વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો’

‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો’ :
નિરીક્ષા અને પરીક્ષા

ભવભૂતિએ ‘ઉત્તરરામચરિત’માં ભાવકને પૂર્વચરિતથી પરિચિત કરવા ભારે કલાત્મક યોજના પ્રયોજી છે. પૂર્વચરિત્રાત્મક વિગતો જેમાં અનુસ્યૂત છે એવી ચિત્રવીથિથી સીતાને સમજાવતા-બતાવવા બધી વિગતો કથી છે. એમાંનો એક શ્લોક “અમેરિકાવાસી કેટલા ગુજરાતી સર્જકોમાંથી પસાર થતાં સ્મરણે ચઢ્યો:

अद्वैतं सुखदुःखयोरनुगुणं सर्वास्ववस्थासु य-
द्विश्रामो हृदयस्य यत्र जरसा यस्मिन्नहार्यो रसः ।
कालेनावरणात्ययात्परिणते यत्स्नेहसारे स्थितं
भद्रं तस्य सुमानुषस्य कथमप्येकं हि तत्प्राप्यते ॥

[જે સુખમાં અને દુઃખમાં અદ્વેતભાવ (રચનારું) છે. બધી અવસ્થાઓ સાથે જે બંધ બેસતું હોય છે, હૃદયનો જે વિસામો છે, જેનો રસ વૃદ્ધાવસ્થાથી હરી શકાતો નથી, કાળે કરીને અંતરપટ સરી પડતાં જે પરિપક્વ બનીને સ્નેહના અર્કરૂપે જામે છે – તે વિરલ કલ્યાણ કોઈ સદ્ભાગીને જ કોઈક રીતે સાંપડે છે.

(અનુવાદ : ઉમાશંકર જોશી)

સીતાને સ્થાને અહીં પ્રસ્તુત પુસ્તકનો સંદર્ભ સ્થાપીને ભાવક પોતાની જાતને પણ સાંકળી શકે.

