’ એવું અપાયું છે. નાટકમાં સંવાદ અન્યોન્યને ભાષાકાર્યમાં અને અભિનયકાર્યમાં સાંકળે છે. અહીં જે વાણી ઉપયોગમાં લેવાય છે તે કોઈની વાણીના સંદર્ભમાં ઉપયોગમાં લેવાય છે. એ કોઈ એકલદોકલ પાત્ર કે અભિનેતાની માત્ર શાબ્દિક અભિવ્યક્તિ નથી. પાત્રો કે અભિનયકારો વચ્ચે વાણીવિનિમયની રીતિ છે. નાટકના વાણીવિનિમય દરમ્યાન વક્તા અને શ્રોતાની ભૂમિકાઓ પાત્રો ભજવે છે અને એ ભૂમિકાઓ સંવાદ દરમ્યાન બદલાતી રહેતી હોય છે. આ ભેદ રોજિંદા વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ. કૉર્ટકચેરીમાં થતો સંવાદ વર્ગખંડોમાં થતા સંવાદથી અલગ છે, એ જ રીતે સામાજિક ચડભડ સંસદમાં થતી ચર્ચાથી અલગ છે. સંવાદને જ્યારે વાણીવર્તન (speech behaviour) તરીકે તપાસીએ છીએ ત્યારે એની સીમા માત્ર વ્યાકરણગત સીમા સુધી મર્યાદિત નથી રહેતી. એમાં વ્યાકરણના નિયમોની જાણકારી સહિતનું ભાષાસામર્થ્ય તો જોઈએ જ છે, પણ એ ઉપરાંત બીજા સામર્થ્યની જરૂર પડે છે. ઉક્તિ એકદમ, વ્યાકરણની દૃષ્ટિએ, બરાબર હોય, પણ કોઈ ચોક્કસ સંદર્ભમાં એ બિલકુલ અનુચિત હોઈ શકે. આનો અર્થ એ થયો કે ભાષા ઉપર સંદર્ભપ્રમાણે અનેકવિધ દબાવો આવી પડતા હોય છે. પ્રત્યાયનના માધ્યમ તરીકે ભાષાએ સંદર્ભોના સંખ્યાબંધ દબાવોની સામે સંવેદનશીલ બનવું પડે છે. પાત્રોની ભૂમિકા અને એમના દરજ્જાઓને જોવાં પડે છે; વાણીવર્તનની ઉચિતતાને ધ્યાનમાં રાખવી પડે છે. ઔપચારિકતા કે અનૌપચારિકતાની માત્રાઓનો ખ્યાલ રાખવો પડે છે, કેટલું પ્રગટ કરવું, કેટલું ન કરવું, કેટલું ગુપિત રાખવું, કેટલું પ્રકાશિત કરવું, કોની તરફ કટાક્ષપૂર્ણ થવું, કોની પાસે આવેગથી ખૂલી જવું આ બધાનો દબાવ પ્રત્યાયન ઝીલે છે. બરાબર આવા જ દબાવો અને એ અંગેના નિર્ણયો આપણે વ્યવહારમાં પણ વાણીવિનિમય વેળાએ લેતા હોઈએ છીએ; પરંતુ તેથી રોજિંદી વાણી અને નાટકના સંવાદને એક ગણવાની ભૂલ કરવા જેવી નથી. આ પુસ્તકમાં લેખક સ્પષ્ટ કરે છે કે રોજિંદી વાણી અને નાટકના સંવાદ બંને એકબીજા પર અવલંબિત જરૂર છે, પણ એ બંને એક નથી. નાટકના સંવાદો રોજિંદી વાણીનો માત્ર આધારસ્રોત તરીકે ઉપયોગ કરે છે. નાટક આમેય એક બુલંદ બનાવટની પ્રવૃત્તિ છે, તો સંવાદ પણ એ બુલંદ બનાવટની પ્રવૃત્તિનું જ એક અંગ છે. વિમલા હેરમને અહીં નાટકના સંવાદોના આંતરસ્તરે રહેલા સંદર્ભગત દબાવોનાં પરિબળો સંવાદોને કઈ રીતે ઘડે છે અને કઈ રીતે નાટકનું ગદ્ય-કે નાટકનો ભાષાબંધ તૈયાર થાય છે એની કેટલીક વીગતને ઉત્તમ રીતે પ્રકાશિત કરી છે.
●