વનાંચલ/પ્રકરણ ૪


(૪)

ગોઠ ગામની પૂર્વ દિશામાં, પસાયતું મૂકીએ એટલે તરત જંગલ આવે; સાગ, ખાખરા, બાવળ, આમલી, અનૂરીઓ, કૉઠી, આંકોલ ને કડાનાં નાનાં-મોટાં ઝાડ. એમાં એક-બે કઢાઈનાં તોતિંગ સફેદ રંગનાં વૃક્ષો, કાળીપરજની વચ્ચે આર્યજનની જેમ ઊભેલાં. પગમાં કાંટો વાગ્યો હોય ત્યારે આ કઢાઈનો ગુંદર ગોળ સાથે ગરમ કરીને બાંધવાનો. ખેંચાઈને કાંટો બહાર આવી જાય. નાનપણમાં અમે ઉઘાડે પગે જ ફરીએ (જોડા-ચંપલ ત્યારે આ પ્રદેશમાં જરૂરતની નહિ તેટલી મોજશોખની વસ્તુ ગણાય.) એટલે અનેક વાર આ ઉપચારનો આશ્રય લેવો પડે; પણ અમને આ ઝાડનું એક ખાસ આકર્ષણ હતું. એની સફેદ છાલ ઉપર સાગની સળીથી કે બાવળના કાંટાથી અમે નામ લખીએ. થોડા દિવસ એ અક્ષરો ઉપર પડ બાઝે ને પછી એ ઉખાડતાં નામ સ્પષ્ટ ઊઘડે. મહાદેવ જતાં રસ્તામાં આવતું એ નામાંકિત વૃક્ષ આજેય સ્મરણમાં અકબંધ ઊભું છે.

એ જંગલમાં ગામથી અર્ધોએક ગાઉ દૂર વૈજનાથ મહાદેવનું એક પુરાણું દેરું છે. આગળનો વિશાળ ઘુમ્મટ ને પાછળનું ઊંચું અણિયાળું શિખર તે કાળે અમને ભવ્ય લાગતાં. એની સામે ને આસપાસ નાની-મોટી અનેક દેરીઓ છે; હનુમાનજીનું મંદિર ને બળિયાદેવનું થાનક છે, અહીં જ અવસાન પામેલા બાવાઓની સંખ્યાબંધ સમાધિઓ છે. આ પ્રદેશમાં આવું મોટું મંદિર બીજે ક્યાંય નથી તેથી અનુમાન થાય કે એક કાળે અહીં વસ્તી હશે. મંદિરના પાછળના ભાગમાં ભીંતમાં એક તકતીમાં અરબી લિપિમાં લખાણ છે. નાનપણમાં એવું સાંભળેલું કે એ લખાણ કોતરાવીને આ મંદિરને મુસલમાનોના હાથે ભાંગતું બચાવવામાં આવેલું. એક કાળે અહીં સારી વસ્તી હશે એવા અનુમાનને સમર્થન મળે એવી બીજી ઘણી સામગ્રી અહીં પડેલી છે. પાસે મુસલમાનોની એક દરગાહ છે. પૂર્વમાં આગળ પડી ગયેલાં મકાનોના ઈંટેરી પાયા જોવા મળે છે. મહાદેવના થાનકની પૂર્વમાં જૂનું રાજગઢ આવેલું છે. એને ફરતી નાની-મોટી ટેકરીઓ છે. નામ જોતાં આ ટેકરીઓના કુદરતી ગઢથી સુરક્ષિત રાજગઢ એક કાળે મોટું ગામ હશે. જંગલમાં એક જીર્ણ મંદિર ઊભું છે, તે મંગલેશ્વર મહાદેવનું એમ દાદા કહેતા. ગોઠના બ્રાહ્મણો (અમારા