વનાંચલ/અભ્યાસલેખ ૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અભ્યાસલેખ
(૧)
નષ્ટનીડ થયેલા વનાંચલની લોહીદૂઝતી સ્મૃતિકથા
– રમેશ એમ. ત્રિવેદી

કાકાસાહેબ કાલેલકરની ‘સ્મરણયાત્રા’ પછી અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં એના કર્તાઓની નિર્ભાર ગદ્યશૈલીને કારણે મને કવિ જયન્ત પાઠક કૃત ‘વનાંચલ’ તથા કવિ ચંદ્રકાન્ત શેઠની ‘ધૂળમાંની પગલીઓ’ વિશેષ ગમે છે. એ સ્મૃતિકથાઓના નાયકોના શૈશવ અને કિશોર વયનો વિસ્મયલોક મનને સાત્ત્વિક, રોમાંચક આનંદ પૂરો પાડે છે.

ગુજરાતના પંચમહાલ જિલ્લાના પૂર્વ ભાગે આવેલા એ વનાંચલનો આપણે પરિચય કરીએ. નકરી કુદરતથી વીંટળાઈને વસતી-જીવતી કોળી, ધારાળા, બારૈયા, આદિવાસીઓની વસતિવાળું ટેકરી પર નાનકડું ગોઠ ગામ વાર્તાનાયકનો સ્વપ્નલોક છે. ‘પથ્થર વચ્ચે પાણી લઈને વહેતી શમણા જેવી’ કરડ નદી — એનાં ખળખળ વહેતાં જળ અને એના કિનારાનાં રેતી અને ધૂળ; મોરડિયો અને ધેજગઢિયો જેવા ડુંગર અને તેના ઉપર અંકાયેલી સર્પાકાર કેડીઓ; વનભૂમિ એટલે રાની પશુઓની હાજરીનો અહેસાસ કરાવતું તેમજ એ શિશુ વયમાં ભય અને રોમાંચથી મનને ભરી દેતું જંગલ; લાંબે સુધી પથરાયેલાં ખુલ્લાં ખેતરો અને કોતરો; મોંઘામૂલી વનસંપદા ધરાવતાં લહેરાઈ ઊઠતાં લીલાંછમ વૃક્ષો; ‘વનપરીના નાનકડા ખોબા જેવી’ તલાવડી અને એમાં ધુબાકા મારતાં નાગાંપૂગાં છોકરાંઓનો કલધ્વનિ; વન્ય સુગંધને લઈને ‘ડોલતો વાયુ વાય’ની થતી અનુભૂતિ; કાળઝાળ ઉનાળાનો તાપ અને ધોધમાર ઝડીઓ વરસાવતો વરસાદ; આંખને ભરી દેતું તારાભર્યું કે પછી કાળુંડીબાણ આકાશ; છાયા-પ્રકાશની લીલા ખેલતા અંધકાર અને ઉજાસનાં દૃશ્યો – આ સૌ ચિત્રોની સ્મૃતિ વ્યક્તિમાં ગમે તે વયે તાજી થઈ મધુર સંવેદનો જગવી જાય એમાં શી નવાઈ! લેખકને આજે એ સંવેદનો મિશ્ર અનુભવ કરાવે છે, કારણ કે હવે એ ભૂતકાળ બનીને જ રહી ગયાં છે.

ગોઠ ગામનો ઉપર્યુક્ત સમગ્ર પરિવેશ લેખકના જન્મસમયનાં જ કવચ-કુંડળ છે. તે કહે છે :

‘અહીં હું જન્મ્યો’તો વનની વચમાં તે વન નથી,
નથી એ માટીનું ઘર, નિજ લહ્યાં તે જન નથી;
અજાણ્યાં તાકી રહે વદન મુજને સૌ સદનમાં.
વળું પાછો મારે વનઘર હું : મારા જ મનમાં.’

