વાર્તાકાર હેમાંગિની રાનડે/નિઃસંગ

નિ:સંગ

માધવી કાણે ત્રાંસી નજરથી જોઈ રહી, રામજી ચપરાસી ઑફિસનાં ટેબલો પાસે જઈ એક કાગળ બધાની સામે ધરે છે. કાગળ વાંચી, કો’ક હસીને, કો’ક મોઢું કટાણું કરીને કાગળ પર સહી કરે છે, કો’ક ખીસાં કે પર્સ ફંફોળીને બે રૂપિયા કાઢી આપે છે, તો વળી, કોઈ માધવી તરફ અછડતી નજર નાંખે છે. માધવી સંકોચાઈ ગઈ. રામજી જો તેની ટેબલ પાસે આવી, તેની સામે કાગળ ધરી સહી માંગે, કે પૈસાની માંગણી કરે, તો? અથવા, રામજી તેના ટેબલ પાસે ન જ આવે, તેની સામેથી થઈને બીજા ટેબલ પાસે નીકળી જાય, તો? માધવી પરસેવાથી રેબઝેબ થઈ ગઈ. રામજી બાજુના ટેબલ સુધી આવી પહોંચ્યો. હવે? હવે તો ઊઠવું યે મુશ્કેલ થઈ ગયું. માધવીને ખીજ ચઢી. આવી કફોડી સ્થિતિમાં પોતે કેમ ફસાઈ જાય છે! તેણે સામેના રજિસ્ટરમાં માથું ઘાલીને પોતાની જાતને બને તેટલી નાની અને નજીવી બનાવવાનો પ્રયાસ કર્યો. ‘કાણે બાઈ, રખે ભૂલી જતાં, તમારે આવવાનું છે એકત્રીસમી તારીખે સાંજે સાડા ચાર વાગે ઑફિસની કેન્ટિનમાં હોં. નહીંતર અમે બધાં ત્યાં હાજર અને એક તમે ગેરહાજર. એવું ન કરતાં.’ પીળી દંતપંક્તિ દેખાડી હેડક્લાર્ક ખડખડ હસી પડ્યો. બધાં ટેબલોએ તેનો પડઘો પાડ્યો. ભડકમકર બોલી ઊઠ્યો, ‘વાહ સર! જો કાણે બાઈ ન આવે, તો તેમનાં રિટાયરમેન્ટની પાર્ટી શું આપણે તેમના આ ટેબલને આપશું?’ ટાઈપિસ્ટોએ ક્ષણ, બે ક્ષણ માટે મશીન પરથી આંગળીઓ ઊંચકી પોરો ખાઈ લીધો. પછી તો ઘણીયે જીભો સળવળી. ‘કાણે બાઈ આ જ ટેબલ પર એટલાં વરસોથી બેઠાં છે, કે પાર્ટી જો તેમના ટેબલને અપાય, તોય વાંધો નથી.’ મિસિસ ભંડારી બોલ્યાં. ‘મને યાદ છે,’ હેડ ક્લાર્કના ગૂંગણા અવાજ પર હવે ગંભીરતા લપેટાઈ ગઈ. ‘મને યાદ છે કે, હું જ્યારે સી જી ટૂની પોસ્ટ પર અહીં આવ્યો, ત્યારે કાણે બાઈ અહીં જ, આ જ ટેબલ પર બેઠાં’તાં. એ વાતને, હું ભૂલતો ન હોઉં તો બાવીસ વરસ તો થયાં જ હશે. કેમ ખરું ને કાણે બાઈ?’ માધવીએ મુશ્કેલીથી માથું ઊંચક્યું, અને ‘હા’માં ડોક હલાવી. તે સાવંતથી બહુ બીએ છે. જો આ પ્રશ્નનો તે જવાબ ન આપત, તો સાવંત વારંવાર આ જ પ્રશ્ન પૂછ્યા કરત અને માધવી મૂંઝાઈ જાત. આખા વિભાગની નજરો હજીયે માધવી તરફ મંડાયેલી હતી. ‘આ જ ટેબલ પર?’ નવી આવેલી લલિતાને આશ્ચર્ય થયું. ‘એટલે શું સાહેબ? આટલાં વરસો સુધી, એક જ ટેબલ પર?’ માધવીનું ઊઠેલું માથું ફરી ઝૂકી ગયું. કાન પર થોડાં વાક્યો અફળાયાં, જે ટાઈપરાઈટરના યાંત્રિક અવાજમાં ડૂબી ગયાં. પણ લલિતાના પ્રશ્ને કાંકરીની જેમ માધવીના મનને હચમચાવી મૂક્યું. કેટલાં વરસો થયાં હશે? આ જ ટેબલ પર? ઓગણચાળીસ વરસ! ખરેખર? આટલો લાંબો ગાળો? જ્યારે તે અહીં, આ ઑફિસમાં આવી હતી, ત્યારે ઓગણીસ વરસની એક યુવતી હતી. અને આજે? આજે નિવૃત્તિને કાંઠે ઊભી છે એક વૃદ્ધા! અઠ્ઠાવન વરસની. માધવીએ પોતાના વાળ ઉપર હાથ ફેરવ્યો. ધોળા થઈ ગયા હશે, નહીં? સાંજે ઘેર જઈ અરીસામાં જોશે. સવારે કાંસકી ફેરવતાં જુએ તો છે પણ… આજુબાજુનાં ટેબલોનાં ખાનાં બંધ થયાં. અરે, સાંજ પડી ગઈ? ઑફિસની છોકરીઓ હળી-મળી, હસતી-રમતી, પર્સ હલાવતી બહાર નીકળી. માધવી તેમની પાછળ, રસ્તા પરની ગિરદીથી પોતાની જાતને બચાવતી, ક્યારેક ધક્કો ખાતી, ક્યારેક ધક્કો મારતી સ્ટેશન સુધી આવી પહોંચી. વરસોની ટેવ મુજબ ધક્કામુક્કી કરી, બારી પાસેની જગ્યા મેળવી, પગ ફેલાવી માધવીએ સાડીના છેડાથી પરસેવો લૂછ્યો. ગાડીમાં તણખલું મૂકવા જેટલીયે જગ્યા નો’તી, ગરમીનો પાર નો’તો, સ્ત્રીઓ એકબીજા ઉપર જાણે ચઢીને ઊભી હતી, પણ માધવી નિરાંતે માથું ટેકવી, આંખો મીંચી, ઊંઘવાની તૈયારીમાં હતી. સ્ટેશન આવશે પિસ્તાળીસ મિનિટ પછી, આ સમયગાળો સૂઈને જ ભરી શકાય છે. પણ આાજે માધવીને ઊંઘ ન આવી. યાદ આવી ઓગણચાળીસ વરસ પહેલાંની વાતો, જ્યારે તેણે પહેલી વાર ઑફિસમાં પગ મૂક્યો હતો. બાપુજી આ જ ઑફિસમાં ક્લાર્ક હતા. ઑફિસના કામ માટે જતાં ટ્રેન હોનારતમાં તેમનું મૃત્યુ થયું ત્યારે આશરા વગરના આ કુટુંબને ઑફિસ તરફથી સૂચના મળી કે કુટુંબની કોઈ એક વ્યક્તિને સહાનુભૂતિ રૂપે નોકરી આપી શકાશે. સહાનુભૂતિની હકદાર તે વખતે ફક્ત માધવી હતી. બાપુજીનું એકમાત્ર સંતાન! એક બીજી વ્યક્તિ પણ ઘરમાં હતી ખરી, માધવીની દાદી, જેની ઉંમર તે વખતે સિત્તેર વરસની હતી. અને આમ આટલાં વરસો પહેલાં માધવીએ ઑફિસમાં પગ મૂક્યો અને તેને પેસેજ પાસે જે બારી અને પંખાથી ખૂબ દૂર