લોકમાન્ય વાર્તાઓ/ગળચટાં વખ

ગળચટાં વખ

ગલોફાં ફાટી જાય એટલા બધા ગાલ ફુલાવી ફુલાવીને જાખરો મદારી એની ધોળી ફૂલ જેવી કોડીઓ અને આભલાંએ મઢેલી મોરલીમાં લુહારની ધમણની ઝડપે હવા ઠાંસ્યે જતો હતો. ખરેખરી રમત જામી હતી. હજી ગઈ કાલે જ ઉજડિયા ખરાબાના રાફડામાંથી પકડેલું ફૂંફાડા દેતું નાગનાગણીનું જોડલું અટાણે પાળેલ-પઢાવેલ પોપટની જેમ હાથહાથ-વા ઊભું થઈને જાખરાની મોરલી ઉપર સૂપડા જેટલી ફેણ ફુલાવીને હકડેઠઠ્ઠ ડાયરા વચ્ચે ડોલી રહ્યું હતું. નાગનાગણીનું ડોલન વધતું ચાલ્યું તેમ તેમ ગોઠણિયાભર બેઠેલો જાખરો વધારે ને વધારે ઉભડક થતો ગયો. પેટની ઊંડી ઊંડી બખોલોમાંથી જાણે કે પ્રાણવાયુ ખેંચી લાવીને ગલોફાં વાટે મોરલીમાં ઠાલવતો જતો હોય એમ એની હર ક્ષણે તંગ બનતી જતી મુખ મુદ્રા ઉપરથી લાગતું હતું. કારણ હતું. જિંદગીભરમાં કોઈની મૂઠ કે મંતરમાં ન આવે, અને આવે તોપણ કેમે કર્યાં કરંડિયે ન પુરાય એવાં ઘઉંલા દેવાંશી નાગનાગણીને જાખરાએ પોતાના મૃત બાપ તરફથી વારસામાં મળેલી અને આ પંથકમાં તો અજોડ ગણાતી વિદ્યાને બળે કરંડિયામાં પૂર્યાં હતાં, અને એમની પહેલી જ રમત અટાણે રોંઢાટાણે ગામના ઠાકોરના આગ્રહથી એણે માંડી હતી. પાંચીકા પાંચીકા જેવા બાજરાના કણોથી લથબથ બનીને ઊગી નીકળેલાં ડૂડાં સીમને વાયરે ઉત્તર-દખ્ખણ ડોલતાં હોય એમ મોરલીના મીઠામધ લય અને હલનચલનની દિશામાં નાગનાગણી ડોલ્યે જતાં હતાં. જોનારાં સૌ મુગ્ધ બનીને એકાકાર થઈ ગયાં હતાં. સોટા જેવી સીધી ને પાતળી દેહલતા લાંક આગળથી લચકાઈને ઊભી હોય એમ ફેણ આગળ અજબ બંકી છટાએ વળેલા આ જોડલા ઉપર સૌની આંખો એક થઈ હતી. જાખરાના જીવનની આ સર્વોચ્ચ ઘડી હતી. પિતાએ અત્યંત પવિત્ર ગણેલી જે વિદ્યા પુત્રને શીખવી હતી, અને જેની ઉપાસના અર્થે એના ઉપાસકને અત્યંત કઠિન કરી પાળવાની હતી એ સાધનાની સિદ્ધિની આ ઘડી હતી. વર્ષો પહેલાંનો એ પ્રસંગ હતો. જે વિદ્યાની સિદ્ધિ અર્થે પોતે સર્વાંગી પાવિત્ર્ય જાળવવાને અસમર્થ બનેલ, એ વિદ્યા એળે ન જાય એવા લોકોત્તર આશયથી લધુ ડોસો પોતાના એકના એક પુત્રને એ અધૂરી ઉપાસનાનો ઉપાસક બનાવે છે. સાથોસાથ એ ઉપાસનામાં રહેલી ભારે