સંસ્કૃતિએ, સુધારાએ એ કવચ-કુંડળ ઊતરડી લઈ આટલા વર્ષે વિખૂટો પાડી દીધો છે. પિતાજીના અવસાન પછી લેખક વધુ અભ્યાસ માટે વતન છોડે છે, શહેરમાં જાય છે – કાલોલ, વડોદરા, સૂરત... ત્યારે જ વતનથી વિખૂટા પડ્યાનું દર્દ તેઓ કહે છે તેમ ‘જાણે જીવતી ચામડી ઊતરડાતી હોય’ એવો વેદનાસિક્ત અનુભવ કરાવે છે. ઉચ્ચ શિક્ષણ મેળવી અધ્યયન-અધ્યાપન અર્થે નગરમાં વસવાટ કર્યો પણ સ્વચ્છ રસ્તાઓ, ડામરના રસ્તાઓ પરથી પસાર થતાં ‘મને સાંભરે મારા ઘરની કોઢ...’ આ સંવેદન તીવ્રપણે ઉત્પીડક અને વિષાદ પ્રેરક બનાવે છે. તેમણે પોતે સ્વપરિચય આ રીતે કરાવ્યો છે :

                 ‘પ્હાડોનાં હાડ મારા પિંડમાં, ને
           નાડીમાં નાનેરી નદીઓનાં નીર
                  છાતીમાં બુલબુલનો માળો, ને
              આંગળીમાં આદિવાસીનું તીણું તીર
                  રોમ મારાં ફરકે છે ઘાસમાં...’

સમયવનની એ ભીની ક્ષણોમાંથી પસાર થતાં કવિ બોલી ઊઠે છે કે –

‘હવે સંકેલાતું સકલ મુજ અસ્તિત્વમાં મનમાં :
હું અર્ધો જીવું છું સ્મરણ મહીં, અર્ધો સ્વપનમાં.'

નગરજીવનની સુખ-સુવિધાભરી જિંદગીની રફતારમાં કળી ન શકાય એવો અજંપો લઈ કવિ આખી રાત આળોટે છે અને ‘વસ્તર નીચે અસ્તર જેવું દુઃખ દબાવી’ જીવવાનો મરણિયો છતાં નિષ્ફળ પ્રયત્ન કરે છે.

***

કવિ જયન્ત પાઠક (૧૯૨૦-૨૦૦૩) અનુગાંધીયુગના ગણનાપાત્ર સર્જક છે. તેઓ કવિ, લલિત, ગદ્યલેખક, વિવેચક, અધ્યાપક છે. ગુજરાતના દક્ષિણાપથની ઉશનસ્-જયન્ત પાઠકની કવિબેલડી ગાંધીયુગ અને નવીનતર કવિઓની કવિતાઓ વચ્ચે સેતુરૂપ રહી છે. ૧૯૬૪માં પ્રગટ થયેલું ‘વનાંચલ’ જયન્તભાઈના નિજીપણાનો સંતર્પક પરિચય આપે છે. શહેરની સભ્યતા વચ્ચેય તે બોલી ઊઠે છે :

‘આનંદ છે : સંસ્કારથી હું ધન્ય,
આનંદ છે : થોડો રહ્યો છું વન્ય!’

વન, વતન, વનાંચલ એમની નસેનસમાં નર્તન કરતું પ્રત્યક્ષ થાય છે. વતન પ્રત્યેની કવિની તીવ્ર આરત અને હિઝરાવાપણાનો અનુભવ નીચેની પંક્તિઓમાં સરસ ઝિલાયો છે :

‘વતનવનની કેડીઓએ ફરી ડગલાં ભરું,
શિશુ વયની સંતાતી જ્યાં ત્યાં પરી ઢૂંઢતો ફરું.’