*

‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકોમાંથી પસાર થતાં મધુસૂદનભાઈ જાણે કે એક પછી એક અમેરિકાના નિવાસી સર્જકોનો પરિચય કરાવતા-કરાવતા પ્રત્યક્ષ થઈને ખૂબ જ ધીમા અને મૃદુ અવાજે, નિરાંતે લહેકાથી પરમાનંદની પ્રાપ્તિને, ભાવક સમક્ષ અમેરિકાના સર્જકવૃંદના સાહિત્યમાંથી પ્રાપ્ત રસાનુભવને પ્રસ્તુત કરે છે. વિદેશમાં રહીને પણ આટલું સારું લખતાં સાહિત્યકારોથી પણ ગ્રંથને કારણે જ આપણાથી પરિચિત થવાય છે. મધુસૂદન કાપડિયાના આ વિવેચનસંગ્રહની પહેલી વિશિષ્ટતા એ છે કે એમાં કૃતિલક્ષી વિવેચન હોવા છતાં કર્તાકેન્દ્રી મૂલ્યાંકનો અહીંથી પ્રાપ્ત થાય છે. એ રીતે આ વિવેચનગ્રંથ અમેરિકામાં રચાતા સાહિત્યની કૃતિઓની સમીક્ષા નિમિત્તે કર્તાના સમગ્રલક્ષી મૂલ્યાંકનગ્રંથ તરીકેની મુદ્રા ધારણ કરે છે. વિવેચકને અભિપ્રેત પણ એ જ છે એટલે “અમેરિકન ગુજરાતી સાહિત્ય’ એવું શીર્ષક નથી પ્રયોજ્યું પણ અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો’ (ઈ.સ. ૨૦૧૧) એમ રાખ્યું છે. વિવેચકને લખાણ દ્વારા અભિપ્રેત છે કૃતિમાંથી પ્રગટતી સર્જકની સર્જનાત્મક મુદ્રા. પછી આપણા કેટલાક મિત્રો કહે કે ‘આ કૃતિલક્ષી મૂલ્યાંકનમાં કર્તાના અંગત વ્યક્તિત્વનો તારસ્વરે પરિચય કરાવાયો છે. કેટલાકને લખાણમાંથી પોતાને અપેક્ષિત ન પ્રાપ્ત થતાં પ્રગટ થયેલી અકળામણો મારી દૃષ્ટિએ સાહિત્યિક કે વિવેચનાત્મક નથી. અહીં પ્રસ્તુત વિવેચનગ્રંથમાંના તારતમ્યને અને નિરીક્ષાને નિર્દેશવાનો ઉપક્રમ યોજ્યો છે. પ્રથમ લેખથી માંડીને છેલ્લા લેખ સુધીના તમામ લેખોના શીર્ષકો કર્તાના નામથી જ નિર્દશાયા છે. એમનું ગ્રંથસ્થ, અગ્રંથસ્થ અને અમુદ્રિત પણ અભ્યાસ માટે ખપમાં લઈને વિવેચન કરવાનો પ્રયાસ મને અનન્ય જણાયો છે. નાટ્યકાર-વાર્તાકાર આર. પી, કવયિત્રી અને વાર્તાકાર જયશ્રી મર્ચન્ટ, વાર્તાકાર રાહુલ શુક્લનો વાર્તાસંગ્રહ કે કવયિત્રી મધુમતી મહેતાનો કાવ્યસંગ્રહ પ્રકાશિત ન થયો હોય એ સ્થિતિમાં સામયિકોમાં મુદ્રિત તેમજ અમુદ્રિત રચનાઓ મેળવીને એમના વિશે લખવા ઉદ્યુક્ત થવાના વલણમાંથી મને એમની અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો પરત્વેની અપાર અને નરી શુદ્ધ સાહિત્યપ્રીતિ જ દૃષ્ટિગોચર થઈ છે. ગ્રંથનું બીજું એક ભારે વિશિષ્ટ પાસું ડાયસ્પોરા સાહિત્યની પોતીકી વિભાવના પ્રસ્તુત કરવા સંદર્ભે છે. ‘જ્યાં હોઈએ ત્યાં ઝળહળવાની તીવ્રતા’ સાથે-સાથે પૂર્વે એમ પણ કથે છે કે વતનથી દૂર રહેવું અને વતનમાં પોતાનાં મૂળ રોપી રાખવાં, ત્યાં પાછા ફરવાની ઝંખના પણ પ્રબળ હોય.’ પ્રસ્તાવનામાંથી પ્રગટતી આ પરિકલ્પના એમણે ખૂબ લાઘવથી પણ ભારે માર્મિક રીતે આલેખી છે. એમાં જો કે અમેરિકન ગુજરાતી લેખકોનું અમેરિકન સંસ્કૃતિ સાથેના મન-મેળાપનું તત્ત્વ ખૂટતું જોઈને એવા સાહિત્યની અપેક્ષા પણ અહીં ભળી હોઈને આખી વિગત તાત્ત્વિક પરિમાણ પ્રાપ્ત કરે છે. વળી અનેક પ્રાચીન સંસ્કૃત મીમાંસકોના વલણને અને વિભાવનાને પણ પોતાના વિવેચન વિચારોમાં આમેજ કરીને વિગતો પ્રસ્તુત કરતા હોઈને પ્રસ્તાવના પણ, હકીકતે તો સૈદ્ધાંતિક પક્ષ અને પોતાની વિભાવનાને પ્રગટાવતી હોઈને એનું પણ સ્વતંત્ર સ્વાધ્યાયલેખ જેટલું મૂલ્ય છે. મધુસૂદનભાઈ ભારતીય કાવ્યશાસ્ત્રકેન્દ્રી મીમાંસક જણાયા છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, સુંદરજી બેટાઈ, ગૌરીપ્રસાદ ઝાલા અને ઉમાશંકર, સુન્દરમની વિવેચનાત્મક વિભાવનાનું ઉજ્જ્વળ અનુસંધાન મધુસૂદનભાઈમાં જોવા મળે છે. વિદેશમાં રહીને પાશ્ચાત્ય ધોરણોના માપદંડોથી થોડાઘણા અભિજ્ઞિત હોવાનું સહજ રીતે સંભાવ્ય હોય તેમ છતાં દેશી, મૂળ ધોરણોને જાળવીને વિવેચનલેખન માટે એકધારું સક્રિય રહેવું એ એમની ડાયસ્પોરા મીમાંસક તરીકેની પોતીકી મુદ્રાનું પરિચાયક છે. ભાનુશંકર વ્યાસ, બળવંત નાયક અને જગદીશ દવે જેવા અભ્યાસીઓએ પણ આ જ ધોરણો પોતાની વિવેચન વિભાવનામાં જાળવેલા જણાયા છે. ડાયસ્પોરા વિવેચકની વિવેચના પણ આપણા અભ્યાસનો વિષય બને ત્યારે આ બાબતને પણ આપણે આપણી નજર સમક્ષ રાખવાની રહે. ગુજરાતી ડાયસ્પોરા, સાહિત્ય ક્ષેત્રે બહુધા સર્જનાત્મક દૃષ્ટાંતો ઘણાં પ્રગટ થયાં છે પણ વિવેચનાત્મક લેખન કાર્ય ખૂબ અલ્પમાત્રામાં થયું છે. બ્રિટનમાં એ પરંપરા ભાનુશંકર ઓધવજી વ્યાસ દ્વારા આફ્રિકાથી આરંભાઈ એમાં બળવંત નાયક, યોગેશ પટેલ, ઉપેન્દ્ર ગોર, જગદીશ દવે અને વિપુલ કલ્યાણીનો અવાજ તૂર્ત જ યાદ આવે. બ્રિટનમાં સિદ્ધાંતકેન્દ્રી અને વિગતપૂર્વકનું વિશ્લેષણ કરનારા તો માત્ર બે-ત્રણ જ. અમેરિકામાં એકમાત્ર મધુસૂદન કાપડિયા, બાબુ સુથાર વિવેચન-સંશોધનમૂલક લેખો લખે છે એ નર્યા સૈદ્ધાંતિક અને એમાંનું કેટલુંક તો તળ-અર્વાચીન આધુનિક ગુજરાતીસાહિત્ય સંદર્ભે, એ સ્થિતિમાં મધુસૂદન કાપડિયાનો અભ્યાસપૂર્ણ ગ્રંથ “અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો’ ગુજરાતના અભ્યાસીઓને પણ ઘણી બધી વિગતો, નૂતન આયામો અને અવાજો પ્રગટાવતા સર્જકવૃંદની સમીપ બેસાડી દે છે. અમેરિકન-ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યનો વિગતપૂર્ણ અભ્યાસ આ ગ્રંથ નિમિત્તે જ પ્રાપ્ત થાય છે.