હતું તેવા ટેબલ પર બેસાડવામાં આવી. તે જ ટેબલ પર તે આજ સુધી બેઠી છે અને હજુ આઠ દિવસ બેસવાની છે. માધવીએ ઘરનું બારણું ખોલ્યું. ઓરડો સાંજના મેલા ઉજાસમાં વધારે દીન-હીન દેખાતો હતો. સ્ટવ સળગાવી ચાનું પાણી મૂક્યું, હાથ-પગ ધોયા. સાંજની આ ચાના ઘૂંટડા સાથે તે આખા દિવસનો થાકોડો, ઉપેક્ષા અને ખીજ ગળા નીચે ઉતારી લે છે. ઓરડાની એકલી બારી સામે બેસીને માધવી સુ… સુડક સુ… સુડક ફુર-ફુર કરી ચા પીવા લાગી. ચા પી લીધા પછી સ્ટવ પર દાળ-ચોખાનું કૂકર મૂક્યું, પથારી પર બેસીને રેડિયો શરૂ કર્યો. રેડિયોમાં શું વાગે છે, તેમાં સંગીત છે, કે શબ્દ, તેની સાથે માધવીને કંઈ નિસ્બત નથી. રેડિયોની સોય, જ્યાં પહેલેથી મુકાઈ છે, ત્યાં જ ટકી રહી છે. જે અવાજો આ નાનકડા ડબ્બામાંથી નીકળે છે, તે માધવીના કાનમાં જાય છે કે નહીં, કોણ જાણે. માધવી ચાહે છે ફક્ત અવાજ. અવાજ, જે તે નિસ્તબ્ધ ઘરમાં માધવીનો સાથ પુરાવે, તેને જાણ કરાવે કે તે સાવ એકલી નથી. રેડિયોના ડબ્બાની દુનિયા કદાચ જુઠ્ઠી હશે પણ તેમાં હાસ્ય છે, ખિલખિલાટ છે, રુદન છે, ગાયન-વાદન છે, જે માધવીની સૂની, સપાટ જિન્દગીને એક પૃષ્ઠભૂમિ અર્પે છે. બહાર અંધારું થયું, રેડિયો વાગતો રહ્યો, માધવી પથારી પર પગ ફેલાવી પડી રહી. જ્યારે આંતરડામાં ભૂખનો સળવળાટ થયો, તેણે ઊઠીને થાળી લીધી, ભાત કાઢ્યો, દાળ રેડી અને જમવા બેઠી. ચાલો, વાળુ પત્યું, માધવીનો દિવસ પૂરો થયો. આમ, રોજ જમ્યા પછી માધવી પથારી પર ચઢી, ખુલ્લી આંખે છાપરા ભણી જોતી પડી રહે છે, જ્યાં સુધી રેડિયોના કાર્યક્રમો પૂરા નથી થતા. તેની ખુલ્લી આંખો પાછળ શું ચાલી કહ્યું છે, વિચારોનાં વમળ ક્યાં ફરે છે કે પછી ફક્ત ઊંઘની વાટ જોવાય છે, તે કદાચ માધવી પોતે પણ ન કહી શકે! બસ, રેડિયો ચુપ થાય, ત્યારે માધવી પડખું ફેરવે અને સૂઈ જાય. તેને ઊંઘ પણ તરત આવી જાય છે. પણ આજે આ ક્રમ ખંડિત થયો. આજે ઊંઘ નથી આવતી. માધવી બેચેન છે. વિચારો તેને કનડી રહ્યા છે… કેટલા બધા વિચારો… ઑફિસમાં આજે સાવંતે શું કહ્યું? કે માધવી તે જ ટેબલ પર પાછલાં અગણિત વરસોથી બેસે છે. સાચી વાત છે. પણ શા માટે? કેમ કરીને? તે ટેબલ પરથી તેને હટાવી કેમ નથી? તેને પ્રમોશન કેમ નથી આપ્યું? અને… અને આ વાતનો અફસોસ સરીખો તેને આજ સુધી કેમ નથી થયો? માધવી ઊઠીને દીવાલને અઢેલીને બેઠી. યાદ નથી? જ્યારે પહેલી વાર હું તે ઑફિસમાં ગઈ’તી… અને માધવીને યાદ આવ્યું. ત્યારે સાહેબે કહ્યું’તું, ‘જુઓ મિસ કાણે’ આ સંબોધન તેને માટે પહેલી અને છેલ્લી વાર વપરાણું હતું. ત્યાર પછી તે હંમેશ માટે કાણે બાઈ બની ગઈ હતી. ‘જુઓ મિસ કાણે, તમારા વડીલ અહીં કામ કરતા’તા. અમને અફસોસ છે કે તેમનું મૃત્યૃ આવી રીતે થયું. હવે તમને અહીં નોકરી આપવામાં આવે છે, પણ તમારું શિક્ષણ અધૂરું છે. જો તમે અહીં કામ કરતાં શિક્ષણ ચાલુ રાખો, તો તો જરૂરી પરીક્ષા પછી તમારો હોદ્દો વધારી શકાશે, નહીં તો…’ ત્યારે તેને થયું’તું, કે જો તે શિક્ષણ પૂરું નહીં કરે, તો તેને નોકરીમાંથી કાઢી મૂકશે. તેણે નિર્ધાર કર્યો, કે તે ભણશે. નોકરી નહીં રહે, તો તેનું અને દાદીનું શું થશે… પણ તે આગળ ન ભણી શકી. માધવી પથારીમાં લાંબી થઈ. પગ ફેલાવી સાડીનો છેડો આંખો પર મેલ્યો અને થોડી વારમાં ઘસઘસાટ ઊંઘી ગઈ. અને આમ માધવી કાણે, જે ઓગણીસ વરસની ઉંમરે ટાઈપીસ્ટના પદ ઉપર નિયુક્ત થઈ, તે આજ સુધી, એટલે અઠ્ઠાવન વરસની ઉંમર સુધી તે જ ટેબલની શોભા વધારી રહી છે. ભણવાની ઇચ્છા હોવા છતાં, દાદીની બીમારી, નવી નોકરીની દોડાદોડી અને ઘરના કર્તા પુરુષનું અનિચ્છાએ પહેરવું પડેલું અંગરખું, આ બધાએ તેને આગળ ભણવા ન દીધી. અને જ્યારે શિક્ષણ પૂરું ન થવા છતાં તેને કાઢી મૂકવામાં ન આવી, ત્યારે માધવીએ નિરાંતે જીવે ભણતરનું ભૂત ઉતારી નાખ્યું. તેનો પગાર ધીમે-ધીમે વધતો ગયો, જ્યાં સુધી વધી શકતો હતો અને પછી ત્યાં જ જામ કરી દેવાયો. તેણે વિચાર કર્યો કે ઠીક છે. બે ટંકનું ભોજન નીકળે છે, વરસમાં બે-ચાર સાલ્લાઓ ખરીદી શકાય છે, દાદીના મૃત્યૃ પછી કંઈક બચત પણ થાય છે. એકલી સ્ત્રીને માટે આયે ઘણું છે. બીજે દિવસે રાબેતા મુજબ માધવી સૌથી પહેલાં ઑફિસ પહોંચી, બહાર પૅસેજમાં ચપરાસીઓનું ટોળું વાતોના તડાકામાં મશગુલ હતું. લલિતા ઓરડામાં પગ મૂકતાની સાથે બોલી ઊઠી, ‘કેમ કાણે બાઈ, હવે તો સાત જ દિવસ રહ્યા. કેવું લાગે છે? ઑફિસ યાદ તો આવશે ને!’ ભડકમકર ટુવાલથી ઘસીને મોઢું લૂછતો, લલિતા ભણી જોઈ બોલ્યો, ‘અરે, એવું શું છે આપણામાં, કે યાદ આવીએ! પણ કાણે બાઈ, રિટાયર થયા બાદ, તમે કરશો શું?’ માધવી નજર ઉપાડી આનો જવાબ આપે તે પહેલાં ભડકમકર અને લલિતા એકબીજા સામે જોઈ, હસી, સવારની ચા પીવા કેન્ટીન તરફ નીકળી ગયાં, અને ભડકમકરે ફેંકેલા સવાલ પર ઉત્તર દાખલ આવેલું માધવીનું છોભીલું સ્મિત તેમની પીઠે પણ ન જોયું. માધવી વિચાર કરે છે, ખરું છે. શું કરશે તે? આવડા મોટા દિવસો વીતશે કેમ કરતા? આનો વિચાર તેણે પહેલાં કદીયે નો’તો કર્યો. પછી તો કેટલીયે વાર તે આ જ વિચાર કરતી રહી. તેની પાસે કરવા જોગું કંઈ ન હોય, એવું તો ક્યારેય નથી થયું. રોજ ઑફિસે જવાનું હોય, રવિવારે ઘર સાફ કરવું, વાસણો ઊટકવાં, ચાદરો ધોવી, આ કામોમાં દિવસ પલકવારમાં વીતી જાય છે. પણ… શું કરશે માધવી? નિવૃત્તિ પછી? જવાબ નથી મળતો. અને આ પ્રશ્ન અનામ ડર બનીને તેના માથા ઉપર તોળાતો રહ્યો. અને તે જાણીયે ન શકી કે આ ડર નક્કી છે શાને લીધે. ચાર-પાંચ દિવસો વીત્યા. ઑફિસમાં અચાનક તેની પૂછપરછ વધી ગઈ. ‘કાણે બાઈ, અહીં આવો, અહીંયા હસ્તાક્ષર કરો. બીજા ટેબલ પર, આ ફૉર્મ ભરો. તે ફૉર્મ ભરે છે. આજુબાજુ બેઠેલાં પૂછે છે, ‘રિટાયર થવાનાં છો? શું કરશો પછી?’ તે પ્રશ્નનો ઉત્તર નથી આપતી. તેનેય ઉત્તર હજી ક્યાં જડ્યો છે! આ વિમાસણમાં એકત્રીસમી તારીખ આવી પહોંચી. માધવીના મનમાં ઊહાપોહ છે. સવારે તેણે ઘરનું કોઈ કામ નથી કર્યું. ચાનો કપ લઈ, ખુરશી બારી પાસે ખસેડી તે બેસી રહી છે. બપોરના જમવાનો ડબ્બો તૈયાર નથી કર્યો. ઘરમાં સાવરણી નથી ફેરવી, રાતનાં વાસણો નથી ઊટક્યાં. મીટ માંડીને તે બહારની દુનિયા જોતી રહી છે. શું જુએ છે માધવી? નથી જાણતી. પણ જ્યારે આંખો અને મસ્તિષ્કના તારનું સંધાણ થયું, ત્યારે તે અજબ થઈ ગઈ. આટલાં વરસોથી તે આ ઘરમાં રહી છે, પણ જે આજે જોયું, તે આની પહેલાં ક્યારેય કેમ નો’તું જોયું? માધવીના ઘરની બારી એક સાંકડી શેરીમાં ઊઘડે છે. રોજ સાંજે જ્યારે માધવી અહીં બેસે છે, ત્યારે બહાર બીજી જ દુનિયા દેખાય છે. અસ્પષ્ટ, નાના અવાજોથી ભરેલી, કચરા અને સડેલાં અન્નની વાસથી ઊભરાતી, ઓળખાતી દુનિયા. સવારની આ દુનિયા જુદી જ છે. ચારે બાજુએ સારું એવું અજવાળું છે, સામેના ઘરની દીવાલમાં એક બારી છે, જેની ઉપર પડદો ખેંચાયેલો છે. બાકીની દીવાલ ગંદી, મેલના ચિત્ર-વિચિત્ર આકારોથી સજાયેલી છે. બે બિલ્ડિંગના છાપરા વચ્ચે આકાશી આસમાનનો ટુકડો નજરે ચડે છે. માધવી ઊઠીને ઊભી થઈ, વાંકી વળીને તેણે નીચે નજર નાખી. ગલીની સામે ગંદા પાણીનું ખાળચું વહે છે, જેની બન્ને બાજુએ ફાટેલાં કપડાંનાં ચીંથરાં અને કેળાંની કાળી પડી ગયેલી છાલ છે. નજર હજુ નીચે વળી, નીચેના મકાનની બારી અને બારીમાં વનસ્પતિ ઘીના ડબ્બામાં તુલસીનો કરમાયેલો છોડ! માધવીને નવાઈ લાગી. તુલસી? તુલસી તો તેને ત્યાં પણ હતી ને! જ્યારે બા જીવતી હતી, આ જ બારીની બારસાખ પર લાકડાનો ટુકડો ફસાવીને બા તુલસીનો ડાબલો રાખતી. રોજ સવારે નાહીને પાણી નાખતી. ક્યાં ગઈ તે તુલસી? તેણે ઓરડામાં નજર ફેરવી, ત્યાં તુલસી નહીં, ઘડિયાળ દેખાણી. અરે! જો તે ઝટ તૈયાર નહીં થાય, તો આજે ચોક્કસ મોડું થશે. પણ તુલસીનો વિચાર તેનો પીછો નો’તો છોડતો તેને બરાબર યાદ છે, બાના અવસાન સુધી તુલસી ઘરમાં હતી. જ્યારે બા બીમાર પડી, ત્યારે તે પોતે કેટલાં વરસની હતી? આઠ વરસની. ત્રીજીમાં ભણતી’તી. ત્યારે ઘરમાં ત્રણ જ પ્રાણી હતાં. બા, બાપુજી અને માધવી. દાદીએ ક્યારેક કહ્યું’તું કે બા ગુજરી, ત્યારે તે મા બનવાની હતી. સાંભળીને માધવીને ગલીપચી થઈ હતી. કો’ક નવો ભાઈ કે બહેન હોત, તો? પણ ના. ભાઈ-બહેન ન આવ્યાં, બા જ મરી ગઈ. માધવીને આજે તેનો અફસોસ થયો. તેની બા જીવતી રહી હોત, ઘરમાં પોતા સિવાય કો’ક બીજું નાનું બાળક હોત… ડબ્બામાંની ગડબડથી માધવી ચોંકી. અરે! ચર્ચગેઇટ સ્ટેશન આવી ગયું? હાંફળી-ફાંફળી તે પોતાના ટેબલ સુધી પહોંચી. લલિતા કદાચ ભડકમકરની રાહ જોતી બેઠી હતી. ‘અરે! તમે એટલાં વહેલાં આવી ગયાં?’ સાંભળીને માધવી સહેજ ખંચકાઈ. શું આજે રાબેતા મુજબ નો’તું આવવું જોઈતું? એટલામાં ભડકમકર આવી પહોંચ્યો. બન્ને કેન્ટીન તરફ નીકળી ગયાં. માધવીએ ખુરશી ખેંચી. મનમાં ક્યાંક તુલસીનો છોડ વસ્યો હતો. તુલસી, તેને પાણી નાખતી બા, અને બાનું મૃત્યુ અને માધવી ઉપર ત્યારે છવાયેલી બીક અને એકલતાના પડછાયાનો અંધકાર એક ક્ષણ માટે આજે તેણે ફરી અનુભવ્યો. હૉસ્પિટલથી બાને ઘેર લાવ્યા છે. ઠંડા, નિર્જીવ શરીરને જોયા પછી માધવીને તે પોતાની બા નથી લાગતી. તે બાને જુએ છે, પછી ઘરમાં ભેગા થયેલા માણસોને જુએ છે, ફરી પાછી આંખ બા તરફ વળે છે. આ લોકો બાને ક્યાંક મૂકી આવ્યા છે અને તેને બદલે આ ઠૂંઠું ઉપાડી લાવ્યા છે. આખું ઘર માણસોથી ઊભરાય છે. ફૂલ અને અગરબત્તીની ગંધ ચારે બાજુએ ભરાઈ જાય છે, પણ ધીમે-ધીમે. પહેલાં આંગળીઓ ભૂંસાઈ, પછી વચલો ભાગ અને હવે પગની પાની પણ ભૂંસાઈ ગઈ. જાણે પગની છાપ ત્યાં હતી જ નહીં. એટલામાં કો’ક બીજું ત્યાંથી નીકળે છે, ફરી નવી છાપ ઊપસે છે… તે’ય ગાયબ થઈ જાય છે. માધવી એકધારી નીચે જોતી બેઠી છે. ત્યાં કોઈએ માધવીનું બાવડું ઝાલ્યું, ‘ચાલ, બાને અંતિમ પ્રણામ કરી લે.’ તે ઊઠી, તેની આંખો બાના ચહેરા પર જાણે ચોંટી ગઈ. કેટલો ખરાબ દેખાય છે ચહેરો. કપાળ અને માથું ગુલાલથી ભરેલું છે. નાક અને ગાલ સુધી તે રંગ રોળાય છે. જે સ્ત્રી આવે છે, તે બાના કપાળ પરથી ગુલાલ લઈને પોતાનાં કપાળ પર લગાડે છે. બા સધવા મરી છે ને! એટલામાં બાપુજી વિલાપ કરતા આવે છે. તેમને જોઈ માધવી હેબતાઈ જાય છે. બાપુજીને આમ કલ્પાંત કરતા તેણે કદી નથી જોયા. બાપુજી શું બાને ખૂબ પ્રેમ કરતા’તા? માધવીનું શરીર ધ્રુજી ઊઠ્યું. ‘શું છે કાણે બાઈ? તબિયત તો ઠીક છે ને? આમ ધ્રૂજો છો શેણે?’ મિસિસ ભંડારીએ તેનો ખભો હલાવ્યો. માધવી ભાનમાં આવી અને રજિસ્ટરમાં માથું નાખી આવેલા કાગળોની નોંધ કરવા લાગી. સાંજે ચાર વાગે ઑફિસનું કામકાજ ઠંડું પડી ગયું. સાવંતે ફાઈલો સંકેલી. બે-ચાર સ્ત્રીઓ મોઢું ધોઈ આવી. ધીમે-ધીમે બધાં ઊઠ્યાં. માધવી બેસી રહી, પછી ટેબલનું ખાનું ખોલી, તેમાંથી ટુવાલ કાઢી, ગડી કરી, પર્સમાં મૂક્યો. ઑફિસમાં તેની અંગત વસ્તુ આ ટુવાલ છે. જોત-જોતામાં ઓરડો ખાલી થઈ ગયો. સાવંત ધીર-ગંભીર ચાલે તેની પાસે આવ્યો, ‘ચાલો ત્યારે, કાણે બાઈ.’ માધવી સાવંતની પછવાડે ચાલવા માંડે છે. સાવંત કંઈક પૂછે છે, તે ડોક હલાવે છે. કેન્ટીનની બધી જ ખુરશીઓ ભરાઈ ગઈ છે. અરે! તેને વિદાય આપવા આટલા બધા લોકો? કે પછી, જેમણે બે-બે રૂપિયા આપ્યા છે, તેઓ તે વસૂલ કરવા આવ્યા છે? કેટલાકોએ તો બપોરની ચાયે નથી પીધી. માધવીએ પોતે ક્યાં પીધી છે? તેને હસવું આવ્યું. ચાલો, આજે મફતની ચા પીવા મળશે. પાર્ટી પૂરી થઈ. માધવીના એક હાથમાં ફૂલનો ગુચ્છો, બીજામાં ઑફિસ તરફથી મળેલી ભેટ, ખભા પર પર્સ, અને પર્સમાં પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યૂઇટીનો ચેક. ઘડીભર પહેલાં તે માણસોથી ઘેરાયેલી હતી, જે તેને આવનારા દિવસો માટે શુભકામનાઓ આપી રહ્યા હતા અને ઘડીભર પછી કેન્ટીનના દરવાજા પર તે એકલી ઊભી છે. બીજાં બધાં પોત-પોતાની લોકલ પકડવા ઝટપટ નીકળી ગયાં છે. માધવીએ ફૂલોનો ગુચ્છો ત્યાં કેન્ટીનના ટેબલ પર મૂક્યો. ભેટમાં મળેલી દીવાલ ઘડિયાળ એક કાંખમાં, પર્સ બીજી કાંખમાં દાબી નીચે ઊતરી. જો જરી પગ ચલાવશે, તો જરૂર રોજની લોકલ પકડી લેશે. ડબ્બામાં હંમેશની જગ્યા પર જઈ બેઠી, ત્યારે શ્વાસ ચઢી ગયો હતો. પણ ગાડી પકડવાનો સંતોષેય હતો. નિરાંતે પર્સ ખોળામાં મૂકી, ફંફોળીને દીવાલ-ઘડિયાળનો અંદાજ લીધો. ભેટ અપાઈ, ત્યારે શરમના માર્યા તેણે આંખ ઉપાડીને જોવાની હિમ્મત નો’તી કરી. આંખો મીંચી માધવી વિચાર કરે છે, નિવૃત્તિ પછી ઘડિયાળ આપવાનો કોઈ વણલખ્યો નિયમ હશે ખરો? અને ફૂલ? માધવીને ફૂલ નથી ગમતાં. જ્યારે બા મરી, તેના શબ ઉપર ફૂલ મૂકાયાં હતાં. તે ગંધથી જોડાયેલી સ્મૃતિ સુખદ નથી. અને દાદી વિધવા. તેને ફૂલ જોડે શી લેવા-દેવા. દાદી બહુ બોલતી નહીં. ગામમાં જૂના મકાનની સંભાળ માટે તે એકલી રહેતી, પાડોશી કોઈ હતા નહીં. એટલે દાદીનેય ચૂપ રહેવાની ટેવ પડી ગઈ’તી. બા ગુજરી, ત્યારે બાપુજી ગામ જઈ, દાદીને લઈ આવેલા, પૈતૃક મકાન વેચી નાખેલું. દાદીને ન ક્યાંય જવું, ન આવવું. ન બોલવું, ન વાત કરવી. બાપુજીને પાડોશીઓ સાથે વધારે સંબંધ રાખવો ન ગમતો, એટલે દાદી-પૌત્રી એકલાં જ ઘરમાં બેસી રહેતાં. ત્યારે તે હતી ફક્ત આઠ વરસની, નિશાળે જતી, આવીને ઘરમાં ગરી જતી. ન દાદી બોલતી, ન બાપ બોલતો. છતાંય ઘરમાં વસ્તી તો હતીને! માધવીને યાદ છે, જ્યારે મોટી થઈ, પહેલી વાર મહિનો આવ્યો. તે ગભરાઈ ગઈ. આ શું થાય છે? શરીરમાંથી આ લોહી શું કામ પડે છે? તે દાદી પાસે ગઈ. સાંભળીને દાદીની આંખોમાં ચમક આવી ગઈ. ‘હવે આ દર મહિને થશે. જ્યારે આવું થાય, ત્યારે રસોડામાં વાસણોને હાથ ન લગાડતી.’ ઘરમાં પૂજા-પાઠનો પ્રશ્ન જ નો’તો. ન કોઈ દેવ કે ભગવાનની મૂર્તિ. હા, જ્યારે બા જીવતી હતી ત્યારે રસોડાના ખૂણામાં દીવાલ પર ચોંટાડેલી, કો’ક કૅલેન્ડરમાંથી ફાડેલી, બાળકૃષ્ણની એક છવિ હતી ખરી. બા રોજ નાહીને તેને પ્રણામ કરતી. જ્યારે બા ગુજરી, તે છવિ કંકુથી એટલી તો રંગાઈ ગઈ હતી, કે તે બાળકૃષ્ણની છવિ છે કે હનુમાનની, એનીય ખબર નો’તી પડતી. વખત જતાં તે ફોટોય ફાટી ગયો. ‘હવે તું નાની કીકલી નથી, બાઈ છો. હવે આ ગોઠણિયા દેખાય તેવાં ફરાક નથી પહેરવાનાં. સમજી? સાલ્લો પહેરવો પડશે.’ માધવીએ ડોકું હલાવ્યું. રાતે દાદીએ બાપુજીને કહ્યું, ‘આને માટે સાલ્લા લેતો આવજે. આને મહિનો ચાલુ થઈ ગયો છે.’ માધવીએ ત્રાંસી નજરે જોયું, બાપુજીનું મોઢું પહેલા રાતું ચોળ, અને પછી સાવ સફેદ પડી ગયું. માધવીને નિશાળમાંથી ઉઠાડી લેવામાં આવી. ત્યારે તે મેટ્રિકમાં ભણતી હતી. સાડીઓ આવી ગઈ. માધવીએ તે પહેરીને કામ કરવાનુંય શીખી લીધું. પણ તે દિવસ પછી બાપ-દીકરીમાં કોઈ સંવાદ ન રહ્યો. પિતાના આદેશ દાદી દ્વારા માધવી સુધી પહોંચતા. માધવીને સમજાતું નહીં કે તેનાથી એવો તે શો અપરાધ થયો છે અથવા તેના શરીરમાં એવું તે શું થયું છે, જે એટલું ગંદું છે કે તેનો બાપ તેની સાથે એવો અતડો વહેવાર કરે છે. પહેલાંયે બાપુજી માધવી જોડે વધુ બોલતા નહીં પણ હમણાંની જેમ સાવ હડધૂતે નો’તા કરતા. ‘તમે મારી જોડે બોલતા કેમ નથી?’ એક દિવસે ખૂબ હિમ્મત કરી તેણે પૂછ્યું. બાપુજીની આંખોમાં પહેલા વિસ્મય અને પછી તિરસ્કાર ઊભરાયાં. માની સામું જોઈ બાપુજી બોલ્યા, ‘આને કહી દ્યો, આમ મારી જોડે ન બોલે. હવે આ પારકી સ્ત્રી છે, અને પારકી સ્ત્રીઓ જોડે હું વાત નથી કરતો.’ માધવી બેબાકળી બાપ સામુ જોઈ રહી. પછી તેણે દાદી ભણી જોયું. દાદીના હોઠો પર કુત્સિત હાસ્ય તરી રહ્યું હતું. બાપુજી બહાર ગયા. ચુપ રહેવાવાળી દાદી હોઠ મરડી ધીમેથી બોલી, ‘પોતાનાથી આટલો બીએ છે તો બીજી બૈયર કેમ નથી લઈ આવતો !’ અને માધવીને થયું, તેના શરીરમાંથી થનારો સ્રાવ તેનામાં કંઈક ખોટ લઈને આવ્યો છે, જેને લીધે તેનો બાપ કોઈ બીજીને લઈ આવશે કારણ કે તે હવે માધવીથી, પોતાની દીકરીથી બીએ છે. અને તે પોતાના ખૂણામાં ભરાઈ ગઈ. તેને પોતાના શરીરથી નફરત થઈ ગઈ. હવે તે વધારે ચુપ રહેવા લાગી. પછી તો બાપ-દીકરીમાં કશો વહેવાર ન રહ્યો. જ્યાં સુધી બાપુજી જીવ્યા, દાદીને પૂછીને સામાન લઈ આવતા. થાળીમાં જે પીરસ્યું હોય તે ખાઈ લેતા અને વધારે વખત ઘરની બહાર વિતાવતા. માધવી માટે પણ હવે તે પિતા ન રહ્યા, પર પુરુષ બની ગયા, જે તેની સામે બે રોટલી ફેંકવાની દયા દેખાડે છે. ટ્રેનનો ગડગડાટ વધ્યો. માધવીનું વિચારચક્ર થંભ્યું. આજે તે ખૂબ થાકી ગઈ છે. ઘરનો દરવાજો ખોલ્યો અને માધવી ચોંકી, અરે ! આજે સવારે તેણે ઘર સાફ નો’તું કર્યું. સવાર આખી બારી પાસે બેઠી’તી. તે ફરી બારી આગળ આવી ઊભી રહી. સાંજના ધૂંધળાયેલા પ્રકાશમાં નીચે તુલસીના છોડનો ફક્ત અણસાર દેખાતો હતો. તેણે ચા મૂકી. યાદ આવ્યું, સવારથી તેણે કંઈ ખાધુંયે નથી. સવારે રાંધ્યું નો’તું, અને સાંજે ઑફિસમાં ફક્ત ચા પીધી’તી. ચા પી, માધવીએ છેડો કમરમાં ખોસ્યો, સાવરણી લઈ સાફ-સફાઈ કરી રાંધવાનું શરૂ કર્યું. તેને ખૂબ ભૂખ લાગી હતી. ભેટમાં મળેલી દીવાલ ઘડિયાળ પલંગની છેક સામે ટાંગી દીધી. હવે ઓરડામાં બે ઘડિયાળો થઈ ગઈ. એક જૂની અલાર્મની, બીજી નવી. વાહ ! એકદમ પૈસાદાર થઈ ગઈ માધવી ! જમી, રેડિયો શરૂ કરી માધવી પથારી પર બેઠી. કેટલી નવી-નવી વાતો થઈ આજે ! સાવંતના ભાષણ પછી માધવીને કહેવામાં આવ્યું કે તે બે શબ્દ બોલે. માધવીની જીભ તાળવા સાથે ચોંટી ગઈ. તેણે માથું હલાવ્યું. મિસિસ ભંડારીએ મશ્કરી કરી, ‘અમારાં કાણે બાઈ કદીયે કંઈ બોલે જ નહીં ને ! હું જ્યારે નવી હતી ને, ત્યારે મને થતું કે કાણે બાઈ મૂંગા છે.’ અને બધાં હસી પડ્યાં. માધવીએ દયામણી નજરે જોયું, બધાં તેની સામે જોઈ રહ્યાં છે. તે હેબતાઈ ગઈ. તે બોલશે એવી અપેક્ષાયે કોઈએ નો’તી કરી. બધાંએ બિસ્કિટની પ્લેટ ખેંચી ખાવાનું શરૂ કર્યું. અને ચાના કપ ઉપાડ્યા. માધવી પથારીમાં લાંબી થઈ. તે રાતે માધવીએ એક સ્વપ્ન જોયું. એક મોટો હૉલ છે. ઑફિસના માણસો એકઠા થયા છે. બધાએ સારાં કપડાં પહેર્યાં છે, અને તેમના ચહેરા ઉપર ઉત્સુકતા છે. તેઓ હૉલમાંના સ્ટેજ ભણી જુએ છે, જ્યાં બે સજાવેલી ખુરશીઓ છે. માધવી પણ ત્યાં જુએ છે. એક ખુરશી પર તે પોતે બેઠી છે. લાલ જરીની સાડી, હાથ, ગળા, કાનમાં સોનાના દાગીના, સરસ ઓળેલા વાળ, અંબોડામાં વેણી... હૉલના ખૂણામાં પણ એક માધવી ઊભી છે. તે વિચાર કરે છે. મને વિદાય આપવા આમ શણગારીને શું કામ બેસાડી હશે? ત્યારે તેનું ધ્યાન જાય છે બીજી ખુરશી તરફ. શણગારેલી માધવી, પાસેની ખુરશી પર બેઠેલી વ્યક્તિ સામે જોઈ મંદ મંદ હસે છે, શરમાય છે. ખૂણાની માધવી પ્રયત્ન કરે છે ઓળખવાનો કે તે બીજી વ્યક્તિ કોણ છે, પણ ચહેરો નથી ઓળખાતો. હવે સ્વપ્ન જોતી માધવી ક્યારેક સ્ટેજ પર બેઠેલી માધવીને જુએ છે, ક્યારેક ખૂણામાં ઊભેલી માધવીને નિહાળે છે. અચાનક તેને ભાન થાય છે, કે ખૂણાની માધવી વિવસ્ત્ર છે. માણસો તેની તરફ જોઈને ગંદા ઈશારાઓ કરે છે, તેમનાં મોઢા પર હિંસ્ર ઉત્સુકતા છે. તેઓ હસે છે, પણ અવાજ વગર ! સ્ટેજ પર બેઠેલી માધવી પણ તે બીજી વ્યક્તિ જોડે ખૂણાની માધવીને જોઈ બીભત્સ હાસ્ય કરે છે. માણસો ખૂણા તરફ આગળ વધે છે, ત્યાંની માધવી થરથર ધ્રૂજે છે. સૌ તેની નજીક આવે છે... વધારે નજીક... માધવીનો જીવ ગૂંગળાય છે. તે શ્વાસ નથી લઈ શકતી. સ્ટેજ પરની માધવી તે માણસ સાથે તેની પાસે આવે છે. ખૂણાની માધવી ભયચકિત થઈ ને તેને ઓળખી લે છે. તે માણસ... તે માણસ સાવંત છે... સાવંત તેની સામે ઊભો રહે છે અને એકદમ તેને બાથમાં લઈ, ભીંચી નાખે છે. માધવી પથારીમાં બેઠી થઈ ગઈ. તેનો શ્વાસ ધોંકણીની જેમ ચાલે છે. કાળજું ફફડે છે, બન્ને પગ એક-બીજા જોડે ભીંચાયેલા છે અને શરીરમાં વર્ણન ન કરી શકાય તેવી તૃપ્તિ છે. માધવી સફાળી ઊભી થઈ. મોરીમાં જઈ તેણે પાણીની આખી બાલદી માથા પર રેડી લીધી. છીઃ કેટલું ગંદું સ્વપ્ન... તેનું શરીર કંપી ઊઠ્યું. જ્યારે બાપુજી ન રહ્યા, ત્યારે માધવી સોળ વરસની હતી. તેના લગ્ન માટે બાપુજીએ બે-ચાર જગ્યાએ પ્રયત્ન કરેલો, પણ માધવીને કડક મંગળ હતો. જન્મપત્રી મંગળી હોય, તો કન્યાના લગ્નમાં અડચણ તો આવે જ ને ! બાપુજીના મૃત્યુ પછી બીજું કોણ હતું જે તેને માટે ઘર-વર શોધે. એટલે માધવી કુંવારી રહી ગઈ. એક વાર ઑફિસમાં મિસિસ ભંડારીએ એક જગ્યા સૂચવી હતી ખરી. વિધુર માણસ, જેની પત્ની સાધારણ બીમારી પછી મૃત્યુ પામી હતી. ‘તે તને મળવા માગે છે.’ ‘મને મળવા? કેમ?’ મિસિસ ભંડારીએ ફેરવીને જે વાત કરી, તેનો અર્થ એટલો જ હતો. ‘એકલો માણસ છે. છોકરાં-છૈયાં નથી. આગળ-પાછળેય કોઈ નથી. શરીર ધર્મ ખરો ને... તું એમ કર, એક વાર મળી લે.’ માધવીનું હૃદય ધબકી ઊઠ્યું, આનો અર્થ... આનો અર્થ... કે કદાચ તેનું પોતીકું કોઈ હોય... ભવિષ્યમાં કદાચ નાનકડો જીવ... તેને રોમાંચ થયો. પણ મળવા બાદ બધું સમાપ્ત થઈ ગયું. તે માણસને મરેલી પત્નીના નામનું પેન્શન મળતું’તું, તે જતું નો’તું કરવું. એટલે રીતસર લગ્ન નહીં, ફક્ત એક સ્ત્રીનું શરીર... ભોગવવા માટે... લગ્ન કરી, બૈરીનું પેન્શન કેમ જતું કરાય ! શરીર માધવીનેય હતું, જે આજે પણ ક્યારેક હઠ પકડે છે. પણ દેહધર્મનું પાલન આવી રીતે તે નો’તી કરવા માગતી. કરવું હોત તો પેલો ચપરાસી શું ખોટો હતો, જે ડાક લઈને માધવીના ટેબલ પર આવતો, ડાક આપવાને બહાને સામે ખુરશી ખેંચી બેસતો, વાળમાં સુગંધી તેલ નાખતો, જેની ગંધથી માધવીનો જીવ ડહોળાઈ જતો. મીટ માંડીને માધવીને તાક્યા કરતો, ત્યારે તેની આંખોમાં એક ગંદો, ચીકણો ભાવ તરતો. એક વખતે માધવીના પગ સાથે અડપલાં કરવાનો પ્રયત્ન કર્યો, બીજી વખતે કાગળો આપતાં હાથ પકડી લીધો. પણ જ્યારે ગંદી મશ્કરી કરવાની હિંમત કરી, ત્યારે હદ થઈ ગઈ. માધવી તેની સામુ જોઈ રહી, એકધારી. તેની આંખોમાં શું હતું? વિનંતી, ગુસ્સો કે પછી અસહાયતા? ત્યાર પછી તેણે માધવીનો કેડો મૂકી દીધો. આજે આવરદાના આ મુકામ પર માધવી વિચાર કરે છે. ચપરાસીએ કરેલી રમત તેને ખરેખર નો’તી ગમી? કે પછી સારી છોકરીઓએ આમ જ કરવું જોઈએ, માટે તેણે તે વણકહી માગણી તરછોડી કાઢી હતી? જો તે સારી છોકરી ન હોત, તો? તો શરીરધર્મ નિભાવી લેત? અને અંતે તેણે પોતાના શરીરને નકારીને શું મેળવ્યું? કે પછી, એક જુઠ્ઠી આશા હતી કે કોઈ રાજકુમાર આવશે અને સફેદ ઘોડા પર બેસાડી તેને લઈને ઊડી જશે? માધવીએ નિઃશ્વાસ નાખ્યો. ખરી વાત તો એ છે કે આજે તેને બેંકમાં જવું છે. ઑફિસ તરફથી મળેલા બન્ને