કવિ નખશિખ વગડાનું-પ્રકૃતિનું બાળક છે અને એમ હોવાનું તેમને સ્વાભાવિક ગૌરવ પણ છે. આ બાબતમાં કવિ ઉશનસ્ કહે છે : “સુરત શહેરના હવે સ્થાયી નાગરિક બનેલા જયન્ત ‘ગોઠ-ઘોઘંબા’ના વનાંચલની સ્મૃતિઓમાં ગરક થઈ ચિત્તમાં ઊંડું શારકામ કરે છે; ને જાણે સ્મૃતિઓનો ઉત્સ લોહીલુહાણ થઈને હવે ઊડે છે. ‘વનાંચલ’ શાહીથી લખાયું નથી, લોહીથી લખાયેલી રચના છે; કારણ કે ગોઠ ગામનું હવે ત્યાં ઘર જ રહ્યું નથી; એમનો માળો પીંખાઈ-વીખાઈ ગયો છે. આમ નીડ નષ્ટ થયાની લોહીલુહાણ અનુભૂતિ ઉપર, કપાયેલા વનવૃક્ષ ઉપર જાણે માળો શોધતી સમડીઓ હોય તેવી સ્મૃતિઓ મંડરાયા કરે છે.” ‘વનાંચલ’ના કેન્દ્રમાં લેખક કે એમનો પરિવાર નથી; પરંતુ ગોઠ ગામ, તેની નદી, જંગલ, ખેતર અને આદિવાસી લોકો છે, એ રીતે જોતાં લેખકની આ સ્મૃતિકથા સમષ્ટિકથા પહેલી છે. એક આખો જનસમાજ એની સઘળી વિલક્ષણતાઓ અને મર્યાદાઓ સાથે અહીં ઉજાગર થયો છે. બાર પ્રકરણોમાં બાર પાંખડીઓવાળું સ્મૃતિસંવેદનોથી ધબકતું અને મહેકતું જાણે ગુલાબ જ જોઈ લો! ગોઠ ગામમાં વસેલાં બ્રાહ્મણનાં આઠ ઘરમાં માટીનાં બે નાનકડાં ઘરમાં વસતું લેખકનું કુટુંબ — વૃદ્ધ દાદા, માતાપિતા અને નાનાં બાળકોથી ભર્યું-ભર્યું છે. ભવાનીશંકર દાક્તરની દવા પણ પડીકીના કાગળ સાથે ગળી જતી, તો ક્યારેક દોરાધાગા, મંતરજંતર, ભૂવાજતિવગેરેમાં માનતી, અફીણની કાંકરીની બંધાણી આ સાવ ભોળી અને અજ્ઞાન જનતાનો બનેલો આદિવાસી સમાજ છે. ‘દવા તો હારી, પણ આ કાગળિયાં ચાવવાનાં ની ગમે’ એમ કહેવામાં તેમનું નર્યું ભોળપણ અને અજ્ઞાન તેમના પ્રત્યે વહાલ અને કરુણા ઉપજાવે છે. આદિવાસી સમાજની આર્થિક-સામાજિક પરવશતા દિલનો ધબકાર ચૂકવી જાય એવી છે. જો કે અજ્ઞાન અને ગરીબીએ એમને હરાવ્યા-હઠાવ્યા નથી, બલકે ધગધગતા અંગારા પર ચાલવાની શક્તિ આપી છે, એવું અવલોકન સર્વથા ઉચિત છે. પછાતપણાને લીધે એ પ્રજાની વ્યથા, પીડા, વેદના ભારોભાર છે. ભૂખમરામાં કેવળ છાશ પીને, ઝાડનો પાલો અને કંદમૂળ ખાઈને અથવા જંગલમાંથી તેતર-સસલાંનો શિકાર કરી લાવી પેટનો ખાડો પૂરતા લોકોનું કરુણાજનક ચિત્ર વેધક બન્યું છે. આમ છતાં, લેખકે યોગ્ય જ ધ્યાન દોર્યું છે કે ભૂખમરા અને બેકારીની જ વચ્ચે આખી જિંદગી-આયખું પૂરું કરતી આ પ્રજા ચોરીલૂંટમાં પડતી નથી! આવા ‘રામરાજ્ય’ની કલ્પના સુધરેલા કહેવાતા સમાજ તરફ ચોક્કસ પ્રકારની આંગળી ચીંધે છે. આ પ્રજા ઉપર વટ પાડવા અને તે માટે જોહુકમી કરતા સરકારી અમલદારોનું ચિત્ર, ભોળા લોકોની નજરે ‘જમડા જેવા’ કહી સચોટ રીતે ઉપસાવ્યું છે. વાઘ-વરુનો એકલે હાથે સામનો કરનારા અને નિર્ભયતાથી વગડો ખૂંદી વળનારા આ આદિવાસીઓ ‘ખાખી ડગલી’ જુએ અને થરથર કંપે! લેખકે મર્મોક્તિમાં કહ્યું છે કે આ બિચારાઓને અમલદારી તાપ આગળ સૂરજનો તાપ કુમળો લાગતો હશે.