*

મેં આ વિવેચન ગ્રંથની નિરીક્ષા અને પરીક્ષામાં-મૂલ્યાંકનમાં મારા પ્રતિભાવો ચાર પ્રકારે વિભાજિત કરીને પ્રસ્તુત કરેલ છે. એક તો ગ્રંથમાંની સામગ્રીમાંથી જેમનું વિવિધ સ્વરૂપોમાં વિશિષ્ટ પ્રદાન છે એવા, બીજું એકાધિક સંગ્રહો જેમના પ્રકાશિત થયા છે એવા, ત્રીજું જેમનો એકાદો સંગ્રહ જ પ્રકાશિત થયેલ છે એવા, અને ચોથું જેમના એકપણ સંગ્રહ હજુ સુધી પ્રકાશિત થયેલ નથી એવા, કેટલાક અમેરિકન-ગુજરાતી ડાયસ્પોરા સર્જકો, ભલે તેમનું સર્જન તળગુજરાતી પ્રકારનું જ હોય, ડાયસ્પોરિક કક્ષાનું ન હોય તો પણ એમના વિશે વાત કરવાનું મધુસૂદનભાઈ ટાળતા નથી. એમનો અભિગમ ગુજરાતમાંથી સર્જકપ્રતિભા રળીને અમેરિકા પહોંચીને ત્યાં પ્રવૃત્ત રહ્યા હોય એવા નહીં પણ અમેરિકા નિવાસી થયા પછી જ લેખનકાર્યમાં વ્યસ્ત થયા હોય એવા સર્જકોના સર્જનનું વિવેચન કરવાનો છે, એટલે પછી એમણે કેમ અમુકને વિવેચન માટે નથી પસંદ કર્યા એ બધા પ્રશ્નો સાવ અસ્થાને જણાય છે. તેમ છતાં અભ્યાસીઓને મનમાં પ્રશ્ન તો ઉદ્ભવે જ કે કવિશ્રી ચંદ્રકાન્ત દેસાઈ, જગદીશ વ્યાસ, બિસ્મિલ મન્સૂરી અને મનીષા જોશી તથા વાર્તાકાર રોહિત પંડ્યા, ડૉ. જયંત મહેતા, નીલેશ રાણા, ઉપરાંત નિબંધકાર હૈદરઅલી જીવાણી, કાન્તિ મેપાણી, રાધેકાન્ત દવે, દૃષ્ટિ પટેલ અને અશોક વિદ્વાંસ જેવા અમેરિકા સ્થિત અને સર્જનક્ષેત્રે ક્રિયાશીલો દસ-બારમાંથી થોડાંક પણ આ કેટલાકમાં સ્થાન પામી શક્યા હોત તો એ બધા સર્જકો તો પ્રસન્ન થાત પણ, અમારા જેવા ઘણાને અભ્યાસમાં ઘણી સરળતા રહેત. મેં પ્રસ્તુત પુસ્તકમાં પસંદ કરાયેલા સર્જકોની રચનાઓ સાથે મારી અભ્યાસ સંપાદન માટેની પસંદગીની કૃતિઓનો તાળો મેળવેલો. ત્રીસેક ટકા રચનાઓ વિશે મારે મારા અભ્યાસમાં પુનર્વિચાર કરવાનું બનેલું. મેં પ્રચ્છન્ન રીતે એમનું માર્ગદર્શન મેળવ્યું છે. એ જાહેરમાં કબૂલ્યું પણ છે. ક્યાંક આપણા વિચારને આપણે વળગી રહીએ. વિચારશીલને આવું કરવાનું બને પણ એમની વિચારોત્તેજક અને કસાયેલી દૃષ્ટિથી ઉદાહ્યત થયેલી સામગ્રીમાંથી સર્જક ચેતનાને પુરસ્કરવાનું તેમનું વલણ ધ્યાનાર્હ બની રહે છે. મારી જેમ અનેક અભ્યાસીઓને ડાયસ્પોરા સાહિત્યના સ્વાધ્યાય સંદર્ભે આ ગ્રંથનું સેવન કરવાનું જ રહેશે એ રીતે મારા ઉપરાંત એકાધિક એકલવ્યો તેમના ગ્રંથને ગુરુત્તમપદે સ્થાપશે એ હકીકત વિવેચક મધુસૂદનભાઈના અભ્યાસપ્રવણ વ્યક્તિત્વનું ઊજળું દૃષ્ટાંત બની રહેશે.