ચેક જમા કરાવવા છે. ત્રીસ હજાર રૂપિયા ! બાપુજીના ફંડના પૈસા, જે બેંકમાં જમા છે, ગામનું ઘર વેચ્યું, તેના પૈસા, અને આ ત્રીસ હજાર. ઘણું છે. જિંદગી સારી રીતે વીતી જશે. બેંકમાંથી નીકળી ત્યારે અગિયાર વાગ્યા હતા. આટલી વહેલી ઘેર જઈને માધવી કરશે શું? તે વિમાસણમાં પડી. માણસ કેટલું સૂઈ શકે ! તેનું કોઈ ઓળખીતું યે નથી કે નથી કોઈ સાહેલી, જેની પાસે જઈ થોડીવાર વખત વિતાવી શકાય. પહેલાં બાપુજીએ, પછી દાદીએ તેને પાડોશમાં ફરકવા નો’તી દીધી. ઑફિસમાંયે તેની જોડે કોઈ વધારે બોલતું નહીં. શરૂઆતમાં માધવીને સમજાતું નો’તું, કે કોઈ તેની સાથે વાત કેમ નથી કરતું. પણ પછી તે સમજી ગઈ કે પોતે સૌથી નીચલી શ્રેણીનું કામ કરે છે માટે તેની સાથે કોઈ દોસ્તી કરવા રાજી નથી. ધીરે-ધીરે તેને આ વાતની ટેવ પડી ગઈ. પણ આજે તેને એકલું લાગવા માંડ્યું. ટ્રેનના સ્ત્રીઓના ડબ્બામાં બેઠેલી માધવીએ હંમેશની જેમ આંખો મીંચી. પણ ઊંઘ ન આવી. થોડી વાર પછી આંખો ખોલી, ત્યારે તેની સામેની સીટ ઉપર એક જુવાન, ફ્રોક પહેરેલી છોકરી કશુંક ખાતી, વાંચતી બેઠી હતી. માધવી પોતાની સામે જુએ છે, એ દેખતાં તેણે ચોપડી બંધ કરી આછું સ્મિત કર્યું. માધવી સંકોચાઈ ગઈ. અચાનક છોકરીએ હાથ લંબાવ્યો. માધવી જોઈ રહી. તેણે ઈશારાથી માધવીને સમજાવ્યું, કે તે પોતાની હથેળી આગળ કરે, માધવીએ ખમચાઈને હાથ લાંબો કર્યો. તે છોકરીએ તેની ઉપર દાણા મૂક્યા. માધવીએ જોયું, જાણે મોતીના દાણા હથેળી પર ચમકી રહ્યા છે. તેણે નજર ઉપાડી, પણ ત્યાં સુધીમાં તે છોકરી ઊતરી ગઈ હતી. બારીમાંથી જોવાનો યત્ન કર્યો, પણ તે ન દેખાણી. માધવીને ખૂબ-ખૂબ અફસોસ થયો. તેણે તે છોકરી સાથે વાત કેમ ન કરી? બાઘાની જેમ બેસી કેમ રહી? આખી ઉંમર દોસ્તીના જે હાથની તેણે રાહ જોઈ હતી, તે હાથ જ્યારે તેની સામે લંબાવવામાં આવ્યો, ત્યારે તેણે તે હાથ ઝાલી કેમ ન લીધો ! માધવીને પોતાની જાત પર ખૂબ રોષ ચઢ્યો ! અરેરે ! ત્યાર બાદ કેટલાયે દિવસો માધવી તે જ સમયે ટ્રેનમાં આવી, ગઈ, કે તે છોકરી તેને ફરી પાછી દેખાય. જાણવા છતાં કે આ રમત હાસ્યાસ્પદ છે તે પોતાને રોકી ન શકી. છેવટે હારીને, જ્યારે તે છોકરી કદીય નજરે ન ચડી, માધવીએ આ વાંઝિયો ખેલ જતો કર્યો. હવે માધવી ખૂબ અસ્વસ્થ રહેવા લાગી. કશામાં મન ન લાગતું. આખો દિવસ પથારી પર પડી રહેતી. ખાવાનુંયે મન ન કરતું. ન ઘર સાફ કરવાનો ઉજમ રહેતો. પછી એક વખત એવો આવ્યો કે તે આખો દિવસ ખાતી, ચાવતી રહેતી. મોઢું ચાલતું રહેતું. જે હાથમાં, તે મોંમાં. એક આદિમ ભૂખ હતી જે તૃપ્ત જ નો’તી થાતી. તે જમાનો વીત્યો, તો સાફ-સફાઈનું ભૂત ચઢ્યું. જોત-જોતામાં આખું ઘર, બધો સામાન ધોઈ કાઢ્યો. ઘસી-ઘસીને નાહી, કપડાં ધોયાં, સૂકવ્યાં. પાછાં ધોયાં, પાછાં સૂકવ્યાં. જમીન ઘસી કાઢી. પછી થાકીને લોથ થઈ, પથારી પર પડી ગઈ. એક દિવસે જઈ તુલસીનો છોડ ખરીદી લાવી. ડાલડાનો ખાલી ડબ્બો આવ્યો. રીતસર તુલસીનું રોપણ થયું. રોજ પાણી આપવાનો ક્રમ શરૂ થયો, પણ કદાચ છોડ મૂળ ન ધરી શક્યો, સુકાઈ ગયો, ત્યારેય માધવીએ એ ઉપાડીને ફેંક્યો નહીં. ડાલડાના ડબ્બામાં ઠૂંઠું બનીને કોણ જ્યારે ક્યાં સુધી રહ્યો અને ક્યારે પડી ગયો. હવે માધવી સવારે ઊઠે છે, યંત્રની જેમ ઘરનું કામ કરે છે, જમે છે, સૂએ છે. યથાવત્ રેડિયો પણ વાગે છે. જીવન વીતી રહ્યું છે પણ હવે તેને રાતે બરાબર ઊંઘ નથી આવતી. વારંવાર તે ચમકીને ઊઠે છે. હમણાંની તેની છાતી ધડધડે છે, ગોઠણ દુખે છે. તે વારેઘડીએ કારણ વગર ડરી જાય છે. તેને કોઈ રોગ તો નહીં જડી ગયો હોય ! તે મરી જાય, તો? કોઈને ખબરેય નહીં પડે જ્યારે દુર્ગંધ ફેલાશે, લોકો દરવાજો તોડીને અંદર આવશે, ત્યારે તેનું સડેલું શરીર... ના, ના... તે સડેલી વાસ અત્યારે તેના નાકમાં ભરાઈ જાય છે. માધવી દોડીને બારી પાસે ઊભી રહી ઊંડા-ઊંડા શ્વાસો લે છે. એક વિચિત્ર ટાઢ તેના આખા શરીરને ઝાલી લે છે. નસોમાં પેસેલા બરફને ઓગળાવવા માટે તે પ્રયાસો કરે છે. તેનો ઓરડો શું સંકોચાતો જાય છે? તે ખૂબ ડરી જાય છે. ભાગી છૂટવા તે ઘરની બહાર નીકળી પડે છે. કારણ વગર ફરતી રહે છે. ટ્રેનમાં બેસી જાય છે, કલાકો સુધી પગપાળા ચાલ્યા કરે છે. રેડિયો હજીયે વાગે છે પણ તેના અવાજો તરંગોની જેમ ફક્ત આકાશમાં ફેલાઈ જાય છે. હવે માધવીના જીવનને આ પૃષ્ઠભૂમિથી ઉઠાવ નથી મળતો. તેનું જીવન હવે બે પરિમાણોનું સપાટ જીવન બની ગયું છે. અને