વનાંચલ/પ્રકરણ ૧૨


(૧૨)

ત્રણ સાડાત્રણ દાયકા પછી પાછો વતનમાં. આ વખતે ગાડામાં, ઘોડે બેસીને કે ચાલીને નહિ પણ એસ.ટી.ની બસમાં. કેવું પરિવર્તન! એક વાર અહીં આગગાડીની વાત પણ માનવા કોઈ તૈયાર નહોતું. આદિવાસી કાંતો, ‘બળદ વગર ગાડી ચાલી જ ન શકે!’ દેવગઢબારિયાથી રાજાની મોટર આવે ત્યારે ગામેગામ લોકોનાં ટોળાં રાજાનું નહિ તેટલું મોટરનું દર્શન કરવા ઉત્સાહમાં રસ્તા પર ઊમટે. મોટર પસાર થઈ જાય ને પેટ્રોલની મનગમતી વાસ ધૂળમાં નીચે વળીને માણે! બસમાં મારી સાથે કેટલાંક આદિવાસી સ્ત્રીપુરુષો છે. તેઓ ઘોઘંબે ઊતરી ચાલતાં પોતપોતાને ગામ જશે. લંગોટીને બદલે હવે થેપાડાં, ઘુઘરિયાળાં બટનવાળાં લીલાં ખમીસ ને માથે ફાળિયાં જોવા મળે છે. કહે છે કે કરડ નદીનો બંધ બંધાયો તેમાં આ લોકોને સારી રોજી મળી છે.

પાવાગઢથી વતનમાં જતાં વચ્ચે ત્રણેક ગાઉનું જંગલ આવે. એક વારનું આ ગીચ જંગલ, વાઘ ને લૂંટારાઓના ભયથી ભરેલું. ગાડામાં બેસીને કે ચાલતા જતા હોઈએ ત્યારે આ વિસ્તારમાં પ્રવેશતાં જ વાતચીત ધીમી થઈ જતી, ગાડું હાંકવાવાળા પણ બળદને ડચકારતાં ડરે – રખેને કોઈ જાનવરને કે વાટમારુને ગંધ આવી જાય! આજે તો આ જંગલ આછું-આછું થઈ ગયું છે. ભયને વસવા માટે અનુકૂળ જગા જ નથી. ગણ્યાં-ગાંઠ્યાં ઝાડવાં ઊભાં છે; ખેતરો ને વસ્તીના વધતા જતા આક્રમણથી વગડો છિન્નભિન્ન થઈ ગયો છે. જ્યાં કેડીઓ હતી ત્યાં રસ્તા થયા છે; કેડીઓ તો બિચારી વગડામાં સંતાતી- સંકોચાતી ફરે, રખેને ઘાસ કે છોડ ધસી આવીને રંજાડે એવો એને ભય. પણ આ રસ્તા! સંકોચાવાનું તે વગડાને; ઝાડ-પાન બિચારાં આઘાં ખસીને જગા કરી આપે છે. આડાં થાય તો એમનું આવી જ બને, જાનથી જાય! ને આ વગડો! ક્યાં માણસને આશ્રય આપતો પેલો વનાંચલ ને ક્યાં આ માણસને આશ્રયે, એની દયા ઉપર જીવતાં ઝાડવાં! હવે તો જાણે પ્રકૃતિને સંસ્કૃતિની મહેરબાની ઉપર જ જીવવાનું!