*

મેં સૌથી પહેલા આ ગ્રંથમાંના જેમનું ગ્રંથ સ્વરૂપે કશું જ નથી પ્રકાશિત થયું એવા રાહુલ શુક્લ, આર. પી. શાહ, મધુમતી મહેતા અને જયશ્રી વિનુ મરચન્ટ વિશેના અભ્યાસ લેખો વાંચ્યા. તેમની ગુણગ્રાહી દૃષ્ટિ અને સત્ત્વશીલ, કલાનુભવ કરાવનારી રચનાઓ પરત્વેના એમના પક્ષપાતનો એમાંથી પરિચય પ્રાપ્ત થયો. સામયિકમાં વેરવિખેર પથરાયેલા સર્જક અવાજ કેવા બળુકા છે અને ભવિષ્યમાં મુખ્ય પ્રવાહમાં ભળી શકે એવા સશક્ત છે એનો ખ્યાલ આ નિમિત્તે આવ્યો. અહીંના ગુજરાતના ખરા અભ્યાસીઓ અને સંનિષ્ઠ સારસ્વત મીમાંસકો જે ચૂક્યા છે એ મધુસૂદનભાઈએ આચરણમાં મૂકીને એક બહુ મોટો આદર્શ સ્થાપિત કર્યો છે. પછીનું તેમનું મહત્ત્વનું કાર્ય જેમનો માત્ર એકાદ સંગ્રહ પ્રકાશિત થયો છે તેવા ‘કૃષ્ણાદિત્ય’, અશરફ ડબાવાલા, વિરાફ કાપડિયા, ભરત શાહ, ઈન્દ્ર શાહ, કિશોર રાવળ, કમલેશ શાહ અને સુચિ વ્યાસ જેવા આઠેક સર્જકો વિશે કરેલું વિવેચન છે. તળ ગુજરાતમાં જેમનો એક જ ગ્રંથ પ્રસિદ્ધ થયો હોય એવા નવોદિતોને આટલા ઉમળકાથી વધાવતા બહુ ઓછા જોવા મળે છે. કૃષ્ણાદિત્યનો એક કાવ્યસંગ્રહ યાત્રાપર્વ છે, પણ અહીં એનો ભારે ઉમળકાથી આસ્વાદ કરાવ્યો છે. તેમનું આ મૂલ્યાંકન નર્યો આસ્વાદ નથી જણાતો, કવિની સમગ્ર પ્રતિભાને ટૂંકમાં ટીકા સમેત ચીંધી બતાવવી એ ઘણું કપરું પણ મહત્ત્વનું કાર્ય એમાં દૃષ્ટિગોચર થતું હોઈ મધુસૂદનભાઈના આ અભ્યાસલેખને વિવેચનાત્મક લખાણ તરીકે મુદ્રા પ્રાપ્ત થાય છે. કૃષ્ણાદિત્ય વિશેના વિવેચનલેખમાં આરંભે જણાવે છે ‘ગુજરાતી કવિતામાં લઘુકાવ્યો, કૃષ્ણાદિત્યનું ચિરકાલીન મૂલ્યવાન અર્પણ બની રહેશે. મોતી જેવા મનોરમ આ લઘુકાવ્યો સંસ્કૃત મુક્તક અને જાપાનીસ હાઈકુઓ સમું લાઘવ, અવતરણક્ષમતા અને સુરેખતા ધરાવે છે. લાઘવ એ આ કાવ્યોની પ્રાથમિકતા હોવા છતાં વક્તવ્યની દૃષ્ટિએ તે સમૃદ્ધ છે અને અભિવ્યક્તિ સંદર્ભે સમર્થ સર્જક સ્પર્શ ધરાવે છે.’ ‘કૃષ્ણાદિત્યના પ્રથમ કાવ્યસંગ્રહની ૮૦ રચનાઓમાં મુખ્યત્વે અછાંદસ કૃતિઓ છે. થોડાંક મધુર ગીતો છે. થોડીક ગઝલો છે. સમ ખાવા પૂરતું એક સોનેટ છે. લય એ ગીતનો પ્રાણ છે. કવિ થોડાંક ગીતોમાં, થોડીક પંક્તિઓમાં એ સિદ્ધ કરી શક્યા છે.’ (પૃ. ૬૭) વિરાફ કાપડિયાના કાવ્યસંગ્રહ ‘આ કવિતા તેમને માટે’ ઉપરાંત અન્ય અગ્રંથસ્થ કે અપ્રગટ કૃતિઓ મેળવીને ખૂબ સાચી રીતે એમના કવિકર્મને સદૃષ્ટાંત ચર્યું છે. આરંભનું વિધાન જ વિરાફની કવિપ્રતિભા પરત્વે અંગુલિનિર્દેશ સમાન છે, ‘ભવિષ્યનો ગુજરાતી ઇતિહાસકાર દરિયાપારના સાહિત્ય વિશે એકાદ નાનકડું પ્રકરણ ફાળવશે ત્યારે એને વિરાફ કાપડિયાનાં કાવ્યોમાંથી આધુનિકતા કે અનુઆધુનિકતા, નવીનતા કે વિદગ્ધતા, વક્રતા કે વ્યંગાત્મકતા, જીવનની અભદ્રતા કે કદરૂપતા કે સેક્સનાં અતિપ્રગટ આલેખનોનાં દૃષ્ટાન્તો નહિ મળે, પણ કવિતા, સાચી કવિતા, સરળ મધુર પ્રસન્ન પ્રાસાદિક કવિતાના થોડાક નમૂના જરૂર મળશે. વિરાફ કાપડિયાનાં કાવ્યોમાં Spontaneous overflow of emotions ઊર્મિનો સ્વયંભૂ ઉદ્રેક નથી પણ Tranqility શમસ્થિતિ છે.’ (પૃ. ૧૪૪) આખા લેખમાં વિરાફની આ પ્રતિભાને ચીંધવા માટે મધુસૂદનભાઈએ આ મુદ્દો સદૃષ્ટાંત ચર્યો છે. આવું જ ભરત શાહ, કિશોર રાવળ, ઈન્દ્ર શાહ અને સુચિ વ્યાસ વિશેના લેખોમાંથી પ્રગટતું વલણ મધુસૂદનભાઈની વિવેચન વિભાવનાનું દ્યોતક છે. ભલે એકાદ ગ્રંથ હોય પણ એમાંથી સર્જકતા ઉપસતી હોય અને સાહિત્યિક તત્ત્વની માવજત થઈ હોય તો એને ભાવકો સમક્ષ ખોલવાનો બહુ મોટો વિવેચનધર્મ મધુસૂદનભાઈએ જાળવ્યો છે. અહીં વિવેચક, સર્જકના જોડિયાભાઈ તરીકે પ્રગટતા જોવા મળે છે.

