વસુધા/દર્દ દુર્ઘટ
દર્દ દુર્ઘટ
અરે રે આ બિચારીને જુઓ કૈં કંઇ થાય છે,
નાકનું ટેરવું કેવું વળાકા શત ખાય છે!
ઊડે છે અહીંથી ત્યાં ને ત્યાંથી એ આવતી અહીં,
મારા દીવાનખાનામાં દીવાની દર્દથી બની.
બેસતાં ગુલદાને ત્યાં તીવ્ર આઘાત પામતી,
સ્વચ્છ આ શ્વેત શય્યામાં કારમાં કંપ વામતી.
છબીની પરીને ગાલે અડતાં ઊડી જાય છે,
મારા સુશ્રીક આ ખંડે લીલા કુશ્રીક થાય છે!
છાતી છે હાંફતી બેદમ, પાખો પૂર્ણ વીંઝાય છે,
લચે છે આંખના ડોળા કીકી ટગટગુ થાય છે. ૧૦
જીવડો દેહ છોડીને ધસવા બ્હાર ધાય છે,
વિશ્વના વૈદ લોકો હે! દર્દ એનું કળાય છે?
દવા છે દર્દની સ્હેલી, દર્દ દુર્ઘટ જાણવું.
પ્હોંચાડો આવી એ જ્યાંથી, માખી એ જાજરૂતણી!