ગોઠ ગામ – મારી જન્મભૂમિ – ઉજ્જડ થઈ ગયું છે. ઘર પડી ગયાં છે. અહીંના બ્રાહ્મણો નજીકના ઘોઘંબા ગામમાં જઈને વસ્યા છે. જે ઘરની કોઢમાં હું જન્મેલો તે ઘર આજે નથી. ગામને ઝાંપે ઊભેલો પુરાણો વડ ઊખડી પડ્યો છે. પાસેનું થાણું પડી ભાંગ્યું છે. એની ઈંટો લોકો પોતાના વપરાશ માટે ઉપાડી જાય છે. કોળીનાં ઘર હજી ઊભાં છે, એવાં ને એવાં; હજી અજવાળું પ્રવેશે એટલાં ઊંચાં થયાં નથી. ગામને આરે પાણી રહેતું નથી. જ્યાં ઉનાળામાં પણ વાંસ વાંસ પાણી રહેતું ત્યાં હવે પાતળી સેર પણ વહેતી નથી. કાળા ખડકો હાડપિંજર જેવા પડ્યા છે. ઉપરવાસ નદી ઉપર બંધ બાંધવામાં આવ્યો છે. નહેર વાટે દૂર દૂરના વિસ્તારોને પાણી અપાય છે. મનમાં ઉમાશંકરનું ‘બળતાં પાણી’ ચમકે છે : ‘નદીને પાસેનાં સળગી મરતાંને અવગણી’ – નહેરથી અનાજ પાકશે, અન્નપરિસ્થિતિ સુધરશે, પણ ચોમાસામાં ગાંડી થતી નદીનું પેલું સૌંદર્ય? ઝાડ ઉપરથી ધરામાં ભૂસકા મારવાનો એ આનંદ? એ તો ગયાં તે ગયાં જ. ઉપયોગિતાનાં આદરમાન થાય ત્યાં સૌંદર્યની અવગણના ઓછી-વત્તીયે થવાની જ. પટની વચ્ચે એક કાળો પથ્થર છે, બરાબર તકિયા જેવો. આટલે વર્ષે પાછો એને અઢેલીને ઘડીક બેસું છું. નદીમાં થઈને ગાડાં પસાર થાય છે. પૈડાં નીચે પિલાતી રેતીનો પરિચિત અવાજ સંભળાય છે; માત્ર પેલો પાણીનો છલબલાટ નથી, દેડકીઓનું ડ્રાંઉં ડ્રાંઉં નથી; ઉપવાસ કોતરમાંથી પાણી પીવા માટે શિયાળવાં નીકળતાં તે દેખાતાં નથી. ઉપરવાસ સ્મશાનમાં હાડકાં માટે ઝઘડતા ઝરખના છીંકોટા સંભળાતા તે હવે સંભળાતા હશે કોઈ વાર?

ગામથી વૈજનાથ મહાદેવનું દેરું હશે તો અર્ધો ગાઉ દૂર, પણ વચ્ચેનું જંગલ એની દૂરતા વધારતું. હવે તો ગામને ઝાંપેથી દેરાનું શિખર ને ઊડતી ભગવી ધજા સ્પષ્ટ દેખાય છે. વૃક્ષોની આડશ દૂર થઈ છે ને તે સાથે ભયનો, ગૂઢતાનો રોમાંચ પણ નષ્ટ થયો છે. મહાદેવ પણ ‘સુધરી’ ગયા છે; આજુબાજુ બાવાએ સુધરેલી દુનિયાનાં ફૂલ-ઝાડ ઉગાડયાં છે. સ્મશાનમાં ક્રીડા કરતા ને ચિતાભસ્માલેપથી શોભતા હર હવે તો અહીં આરસની ફરસબંધીવાળા નિવાસસ્થાનમાં વસે છે; અકળાતા હશે ખરા કોઈ વાર?! અહીંથી નજર કરો એટલે જૂનું રાજગઢ ને મંગલેશ્વર મહાદેવનું મંદિરનું ખંડેર દેખાય. એક વાર અહીંના જંગલમાં રાતે ફાલુડીનું રુદન સંભળાતું; દિવસે જાળામાં આરામ કરતાં શિયાળવાં જોવા મળતાં, શાહુડીનાં પીંછાં વેરાયેલાં દેખાતાં, રાની બિલાડા ફરતા. આજની પેઢીને તો એની વાત પણ પરીકથા જેવી જોડી કાઢેલી લાગે છે. ફળિયામાં રાતે એકાએક કૂતરાં ટપ્ ટપ્ પગલાં પાડતાં ઝાંપા સુધી જાય ને ભસવા માંડે. દાદા વહેલી સવારે ઊઠી શૌચ માટે પસાયતામાં થઈ જંગલમાં જાય ત્યારે ભાળ કાઢી લાવે કે રાતે થાણા પાછળના રસ્તેથી વાઘ નદી ભણી પાણી પીવા ગયેલો, એનાં મોટાં પગલાં ધૂળમાં પડેલાં, કૂતરાં એટલે જ ભસતાં હતાં. હવે તો વાઘ માત્ર છોકરાં બિવરાવવા માટેનું કલ્પનાનું પ્રાણી જ રહ્યું છે. અમે નાના હતા ત્યારે બે ગાડાં ઉપર પાંજરાં ચડાવી બે ચિત્તા થાણામાં પકડી આણેલા. અમે હોંશે હોંશે જોવા ગયેલા. જાનવર ઘુરકિયાં કરતાં ને પકડનાર શિકારી મહમ્મદ હુસેન કમાલન પાંજરાને લાત મારી ગૌરવથી ‘સાલા કુત્તા’ કહેતો હસતો. એ ચિત્તા પછી દેવગઢબારિયે મોકલાવેલા ને રાજાએ એમના કોઈ રાજવી સંબંધીને ભેટ મોકલી આપેલા. આવી વાત હું કરું છું તો સાંભળનારને કશો રસ પડતો નથી. લોકો ચૂંટણીની, લાઇસન્સ-પરમિટની, ડીઝલ ઓઇલની, લેવીની ને મોંઘવારીની વાતો કરે-સાંભળે છે.

