વસુધા/આજે પ્રભાત પહોર
આજે પ્રભાત પ્હોર
આજે પ્રભાત પ્હોર વહેલું વહેલું
હો ગીત કોણ ગાતું ઘેલું?
મંજરીએ મંજરીએ મીઠું મહોરેલું,
કોકિલના કંઠે ફોરેલું,
ગ્રીષ્મની અટારીએ ઘૂંટી ઘૂંટીને
છૂટ્ટે હાથે એ વેરેલું. હો ગીતo
ફૂલડાંની કાયથી મલકી ટપકેલું,
તારાની છાબે છલકેલું,
સાગ૨સીમાડે ઘેરું ગરજંતું,
પૃથ્વીને પારણે હીંચેલું. હો ગીતo
બાળકની આતુર તે આંખથી ઉઠેલું,
માતાના ઉરથી છલેલું,
યૌવનની નોબતે ગાંડું ગરજંતું,
મૃત્યુનું અમૃત પીધેલું. હો ગીતo