કુટુંબ સિવાયના) અગાઉ અહીં રહેતા. હાલ રાજગઢમાં મુસલમાનોની વસ્તી છે (ને આખા પ્રદેશમાં માત્ર અહીં જ એમની વસ્તી છે.) એ જોતાં પાવાગઢ પરની મહમ્મદ બેગડાની ચડાઈ સાથે આ સ્થળના ઇતિહાસને સંબંધ હોય એમ લાગે છે. પાવાગઢથી આ સ્થળ સાત-આઠ માઈલ જ દૂર છે. મંદિર સહેજે છસો-સાતસો વરસ જૂનું હશે. એના આગળના ઘુમ્મટની છતમાં રામાયણનાં ચિત્રો, અજંતાનાં ચિત્રોમાં જેવો લાલ રંગ વપરાયેલો છે એવા રંગમાં આલેખાયાં છે. એ આખો પ્રદેશ પછાત ગણાય, એટલે આપણા સંશોધકો ને પુરાતત્ત્વવિદો ત્યાં સુધી પહોંચી શક્યા નથી; પહોંચશે ત્યારે કદાચ મંદિરનો કોઈ ઉત્સાહી પૂજારીએ જીર્ણોદ્ધાર કરી નાંખ્યો હશે. આપણી આ ધર્મપ્રેરી જીર્ણોદ્ધારતત્પરતાએ કેટકેટલા ઐતિહાસિક અવશેષો ને પુરાવાઓને ભૂંસી નાંખ્યા હશે! ગામના તળાવે કે નદીએ કેટકેટલા પાળિયાઓને, ઇતિહાસની નાનકડી વીરમૂર્તિઓને નાહવા-ધોવાની શિલા બનાવી આપણે ઇતિહાસને ઘસી-ભાંગી નાંખ્યો હશે! આપણી અંધશ્રદ્ધાએ પાળિયામાં આલેખાયેલી કેટલીય વીર વ્યક્તિઓને બળિયાદેવ, ભૈરવ કે ભાથીખતરી તરીકે સ્થાપી ઇતિહાસમાંથી એમને દેશનિકાલ કરી દીધી હશે, ઇતિહાસની આબાદી ઘટાડી દેવોની વસ્તી વધારી દીધી હશે! ગામને પાદરે આવેલાં વૃક્ષની સોડમાં કે નાનકડી દેરીમાં પુરાઈ રહેલા મૂંગા કાળ ભગવાનની કથા કહેનારી જીભો પણ હવે તો ટૂંકી થતી જાય છે. વૃદ્ધો ગયા ને નવી પેઢી તો શાળામાં ઇતિહાસ ગોખતાં પરવારે તો આ રોજ રોજ ઠોકરે ચડતા ઇતિહાસને ઉકેલવા બેસેને! પેલાં જૂનાં ચિત્રો ઉપર કૂચડો ફેરવી દઈ તેને સ્થાને વળી કોઈ અર્વાચીન ચિત્રો ચીતરી મારશે – નવી શૈલીનાં, રેઢિયાળ. એમાં મહાદેવજીને મૂછવાળા ચીતર્યા હશે કે મૂછ વગરના સ્ત્રૈણ દેખાવના : પાસે પાર્વતી દક્ષિણી ઢબની સાડી પહેરીને ઊભાં હશે કે વામાંગે વિરાજતાં હશે! આવા લપેડાઓમાં નથી કલાનો વિવેક કે નથી ધાર્મિકતાનો રંગ. આ તો પેટિયું કૂટનારની નરી મહેનત છે, વેઠ છે. જંગલોય કપાતાં જાય છે ને ખેતરો વિસ્તરતાં જાય છે, એટલે કદાચ પેલા ઈંટેરી પાયા પણ ઊખડીને લોકોને ઘેર પહોંચી ગયા હશે.

