લોકમાન્ય વાર્તાઓ/બે ઓડકાર
‘કાકા, પછી નાતની પંગત જમવા બેઠી’તી એમાંથી તમે પીરસેલ થાળીમાં થૂ કરીને જમ્યા વિના શું કામ ઊભા થઈ ગયા’તા, એ વાત કહો.’ ‘ઈ વાતમાં કાંઈ માલ નથી, ભાઈ! સંધાંય મનમનનાં કારણો છે. બીજાઓને ગળે દામણીના લાડવાજલેબી શીરાની જેમ લબલબ ઊતરી ગયા, ને મારે ગળે મોતિયા લાડવાની બે બુંદીની ફડશ પણ કાચના કટકાની જેમ ઠસકાણી. મારી આંખમાં, બહુ રોકયું તોય બે ટીપાં પાણી આવી ગયું; મારાથી ઈ દેખાવ જીરવી ન શકાણો એટલે મેં તો પાટલા ઉપરની થાળીને પગે લાગીને માથે પાઘડી નાખી. ઘેરે આવ્યો ત્યાં તારી કાકીએ પૂછ્યું, એટલી વારમાં નાત જમી ઊઠી? મેં કીધું કે હા, પીરસણિયા જુવાન લવરમૂછિયાળ હોય પછી ઝપાટો જ થાય ને? આમ ઊઠાં ભણાવીને મેં તો ઓ…હિંયાં, ઓ…હિયાં કરીને બે ઓડકાર ખાઈ દીધા ને મેડીએ ચઢીને ઢોલિયા ઉપર ભૂખ્યે પેટે જ લંબાવ્યું, તે વહેલી પડે સવાર!’ ‘પણ આમ કરવાનું કારણ શું, એ તો કહો, કાકા!’ ‘કારણમાં ઓલો ગવંડર. બીજું શું વળી?’ ‘કોણ, ગવંડર ગાંડો? અપાશરાની સંજવારી કાઢતો ઈ ગવંડર?’ ‘હા, ઈ પંડ્યે જ. અપાશરાની સંજવારી કાઢતો ને ઘેર ઘેર ફરીને પાંજરાપોળ સારુ પારેવાની ચણ્ય ને જીવાતો ઉઘરાવતો ઈ જ ગવંડર. પણ તેં હમણાં કીધું એમ ઈ ગાંડો તો મુદલે નો’તો. ગામના માણસોએ બચારાને ગાંડો ગાંડો કૂટી પાડ્યો’તો. છત ડાહી ને અછત ગાંડી. ગરીબ માણસ ગાંડું ન હોય તોપણ ગાંડું જ લાગે. ગરથ વનાનો ગાંગલો ને ગરથે ગાંગજીભાઈ કે’વાય. બાકી, ગવંડર જેવો રાંક સભાવનો માણસ મેં હજી સુધી બીજો નથી જોયો. ઈ જ ગવંડરના બાપદાદાએ આ ગામનું કામદારું કર્યું’તું. ગવંડરના બાપ પંડયે કોચીન-મલબારમાં દુકાનું હલાવતા. ઘેરે દોમદોમ સાયબી હતી. ગવંડર નાનપણમાં સોનાને ઘૂઘરે રમ્યો’તો. એના બાપ પ્રાણસુખે ઠેઠ જબૂટીથી હાથીના વાળ મંગાવી, સોને મઢાવીને ગવંડરના હાથમાં વળિયાં પહેરાવ્યાં હતાં. આજ તો ચપરાશીનાં છોકરાંય મારા બેટાવ બાબાગાડીમાં ફરે છે, પણ જે કાળે ગામને ટીંબે હજી બાબાગાડી જેવી કોઈ ચીજ નો’તી જોઈ, તે દી આ ગવંડર બાબાગાડીમાં બેસીને બજારમાં નીકળતો.’ ‘સાચું કહો છો?’ ‘સાચું નહીં તો ખોટું કહું છું? પ્રાણસુખ શેઠે પજુસણમાં એકસો ને એક મણ ઘી બોલીને કલ્પસૂત્ર પોતાને ઘેરે પધરાવ્યું તે દી ફક્ત પાંચ જ વરસનો ગવંડર સાજ શણગારેલ ઘોડે બેસીને અપાશરે કલ્પસૂત્ર લેવા આવેલો. આજે એ જ અપાશરામાં એ જ માણસ સવાર-સાંજ સંજવારી કાઢે છે. આજે ‘દામાણી શેઠ દામાણી શેઠ’ થતાં બજારને રસ્તે જે સમાતો નથી, એ તે દિવસે પ્રાણસુખ શેઠને ઘેર પેટવડિયો વાણોતર હતો. ગવંડરની બાબાગાડીની વાંહે ધક્કો દઇદઇને જિંદગી કાઢતો. ગવંડરના બાળોતિયાં સીકે, દામાણીએ ધોયાં છે. ભાઈ, આનું નામ તડકા-છાયા, પ્રાણસુખ શેઠને વેપારમાં મોટી મોટી ખોટું ગઈયું, ને છેલ્લું દેવાળું કાઢ્યું, એમાં સાચક માણસે બિચારે લૂગડાનો ગાભો વેચીને લેણદારોને ચૂકવાય એટલું ચૂકવ્યું; ને પછી પંડ્યે દરિયામાં પડીને મરી ગયો. બાળોતિયાં ધોતાં ધોતાં ધીમે ધીમે ઠેઠ પેઢીના મુનીમને હોદ્દે પૂગી ગયેલ દામાણીએ દલ્લો હાથ કરી લીધો હતો, એની બિચારા ભોળાભલા પ્રાણસુખ શેઠને ખબર નહોતી. પોતે સાચક થઈને દરિયો પૂર્યો ને વાંહે બાયડી ને સાત ખોટના ગવંડરને રઝળતો મૂકીને હાલ્યો ગયો. ગવંડરનાં નસીબ ફૂટેલાં, તી મા જેવી મા પણ સાજીસારી કોગળિયામાં હાલી નીકળી. ગવંડર નોધારો થઈ પડ્યો.’ ‘બીજાં કોઈ સગાંવહાલાં હશે ખરાં કે નહીં?’ ‘સગાં તો ગાડું એક હતાં. પણ એ તો સહુ ખાવા ટાણે ભેગાં થાય; ખવરાવવા ટાણે નહીં. ગવંડર તો રજવાડા જેવા વૈભવમાં ઊછર્યો’તો એટલે એને તો દી-દુનિયાનું ભાન નહોતું. એમાં આવી વપત્ય આવી પડતાં બચારો અડધો ઘૂડપંખ જેવો થઈ ગયો. છેવટે ગામના માજનને દયા આવી એટલે વાણિયાનો દીકરો ગણીને એને પાંજરાપોળમાં વાણોતર તરીકે રાખ્યો. શ્રાવકને ઘેર ઘેર ફરીને જીવાતું ભેગી કરવાનું કામ ગવંડરને સોંપ્યું. દાણાદૂણીમાંથી ઝીણીમોટી જીવાત નીકળે એ બધીને ઊકરડે નાખે તો એની અશાતના થાય એટલા સારુ ગવંડર ઘેરેઘેરે ફરે અને બાયડીઓએ દાણાનો હેઠાસો ને પાસટો કરીને નોખી કાઢેલી જીવાતું ગવંડર પાંજરાપોળ ભેગી કરે. ગવંડર પોતે પૂરવભવનો કોક પુણ્યશાળી જીવ હશે, તે અસંખ્ય જીવ બચાવવાનું પુણ્યકામ એને નસીબે આવ્યું. ગવંડર તો બચારો દી આખો પાંજરાપોળનું કામ કરે, ને એમાંથી બે ટંક થાય એટલું પેટિયું કાઢે, પણ રાતે સૂવા ક્યાં જાય? એક તો ગરીબ, ને પાછો વાંઢો, એવા માણસને કોણ પોતાના બારણામાં ઊભો રાખે? છેવટે મોટા શ્રાવકોને એની દયા આવી અને કીધું કે સવાર-સાંજ અપાશરામાં સંજવારી કાઢે ને જાળાંઝાપટાં કરે તો, ભલે બચારો અપાશરામાં સૂઈ રહે…’ ‘તે ગવંડરને ગામમાં ઘર પણ નહોતું?’ ‘ઘર તો મજાનું રાજમહેલ જેવું હતું. આ મામલતદારનો ઉતારો છે, ઈ મૂળ પ્રાણસુખ શેઠના બાપે બંધાવેલો. આજે જે ઓટા ઉપર બંદૂકધારી સંત્રી ઊભા રહે છે, એ જગ્યાએ એક વાર પ્રાણસુખ શેઠ દાતણ કરવા બેસતા. દીવાનખંડમાં જે ઠેકાણે મામલતદારની ખુરસી પડી છે, એ ઠેકાણે એક વાર શેઠાણીની હીંડોળાખાટ હીંચતી. ભાઈ ધરતી પણ વારા કાઢે છે. આખો બંગલો પહેલાં ગીરવી મુકાઈ ગયો, ને પછી લેણદારુંની જપ્તી આવી એમાં ખાલસા થઈ ગયો. આજે એ બંગલાના ફરજંદને અપાશરામાં સૂવું પડે છે.’ ‘પણ કાકા, એનું નામ ગવંડર ક્યાંથી પડ્યું એ તો કહો?’ ‘એ નામ પણ એનાં કરમની ઠેકડી જેવું છે. તેં ગવંડરના પગ સામે કોઈ દી નજર કરી છે?’ ‘હા, મારો બેટો ભૂખે મરે છે તોય શેમોયનાં શૂઝ વિના ઘા નથી કરતો.’ ‘બસ. એ જ એનું એક લખણ – કે અપલખણ કહો. મૂળથી જ લાડચાગમાં ઊછરેલો ખરો ને, એટલે સંધીય ટેવ છૂટી પણ આ એક પગરખાના મોજશોખની ટેવ કેમે કરી ન છૂટી શકી. પંડ્ય ઉપર પંદરસે થીગડાંવાળાં લૂગડાં પહેર્યાં હોય તોપણ પગરખાં તો શેમોય સિવાય બીજા કોઈ ચામડાનાં પહેરવાં હરામ. દેશી ઓખાઇથી એના સુંવાળા પગમાં ડંખ પડે. કુમ ચામડું પણ એને કઠે. ભરબજારમાં લઘરિયે વેશે પણ પગમાં અરીસા જેવા ચકચકતા બૂટની ચરડ ચરડ ચરડાટી બોલાવતો નીકળે. એ જોઈને ભલભલા શેઠિયા પોતાના ભમરાળા પગ સામે જોઈને શરમાઈ જતા ને પછી દાઝે બળ્યા કે’તા: ‘ભૂંડા અને ભૂખ-લખણા તે આનું નામ!’ ‘આ બધાં, પડતીનાં પરમાણ.’ ‘માણસનો માઠો દી બેસે ત્યારે આવાં જ લખણ સૂઝે.’ ‘ભાઈ, પુરુષના પગ તો મેલા-ઘેલા જ સારા. મેલમાં જ માણસની બરકત છે. પગની બહુ સફાઈ કરવી સારી નહીં.’ ‘આ તો જાણે કે મોટો ગવંડર ફરવા નીકળ્યો હોય એમ બૂટની ચરડાટી બોલાવે છે!’ ‘બસ, તે દિવસથી એનું નામ ગવંડર પડી ગયું. વાત પણ સાચી જ હતી. ગવંડર પગની સફાઈ પાછળ મરી ફીટતો. કોઈ ધરમી માણસે એને વાણિયાનો દીકરો ગણીને બે કાવડિયાં ચા પીવા સારુ આપ્યાં હોય તો ગવંડર ભૂખ્યો રહીને પણ એ પૈસામાંથી પહેલાં બૂટને પાલિશ કરાવ્યે જ રહે. આવો વિચિત્ર માણસ. પગરખાનું જતન જીવ કરતાંય વધારે કરે. પાંજરાપોળના ઉપરીનાં પગરખામાં શેર ધૂળના દાબા ચોંટ્યા હોય, પણ ગવંડરના બૂટ ઉપરથી ધૂળની એક રજ જોતી હોય તોય ન જડે. જોડાને અરીસા જેવા રાખે. આવા જોડા પહેરીને ગવંડર ઘેરેઘેર જીવાત ઉઘરાવવા જાય ત્યારે જુવાન છોકરીઓ એના સામું જોઈ જ રહે! ભાઈ! જીવાત ઉઘરાવવાનું કામ તો બચારો વખાનો માર્યો કરતો’તો બાકી એના મોઢા ઉપરનું અસલી અમીરી તેજ થોડું ઓછું થયું હતું? ખારેક ખારેક જેવડી એની આંખ્યું, હીર જેવા સુંવાળા વાળ ને છીપની ઝીણી ઝીણી કટકીઓ જેવા એના ઝીણા દાંત જોઈને દામાણીની ઇન્દિરા એના ઉપર મોહી પડી.’ ‘કઈ ઇન્દિરા? પેલો પંજાબી ડાક્તર જેને ભગાડી ગયો હતો એ ઇન્દિરા?’ ‘હા, એ જ ઇન્દિરા. પણ પંજાબી ડાક્તર ઇન્દિરાને નહોતો ભગાડી ગયો; પણ ઇન્દિરા જ ડાકતરને પોતાની ભેગો ભગાડી ગઈ હતી. ભારે આઝાદ ને આપરખી છોકરી! ગવંડરને જોઈને એની પાછળ ગાંડી થઈ. નોકરોને કહી દીધું કે, જીવાત ભરેલી પાલી ગવંડરના ડબામાં ઠાલવવા તમારે ન જવું પણ હું પોતે જ જઈશ. એક દિવસ એવું બન્યું કે ગવંડર પગરખાની ચરડાટી બોલાવતો દામાણીના આંગણામાં ‘જીવાત લાવો!’ કહેતોકને આવી ઊભો. ઈન્દિરા જમવાનું પડતું મૂકીને એઠે હાથે ઊભી થઈને ડબામાં જીવાત ઠલવવા ગઈ. પણ ઇન્દિરા તે બિચારી ગવંડરે ઝાલેલા ડબા સામું જુએ કે ગવંડરના ઝળાંહળાં થાતા મોં સામું જુએ? ઇન્દિરાના હાથમાંથી પાલી પડી ગઈ. અને બધી જીવાતો ઓસરીના ઊમરા ઉપર ઢોળાઈ ગઈ. ખલાસ! ગામ આખામાં વાત ફેલાઈ ગઈ. દામાણી શેઠ ધૂંઆપૂંઆ થઈ ગયા. એમણે ગવંડરને પોતાની ડેલીએ આવતો સમૂળો બંધ કર્યો. તોય ઇન્દિરા હાથ ન રહી. છેવટે દામાણીએ પાંજરાપોળના ઉપરીઓને કીધું કે ગવંડર સારી ચાલનો નથી. ગવંડરને પાંજરાપોળમાંથી પાણીચું જડ્યું. ગરીબ માણસનો રોટલો ટળ્યો.’ ‘પછી ગવંડરનું શું થયું? એને ખાવાપીવાનું…’ ‘થાય શું બીજું? ગવંડર બચારો ઘરઘરનો ભિખારી થઈ ગ્યો. ભાઈ, પેટ જેવી ભૂંડી ચીજ એકેય નહીં હોય. ભૂખ કોઇની શરમ નથી રાખતી. ગવંડર ઓશિયાળો થઈ રહ્યો. જેને ઘેર સારામાઠા અવસરનો જમણવાર હોય એને ઘેર વણનોતર્યો જઈને થાળી માંડીને બેસે. ઘરધણી, એક ઢોર આવ્યું છે એમ ગણીને ગવંડરના ભાણમાં કટકુંબટકું ખાવાનું નીરે. બદલામાં ગવંડર ધણીનું થોડુંક કામ કરી દિયે. નાત જમવા બેઠી હોય ત્યારે વંડીને ડેલે ઊભીને કૂતરાં ને ગાયું ને હાંકે, કોક વાર નાતીલા મોડા થાય તો ઘેરેઘેર જઇને ‘જમવા હાલજો!’