કઠિનતા તથા જોખમીપણાથી પણ પુત્રને સાવચેત કરે છે. જાલંધર જોગીઓ પાળે છે એના કરતાંય વધારે આકરું સાધુત્વ આ ઉપાસનામાં જરૂરી છે. એ વિદ્યાની સિદ્ધિ માટે મન-વચન- કાયાનું ત્રિવિધ પાવિત્ર્ય અનિવાર્ય છે. એમાં જરીકે ચૂક થઈ એટલે સાધનાના શૃંગેથી સીધા સડેડાટ તળેટીમાં જ પછડાવાનું. જાખરો એ વેળા હતો તો હજી નાનો, છતાં આ ધંધામાં છેક બિનઅનુભવી નહોતો રહ્યો. બાપ જ્યારે ‘જનાવર’નો કરંડિયો ખભે નાખીને ગામેગામ ફરતો ત્યારે જાખરો એની મોરલી, તૂંબડું, રાફડિયાની કોથળી, અલકમલકની ચીજો ઠાંસવા માટેનો ટાટનો સડેલો કોથળો વગેરે સરંજામ લઈને સાથે જતો. રમતમાં બાપની નજર જનાવર ઉપર હોય ત્યારે પ્રેક્ષકો તરફથી ફેંકાતા પાઈપૈસા ઝીણી નજરે ધૂળમાંથી વીણી લેવાનું કામ જાખરો કરતો. રમત શરૂ થતાં પૂર્વેથી તખ્તાની પ્રાથમિક સજાવટો – જેવી કે ડૂગડૂગિયું વગાડીને છોકરાંઓની, અને પછી મોટાઓની ઘીંધ ભેગી કરવાની, પટને વાળીચોળીને સાફ કરવાની, કોથળીમાંથી નોળિયાને બહાર કાઢીને ભોંયમાં એનો ખીલો ઠબકારવાની વગેરે વગેરે ક્રિયાઓ જાખરો જ કરતો. લધુ એ સમય દરમિયાન જનાવરોને રમાડવાની મહેનતુ ફરજ માટે ધંતુરો ફૂંકીને તૈયાર થતો, અને રમત ખતમ થયે જ્યારે ‘સૌ છોકરાં ધીરેથી ચપટી ચપટી લોટ ને કાં રોટલો ન લઈ આવે એની માયું ના સમ!’ એવું ધમકીભર્યું ફરમાન કરતો ત્યારે બીકણ છોકરાં જે કાંઈ એઠાંઅજીઠા રોટલાનાં બટકાં લાવ્યાં હોય તે ઉઘરાવીને ટાટના કોથળામાં ભરવાનું કામ પણ જાખરો જ કરતો. દિવસ આથમ્યે બાપદીકરાને નાગરિક વસાહતોની બહાર ચાલ્યા જવું પડતું – એવો એક અણલખ્યો સર્વવ્યાપી શિરસ્તો હતો. આમાં જરીકેય સરતચૂક થાય તો પોલીસનાં ભાઠાં ખાવાં પડતાં. આમેય ઝાંપા બહાર નીકળતી વેળા તો એમને સઘળો સાજસરંજામ પસાયતાને બતાવવો જ પડતો – રખેને કોઈ ઉજળિયાતનું છોકરું તફડાવીને આ કરંડિયામાં પૂરી દીધું હોય તો! દૂર દૂર વગડામાં જઈને ભૂખ્યા થયેલા બાપદીકરો દિવસભરમાં ઉઘરાવેલા રોટલા કોથળામાંથી બહાર કાઢતા. રોટલા ઓછા થાય તો લધુ પોતે ભૂખ્યો રહીને પણ જાખરાને તો પેટભર જમાડતો જ. ઠીબડીમાં દૂધ રેડીને સાપને પાતો. કોઈ કોઈ વાર ઘેઘૂર આંબલીની ઝીણી ચાળણીમાંથી