ઘોઘંબા ગામમાં મારા કાકાના ઘરની સામે બસ ઊભી રહે છે. ગિરજાશંકર પંડ્યાના પેલા અંધારા ઘરમાં બિરાજતાં રણછોડજી ને લક્ષ્મીજી હવે ગામ વચ્ચે રહેવા આવી ગયાં છે. એમને માટે વસવાટની સરસ વ્યવસ્થા થઈ છે. આંગણામાં મોટરના પ્રવાસીઓની મંડળીની જાતભાતની વાતો સાંભળવાનું, હોટેલના થાળી-વાજાનાં ગાણાં સાંભળવાનું, સુધરેલી દુનિયાના કોલાહલ વચ્ચે જીવવાનું એમને ફાવતું હશે?! અહીં ખાસ્સું બજાર જામી ગયું છે. માથામાં નાખવાનું ધુપેલ કે ધોવાનો સોડા મગાવવા માટે અમે છગુ ટપાલીને શીશો ને ઝોળી આપતાં; અહીં તો હવે રંગબેરંગી તેલની બાટલીઓ દુકાનમાં શોભે છે; જુવાનો સુગંધીદાર તેલ નાખી પટિયાં પાડી હોટેલના બાંકડે પાન ચાવતા બેઠા છે. નદીમાંથી લીસો સપાટ પથ્થર શોધી તેને કપડાં ઉપર અમે ઘસીએ – એ જ અમારો સાબુ. આજે તો અહીં માત્ર ધોવાના જ નહિ, જાત જાતના નાહવાના સાબુ પણ મળે છે – લીમડા, હમામ, રેફ્સોના. અમે નાના હતા ત્યારે ભૂંગળાવાળું થાળી-વાજું લઈને કોઈ બે જણા આવેલા તે જેઠાકાકાને ઓટલે સંભળાવતાં. પેટીમાં પેસીને કોણ બોલતું હશે, એ પેટીમાં શી રીતે રહી શકતું હશે એવી એવી મૂંઝવણ અમને થાય. હવે તો ગામમાં ત્રણ-ચાર જણને ઘેર રેડિયો છે. આદિવાસીઓ દારૂ ને તમાકુ પીએ. ચામાં ના સમજે. સોડા-લેમન કે શરબત તો એમણે દેખ્યાંય ક્યાંથી હોય! આજે તો કોઈ દેવ કે દેવીનું નામ ધરાવતી હોટલને બારણે આદિવાસીઓની મંડળી જામી છે. કોઈ ચીની માટીના પ્યાલામાં ચા પીએ છે, તો કોઈ વળી કાચના ગ્લાસમાં સોડા, લેમન કે રંગબેરંગી શરબત ગટગટાવે છે! છેવાડે વસતાં ભંગી કુટુંબો સવારમાં તૂટેલો ‘કોપ’ કે વાટકો લઈ ચા લેવા આવે છે. બાજુની નાનકડી દુકાને પાન ખાનારની ઠઠ જામી છે. બધાંનાં મોં ઉપર આ ‘સુધરેલા’ જીવનનો રંગ ચમકે છે.