દાદા જોઇતારામનું શબ્દચિત્ર લેખકે સરસ આલેખ્યું છે. મરણ અને પરણના પ્રસંગો પાર પાડી આપનાર ગોર-જજમાનવૃત્તિનો વ્યવસાય કરનાર તરીકે તેમની પ્રતિષ્ઠા હતી. એક યજમાનને ત્યાં મરણક્રિયા સંપન્ન થયા પછી ‘રિવાજ’ મુજબ બાળકે પહેરેલી નવીનકોર ‘છેટી’ ગોરદેવને ના આલું-ની હઠ લઈને બેઠેલો આઠ વર્ષનો આદિવાસી બાળક અને એ પ્રસંગમાં ગરીબીમાંથી જન્મતી લાચારીની કરુણતા સચોટ રીતે આલેખાઈ છે. લેખકનું શૈશવ અભ્યાસની સાથે સાથે આ બધાં બાળકો સાથે કોઈ પણ પ્રકારના ભેદભાવની અસમાનતા વગર પસાર થયું છે. બાળપણમાં ગિલ્લીદંડા અને ભમરડા, ગેડીદડા અને લખોટીઓની રમતો ઉપરાંત ઝાડ પર ચઢવું, નદીમાં ભુસ્કા મારવા, રેતીમાં પગ રાખી રેતી દબાવીને દહેરાં બનાવવાની રમતો પણ ભૂલ્યા નથી. વૈજનાથ મંદિરની પુરાતનતા અને તેની થતી ઉપેક્ષા માટેની માર્મિક ટીકા લસરકામાં શબ્દચિત્ર ઉપસાવી આપે છે. ખેતરમાં અને વાડીઓમાં થતા વિવિધ અનાજના પાક, ઋતુ-ઋતુનાં ફળ, શાકભાજી વગેરેનું વર્ણન કરતી વખતે ‘દાદાનું ખેતર’ પણ લેખકની સ્મૃતિના કેમેરામાં બરાબર ઝડપાઈ ગયું છે. ગ્રામજીવનને નવચેતનનો સ્પર્શ આપતા અને આનંદના ગુલાલથી ભરી દેતા વ્રતો, મેળાઓ, તહેવારોની વાત કરતાં લેખકે સરસ અવલોકન કર્યું છે કે દેશી રજવાડામાં લોકોને વેઠ-ફરજિયાત મજૂરીના ભારે ત્રાસ વચ્ચે પણ મીઠા વીરડાઓ છે જે જીવનરસને ટકાવે છે. પ્રજા અતિશય ગરીબ, મરવાને વાંકે જીવતી છતાં જીવનરસથી છલકાતી અને ભરપૂર આનંદોલ્લાસથી જીવતી રહી છે એ જ એમને સાચું જીવતર બક્ષે છે. એમનો મુખ્ય તહેવાર હોળી. વળી, લગ્નપ્રસંગનું પણ ખૂબ જ મહત્ત્વ. આ બે અવસરોએ તો આખું ગામ નાચે, કૂદે, ગાય, ઢોલ વગાડે, દાંડિયા રાસ રમે, ગબુલી(નાનું ઢોલ)ના તાલે આખી રાત ધરતીનું પડ ગજવી મૂકે, એ સ્મરણ લેખકને પ્રભાવિત કરી ગયું છે.

‘આ ધરતી સાથે મારે આટલો ગાઢ સંબંધ હતો તે તો જે આ વિખૂટા પડતાં જ જાણ્યું’ એવા દુઃખદ ભાવ સાથે વતનવિચ્છેદ જીરવવા મથે છે. દિવસો વીતતા જાય છે. શૈશવ સરકતું જાય છે. વતન સાથેના મુગ્ધતાના તંતુ એક પછી એક તૂટતા જાય છે. જિંદગીનું આનંદપર્વ પૂરું થાય છે અને વિષાદપર્વ હવે આરંભાય છે. નવા વાસ્તવજગતમાં જ હવે શ્વાસોચ્છ્વાસ લેવાના છે તેની નક્કર પ્રતીતિ થતી જાય છે. ત્રણ દાયકા જેટલા દીર્ઘ સમય પછી લેખક એસ.ટી.માં બેસી વતનમાં જાય છે ત્યારે સાવ બદલાઈ ગયેલી, ભૂલા પડી જવાય એવી વતનની છબિ નજરોનજર જુએ છે. ‘જે જંગલમાં દિવસે ચાલતાં ભય લાગતો ત્યાં ગણ્યાં-ગાંઠ્યાં ઝાડવાં ઊભાં છે... ક્યાં માણસને આશ્રય આપતો પેલો વનાંચલ ને ક્યાં આ માણસોને આશ્રયે, એની દયા ઉપર જીવતાં ઝાડવાં!... રહ્યાં-સહ્યાં ઝાડવાંને પૂછું છું ઓળખો છો? જવાબમાં એ માથું ધુણાવી કહે છે : ‘ના, ના.’ આ ભૂમિ પૂરતો જાણે હું કોઈ જીવતો માનવી નથી. પ્રેત છું, વાસનાદેહે વિચરું છું.’ લેખકનો આ વલવલાટ, તરફડાટ હૈયું વલોવી નાંખે એવો કરુણ છતાં કાવ્યમય રીતે રજૂ થયો છે.