ની હાકલું પાડી આવે. મોટા ઘરની શેઠાણીઓનાં કચ્ચાંબચ્ચાંને ગવંડર પોતાની કાંખમાં ને ખંધોલે બેસાડીને તેડી આવે. આવો ટેલટપારો કર્યા કરે ને પેટ ભરે. બહારગામથી કોઈ જાત્રાળુ જાત્રા કરવા આવવાના હોય ને અપાશરામાં ઊતર્યા હોય, તો ગવંડર એની પગચંપી કરી દિયે, ને જાત્રાળુ ખુશ થઇને જાવા ટાણે ગવંડરના હાથમાં પાવલું-આઠ આના મૂકતા જાય. પણ મેં પહેલાં કીધું એમ ગવંડર હતો એક્કલનો ઓથમીર. કોક વાર ગાંઠમાં બે-પાંચ રૂપિયાનો જીવ થઈ જાય તો પેટમાં નાખવાને બદલે તરત મોચીની હાટે જઈને નવાં પગરખાંનું પરમાણું નાખી આવે. આવો ઉડાઉ માણસ…’ ‘ઉડાઉ તો ઠીક, પણ પછી પેલી દામાણીની ઇન્દિરાનું શું થયું એ જ કહો ને, કાકા!’ ‘ઇન્દિરાનું શું થાય બીજું? દામાણી શેઠ છોકરીનો કાન ઝાલીને ઓલા પંજાબી પાસેથી પાછી ઉપાડી આવ્યા, ને ‘દામાણી મિલ-જિન સ્ટોર્સ’ તરફથી પેલા ભદ્રેશ્વરી મિલવાળા ઉત્તમલાલ શેઠને માલ સપ્લાય થતો હતો એ શેઠના મોટા દીકરા વેરે બોબિન અને શટલ ભેગી ઇન્દિરાને પણ પરણાવી દીધી. આ એના જમણવારમાં હું મૂવો’તો. લાડવા ને જલેબીની થાળીઓ પીરસાઈ હતી, ફળિયામાં મોટી પાટ ઢાળેલ પડી છે એના ઉપર દામાણી શેઠ પાંચા પટેલની જેમ પહોળા થઇને બેઠા’તા. અડખેપડખે નાતના આગેવાનો બેઠા બેઠા દામાણી શેઠના લાડવાજલેબીનાં વખાણ કરી રહ્યા હતા. ક્યાંય નહોતો ત્યાંથી ઓચિન્તો ગવંડર આવી ચડ્યો. પણ દામાણી શેઠ તો વાતોના ગપાટા મારવામાં રોકાણા હતા એટલે એમનું ધ્યાન એ તરફ ન ગયું. ઠામ-વાસણ સાફ કરવાના નળ પાસે ગવંડર બેઠો એટલે પિરસણિયાઓએ ગવંડરને પણ પીરસી દીધું. ત્યાં જ કોક શેઠિયાનું ધ્યાન એ તરફ ગયું, એટલે પાટ ઉપર તેની ચર્ચા ચાલી: ‘અરે! આ તો પ્રાણસુખ શેઠનો ગવંડર?’ ‘દામાણી, ગવંડર તો તમારા જૂના શેઠનો દીકરો.’ ‘જેની તમે બાબાગાડી હાંકતા એ જ.’ ‘પાટ ઉપર બેઠેલા દામાણીને એવું થયું કે અટાણે લાકડાની પાટમાં ચિરાડ પડે અને જગ્યા આપે તો સમાઈ જાઉં. અડખેપડખે બેઠેલા માણસો દામાણીની ને ગવંડરની રોનક ઉડાવી રહ્યા હતા: ‘ગામ આખાનો ગવંડર છે આ તો. એના જેવા શેમોય શૂઝ તો દરબાર પણ નહીં પહેરતા હોય.’ ‘ભાઈ, ગમે તેવી તોય જૂની આસામી છે…’ ‘દામાણીના મૂળ શેઠનો દીકરો છે એટલે તો દામાણીએ ગવંડરને સવેજણ નોતરું આપ્યું હશે.’ કોક દાઢમાં બોલ્યું. ‘સવેજણમાં તો બીજું કોણ છે? ગવંડર પંડ્યો-પંડ્ય છે. વાંઢા માણસને એકલાને નોતરું આપો કે સવેજણ નોતરું આપો – સંધુય સરખું.’ ‘વાંઢો તો બિચારો એને નસીબે જ રહી ગયો. દામાણીએ જરાક દયા કરી હોત તો અટાણે ગવંડરને ઘેરે છોકરાં રમતાં હોત…’ ‘બસ પત્યું. દામાણીને પેલો જૂનો પ્રસંગ યાદ આવી ગયો: ગવડંર જીવાત ઉઘરાવવા આવ્યો હતો અને ઇન્દિરાના હાથમાંથી પાલી પડી ગઈ હતી. દામાણીને એવો તો ક્રોધ ચડ્યો કે પોતે હાથમાં પગરખું લઇને ઊભો થયો. ગવંડર પાસે જઇને કહે, કે ‘એલા તે વણનોતર્યે આ વંડીમાં પગ કેમ મેલ્યો, હેં નૂગરા? બોલ્ય, તને કોણે નોતરું આપ્યું છે?’…ભાઈ, ગવંડર હમણાં હમણાં સાજોમાંદો રે’તો’તો એટલે, એના મોઢામાં લાડવાનું અર્ધું બટકું હતું, ને હોઠને ખૂણેથી લાળ હાલી જાતી હતી, એટલે દામાણી શેઠને એ કાંઈ જવાબ ન આપી શક્યો. એટલે તો દામાણીનો મિજાજ હાથથી ગયો. એણે ફડ કરતુંકને ગવંડરના મોઢા ઉપર ખાસડું માર્યું. ગવંડરના મોંમાંથી અર્ધોપર્ધો ચાવેલો લાડવો ને લાળ બહાર નીકળી પડ્યાં. આખી પંગતમાં હાહાકાર થઈ ગયો. એકબે જણાએ ઊઠીને ‘હાં, હાં, રેવા દિયો, દામાણી! મર બેઠો બિચારો, વાણિયાનો દીકરો છે!’ એમ કહી કહીને વાર્યા. પણ એમ તો દામાણીને પોતાના વાણોતર તરીકેના દિવસો યાદ આવતા ગયા. એમણે ગવંડરનો ટાંટિયો ખેંચીને ઢસરડ્યો. ગવંડરનું ફાટેલું પહેરણ વધારે ફાટી ગયું ને ફળિયાના ટાચોડા હારે એનો ઉઘાડો વાંસો સારીપઠ છોલાણો. દામાણીએ એને ઢસડતાં ઢસડતાં ડેલા બહાર કાઢ્યો ત્યારે એને સખ વળ્યું. ‘પછી જમણવારનું શું થયું?’ ‘જમણવારને શું થાય? સહુને ગળે લબલબ કરતા લાડવા-જલેબી ઊતરવા મંડ્યા, પણ મારે ગળે ઈ કાચના કટકાની જેમ ઠસકાણા. આપણે તો, અન્નદેવનું અપમાન ન થાય એટલા સારુ પીરસેલ ભાણાને માથે ચડાવીને પગે લાગીને માથે પાઘડી ઘાલી. ઘેરે આવીને તારી કાકીના દેખતાં ‘ઓહિયાં’, ‘ઓહિયાં’ કરીને બે ઓડકાર ખાઈ દીધાં.’ ‘બે ઓડકાર શા માટે?’ ‘એક મારા વતી, બીજો ગવંડર વતી. અમારા બેયનાં પેટ આજે સારીપઠ – ગળા સુધી ધરાણાં હતાં.’