અમારા વખતમાં હજામત કરાવવાની ભારે તકલીફ. પાલ્લી ગામમાં મૂળજી ગાંયજો રહે; આસપાસનાં કેટલાંય ગામનાં કેશકર્તનની કામગીરી એ એકલો જ કરે. લગ્ન વખતે મશાલ ધરવાનું પણ એનું જ કામ. ક્યારેક ગોઠમાં આવી ચડે એટલે અમારે બધાંને પાટ ઉપર બેસી જવાનું. મેંગેનીઝની છલૂડીમાં મૂળજી પાણી મગાવે. એની આંગળીઓ જ બ્રશ ને સાબુ. અમારો ‘ચહેરો કાઢે.’ આંખમાં પાણી આવી જાય, શરીરે પરસેવો વળી જાય; કપાળમાં ને બોચીમાં લોહીના ટશિયા ફૂટે. અમારું માથું જ્યારે મૂળજી રાત એના બે પગ વચ્ચે લે, ઢીંચણના ચીપિયાથી પકડી રાખે ત્યારે તો જાણે શિરચ્છેદ માટે ગરદન ઝુકાવી છે એમ લાગે! શરીરની ને ધોતિયાની વાસથી માથું ફાટે. મૂળજીને બાર મહિને મણ દાણા ને અડધો રૂપિયો આપવાનાં. એના વારસદારો આજે ઘોઘંબા ગામમાં ‘હૅર કટિંગ સલૂન’ ચલાવે છે! લોકો ખુરશી ઉપર બેસી નિરાંતે વાળ કપાવે છે. હજામ માથા પર પાણીનો ફુવારો છોડે છે, આધુનિક અસ્ત્રાથી આધુનિક ફેશનના વાળ કાપે છે, બોચી ઉપર પાઉડર છાંટી આપે છે. ઘરાક ફટ દેત્તોકને સિક્કા કાઢી ચાર્જ ચૂકવે છે.

ઉનાળામાં પહેરવા માટે અમારે ‘ઝીણિયાં’ (ઝીણા કાપડનાં ખમીસ) સિવડાવવાનાં હોય. પાલ્લીના શંકર દરજીના દીકરા મોહનને બોલાવ્યો હોય. ગજકાતર લઈ, કપાળમાં સ્વામિનારાયણી મોટા ચાંલ્લાવાળો મોહન આવે, બા પોટલામાંથી છેડા-ગાંઠણાં (લગ્ન વખતે વરકન્યાના છેડા ગાંઠવા માટેનું સફેદ કપડું જે ગોરને લેવાનું હોય) કાઢે છે, દરજી વેતરે છે. અમે ‘ટેનિસ કૉલર’ રાખવાનું કહીએ છીએ. કપડાં આવે ત્યારે કાં તો મોટાં પડે કે પછી નાનાં પડે. કૉલર ખિસ્સા ઉપર લટકતા હોય કે પછી કોકડું વળીને ગળે વળગતા હોય! અમે બા આગળ અણગમો પ્રગટ કરીએ. બા મોહનને ઠપકો આપે, મોહન સાંભળી રહે. એને સાંભળી રહ્યા વગર છૂટકો નહિ ને અમારે પેલાં ‘ઝીણિયાં’ પહેર્યા વગર છૂટકો નહિ. કોઈ વાર એનો કલાકાર આત્મા વધારે દુભાય ત્યારે બબડે : ‘તમે તો મારો દેશડંકો વગાડ્યો!’ મફતનું કાપડ ને અઢી-ત્રણ આના સિલાઈના. આજે હું જોઉં છું તો ઘોઘંબામાં ‘ફૅન્સી’ સિલાઈની દુકાનો લાગી ગઈ છે. જેમ હજામ તેમ દરજી હવે ઘેર આવતા નથી. આદિવાસીઓની એક મંડળી કપડાં સિવડાવવા આવી છે. દુકાન બહાર ઝાડ નીચે બેઠાં બેઠાં તેઓ તમાકુ પીએ છે. સિલાઈના ભાવ વધ્યા છે; ઓટલે સંચો રાખીને સીવવા માટે દરજીએ મકાનમાલિકને મહિને ત્રીસ રૂપિયાનું ભાડું ભરવાનું હોય છે!