ચળાતી ચાંદનીનાં કિરણો જાખરાના ફૂલગુલાબી ફૂટડા મોં ઉપર સંતાકૂકડી રમી જતાં ત્યારે એટલી જ ફૂલગુલાબી ને ફૂટડી જાખરાની મૃત માતા લધુને યાદ આવી જતી; પણ તુરત લધુમાં રહેલો તપોભ્રષ્ટ સાધક લાગણીતંત્રની લગામો ખેંચીને એને જાગ્રત કરી દેતો: ‘એની વાંહે ગાંડો થાવા ગ્યો ને ઈમાં જ મારી આ લાખ રૂપિયાની વૈદા ખોઈ બેઠો ને? વૈદાધારીને તી વળી અસ્તરીના મોહ પોહાતા હશે? ભલભલા ભોરિંગ હારે બાથોડાં ભીડવાનાં. એમાં જરાક જ સરતચૂક થઈ તો ઝપટભેરમાં જીવ લઈ લ્યે. એનો ઇલમ જાણવો તો અઘરો છે, પણ એને જાણ્યા પછી જીરવી જાણવો ઈ તો અદકો અઘરો છે. કાચાપોચાનાં ઈમાં ગજાં નથી. પારો પચાવવા જેવું ઈ કઠણ કામ છે. સિંહણનું દૂધ ઠારવા સારુ તો સોનાનું જ ઠામડું જાઈં, ઠીકરાને ઠીબડે ઈ નો ઠરે. ગંગામાને આ ધરતી ઉપર ઊતરવા ટાણે જટાધારીએ પંડ્યે આવવું પડ્યું’તું ને?’ બરોબર આ જ સમયે લધુમાં રહેલો દુર્દમ્ય મહત્ત્વાકાંક્ષી પણ સળવળીને બેઠો થતો અને લધુના કાનમાં ઘણ બોલાવતો: ‘તારી અધૂરી મનેખા દીકરા પાસે પૂરી કરાવજે…માંડ કરીને હાથ લાગેલો ઇલમ એળે જવા દેતો નહીં. તારાથી ન થયું, ઈ દીકરા પાસે કરાવજે ને આખા પંથકના મદારી ને ગારુડીઓનાં અરમાન ઉતરાવજે.’ આવાં અહમ્ ને આકાંક્ષાથી પ્રેરાઈને એણે જાખરાને કછોટાબંધ બ્રહ્મચારી બનાવ્યો. સાધક માટે જરૂરી એવી અનેક આકરી ‘કરી’ એને પાળવી પડતી. નાનપણથી જ જાખરો કોઈ ભેખધારી સાધકના જેવું કઠણ અને મનોનિગ્રહી જીવન જીવતો હતો. છ મહિનાની છોકરી સામે ઊંચી આંખ કરીને ન જુએ, સ્ત્રીની આખી જાતને પોતાની મા-બેન સમાણી ગણે, કોઈની અઘરણી, કારજ કે વરસીનું નિષિદ્ધ ભોજન ન જમે, ઢોલતાસાંના અવાજ ન સાંભળે, કોઈનું એઠું કે બોટેલું પાણી ન પીએ, પોતાનાં આઠેય અંગ ચોખ્ખાં રાખે, પગરખાંને ત્રણ વાર ખંખેરીને મંત્ર ભણ્યા વિના પગમાં ન ઘાલે, કોઈ ‘અપવિતર’ માણસને ભૂલથી અડાઈ ગયું હોય તો માથાબોળ નાહી નાખે. જુવાનીમાં આવતાં તો જાખરાએ કળાયેલા મોરના જેવું રૂપ કાઢ્યું. બાપના ચહેરાનું પૌરુષી જોમ અને માના ચહેરાની ચારુ મૃદુતાનું સમપ્રમાણ મિશ્રણ પુત્રના અંગેઅંગમાં ઊતર્યું હતું. ઉગ્ર મનોનિગ્રહ અને