વસુંધરાનાં વહાલાં-દવલાં/૧૯. ભાગી નીકળો!

૧૯. ભાગી નીકળો!

રૂપનગરની દીવાલે દીવાલ પર અક્ષરો પુકારતા હતા: હજારો વર્ષ પરની જિપ્સી ઓલાદ.

યુગાન્તરોથી ચાલી આવતી જિપ્સી જાત.

અગણિત સદીઓ પૂર્વે હસાતું હતું તે હાસ્ય.

હજારો વર્ષ પૂર્વેની ઓલાદનો વંશજ ગધેડો.

સૃજન-જૂના એના ભૂંકણ-સૂરો.

એ પુરાતન માનવીઓનાં રુદન-ગાન.

કલાપ્રેમી ને સંસ્કૃતિપ્રેમી નગર-જનો! આપણા કીર્તિવંત અને કાળલુપ્ત ભૂતકાળના આ વારસદારોને જોવા, સુણવા, સત્કારવાની આ સોનેરી તક ચૂકશો નહિ. રૂપનગરના બંગલાઓ સળવળી ઊઠ્યા હતા. પચીશ રૂપિયાની ટિકિટો ખપાવવા સન્નારીઓની મોટરો ખરે બપોરે દોટ કાઢી રહી હતી. એક રૂપિયાની ટિકિટ-ઓફિસો પર સંસ્કૃતિના ગરીબ પ્રેમીજનોએ દરોડા પાડ્યા હતા, એક રસિકચંદ્ર જેવા તો ચાર સેક્રેટરીઓ પ્રચારકામમાં લાગી પડ્યા હતા, જમવાનો સમય ન હોવાથી તેઓ કલાના ઉદ્ધાર ખાતર શરબતો અને આઈસક્રીમની રકાબીઓથી ચલાવી લેતા હતા. એ ચારનાં માથાં ભાંગે તેવા પાંચ કલાકારો રંગભૂમિની સજાવટમાં, પ્રકાશની જૂજવી રંગબત્તીઓ ગોઠવવામાં ને હસતા કુમારના હોઠની તેમ જ અંધકુમારીની નયન-કીકીઓની ચિત્રરેખાઓ દોરવામાં દિવસ-રાત મશગૂલ હતા. ગધેડાને કેવા શણગારો સજાવવા તે સમજવાને માટે પુરાતત્ત્વનાં પુસ્તકાલયોની ફેંદાફેંદ ચાલી રહી હતી. અંધ બાલિકાનાં ‘જિપ્સી’ ગીતો ઝીલવા એક સમૂહ-વાદ્યવૃંદ (ઓરકેસ્ટ્રા) પોતાના સૂરો સાફ કરતું હતું. રૂપનગરનું વર્તમાન જીવન મિલોના ધુમાડાથી અને જીવતાં માનવીને શેકી નાખનાર તાપથી ભરપૂર હતું. રૂપનગર જીવનમાં મરતું હતું ને કલામાં જીવતું હતું. કલા એ જ જીવન છે ને રોટી એ જ કલા છે: કલા રાજકારણનો આત્મા છે ને ક્રાંતિની જનેતા છે: કલા તે પ્રચાર છે ને પ્રચાર તે કલા છે: સાચી કલા પીડિતોની છે ને સાચી પીડા કલાહીન કલેજાંઓની છે: આવાં આવાં સૂત્રો રૂપનગરને જીવતા રહેવાનો હક્ક પૂરો પાડતાં. રૂપનગર સાચેસાચું જીવતું હતું કાં ભાવિમાં ને કાં ભૂતકાળમાં. વર્તમાનકાળ રૂપનગરને માટે ગેરહાજર હતો. મદારીને, ઝંડૂરને, અંધીને, વાંદરાને, રીંછણને અને ગધેડાને રૂપનગરથી પાંચેક માઈલ છેટે એક અજાણ્યા સ્થાનમાં રાખવામાં આવ્યાં હતાં, કેમકે નગરમાં એની મુલાકાત શોધનાર અખબારનવેશો તેમજ એના હસ્તાક્ષરો માટે ટોળે વળતા જુવાન કલારસિકો એનો જીવ કાઢી નાખે તેવાં હતાં. નાટકની વાર્તા રચાઈ ગઈ હતી, એના પહેલા જ દૃશ્યમાં જિપ્સી સંસ્કૃતિનો પ્રતિનિધિ ગધેડો લાવીને ઊભો રાખવાનો હતો. પણ એ ગધેડો અર્વાચીન ઓલાદનો ન ભાસે તેની ચોકસાઈ રાખવાની હતી. એના કાન કેટલી પહોળાઈએ રાખવા જોઈએ? એનું પૂંછડું વળેલું રાખવું કે સીધું સોટી સરખું? એના ભૂંકણની સાથે કયા વાજિંત્રના સૂર બંધબેસતા બનશે? આવા જટિલ પ્રશ્નોનો નિકાલ લાવવા કલાકારોની સમિતિ સ્થપાઈ ગઈ હતી. ‘આમાં અજંટાની કલાવાળાઓનું કામ નથી.’ એક કલાકાર બીજાની સામે વાંધો લેતા હતા. ‘જિપ્સીઓની કલા અને અજંટાની કલામાં મળતાપણું છે.’ અજંટા-પ્રેમી પોતાનો હક્ક જતો કરવા તૈયાર નહોતો. ‘મોંહેં-જો-ડેરોમાંથી નીકળેલી મૂર્તિઓ જિપ્સી-જીવનને વધુ મળતી આવે છે.’ એક નવા ખોદાયેલા પ્રાચીન નગરનું નામ મોંહેં-જો-ડેરો હતું, ને એ નામ લેવું તે સંસ્કૃતિના ઊંડા અવગાહનની અચૂક એંધાણી જેવું હતું એમ સમજનાર બીજાએ કહ્યું. રૂપનગરના રંગાલયમાં જે રાતે આ જિકર મચી હતી તે રાતે વૈશાખી પૂર્ણિમાની આગલી ચૌદશની રાત હતી. મદારી-કુટુંબને સુખસગવડમાં આળોટતું મૂકીને જગ્યાના રખેવાળો ઊંઘવા ચાલ્યા ગયા હતા. બુઢ્ઢા મદારીને સુગંધી સિગારેટો અવતાર ધરીને પહેલી જ વાર પીવા મળી હતી. સિગારેટના ધુમાડામાંથી નીકળતી ખુશબોનું પોતાના દેહ પર ને મૂછ-દાઢીમાં લેપન કરી લેવા માટે મદારી ધુમાડામાં હાથ ઝબકોળતો હતો. “બદલી-ઝંડૂર ક્યાં ગયાં?” એણે બે છોકરાંને બૂમ મારી. અંધી છોકરીનું નામ એણે ‘બદલી’ પાડ્યું હતું. બદલી એટલે વાદળી. વાદળી અને બદલી વચ્ચે એક સમાનતા હતી. અંધી બદલીનાં નેત્રોમાંથી પણ પાણીની ધાર છૂટ્યા કરતી હતી. છોકરાં સ્થાનમાં નહોતાં. મદારીએ બહાર નજર નાખી. નદીનાં ઊડાં કોતરો ચાંદની પીને પડ્યાં હતાં. કોતરો ડાકુઓ જેવાં હતાં. વચ્ચે થઈને વહી જતી નદીનો પાતળો છીછરો પ્રવાહ ડાકુઓના પણ દિલ વચ્ચે ક્ષીણ વહેતી લાગણી જેવો હતો. ઊડી જતું કોઈ કોઈ બગલું હવામાં તરતા રૂના પોલ જેવું લાગતું. પ્યારભરી ગૃહિણી-શી ચાંદની બહુ બોલ્યા વગર જ જગતના હૃદયમાં ઓતપ્રોત બનતી હતી. “ઓ બેઠાં.” મદારીએ નજીકની એક ભેખડ ઉપર બેઉ બાળકોને જોયાં. એમને જોઈને એ ઝાડના કાળા પડછાયામાં બેઠો. ત્યાં એ પાન-સોપારી ચાવતો હતો. ઝાડની ડાળખી હલતી હતી. ચાંદનીનાં કિરણો એ સોપારી ચાવતા દાંતની પીળાશને બહાર પાડી પાછાં ડાળીના હલવાથી ચાલ્યા જતાં, જતાં ને આવતાં. મદારીનું જ ચાવવું બહુ ખરાબ કકડાટી કરતું હતું. માથું ઊંધું ઘાલીને પડેલી ‘હેડમ્બા’ એ અવાજ બંધ કરાવવા માટે જ જાણે ઘૂરકતી હતી. ભોગાવાના પટમાં નગ્ન ઊભી ઊભી ‘મા! મા!’ પુકારતી અંધી આજે જુવાન ‘બદલી’ બની હતી. એના માથા પર છાતી નીચે ઢળતા વાળ હતા. એનું શરીર ભરાતું આવતું હતું. કોઈક મુસલમાન કુટુંબે ખેરાત કરેલી લીલી ઈજાર હતી. તે ઉપરનું કુડતું એના શરીરને માત્ર ઢાંકતું નહોતું, કિસ્તીના શઢ પેઠે લહેરાતું હતું. બોલતા ઝંડૂરના હોઠ પર આંગળીનાં ટેરવાં મૂકીને એ વાતો સાંભળતી હતી. “બદલી, રાત મીઠી છે. બયાન કર જોઉં.” “રાત મીઠી છે, ચાંદ ચડ્યો છે. નદી વહી જાય