*

મધુસૂદનભાઈની વિવેચના જે તે સર્જકને પણ દિશાનિર્દેશક બની રહે એવી છે. તેઓ મર્યાદાનો નિર્દેશ કરતા હોય છે ત્યારે એમને અભિપ્રેત તો હોય છે કે સર્જક હવે પછીના એમના સર્જનમાં આવી મર્યાદાઓથી બચે. એમની ટીકામાં ક્યાંય ડંખ, દ્વેષ કે પૂર્વગ્રહ નથી કળાતો, પણ ખરા અર્થમાં તથ્યપૂર્ણ, તર્કપૂર્ણ રીતે સત્ય પ્રસ્તુત થતું હોય છે. પોતે મુકુરિભૂત ભાવકહૃદય ધરાવે છે, ભારતીય કાવ્યશાસ્ત્રના, ગુજરાતી વ્યાકરણના અને ભાષાના ઊંડા જ્ઞાતા છે. વળી ભારતીય સાહિત્યની અને વિશ્વસાહિત્યની પ્રશિષ્ટ કૃતિઓના અધ્યયનથી પરિપ્લાવિત દૃષ્ટિબિંદુ ધરાવતા હોઈ એમનાં વિવેચનો નર્યું ગ્રંથાવલોકન બની રહેતા નથી કે નર્યા પરિચયાત્મક ન બની રહેતા ખરા અર્થમાં સમીક્ષાત્મક કે આસ્વાદમૂલક અવબોધાત્મક પ્રકારના સ્વાધ્યાયલેખો બની રહે છે. મધુસૂદનભાઈના વિવેચનમાં માત્ર વિધાનો નથી પણ તેમનું દર્શન, સર્જકનું દૃષ્ટિબિંદુ અને સૌંદર્યાનુભવની પોતે અનુભવેલી પ્રક્રિયાનું એમાં આલેખન હોય છે. પ્રવાસમૂલક સાહિત્ય ગ્રંથોનું સમગ્રલક્ષી મૂલ્યાંકન આ કારણે આસ્વાદ્ય બની રહે છે. કવિતામાંથી ઊપસતું પ્રીતિબહેનનું કવિકર્મ સંસ્કૃતનિષ્ઠ છે પણ મધુસૂદનભાઈ સંસ્કૃત ભાષા-સાહિત્યના ઊંડા જ્ઞાતા છે તેનો પરિચય આ વિવેચનલેખોમાંથી મળી રહે છે. પ્રીતિબહેન દ્વારા પ્રયોજાયેલા સંસ્કૃતના અપપ્રયોગને તેઓ ખોલી બતાવીને ચીંધી આપે છે. અન્યથા ઘણાને ખ્યાલ પણ ન આવે. મધુસૂદનભાઈએ પ્રવાસસાહિત્યની વિવેચના કરતાં-કરતાં ગુજરાત અને ભારતના જ નહીં પણ વિશ્વવિખ્યાત પ્રવાસસાહિત્યના લેખક એલેક્ઝાંડર ફેટર કે જેઓ વિશ્વના ૮૮ દેશોમાં ઘૂમી વળેલા. એમના ગ્રંથો અને એમાંના ભાવવિશ્વની અને એની અભિવ્યક્તિના સ્વરૂપની પણ ટૂંકમાં અર્થસભર વિગતો આલેખેલ છે. એમાંથી એમના વિશાળ વાચનનો આપણને પરિચય મળી રહે છે. એમનું ઇતિહાસ, ભૂગોળ કે રાજકારણ વિષયક જ્ઞાન પણ ઘણું છે. અંગ્રેજી સાહિત્ય, સંસ્કૃત સાહિત્યનાં ઉદાહરણો સહજ રીતે એમના દ્વારા સરી પડતા જોવા મળે છે. કવિતા પરત્વેના એમના પક્ષપાતની પ્રતીતિ પ્રીતિબહેનના પંદર-વીશ જેટલા પ્રવાસગ્રંથોની સમીક્ષા બાર-ચૌદ પૃષ્ઠમાં અને બીજા એટલા જ પૃષ્ઠ, માત્ર ચાર કાવ્યસંગ્રહની સમીક્ષા માટે તેઓ ખપમાં લે છે, તેમાંથી મળી રહે છે. પ્રીતિબહેનના પ્રદાન સંદર્ભે તેઓ વાર્તા અને અન્ય આત્મચરિત્રાત્મક લખાણો અને અનુવાદને સમાવતો લઘુલેખ આપી શકે. પ્રીતિબહેનની સર્જક પ્રતિભાને મૂલવતા અને અભ્યાસમૂલક તારણો તળ ગુજરાતના અભ્યાસીઓએ પણ આટલી વિગતથી નિર્દેશ્યા નથી. આથી ગુજરાતી અભ્યાસીઓને માટે આ લખાણો ખૂબ જ અગત્યના બની રહેશે. કારણ કે એમાં ખૂબ જ વિગતે ડાયસ્પોરા સર્જન દ્વારા ઉપસતું પ્રીતિબહેનનું સહજ, નિર્ભિક, સૌંદર્યપાસું એવું વ્યક્તિત્વ અનેક દૃષ્ટાંતો અનુષંગે ચર્ચ્યું છે. જો કે વાર્તાઓ વિશેના મધુસૂદનભાઈના અભિપ્રાયથી આપણે અહીં વંચિત રહીએ છીએ. અનવધાન નહીં પણ સમયની ખેંચ જ એમાં કારણભૂત હશે. પન્ના નાયકનું મૂલ્યાંકન કરે છે ત્યારે તેઓ એમના ‘વિદેશિની’ને કેન્દ્રમાં રાખીને વિગતો નોંધે છે. ત્યારપછી પ્રકાશિત ‘ચેરી બ્લોસમ્સ’ અને ‘રંગઝરૂખે’ નામના કાવ્યસંગ્રહોનો સમાવેશ કર્યો છે અને અગ્રંથસ્થ હાઈકુને, પણ ખપમાં લીધાં છે. ‘ફ્લેમિંગો’ વાર્તાસંગ્રહ અને એ પછીની મુદ્રિત વાર્તાઓને પણ ખપમાં લઈને એમના સર્જનાત્મક વ્યક્તિમત્તાનાં વલયો ચીંધી બતાવ્યા છે. એમાંથી ઉપસતી કર્તાની પોતીકી જીવનવિભાવના કે જીવનદર્શનને ખોળવામાં તેઓ ખરા કૃતિકેન્દ્રી રહ્યા જણાય છે. એ રીતે કર્તાનું જીવનસત્ય કૃતિમાંથી કેવી રીતે પ્રગટે છે એનું તોલન મધુસૂદનભાઈની અભ્યાસી દૃષ્ટિનું પરિચાયક બની રહે છે. આ દૃષ્ટિબિંદુની ગંગોત્રી ભારતીય સાહિત્ય મીમાંસા છે. પન્નાબહેન વિશે વિગતપૂર્ણ એક મોનોગ્રાફ બની રહે એ પ્રકારનું આ લખાણ છે. અહીં પન્નાબહેનની નિબંધ પ્રકારની, અને કેફિયતરૂપની રચનાઓને મૂલવવાનું બાકી રહ્યું છે. પછીની કવિતાઓને પણ એકત્ર કરીને પન્ના નાયકની સર્જનાત્મક પ્રતિભાને ખોલી આપતા અને સમાવતા એક સંવધિત રૂપના મોનોગ્રાફની એમની પાસેથી અપેક્ષા રહે છે. મધુસૂદનભાઈની આવી ઊંચી પરખશક્તિ અને ઊંડી સૂઝ અનેક વિવેચનલેખોમાં દૃષ્ટિગોચર થાય છે. તેઓ અનેક દૃષ્ટાંતોને આધારે લખે છે કે પ્રીતમ લખલાણીની કવિતાને મુકાબલે એમનું ગદ્ય ઓછી સર્જનાત્મકતા ધારણ કરી શક્યું છે. સંપાદનમાં પણ ઘણી નબળી કૃતિઓ તેઓ પસંદ કરતા જોવા મળે છે. આનંદરાવ લિંગાયતની વાર્તાઓની ભાષાની કચાશ, વ્યાકરણદોષ, કઢંગી વાક્યરચના વાર્તાના વિષયને સ્કૂટ થવા દેતી નથી. નટવર ગાંધી, સુધીર પટેલ, શકુર સરવૈયા, ચંદ્રકાન્ત શાહ અને આનંદરાવ લિંગાયત તથા બીજા પણ સાત-આઠ એવા અમેરિકન ગુજરાતી લેખકો છે કે જેમના વિશે ગુજરાતી વિવેચના સાવ ચૂપ રહી છે. મધુસૂદનભાઈનું અભ્યાસપૂત દૃષ્ટિબિંદુ ગુજરાતી સાહિત્યના ઇતિહાસલેખનમાં અને અમારા જેવા ડાયસ્પોરા સાહિત્યના અનેક અભ્યાસીઓ માટે આવા કારણથી વિવેચનગ્રંથ સ્વરૂપે હાથપોથી બની રહેશે.