થાણું, નિશાળ, દવાખાનું હવે ઘોઘંબામાં આવી ગયાં છે. દેશી રાજ્ય ગયું; ગુજરાત સરકારના અમલદારો પાટલૂન-બુશકોટમાં ફરે છે, જીપો દોડાવે છે. આગળ તો ભવાનીશંકર દાક્તરને ત્યાં ને પછી અમારે ત્યાં સાપ્તહિક ‘પ્રજાબંધુ’ આવે. જેઠાકાકાના મોટા દીકરા ચન્દ્રકાન્ત પાઠક મુંબઈમાં ‘જન્મભૂમિ’ના તંત્રીવિભાગમાં કામ કરે એટલે એમને ત્યાં ‘જન્મભૂમિ’ આવે. હવે તો અહીં અનેક છાપાં આવે છે, રેડિયો સમાચાર સંભળાવે છે, લોકો અલકમલકની પરિસ્થિતિની વાતો કરે છે. હું મોટા ભાઈના નવા મકાન ‘રામનિવાસ’માં બેઠો છું. કોઈ આવે છે તેને તેઓ ઓળખાણ આપે છે : ‘આ મારો નાનો ભાઈ જયંતી, જયન્ત પાઠક; કવિ છે, પ્રોફેસર છે.’ આવનાર ‘એમ!’ એવો ઉદ્ગાર કાઢી જરા, જરાક જ મારી સામે જોઈ લે છે, ને પછી સ્થાનિક પરિસ્થિતિની વાતોમાં ડૂબી જાય છે. સરકાર હવે છેક રસોડા સુધી આવી ગઈ છે, ઘરનો સ્ત્રીવર્ગ પણ રૅશન, કંટ્રોલ ને મોંઘવારીની વાતો કરે છે.

મન મૂંઝાય છે, ઉદાસ થઈ ગયું છે. કોઈ અજાણ્યા મુલકમાં આવી પડ્યો હોઉં એમ લાગે છે, ગોઠતું નથી. મારું માટીનું ખોરડું, મારી સલિલસભર નદી — મારો વગડો - બધું ગયું. હા, હજી ડુંગરા એવા ને એવા જ ઊભા છે; એ મોરડિયો, કાનપુરિયો ને ધેજગઢિયો વહેતા કાલપ્રવાહની વચ્ચે અડીખમ, નિર્વિકાર, સ્થિતપ્રજ્ઞની જેમ ઊભા છે. ભૂતકાળ ભૂંસાઈ ગયો છે. ભૂંસાઈ રહ્યો છે; એ કંઈક સચવાયો છે આ ડુંગરાઓની વજ્રમુઠ્ઠીમાં ને કંઈક મારા મનમાં. વ્યગ્રતાથી છૂટવા હું સાંજે ઘેરથી નીકળું છું. કોતર ઉપર થઈને ગોઠમાં પ્રવેશું છું — એ કોતર જ્યાંથી જતાં રાની બિલાડાની ને ભૂતની બીકથી ધબકારા વધી જતા. ઉઘાડા ચોતરા વચ્ચે હજી પેલા તડકેશ્વર મહાદેવ બેઠા બેઠા તપ તપે છે. સંહારના સ્વામી સંહારલીલાને નિશ્ચલતાથી, નિર્મમ નેત્રે નિહાળી રહ્યા છે. ચોતરો દિવસે દિવસે નાનો થતો જાય છે, માત્ર એની ઉપર ચડનાર ને એની નીચે રમનાર કોઈ નથી. ફળિયામાંથી હું પસાર થાઉં છું; મને જોનાર ત્યાં કોઈ નથી. કૂતરુંય નથી કે મને અજાણ્યો ગણીને ભસે! થાણા પાછળની લટિયાં તળાવડી જોઈ આવું છું. મારાં ક્યારડાં જોઉં છું. દાદાનું ખેતર જોઉં છું. મારી અને એમની વચ્ચેનું અંતર વધી ગયેલું જણાય છે. વહાલ ઊપડે છે, પણ જાણે સામેથી એવો પ્રતિભાવ જાગતો નથી. રહ્યાં-સહ્યાં ઝાડવાંને પૂછું છું : ‘ઓળખો છો?’ જવાબમાં જાણે માથું ધુણાવી કહે છે : ‘ના, ના.’ આ ભૂમિ પૂરતો જાણે હવે હું કોઈ જીવતો માનવી નથી, પ્રેત છું, વાસનાદેહે વિચરું છું. આ શીળી ધૂળમાં પડેલી મારી હજારો પગલીઓને વર્તમાનના વાયુએ ભૂંસી નાખી છે. આ પરિચિત આંબો, કૂવો, વાડ, તળાવડી – બધાંને ઊલટથી મારું નામ કહી ઓળખાણ આપવાનું મન થાય છે, પણ ઘા જેવો પ્રત્યુત્તર સાંભળવાની હિંમત નથી તેની મૂંગો રહું છું.

