વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો
‘આ લખતી વખતે કૃતિને જ નજર રામક્ષ રાખી છે, એના કર્તાને નહીં. આમાં સમાવિષ્ટ લગભગ બધા જ સાહિત્યકારોની સાથે મારે પરિચય છે, ઘણાની જોડે સ્નેહસંબંધ છે, થોડાની સાથે મૈત્રી છે. કૃતિઓની મર્યાદાઓની ચર્ચા કરતી વખતે લેશ પણ ઉદારતા રાખી નથી. જેવું છે તેવું, જેવું મને લાગ્યું છે તેવું સ્પષ્ટ, કદાચ કઠોર વાણીમાં લખ્યું છે.’ - આ શબ્દો છે ‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો’ પુસ્તકના અમેરિકાવાસી લેખક મધુસૂદન કાપડિયાનાં. છેલ્લાં દસ-પંદર વરસમાં વિદેશવાસી ગુજરાતીઓનાં લખાણો વિશે ઠીક ઠીક લખાયું છે, બલકે લખાવવામાં આવ્યું છે. તેમાંનું ઘણું અહો રૂપમ્, અહો ધ્વનિ જેવું છે. શ્રેષ્ઠ નિબંધો ને વાર્તા ને કવિતાનાં સંપાદનો ઠલવાવા લાગ્યાં છે અને તેની ‘અભ્યાસી પ્રસ્તાવના’માં સંપાદકો મામૂલી કૃતિઓનાં પણ સુંડલા મોઢે વખાણ કરે છે, અગાઉના ભાટચારણોની યાદ આપે એ રીતે. આવા વાતાવરણમાં પ્રગટ થતું મધુસૂદનભાઈનું આ પુસ્તક સાવ નોખું તરી આવે તેવું છે. કારણ? પહેલું કારણ : જુદે જુદે વખતે, જુદે જુદે નિમિત્તે લખાયેલા લેખોને ગોઠવીને તેને “અભ્યાસમાં ખપાવતું આ પુસ્તક નથી. અમેરિકાવાસી ૨૫ લેખકો વિષેનાં લખાણો સુઆયોજિત, પૂર્વનિશ્ચિત અભ્યાસના ભાગ રૂપે જ તૈયાર થયાં છે. આ ૨૫ તે : પન્ના નાયક, હરનિશ જાની, કિશોર મોદી, કૃષ્ણાદિત્ય, પ્રીતિ સેનગુપ્તા, અશરફ ડબાવાલા, મધુમતી મહેતા, ભરત ઠક્કર, ભરત ત્રિવેદી, રાહુલ શુક્લ, પ્રીતમ લખલાણી, વિરાફ કાપડિયા, નટવર ગાંધી, ભરત શાહ, શકુર સરવૈયા, ઈન્દ્ર શાહ, ચંદ્રકાંત શાહ, કિશોર રાવળ, ઘનશ્યામ ઠક્કર, કમલેશ શાહ, આર. પી. શાહ, આનંદ રાવ લિંગાયત, સુચિ વ્યાસ, જયશ્રી વિનુ મરચંટ અને સુધીર પટેલ અને લેખકની ખુદવફાઈ અને ખેલદિલી તો જુઓ : બાબુ સુથારનાં લખાણોના મર્મ સુધી પહોંચી શકાયું નથી એવો એકરાર કરે છે એટલું જ નહીં, શિરીષ પંચાલ પાસે એમને વિષેનો લેખ લખાવીને પુસ્તકમાં ઉમેરે છે! જોકે શિરીષભાઈ પણ બાબુ સુથારની કવિતાની વાત કરે છે. એમની વાર્તાઓ વિશે તો એટલું જ કહે છે : ‘એ કથાસાહિત્ય સાથે શુભ દૃષ્ટિ થઈ શકતી નથી, મારી રુચિની પણ મર્યાદા હશે.’ બીજું કારણ : પૂરેપૂરી તૈયારી કર્યા પછી જ લેખકે અહીં લખવાનું યોગ્ય ધાર્યું છે. જે લેખકો વિષે લખ્યું છે તેમનાં પુસ્તકો જ નહીં. સામયિકોમાં પ્રગટ થયેલી (પણ ગ્રંથસ્થ નહીં થયેલી) રચનાઓ પણ વાંચી છે, કેટલાંકની તો અપ્રગટ રચનાઓ પણ મેળવી છે. લેખક કે તેનાં પુસ્તકો વિશે બીજાઓએ લખેલું વાંચ્યું છે. એટલું જ નહીં તેને વિશે વિચાર્યું છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રની અને પશ્ચિમી વિવેચનની નક્કર ભૂમિકા આ લેખક પાસે છે. એટલું જ નહીં, મુંબઈ કે અમદાવાદમાં બેઠેલા ઘણા વિવેચકો – સમીક્ષકો નહીં વાંચતા હોય તેટલું સર્જાતું જતું સાહિત્ય અમેરિકામાં બેઠેલા આ લેખક વાંચતા રહે છે. જોકે વાંચે છે બધાનું, પણ દોરવાય છે માત્ર પોતાની સૂઝ-સમજથી. અને એમની સાહિત્યિક સૂઝ-સમજ પાકા કાંઠાની છે, કાચી માટીની નથી. ત્રીજું કારણ : જે ખરેખર