વૈજનાથના મંદિરના ગર્ભાગારમાં શિવલિંગ છે; ઘાટીલું કે ઘડેલું નહિ, શંકુ આકારનું ખરબચડા પથ્થરનું. એ સ્વયંભૂ ગણાય છે – કદાચ દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું એક વૈજનાથનું ગણાવાય છે તેથી હશે. પાછળ ગોખમાં એક ખરબચડા પથ્થરની પાર્વતીની મૂર્તિ છે. બાજુમાં એક બે-એક ફૂટ ઊંચું, ઘડેલું શિવલિંગ છે તે મંગલેશ્વર મહાદેવનું, પેલા જંગલમાં જીર્ણ હાલતમાં ઊભેલા મંદિરમાં એ હતું, પણ કોઈ આસમાની સુલતાની – ઘણુંખરું તો સુલતાની જ – થતાં એ મંદિર તૂટ્યું ને દેવને બચાવવા ભક્તોએ વૈજનાથમાં લિંગને લાવી સ્થાપ્યું.

કોઈ કોઈ પ્રસંગે આ સ્વયંભૂ લિંગ ઉપર વૈજનાથની તાંબાની મૂર્તિ(માત્ર મસ્તક) ગોઠવવામાં આવે છે. ત્રિનેત્ર, મૂછવાળું, કોઈ રજપૂત યોદ્ધાના મસ્તક જેવું આ શિવમસ્તક ખરેખર આકર્ષક છે. ગર્ભાગારના અંધારામાં, આરતીના ધ્રૂજતા આછા અજવાળામાં એ મૂર્તિનું દર્શન કરતા અમને ભક્તિ કરતાં ભયનો ભાવ વધુ જાગતો. ખરું કહું તો આ સ્થળ સાથે ભયનાં સંસ્મરણો જ વધારે જોડાયેલાં છે. સાધારણ રીતે સાંજે મહાદેવ જવાનું હોય ને આરતીનાં દર્શન કરીને અંધારે પાછા વળવાનું હોય. વગડામાં થઈને જવાનું, આજુબાજુ ઘોર અંધકાર, તમરાંના ચિત્કાર, ઉત્તર તરફ પાસે જ નદી ને એમાં સ્મશાન, બાવાની સમાધિઓ, પીરની દરગાહ, નદીકાંઠે જંગલમાંથી પાણી પીવા ઊતરતાં શિયાળવાંનું રુદન, આ બધું અમારા શિશુ મનને ભયથી ભરી દેતું.

મંદિરની પડખે એક ધર્મશાળા; એમાં બાવો રહે. વચ્ચે એની ધૂણી બળે; એમાં ત્રિશૂળ અને ત્રણ-ચાર ચીપિયા ખોસેલા. પાસે બાવાની બેઠક, ઉપર વ્યાઘ્રચર્મ પાથરેલું. ભીંત ઉપર એક ખીંટીએ વાઘનું માથું ગોઠવેલું ને તેની બાજુમાં બીજી ખીંટીએ કોઈ કોઈ વાર વગાડવામાં આવતું, ગૂંચળું વળેલા નાગના આકારનું, નાગણ નામનું વાદ્ય લટકે. બાવાના ઓટલા ઉપર એક બંદૂક ને એક તલવાર પણ ખરાં. ધર્મશાળાની પાછળ એક કૂવો ને એક-બે ગલતોરાનાં(ગુલમોરનાં) વૃક્ષ. ત્યાંથી ઢોળાવ શરૂ થાય તે નદી સુધી. અમારા જેવા ઊજળી વરણના દર્શનાર્થીઓ આવે ત્યારે કોઈ વાર બાવો ભાંગ ગાળે ને અમને ભાવથી પિવડાવે. અલકમલકની વાતો ગુજરાતી થઈ ગયેલી હિન્દીમાં હાંકે. આવા બાવાઓ આવે ને જાય; સ્મરણમાં એક ટક્યો છે : નામ નારણગર, સ્વભાવનો કડક; સરસ ઘોડી રાખે ને ગામડામાં અનાજ ને દાપાં ઉઘરાવતો ફરે. કોઈ કહેતું કે જાતનો એ વાઘરી છે; અટ્ટલ દારૂડિયો. સાંજે પસાયતામાં થઈને ઘોડી ઉપર જતો હોય એટલે મોટેરાં કહે : ‘કલાલને ત્યાંથી પીને નીકળ્યો હશે.’ કહેવાતું કે એણે એક નાયકણ રાખેલી. એક દિવસ બાવાજી ચકચૂર થઈને નાયકણ સાથે ધૂણી આગળ સૂતેલા તે રાતના લૂંગડાં સળગ્યાં ને બેય જણાં દાઝી ગયાં. બાવાને ગાડે ઘાલી શહેરના દવાખાને લઈ ગયા ને બાઈ મરણ પામી.