ઇન્દ્રિયદમનની દીપ્તિ એના નમણા ને ઘાટીલા મોં ઉપર ઝળહળી ઊઠી હતી. તપસ્વીની પ્રતિભા અને આંજી નાખતી મુખમુદ્રા સાથે આવડી તરુણ વયમાં કરેલી કલાસાધનાની સુકુમારતા જાખરાની એકેએક રેખામાંથી નીતરતી હતી. સાધનાનો પહેલો પ્રયોગ એણે નાગનાગણીના એક જોડલા ઉપર કર્યો. રાફડિયે ખેતરે એક જોડલું રહે છે, પણ ભલભલા મદારીઓ મોરલી ફૂંકી ફૂંકીને મરી ગયા, છતાં જનાવર રાફડામાંથી ભોડાંય ઊંચાં નથી કરતાં એવી વાયકા હતી. જાખરાએ જઈને પોતાની રંગીત, ધોળાફૂલ દાંતની બત્રીસી જેવી ચકચકતી કોડીઓએ મઢેલી મોરલી વગાડવા માંડી. એક દિવસ, બે દિવસ અને ઠેઠ ત્રીજે દિવસે મોરલીના સૂરની મીઠાશ અસહ્ય બનતાં જનાવરોથી એ સૂર ન ખમાણા. એ સૂરની ભયંકર મીઠાશ ઉપર ડોલ્યા વિના એમને માટે છૂટકો જ નહોતો. છટાપૂર્વક બંનેએ રાફડામાંથી ભોડાં બહાર કાઢ્યાં અને આવેશથી મોરલી બજાવ્યે જતા જાખરાએ ધડ દેતીકને મૂઠ નાખી દીધી. નિર્જીવ લાકડાં પડ્યાં હોય એમ નાગ-નાગણી મૂઠમાં ઝડપાઈ ગયાં અને જાખરાના કરંડિયામાં પુરાયાં. લધુ મરતી વખતે કહી ગયો હતો કે, ‘બેટા, જનાવરને પણ પેટનાં જણ્યાં જેવાં ગણીએ તો જ ઈશ્વર આપણા ઉપર રાજી રહે. જનાવરને પંદર દિવસની અવધે પકડ્યાં હોય તો બરોબર પંદરમે જ દિવસે એને કરંડિયામાંથી છૂટાં મેલી દેવાં જોઈએ. પંદર ઉપર સોળમો દિવસ થાય તો ઉપરવાળો આપણા ઉપર કોપે ને આ મૂંગા જનાવરને કષ્ટ આપવાની સજા પણ ભોગવવી પડે.’ આ શિખામણને અનુસરીને જ જાખરાએ નક્કી કર્યું હતું કે, જનાવરની દાઢ પાડીને ઝેરની કોથળી દૂર કરીને તો નાનકડું છોકરું પણ એને રમાડી જાય; પણ જે માણસ પોતાની મોરલીની અદ્ભુત મીઠી સૂરાવલિ ઉપર જ મુસ્તાક છે, એણે તો ભલભલા ભોરિંગોને પણ દાઢ પાડ્યા વગર જ ડોલાવવા જોઈએ. અને એવી રીતે જ જાખરાઅએ આ બેડલું કરંડિયામાં પૂર્યું હતું. વા ફેલાય તેમ વાત ફેલાઈ ગઈ કે જાખરાએ એક નવું જોડલું પકડ્યું છે ને મોરલી ઉપર નચાવે છે. ડાયરામાં વાત આવી અને ડાયરાએ જાખરાને તેડી મંગાવ્યો. જાખરાએ ખરેખરી રંગત જમાવી દીધી. જોનારાં હકડેઠઠ્ઠ હતાં. સૌ આંખો અત્યારે મસ્ત બનીને ડોલતાં નાગનાગણી ઉપર મંડાઈ હતી. માત્ર બે જ આંખો મોરલી અને મંત્રમુગ્ધ નાગનાગણીને