રેલવે આવી, ડેમ બંધાયો, લંગોટીને બદલે થેપાડાં અને ઘૂઘરિયાં બટનવાળાં લાલ-લીલાં ખમીસ અને માથે ફાળિયાં આવ્યાં, ‘છાહ’ને બદલે હવે ‘ચાહ’ પીવા ગામની ભાગોળે લોકો ટોળે વળી બેસવા લાગ્યા. એક કાળે જે મોટા કાળા ખડકો નદીના પટમાં હાથિયા ધરાની યાદ સાથે ઊભા હતા તે પાણી ઘટી જવાથી ડરાવતા નથી; લીલીકુંજાર વનસ્પતિથી શોભતા ડુંગરા હાડપિંજર બની ગયા છે. ઘેઘૂર ઘટાળો વડ ઊખડી ગયો છે, શિશુઅવસ્થાનું પોતાનું ઘર અદૃશ્ય થઈ ગયું છે; વતનનું ગામ ઉજ્જડ થઈ ગયું છે. અનેક પ્રશ્નો જન્મે છે, આ સુધારાનું બુલડોઝર ફરી જવાથી. ‘ક્યાં છે? ક્યાં છે?’ની પ્રશ્નમાળા કવિચિત્તમાં ખળભળાટ મચાવી મૂકે છે :

‘જાંબુડીના ઝાડ ઉપર લટકતો
લીલો લીલો મારો સૂરજ ક્યાં છે?

                               ક્યાં છે મારું ટેકરીઓનું ગામ,
                               ગામનું ઘર, ઘરની કોઢ, કોઢમાં

      અંધારાની કાળી ગાયને દો’તી મારી બા?
                               ક્યાં છે...’

મુગ્ધતાથી શરૂ થયેલી એ અતીતની કથા, ‘વનાંચલ’માં—વનઘરમાં પ્રવેશતાં જ ચમત્કારિક રીતે જ ખોવાઈ ગયાનો અહેસાસ ‘માણ્યું તેનું સ્મરણ’ કરીને ‘તે હિ નો દિવસો ગતાઃ’ કહીને વિષાદભાવમાં ઢબુરાઈ જતી જોવા મળે છે.

પ્રકૃતિની રમ્ય-રુદ્ર ચિત્રણા હોય કે આદિવાસી જીવનની કારુણ્યસભર છબી હોય કે પ્રકૃતિને હવે સંસ્કૃતિની મહેરબાની પર જીવવાની નોબત આવ્યાની વાત હોય લેખક અત્યંત કલાસંયમ દાખવી ઊર્મિરૂપે શબ્દદેહ આપી વહેતી કરે છે. કલમની સાદગીનું સૌંદર્ય પણ સ્પર્શી જાય છે. આ સ્મૃતિકથાનો આરંભ વિશિષ્ટ છે, તો એનો અંત પણ વિશેષતાનો અનુભવ કરાવે છે. વિષાદનું ઝીણું ઝીણું ક્રંદન આરંભથી અંત સુધી પ્રત્યક્ષ અનુભવાય છે. ‘વનાંચલ’ પછી ‘તરુરાગ’માં એવું જ લલિત ગદ્ય માણવા મળે છે. ત્યાં વડ, લીમડો, આંબો, પીપળો, જીરાકોડી, વાંસ વગેરેનો વૃક્ષમેળો મળે છે; તેમ છતાં ‘વનાંચલ’માં લેખકે જનપદનાં વધામણાં કર્યાં છે, તે સંતર્પકતાનો રૂડી પેરે અનુભવ કરાવે છે. અહીં સર્જનાત્મક ભાષાનો કલાત્મક વિનિયોગ થવાને કારણે કૃતિ રમણીય અને રૂપવતી બની આવી છે.