મહાદેવમાં ગોકળ આઠમનો અને શિવરાત્રિનો એમ બે મોટા મેળા ભરાય. અમે હોંશે હોંશે બાપુ સાથે મેળે જઈએ. બાપુ ખાવાની ગોળીઓ ને વગાડવાનું વાજું અપાવે : બહેનો બંગડીઓ પહેરે. આદમ ઘાંચી ચકડોળ ને ચકરડી લાવ્યો હોય; પૈસા આપી ચકરડીના ઘોડા ઉપર સવાર થઈને ગોળ ફરવાની મજા આવે. ચકડોળમાં તો જાણે જીવ ઉપરતળે થઈ જાય. ચગડોળે ચડીને ચકરડી ફરતાં ફરતાં ગાયા જ કરતાં પેલાં ગ્રામજનોમાં જ ‘મળેલા જીવ’નાં કાનજી ને જીવી શોધવાનું ફાવે છે. મેળામાં નાયક, રાઠવા, દૂર દૂરથી આવે. પંદરવીસના ટોળામાં સ્ત્રી-પુરુષો નાચતાં નાચતાં જાય. પુરુષો જોડિયા પાવામાં વાગતી ધૂનને તાલે તાલે નાચે; સ્ત્રીઓ ખુલ્લે ગળે ગીતો ગાતી ગાતી નાચે; એમનાં કડલાં તાલ પુરાવે. આંખોમાં મેંશ આંજી હોય. લાલ લૂગડું કછોટો મારીને પહેર્યું હોય. અંગોમાંથી ઉલ્લાસનો ગુલાલ ઊડતો હોય. આ જ સ્ત્રી-પુરુષો ગઈ કાલે તો કોઈનું ખેતર નીંદતાં હતાં, મગફળીઓ કે મહુડાં વીણતાં હતાં, ઝૂંપડીમાં ટાઢથી બચવા રાખમાં ઢબુરાઈ સૂતાં હતાં ને આવતી કાલે પાછાં આવા જ જીવનમાં જોતરાઈ જવાનાં છે એવો ખ્યાલ પણ ન આવે. અહીં વાર્તાઓમાં જેની હિમાયત થાય છે તે માંદલો જીવનનો ઉલ્લાસ નથી, પળે પળે જીવન-મરણના જંગમાં ઝૂઝી રહેલા લોકોનો સ્વાભાવિક ઉલ્લાસ છે. એમનાં સહજોત્થ ગીતને કોઈ સરકારી સર્ટિફિકેટની કે નૃત્યને કોઈ આચાર્યના ઉત્તેજનની પડી નથી. ખાસ કરીને શ્રાવણના મેળામાં આનંદ-ઉલ્લાસ વધારે જણાય. ઝરમર વરસાદ વરસતો હોય ને લોકો વગડો ગજાવતાં, પાણીમાં છબછબિયાં કરતાં જતાં હોય. છેક અમારે ઘેર રહ્યે રહ્યે મેળાનો કોલાહલ સંભળાય. દેરામાં પોઠિયાની ફરતે મોટા કૂંડાળામાં ફરીને ગાતાં સ્ત્રી-પુરુષોનાં ગીતોનો ઘોર સંભળાય. શિવરાત્રિના મેળામાં દરેકને એક એક લોટી ભાંગ મફત પાવામાં આવે.