જોવાને બદલે એ મોરલી વગાડનારની દેહકાંતિને જોવામાં રોકાણી હતી. એ આંખોને, ડોલતાં નાગનાગણી કરતાં એમને ડોલાવનાર વ્યક્તિ વધારે નમણી ને વધારે પ્રેક્ષણીય લાગતી હતી. એ આંખો હતી ગઢની દોઢીના ઝરૂખાના જાળિયા પાછળ સંતાઈને ઊભેલાં નવાં ઠકરાણાં તેજબાની. તેજબા તો હતાં રૂપરૂપનાં અંબાર. બાપની રાજધાનીનું ગામ આખું એની પાછળ ગાંડું થયું હતું, પણ તેજબાને તો પોતાના રૂપનું એટલું બધું અરમાન કે ભલભલા રાજકુંવરોની સામે જોવા જેટલીય દરકાર ન કરે. તેજબાને આજ દી લગણ ઓરતો તો એ વાતનો રહી ગયો હતો કે, દેવકન્યા જેટલાં પોતાનાં રૂપને શમાવી શકે એવો કોઈ સમોવડિયો ન મળ્યો. પણ આજે જાખરાને જોઈને એમને થયું, આ જ મારા મનનો માનેલો માનવી! જાખરો તો નાળિયેરની કાચલી જેટલાં ગલોફાં ફુલાવી ફુલાવીને આમથી તેમ ડોલ્યે જતો હતો અને નાગનાગણીને ડોલાવ્યે જતો હતો. નાગની સુડોળ ફેણના મધ્યવિસ્તાર ઉપર ઝાંખુ તિલક શોભતું હતું અને એ નીલી ઝાંયવાળી ધોળીફૂલ ડોક ઉપર ઢાલ જેવી કાળીભમ્મર ફેણ જાણે કે શિવલિંગ ઉપર ટિંગાતા છત્રનો ખ્યાલ આપતી હતી. બાજુમાં ડોલતી નાગણી પુરદ્વારની બંકી કમાન જેવો ઠસ્સાભર્યો વળાંક લઈને પોતાની અત્યંત ઉગ્ર તેજસ્ પ્રકૃતિનો ભાવ બતાવતી હતી. જાખરાની આંખ, કાન, નાક, જાખરાનું સર્વસ્વ અત્યારે નાગની મૂછો અને નાગણીની તગતગતી આંખો ઉપર એકાગ્ર થયું હતું. જાખરો મોરલીમય બની ગયો હતો, મોરલી સાથે એકાકાર થઈ ગયો હતો, મોરલીમાં સમરસ થઈને મનોહર સૂરાવલિઓરૂપે હવામાં લહેરાઈ રહ્યો હતો. મનોરમ્ય ત્રાંસી અદાથી ઢળેલી એ બે આંખો મટકું મારવા જેટલી વાર પણ ક્યાં ઊંચી થાય છે? છેવટે તેજબાએ જ એ નીચી ઢળેલ દૃષ્ટિને પોતા તરફ વાળવા જાળિયા સાથે ચૂડલી ખખડાવી. અનાયાસે જ જાખરાની પાંપણ એક પલકવાર માટે – હા, એક જ પલક માટે – ઊંચી થઈ. એ એક પલકારા જેટલી વારમાં – એ એક જ પલકારમાં – તો જિવાઈ ગયેલી એક જિંદગીના આઘાત-પ્રત્યાઘાતો જાખરો અનુભવી રહ્યો. મોરલીની સુરાવલિના આરોહ પરાકોટિએ પહોંચતાં ડોલનનો ઉત્કટ આનંદ અનુભવી રહેલા સર્પયુગલનું રમણાનું ડોલન ધીમુ’ પાડવા માટે મોરલીના સૂરોમાં જે ધીમો ધીમો ક્રમશ: અવરોહ આવવો જોઈતો