*

અહીં વિવેચન, આસ્વાદ અને અર્થઘટન તથા ક્વચિત તુલના પણ છે. વિરાફ, નિરંજન ભગત અને પ્રીતિ સેનગુપ્સાના વિદેશી સર્જક સાથેના, પન્નાબહેન અને ઈન્દ્ર શાહ સંદર્ભે પણ સમાન ભાવવિશ્વવાળા પ્રવાસ, તત્ત્વદર્શન અને અંગ્રેજી કવિતાના સંદર્ભો તેઓ ટાંકે છે. એ નિમિત્તે એમનું તુલનાત્મક દૃષ્ટિબિંદુ પ્રગટે છે. બહુધા વિશ્વેષણ અને વિવરણને અનુષંગે કૃતિમાંથી ઉપસતા તથ્ય કે તત્ત્વને નિર્દેશવાનું તેમનું વલણ પણ ધ્યાનાર્હ બની રહે છે. બહુધા કૃતિલક્ષી, ક્યાંક સમગ્રતયા છાપ અને એમ સર્જકનું એક પૂર્ણ ચિત્ર ભાવક સમક્ષ એમના વિવેચનલેખોમાંથી ખૂલે છે. અલબત્ત આમાંના ઘણા સર્જકોનો જીવનલક્ષી અછડતો પરિચય ઘણા પાસે ન હોય એ સ્વાભાવિક છે. એટલે અત્રે થોડીક પણ જીવનની તવારીખ મુકાઈ હોત તો કોશલેખન માટેના અધિકરણ તૈયાર કરવામાં સંશોધકોને પ્રસ્તુત ગ્રંથની સંદર્ભગ્રંથ તરીકેની બહુ મોટી ઉપયોગિતા સિદ્ધ થઈ શકી હોત. પણ તેમ છતાં સમગ્ર દૃષ્ટિએ પ્રસ્તુત વિવેચનગ્રંથ મહત્ત્વના સર્જકોની, મહત્ત્વની કૃતિઓના તારતમ્ય અને નિષ્કર્ષને કારણે મહત્તા ધારણ કરે છે. મેં પ્રસ્તુત વિવેચનગ્રંથમાં વિવેચાયેલા ગ્રંથોની ઐતિહાસિક અને સ્વરૂપલક્ષી સૂચિ તૈયાર કરી, મધુસૂદનભાઈએ અમેરિકાના કુલ પચીસ લેખકોના સર્જનને અહીં મૂલવણી માટે ખપમાં લીધું છે. આ પચીસમાંથી અઢાર તો કવિઓ છે. સાત વાર્તાકારો, પાંચ નિબંધ-સર્જકો, બે નવલકથાકાર અને માત્ર એક નાટ્યલેખક, એ લેખકોની બધી રચનાઓની ગણતરી કરીએ તો બધા મળીને કુલ પાંસઠથી વધુ ગ્રંથોને મૂલવણી માટે ખપમાં લીધા જણાય છે. આમ, મોટાભાગના અમેરિકન-ગુજરાતી સાહિત્યગ્રંથોના વિવેચનનો આ સંગ્રહ, એક રીતે અમેરિકન-ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ પણ છે.