કાળીચૌદશને દિવસે હનુમાનજીને તેલ ચડાવવા અમે જઈએ ને મૂર્તિ ઉપરથી થોડી ‘મળી’(ચીકણો પદાર્થ) ઉખાડી લાવીએ. આ મળીનો વ્યહારુ ઉપયોગ તો વાસણ કાણું થયું હોય તો તેને સાંધવામાં થાય; પણ પ્રચલિત માન્યતા એવી કે મળી ઘરના ટોલ્લે ચોંટાડવાથી ઘરમાં ભૂત-પ્રેતનો પ્રવેશ ન થાય. ભૂત-પ્રેતની વાત આવી એટલે દાદાએ કરેલી એક વાત સ્મરણમાં ચડી આવે છે. એક કાળીચૌદશે મારા બાપુ (જે તે વખતે દસ-બાર વર્ષના હશે) ને દાદા મહાદેવ ગયા. આરતી થયા પછી સાથેના માણસોએ ભજન ગાવાનું કહ્યું. બાપુએ સરસ રાગે ભજન ગાયું. અંધારી રાતે બધા ગામ ભણી જવા નીકળ્યા. ઘેર આવ્યા ત્યાં તો બાપુનું રૂપ જ ફરી ગયેલું! ડોળો કાઢે ને ‘મલેચ્છ’ (ઉર્દૂ) ભાષામાં બોલે. દાદા ભારે હિંમતબાજ. ભૂત-પ્રેતમાં માને ખરા, પણ જરાય ડરે નહિ. એમણે ધૂપ કર્યો એટલે બાપુને મુખે ઉર્દૂમાં એક ફકીરે પોતાનું નામ કહ્યું ને પોતે ઝંડ થયો છે એમ જણાવ્યું. કહે : ‘તેરા બેટા અચ્છા ગાના ગાતા હૈ, ઈસ લિયે ઉસકી સાથ મૈં યહાં આ ગયા.’ દાદાને ગભરાટ ન થયો. તેઓ ઉપાય વિચારવા લાગ્યા ને ક્ષણમાં તો એમણે યોજના વિચારી અમલમાં પણ મૂકી દીધી. કહેવા લાગ્યા : ‘તમારા જેવા પુણ્યશાળી જીવોથી અમારે ઘેર અવાય? અમે તો સંસારી, મેલા, ગંદકી અને પાપથી ભરેલા. તમારે અહીં રહેવું ન શોભે, તમે તો દેવ કહેવાઓ; કૃપા કરીને થાનકે જાવ.’ ઝંડ માની ગયો, બાપુ દ્વારા બોલ્યો : ‘અચ્છા. જાઊંગા.’ પછી એણે પાંચ-છ ખીલા મંગાવ્યા ને ઘરનાં બધાં બારણાંના ટોલ્લે એ ઠોકી દીધા. કહે : ‘બસ અબ તેરે ઘરમેં કભી કોઈ ભૂત-પલીત ન આયેગા.’ દાદા તો ખુશ થઈ ગયા, ખુશામદ કરવા લાગ્યા : ‘તમારી તો ઘણી મહેરબાની થઈ ફકીરજી; તમે અમારા ઘરને નરભે કરી આપ્યું. તમારો ગણ(ગુણ) નહિ ભુલાય.’ ‘અબ જાતા હું’, ઝંડે કહ્યું. અંધારામાં આગળ બાપુ ચાલે ને પાછળ દાદા. ગામને ઝાંપે આવેલા જૂના વડ સુધી બાપુ ગયા ને ત્યાં જ એકદમ ઊભા રહી ગયા. પાછળ દાદા આવે. બાપુએ પૂછ્યું : ‘આપણે અહીં કેમ આવ્યા?’ દાદા કહે : ‘કંઈ નહિ બેટા, ચાલો ઘેર જઈએ.’ દાદા જે રીતે આ વાત કહેતા તે રીતે મને કહેતાં આવડતી હોત તો? એમની વાત કહેવાની શૈલી સરસ, વાર્તારસમાં સાંભળનાર તરબોળ થઈ જાય; પોતે પણ ભાવોદ્રેકમાં આવી જાય, કંઠ રૂંધાય ને આંખમાંથી પાણી વહેવા માંડે. એટલે જ એમને વારંવાર એકની એક વાત કહેવાનું અમે કહીએ ને પહેલી જ વાર સાંભળતાં હોઈએ એવા રસથી સાંભળીએ.