હતો એને બદલે સૂરાવલિ એકાએક અટકી પડતાં, સર્પયુગલની ઉત્કટ રસાનુભવની સમાધિદશામાં ઓચિંતો ભંગ થયો. એ રસસમાધિના ભંગની યાતના વિષમ હતી. એ યાતનામાંથી પરિણમતાં ક્રોધ અને ઝેર તો એથીય વધારે વિષમ હતાં. એક જોરદાર ફૂંફાડા સાથે જાખરાના હાથના પોંચા ઉપર સાપની ફેણ પછડાઈ અને તીણા દાંતનો ડંખ લાગ્યો. જાખરાના હાથમાંથી મોરલી સરી પડી. રંગમાં ભંગ પડ્યો. પ્રેક્ષકોમાં નાસાનાસ થઈ રહી; પણ સમયસૂચકતા વાપરીને જાખરાએ જનાવરોને માંડ માંડ કરંડિયામાં તો પૂરી દીધાં. થોડી વારમાં જ હાથના પોંચા ઉપર થયેલા ડંખની જગ્યાએ લીલુંકાચ ચકરડું ઊઠી આવ્યું. કદરદાન પ્રેક્ષકોએ ફેંકેલા પાઈ પૈસા એને ઠેકાણે એમ ને એમ પડી રહ્યાં અને જનાવરોને કરંડિયામાં પૂરીને માથે ઢાંકણું ઢાંકી, એ ઢાંકણા ઉપર માથું ઢાળી દઈને જાખરાએ ઘેનમાં ઘોરવા માંડ્યું. તુરત ગામ આખામાં વા-વેગે વાત ફેલાઈ કે જાખરા મદારીને પોતાના જ એરુ આભડ્યા છે. પીઢ સમજવાળા ગામલોકો બોલવા લાગ્યા: ‘સાત દૂધ પાઈને ઉછેર્યો હોય, પણ સરપ ઈ સરપ. ઈ પોતાનો શભાવ છોડે જ નંઈ.’ ‘ને ભાઈ, નાનો તોય નાગનો કણો. ઝેર તો એક રતીભાર હોય તોય જીવ લિયે ને ગદિયાણો હોય તોય જીવ લિયે.’ ‘કે’તા નથી કે કડિયાનાં મોત ઇમારતુંમાં ને મરજીવાનાં મોત મેરામણમાં? એમ મદારીનાં મોતેય એનાં જનાવરને હાથે જ થાય.’ કોઈએ જૂની કહેવતની જોડીમાં એક ત્રીજું ઉદાહરણ ઉમેરી આપ્યું. ‘સૂંડલા સૂંડલા જેવડા ભોરિંગને સાચવવા ઈ કાંઈ જેવાતેવાનાં કામ છે? ખાંડાની ધાર ઉપર હાલવા જેવું આકરું તપ છે ઈ તો. મોટા જાલમધર જોગી જેવી તૈપસા કરવી પડે ને કરી પાળવી પડે. એટલા સતને જોરે તો માંડ જનાવર ઝાલ્યાં રિયે. રાફડાનાં રે’નારાંને સૂંડલામાં પૂરવા કાંઈ સે’લાં પડ્યાં છે?’ ‘ઈ તો જેણે દશવીશ દિવાળી વધારે દેખી હોય ઈવા મદારીનું કામ છે, આવાં છોકરડાંવનાં ગજાં છે?’ ‘ભાઈ, મદારીનો ધંધોય એક કસબ છે. ઈ કસબ ભાર્યે અઘરો છે. જનાવરનેય સગા પેટના દીકરાની ઘોડ્યે રાખવાં જોઈ. પંદર દીના ઓધાને પકડેલાં જનાવરને સોળમે દી કરંડિયામાં નો જ રખાય.’ ‘ને ઈ ઓધાનના દીમાંય વારે ઘડીએ ચાર કાવડિયાં ઉઘરાવવા સારુ મોરલી ઉપર જોડલાંને નચવવાં ઈય રમત વાત છે શું? લોઢાની છાતીનાં ઈ કામ છે, ને લોઢાની છાતી કાંઈ અમથી થોડી થાય છે? મનની ચોખ્ખાઈ હોવી જોઈએ. આંખ્યે જોઈએ તેલની ધાર જેવી ચોખીફૂલ. એમાં જરાય મેલ નો હાલે. ભગવાને મદારીને અવતાર ભીખવાનો આપ્યો એટલે ઉંબરે ઉંબરે ચપટી લોટ ભીખવા તો જાવું પડે. પણ ઈ નીચી મૂંડીએ જ ભીખ લેવાનો. લોટ દેનારીના હાથનાં બલોયાં ખખડે તોય ભીખનારાની પાંપણ જરાય ઊંચી નો થવી જોઈએ.’ ‘વૈદાની ઉપાસના તો એમ જ થાય ને, ભાઈ! વૈદા તો કાચો પારો છે. એને વૈદાધર જ પચાવી શકે. સરપ પાળવા ને રમાડવાનીય કળા છે. ઈ કળા હાથ કરવી ઈ કાચાપોચાનાં કામ નથી. મદારીની કળા શીખવી તો સહેલ છે, પણ જીરવવી કઠણ છે. ઈ તો કળાધરનાં જ કામ.’ • આખા પંથકમાં કાબેલ ગણાતો વાછડાદાદાનો ભૂવો જાખરાના સર્પદંશનું ઝેર ઉતારવા આવ્યો છે. ભૂવો મંત્ર ભણીભણીને થાકી ગયો, માથાકૂટ કરીકરીને કંટાળી ગયો પણ ઝેર ઊતરતું નથી. સહુ હતાશ થઈ ગયા. જાખરો તો ભરનીંદરમાં પડ્યો હોય એમ લાકડું થઈને પડ્યો છે. એને જરાય શૂધસાન નથી લાગતી. લોકોના ટોળામાંથી નિરાશાસૂચક ઉદ્ગારો સંભળાવા લાગ્યા. એથી તો ભૂવાને ચાનક ચડી અને જાણે કે જીવ ઉપર આવીને મંત્રો ભણવા લાગ્યો. એમાં પણ એને સફળતા ન મળી ત્યારે એણે સર્પદંશ સામેનો છેલ્લો નુસખો અજમાવ્યો. લૂગડાનો લાંબો લીરો લઈને મંતરવા માંડ્યો. પછી એણે સરપને જાણે કે છેલ્લી ચેતવણી આપી. હવે તો સહુએ ધાર્યું કે સરપ હમણાં જ આવીને જાખરાનું બધું ઝેર ચૂસી જશે; અને એ નહીં ચૂસી જાય તો પછી ભૂવો પેલા મંતરેલા ચીથરાને ઊભું ચીરવા માંડશે તેમ તેમ સરપ પણ ચિરાઈ જશે. જાખરાના દેહની પડખે બેઠેલાઓ કહે છે કે આ વેળા જાખરો એની અર્ધસભાન અવસ્થામાં આવું કશુંક બબડેલો: ‘આ મૂંગા જનાવરને એના કરંડિયામાં ઠાલા શું કામ હેરાન કરો છો, ભૂવા? એનું એકલાનું વખ હોત તો તો ઝપટ ભેગું ઊતરી ગ્યું હોત. આ તો એનાં વખ ભેગાં બીજાં ગળચટાં વખ ભળ્યાં છે. મૂઠ-મંતરનો એમાં કાર નહીં ફાવે.’ ભૂવો એનો છેલ્લો નુખસો હજી તો પૂરેપૂરો અજમાવે એ પહેલાં જ જાખરો નિશ્ચેતન બની ગયો. છતાં ગોખ-જાળિયામાંથી તગતગતી બે આંખો જાખરાના નિશ્ચેતન દેહ પરથી પણ હજુ ઊખડી નહોતી.