છે.” “તું જૂઠી છે. કાં તારી પાસે છૂપી આંખો છે, ને કાં તું પઢાવ્યું પઢે છે. તને ચાંદ દેખાય છે?” “હા.” “કેવો દેખાય છે?” “તારા મોં જેવો.” “નદી કેવી?” “તારા બોલ જેવી.” “મા યાદ આવે છે?” “માને તેં છુપાવી છે.” “બદલી, તું આંખો વગર કેમ આટલું બધું સમજે છે?” “આંખો છે. તને જોઉં છું; નદીને, ચાંદને, બધાંને જોઉં છું.” ચાંદનીના પ્રકાશમાં બદલીનાં નેત્રોનાં તારા ટમ ટમ થતાં હતાં. “કાલ તો મોટો તમાશો છે, બદલી!” “મને નથી ગમતું.” “લોકો તારાં ગીતો ને આપણાં નાચ જોવા તલપે છે.” “કાલે હું ગીતો ભૂલી જવાની, એવું લાગે છે. અત્યારથી જ મને યાદ રહેતાં નથી.” “આટલી વાર ગાયાં છતાં પણ?” “મારી આંખો પર ગરમ ગરમ રસ રેડતા’તા આજે.” “ગાંડી, એ તો રંગેબેરંગી રોશની હતી.” “મારે તો એ અંધારું હતું. તને જોઈ નહોતી શકતી. મારા પગ તાલ ભૂલતા હતા. હું તાલ ભૂલીશ તો તું દોર પરથી પડી જવાનો.” “આપણે ભાગી જશું, બદલી?” “કેમ?” “બુઢ્ઢો આપણને છોડી તો નહિ જાય?” “શા માટે?” “બુઢ્ઢાએ આજ વાંદરીનું બચ્ચું વેચી નાખ્યું. મને બીક લાગે છે. આપણને પણ એ વેચે તો?” “આજ કોઈ બુઢ્ઢા જોડે વાત કરતું’તું.” “શાની?” બદલી ચારે બાજુ મોં ફેરવી નાકની હવામાં ગંધ સૂંઘવા લાગી. “આંહીં કોઈ નથી,” ઝંડૂરે કહ્યું. “કોઈક આપણને જુએ છે. મને ગંધ આવે છે.” “ધીમે ધીમે કહે—કહી દે. શાની વાત કરતું’તું?” “મને આપી દેવાની.” “કોને આપી દેવાની?” “કોઈક તમાશાવાળાને.” “બુઢ્ઢાએ હા પાડી?” “ઘડીક ના ને ઘડીક હા પાડતો હતો. સિનેમાવાળો ઘણા બધા રૂપેલા દેવા કહેતો હતો.” “તને જવા દિલ હોય તો સારી વાત છે, બદલી!” બદલીએ ઝંડૂરના હોઠ પર ફરી વાર આંગળાં ફેરવ્યાં, ને કહ્યું: “મને મેલી જા!” “ક્યાં?” “જ્યાંથી મને તેડી લીધી’તી ત્યાં.” “ત્યાં શું કરીશ?” “માને સાદ પાડતી ઊભી રહીશ.” “એટલું કહીને ધીરે ધીરે એણે ઝંડૂરના મોં પરથી આંગળાં લસરાવી લીધાં.” “ઊઠ, બદલી.” ઝંડૂરનો અવાજ પલટી ગયો: “હું બુઢ્ઢા પાસે જઈને જવાબ માગીશ.” “એ તને મારી નાખશે.” “હું એની ગરદન પીસી નાખીશ. આ જો મારાં આંગળાં.” એટલું કહીને એણે પોતાનો ગરમ બનેલો પંજો બદલીના હાથમાં મૂક્યો. એનાં આંગળાંમાં બદલીએ માણસને મારવાનું ઝનૂન અનુભવ્યું. એ બન્ને મુકામ પર પાછાં ગયાં. મદારી બુઢ્ઢો તે વખતે ગધેડા પર સામાન ભરતો હતો. “ચાલો ઝંડૂર, ચાલો બદલી.” એણે બેઉના કાન પાસે જઈને કહ્યું: “ભાગી નીકળો જલદી. રીંછણની રસી છોડી લે, ઝંડૂર.” ઝંડૂર ને બદલી આ તૈયારીનો મર્મ ન પકડી શક્યાં. “ચાલો તાકીદે. આ ધરતીમાં મારું દિલ ઠેરતું નથી.” “પણ કાલે તમાશો છે,” ઝંડૂરે યાદ આપ્યું. “તમાશો? તમાશા વિના દુનિયા અટકી જવાની છે? બધો જ આ તમાશો છે. હું