પાટ ઉપર બેઠો છું. ગામમાંથી મોતીભાઈ આવે છે. મોં ઉપર વૃદ્ધત્વવના ઓળા ઊતર્યા છે પણ ઉત્સાહની ઝલક ઝાંખી પડી નથી. કહે છે : ‘ઘણે વર્ષે આવ્યા જયંતીભાઈ’ (મારું નાનપણનું નામ ‘બચુભાઈ’ વીસરાઈ ગયું છે). ગામની રોનક બદલાઈ ગઈ; સમયની બલિહારી છે. જુઓને, જ્યાં ધોળે દહાડે જતાં બીક લાગે ત્યાં હવે ખબખબાટ વસ્તી થઈ ગઈ છે, જમીન ખેડાઈ ગઈ છે ને ઘોઘંબું તો હવે શહેર જ જોઈ લો, કોઈ વાતની કમી નથી. બજાર થયું છે, મોટરો આવે છે. શહેરમાંથી શાકભાઈ ઊતરે છે. ભલું હશે તો બે-ચાર વર્ષમાં વીજળીયે આવશે. ગામનો ઉદય લખાયો હોય તે મિથ્યા થાય કે? ‘કેમ, હવે તમારા જેવા શહેરમાંથી આવે એમને ગમે એવું થયું છે ને?’ હું શો જવાબ આપું? એમના મોં પરની આશા-ઉત્સાહની ઝલક ઝાંખી કરવાનું પાપ શા માટે કરું? થાય છે કે બીજા કોઈ ગામની આવી પ્રગતિ જોઈને મને આનંદ ન થાત? પણ આને ‘બીજું ગામ’, પારકું ગામ ગણવાનું તાટસ્થ્ય ક્યાંથી લાવવું? મારે તો મારું ગામ જોવું હતું, ભૂતકાળનું મારું ગામ હતું તેવું જ જોવું હતું. પણ એમ આપણું ભૂતકાળનું મમત્વ કાંઈ કાળને કાળજે જકડી રાખી શકે કે? જે ગયું તે તો ગયું જ. એનો રંજ ન કરવાનું ગીતાજ્ઞાન તો થાય ત્યારે; હમણાં તો મન એ ભૂતમાં જ રમમાણ રહે છે. એક આખું જગત મારા ચિત્તમાં બરાબર વસી ગયું છે. વર્તમાનના સંદર્ભમાં હું આ ભૂમિનો નથી, તો હૃદયથી આ ભૂમિથી કદી છૂટો પણ પડવાનો નથી. આમ ‘છે’ અને ‘નથી’, ‘છું’ અને ‘નથી’ની વિચિત્ર લાગણી થાય છે. થાય છે કે સવારે જ અહીંથી નીકળી જાઉં: વધારે રહેવાથી રખેને ચિત્તમાં અંકાયેલું પેલું ચિત્ર ચેરાઈ જાય!

સવારે મોટરમાં વિદાય થાઉં છું. ઊંચા નીચા રસ્તા ઉપર આંચકા આપતી મોટર એકધારો અવાજ કરતી ચાલી જાય છે. વધતા જતા અંતર સાથે હું ચિત્તમાં ઊગેલા મારા વનાંચલમાં વધુ ને વધુ ઊંડે પ્રવેશતો જાઉં છું, નાની નાની કેડીઓ જેવી કાવ્યપંક્તિઓ મનમાં ઊઘડી રહે છે :

અહીં હું જન્મ્યો’તો વનની વચમાં તે વન નથી;
નથી એ માટીનું ઘર, નિજ લહ્યાં તે જન નથી;
અજાણ્યાં તાકી રહે વદન મુજને સૌ સદનમાં,
વળું પાછો મારે વનઘર હું : મારા જ મનમાં.