*

કૃતિલક્ષી વિવેચનલેખોમાંથી પ્રગટતા પોતીકા અભ્યાસપૂત અર્થઘટનો, નિરીક્ષણો અને કર્તાકેન્દ્રી પ્રતિભાવ મધુસૂદનભાઈની પ્રશિષ્ટ, સંસ્કૃત કાવ્યશાસ્ત્રકેન્દ્રી અને ભાવનાવ્યાપારની દૃષ્ટિવિભાવનાનો સુંદર પરિચય કરાવે છે. આ અભ્યાસલેખોમાં એમનું ગદ્ય, સુરેખ વાક્યરચનાઓ, મુદ્દા પાડીને, વિગતોને આલેખવાની રીતે પ્રશસ્ય છે, વિપુલ દૃષ્ટાંતોથી પોતાને અભિપ્રેત વિભાવનું સમર્થન કરતા વિપુલ દૃષ્ટાંતો મૂકવાનું વલણ પણ ધ્યાનાર્હ બની રહે છે. કોઈક લેખનમાં તો (કૃષ્ણાદિત્ય અને સુધીર પટેલમાં તો) પંચોતેર ટકા દૃષ્ટાંતો અને પચીસ ટકા જેટલી પોતાની કથનમૂલક સામગ્રી તથા અન્ય કેટલાકમાં આનું પ્રમાણ મને પચાસ-પચાસ ટકા જેટલું જણાયું છે. છતાં આ અભિવ્યક્તિરીતિ બાધારૂપ નીવડતી નથી. ઘનશ્યામ ઠક્કરના કાવ્યસંગ્રહની પ્રસ્તાવનાઓમાં ઉદાહૃત થયેલાં કાવ્યદૃષ્ટાંતો કરતાંય મધુસૂદનભાઈની વિપુલ દૃષ્ટાંતરાશિને કારણે કાવ્યતત્ત્વનો અને સૌંદર્યાનુભવનો પરિચય કરાવતા વિશેષ ઉદાહરણો પ્રાપ્ત થયાં. ઉમાશંકર જોશી અને લાભશંકર ઠાકરના દ્વારા ઉદાહ્યત નહી થયેલી ઘણી ઉત્તમ કાવ્ય કંડિકાઓ મધુસૂદનભાઈના આવા વિપુલ માત્રામાં દૃષ્ટાંતો પ્રસ્તુત કરવાના વલણને કારણે પ્રાપ્ત થઈ. આમ, અહીં ઉદાહ્યત કાવ્યકંડિકાઓ હકીકતે તો વિવેચકનાં વિધાનોને સાચાં ઠેરવે છે. ઉદાહ્યત થયેલી વિપુલ સામગ્રીથી ભાવક સભરતાનો અનુભવ કરે છે. મધુસૂદનભાઈ તો શાસ્ત્રીયતાના અને મહત્ત્વના વિવેચકોના લેખનથી પરિચિત છે એટલે એમની પાસેથી અહીં મૂલવણી માટે ખપમાં લીધેલા ગ્રંથોનું પ્રકાશનવર્ષ, પ્રકાશકનું નામ, પૃષ્ઠસંખ્યા અને કિંમત આદિના નિર્દેશો પ્રાપ્ત થયા હોત તો અમારા જેવા અનેક અભ્યાસીઓનો ઘણો શ્રમ બચ્યો હોત. બ્રિટનમાં બહુ વહેલા ભાનુશંકર ઓધવજી વ્યાસ, પછી બળવંત નાયક અને હમણાંથી ડૉ. જગદીશ દવે વિવેચન ક્ષેત્રે ક્રિયાશીલ છે. પણ અમેરિકામાં આદ્ય અને સાંપ્રત વિવેચક તો માત્ર મધુસૂદનભાઈ જ. ભાનુશંકર ઓધવજી વ્યાસના અભ્યાસનિષ્ઠ ડાયસ્પોરા વિવેચક વ્યક્તિત્વનું તેજસ્વીરૂપ આપણને દરિયાપારના બીજા એક વિવેચકમાં જોવા મળે છે, એ ગૌરવ લેવા જેવી બાબત છે. મધુસૂદનભાઈને જીગરી સેલ્યૂટ સાથે પાયલાગણ પણ.

ડૉ. બળવંત જાની