પોતે જ તમાશો બની ગયો છું. મારું ડાચું તો જો, તને બદલી ગયું નથી દેખાતું? આમ આવ, બદલી, મારે કલેજે હાથ મૂક.” એમ કહી એણે બદલીનો હાથ હૈયે લીધો. “તું અંધી છે. તુંને મારા ડાચાથી ઠગી નહિ શકાય. મારા કલેજાની વાત તું પકડ, બરાબર પકડ, કયો ઇરાદો ઊપડ્યો છે મારામાં, તું સમજી લે. આંહીં આવ ઝંડૂર. તારા કાનમાં કહેવા દે, મારે બદલીને વેચવી’તી. મારી સામે રૂપિયા રૂપિયા રૂપિયા નાચતા’તા. ભાગો, ભાગો જલદી. આ ધરતી સળવળીને આપણને એના પંજામાં પક્ડી લેશે. ભાગો, ધરતીનો ઈતબાર નહિ. યાદ કરો, ધરતી જ બદલીની માને પેટમાં ઉતારી ગઈ, ધરતી મગરની મા છે, ઢેઢગરોળીની દાદી છે, અજગરની સાસુ છે. જલદી ઉપાડો પગ, ધરતીને માથે જબરી ડાંફો ભરતા ચાલો. એકેય કદમે એનો ઈતબાર ન કરો. એ ફાટે તે પહેલાં જ કદમ ઉઠાવી લ્યો. ચાલો, બદલી, ચાલો, ઝંડૂર, મારે તમને હજી કેટલાંય ગાન ને કેટલાય નાચ-ઠેકા ભણાવવાનું બાકી છે. ઇલમને પેટમાં રાખીને મારે નથી મરવું. ચાલો, આ હવા ઝેર છે.” એક નાના માંકડા સિવાયનું આખું મદારી-કુટુંબ શહેરની ધરતીમાંથી સરી ગયું. તેમણે રાત લીધી. ગામડાંની વાટ છોડીને નદીનાં કોતરો સોંસરી આડી વાટ ઝાલી. ફરી વાર એ ચોર બન્યો. એણે શહેરી કલા-સમારંભની થોડી સિગારેટો ફૂંકી હતી. એ રીંછણ જોડે બાથંબાથી કરીને થાક્યો ત્યારે એણે દારૂની એક એક એક પ્યાલી માગી હતી. એ દારૂનાં ને ધુમાડાનાં રજકણો પણ પેટમાંથી ઓકી કાઢવાનું એને દિલ થયું. નદીનાં નીરમાં ચાંદનીના ભર્યા દરિયાવ પર તરતાં માછલાં જેવાં એ સ્વજનો ક્યાં સરી ગયાં તેની ભાળ કોઈને લાગી નહિ. બદલીનો હાથ ઝંડૂરના ખભા માથે હતો. એ ખભો જ જાણે એની આંખ હોય તેમ બદલી પથ્થરો પર ને ભેખડોમાં દોડતી હતી. એને જરીક શંકા પડતી તો એ ઝંડૂરને હોઠે હાથ ફેરવી લેતી. વળતા પ્રભાતે વૈશાખી પૂર્ણિમાના સમારંભકોની, અને ટિકિટો પાછી આપી પૈસા માગવા આવનારાઓની વચ્ચે સંગ્રામ થયો, ને વૈશાખી પૂર્ણિમાનો ચંદ્ર સોળે કળાએ ઉદય પામ્યો. તેજુ રૂપનગરમાં પહોંચી ત્યારે માત્ર દીવાલો પર હસતા ઝંડૂર અને અંધી બદલીનાં પોસ્ટર પણ અરધાં ઊખડી ગયાં હતા. નટમંડળીનો કોઈ પત્તો નહોતો. વાતો સાંભળી લીધી. ફરી એ ચાલી નીકળી. સીમાડે બેસીને એણે એક વાર વિચાર કર્યો. આ જીવતર પાનખરનાં પાંદડા જેવું ખરી પડે તે પૂર્વે એક પણ લેણદેણ બાકી ન રહી જાય તો જ મારો છોકરો નરવો રહેશે. જીવતરનો ચોપડો તપાસ્યો. એ ચોપડાને એક પાને એક કરજનો આંકડો હતો. પીપરડી ગામની ખીજડા-તળાવડીની પાળે એક ઝાડની પોલમાં એક ડબલું હતું એમાં રૂપિયા હતા. એ ધન પારકું હતું. જતને સંઘર્યું હતું. જઈને પાછું સોંપવું જોઈએ. નહિતર જીવ બ્રહ્માંડની ઊની લૂક ફાકતો ફાકતો જલ્યા કરશે.