સારું છે, જે ગમી જાય છે એના પર ઓળઘોળ થઈ જતાં લેખક અચકાતા નથી. એકંદરે સારું છે, પણ… એવી મુરબ્બીવટથી તેઓ દૂર જ રહે છે. અહીં જેમને વિશે લખ્યું છે તેમાંના ઘણાખરા લેખકો કરતાં પોતે વયોવૃદ્ધ જ નહીં, જ્ઞાનવૃદ્ધ પણ હોવા છતાં મને જે નબળું છે, નકામું છે, જે નથી ગમ્યું તે વિષે બેધડક લખે છે. સંબંધો સાચવવા ‘કાણાને કાણો નવ કહિયે’ની (અ)નીતિ ક્યારેય આચરતા નથી. લેખકે જ પ્રસ્તાવનામાં કહ્યું છે તેમ ‘ટીકા જો કઠોરતાથી કરી છે તો પ્રશંસા પણ ઉમળકાભેર કરી છે. પણ ટીકા હોય કે પ્રશંસા, લેખક માત્ર અભિપ્રાય આપીને ક્યાંય ટાઢા પાણીમાં બેસી જતા નથી. ઉદાહરણો, કારણો, સૈદ્ધાંતિક સમર્થનોના ઊના ઊના પાણીમાં આત્મવિશ્વાસપૂર્વક હાથ બોળે છે. ટૂંકમાં, જે કહેવું હોય તે પૂરતી સજ્જતાપૂર્વક કહે છે. લેખકે જ કહ્યું છે : ‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકોની સૌથી ગંભીર મર્યાદા સાહિત્યિક સજ્જતાનો અભાવ છે. બે-ચાર અપવાદ’નો ઉલ્લેખ કર્યો છે તેમાં સૌથી મોખરે તો આપણે એક જ નામ મૂકવું પડે : મધુસૂદન કાપડિયા. ચોથું કારણ : અહીં જે લેખકોની વાત કરી છે તેમનાં લખાણોમાંથી પુષ્કળ ઉદાહરણો લેખકે ટાંક્યાં છે. આથી લેખકે કરેલી પ્રશંસા કે ટીકાને નક્કર પીઠબળ તો મળે જ છે, પણ (આ લખનાર સહિતના) જે વાચકોએ અમેરિકાવાસી લેખકોનું લખેલું બહુ ઓછું વાંચ્યું હોય તેમને આ ઉદાહરણો વડે કૃતિ અને કર્તાનો થોડો પરિચય મળી રહે છે અને લેખકની પરિષ્કૃત રુચિનો પરિચય પણ મળે છે તે તો લટકામાં. પાંચમું કારણ : પુસ્તકને લેખકે પોતાના પગ પર જ ઊભું રાખ્યું છે. ધાર્યું હોત તો મોંફાટ પ્રશંસા કરાવતી બે-ચાર પ્રસ્તાવનાઓ (વિદેશવાસી લેખકોને એકાદ પ્રસ્તાવનાના વખાણથી તો ધરવ થતો જ નથી) સહેલાઈથી લખાવી શક્યા હોત. એ તો બરાબર, પુસ્તકમાં અંદર કે બહાર પૂંઠા પર નથી તો પોતાનો પરિચય છપાવ્યો કે નથી યુવાન વયનો ફોટો મુકાવ્યો. લેખકે પોતે પ્રસ્તાવનામાં કહ્યું છે: ‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકોના લેખન સંદર્ભે જો કોઈએ સૌથી વધારે દાટ વાળ્યો હોય તો તે છે ડાયસ્પોરા સાહિત્યના વિવેચકોએ.’ આવો દાટ વાળનારાઓ સામે એકલવીર થઈને ઝૂઝનાર આ લેખક છે કોણ એવો સવાલ ઘણા વાચકને થશે. પૂર્વાશ્રમમાં તેઓ મુંબઈની કૉલેજોમાં ગુજરાતીના અધ્યાપક હતા, અસાધારણ પ્રભાવક એવા વક્તા હતા, ધારદાર સમીક્ષક અને અભ્યાસી હતા. પણ દાયકાઓથી અમેરિકાવાસી બન્યા છે અને બીજા વિદેશવાસી લેખકોની જેમ તેઓ દર વર્ષે સ્વદેશ આવતા શિયાળુ પક્ષી નથી એટલે તેમનું નામ અહીં ઓછું જાણીતું હોય એ બનવાજોગ છે. પણ આ પુસ્તકમાં નામનું નહીં, કામનું મહત્ત્વ છે. આવું પુસ્તક પ્રગટ કરવાનું મહત્ત્વનું કામ ગાંધીનગરની ગુજરાત સાહિત્ય અકાદમીએ કરવા જેવું લાગ્યું તેનોય આનંદ છે. આવાં રૂડાં કામ આપણા લેખકો અને પ્રકાશકોને હાથે થોડાં વધુ થાય તો?
દીપક મહેતા, મુંબઈ સમાચાર
‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો’ લે. મધુસૂદન કાપડિયા, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર-૧. આવૃત્તિ, ૨૦૧૧. ૧૫+૩૨૨ પાનાં, રૂ. ૧૭૫.