આમ, મનુષ્યોથી ઊભરાતા આ મહાનગરમાં ડર, ગભરાટ અને નિષ્ક્રિયતાના સંગાથે માધવી કાણે પોતાની નિવૃત્તિનો સમય પસાર કરે છે. આજે ફરીવાર તે ટ્રેનમાં બેઠી છે. સવારથી પગની પીંડીઓ દુખે છે, જાણે કેટલાય માઈલો સુધી દોડી હોય. થાકી, પાકી, ખૂણામાં ભરાઈને, આંખો મીંચીને પડી છે. બે, ત્રણ સ્ટેશન પછી તેણે આંખો ખોલી. ડબ્બો સાવ ખાલી છે. આટલાં વરસો સુધી તે ટ્રેનમાં ફરી છે, પણ આટલો ખાલી ડબ્બો ક્યારેય નથી જોયો. તે ઊભી થઈ, આગળ વધી, ચાર-પાંચ સીટો વટાવ્યા પછી તેને એક અસ્પષ્ટ અવાજ સંભળાયો. બરાબર દેખાતું નો’તું. તે હજી આગળ વધી સામેવાળી સીટ પર એક બાઈ સૂતી દેખાણી. તે ધીમે-ધીમે ઊંહકારા ભરતી હતી. માધવી ડરી ગઈ. કોણ છે? તે થંભી. તે બાઈએ આંખો ખોલીને માધવી તરફ જોયું. તે આંખોમાં યાચના હતી. ઇચ્છા ન હોવા છતાં માધવી વાંકી વળી. કોઈ પાસે છે જાણી બાઈના મોઢામાંથી અચાનક દરદની નાની એવી ચીસ નીકળી ગઈ. તેણે પોતાના પેટની તરફ ઈશારો કર્યો. માધવીએ જોયું, તે બાઈનું પેટ ફૂલેલું હતું. અરે ! આ પેટથી છે ! તેને બાળક થવાનું છે ! હમણાં ! અબ ઘડીએ... માધવીનું વાંકુ વળેલું શરીર ત્યાં જ જામી ગયું. તેની આંખો સ્તબ્ધ થઈ ગઈ. ‘ના’ તેનાં મોઢામાંથી નીકળ્યું. તે પાછી ફરી. બાઈએ તેનો હાથ પકડી લીધો. ‘ના. મૂક મને, છોડ, હું નથી જાણતી... મને કંઈ ખબર નથી...’ માધવી પોતાને છોડાવવાની કોશિશમાં વધારે પાછળ ખસી. બાઈના હાથની પકડ વધારે કસી ગઈ. માધવીએ જોરથી હાથ છોડાવ્યો. અને ગાંડીની જેમ દરવાજા તરફ વળી. ટ્રેન કોઈ સ્ટેશન પર દાખલ થઈ. માધવીએ પાછા વળીને જોયું. બાઈએ પોતાના બન્ને પગ ઉપાડી ગોઠણ સુધી વાળી લીધા હતા. માધવી પ્લેટફૉર્મ પર ઊતરી. અહીં-તહીં જોયું. ક્યાંય કોઈ નો’તું. નાનકડું સ્ટેશન સાવ સૂનું હતું. તે બે-ચાર ડગલાં આગળ વધી. પાછી ફરી. ફરી આગળ વધી. ક્યાંય કોઈ નથી. તે પાછી ફરી, તે ડબ્બામાં. દરવાજાથી આગળ જવાની હિમ્મત નો’તી. થાંભલો ઝાલીને ત્યાં જ ઊભી રહી. તે બાઈના મેલા ગોઠણ દેખાતા હતા. તેના ગળામાંથી, કે પછી પેટમાંથી ઊભરાતા વિચિત્ર અવાજો સંભળાતા હતા... હિંસ્ર... પશુવત્ અવાજો... મનની વિરુદ્ધ માધવી આગળ વધી, બાઈ તરફ જોયું, તેની ફાટેલી આંખો, હાંફતું, પરસેવાથી રેબઝેબ શરીર, અને પેલા જુગુપ્સા પેદા કરતા અવાજો... અને વર્ષોથી રૂંધાયેલી વાણી જ્વાળામુખીની જેમ ફાટી પડી. માધવી ગાળો દેવા માંડી, ભૂંડી-ભૂંડી ગાળો, પોતાને, તે બાઈને, આખી દુનિયાને... શું બોલી રહી હતી, પોતે ક્યાં સાંભળતી હતી? ફક્ત શબ્દ ઓકતી હતી, વર્ષોની ચીડ, ખીજ બહાર પડતી હતી. કદાચ સુપ્ત ઇચ્છા હશે, કે તેની ગાળોમાં તે બાઈનો બીભત્સ અવાજ ડૂબી જાય... તે બાઈએ ઘરઘરાતી ચીસ પાડી, માધવીનો હાથ જોરથી પકડી તેને પોતાના પગની વચ્ચે જોવા, પોતાની મદદ કરવા અવશ કરી મૂકી. કાંપતી, ધ્રૂજતી માધવી વળી. બે પગની વચ્ચેના જંગલમાંથી કંઈક ધીમે-ધીમે બહાર આવવા મથી રહ્યું હતું. માધવી ખૂબ જ ડરી ગઈ. તેનો પોતાનો અવાજ વધુ તીખો થતો ગયો. તે ચીસ પાડીને કંઈ કહેવા માંગતી હતી, જે શબ્દો નો’તા, ફક્ત અવાજ હતો... તેટલો જ ઘૃણિત... તેટલો જ પશુવત્... બે પગોની વચ્ચેથી જે બહાર આવતું હતું, તે પણ આજુબાજુનાં જંગલ જેવું કાળું હતું. રૂંવાટીવાળું હતું. માધવીને થયું, તે... તેને પકડી લે, બહાર ખેંચી કાઢે. ડબ્બામાં પરસેવો, લોહી અને ભયમિશ્રિત ગંધ ભરાઈ ગઈ હતી. માધવીને ઊબકાં આવવા લાગ્યાં. તેણે આજુબાજુ જોયું. ટ્રેનના ઘરઘર અવાજ સિવાય ક્યાંય કશું નો’તું, કોઈ નો’તું. તે ફરી વાંકી વળી. બાઈ જોરજોરથી શ્વાસો લઈ રહી હતી, ઉંહકારા કરતી હતી. તે ગોળ, ઘટ્ટ, કાળી વસ્તુ આગળ વધતી આવતી હતી. માધવી ચોંકી, તેણે ફરીવાર જોયું. બાળકનું માથું ! માધવી સ્તબ્ધ રહી ગઈ. ફરી જોયું. બાળક છે ! એક ખભો, અસહાય બહાર નીકળે છે. માધવીનો બધો કલેશ, ડર, ભય, જુગુપ્સા સમાપ્ત થઈ ગયા. કૌતુકથી તે પ્રકૃતિનો આ કરિશ્મો જોવા લાગી. મા જોર કરતી રહી, શિશુ જન્મ લેતું રહ્યું. ધીમે-ધીમે આખું બાળક બહાર આવી ગયું. માધવીએ તેને હાથોમાં ઝીલી લીધું. ફાટી નજરે તે બાળકને જોવા લાગી. ગંદુ, ગુ-મૂત્રથી ભરેલું... પણ બાળક... જીવતું બાળક... શિશુ... આંચકા સાથે ગાડી રોકાઈ. માણસોનું મોજું ધક્કા-મુક્કી કરતાં અંદર દાખલ થયું. તેમની વિસ્ફારિત આંખોએ ભાળ્યું, થાકી-પાકી, એક કલાંત બાઈ સીટ ઉપર સીધી સૂતી છે, ભય અને કૌતુકની મારી, ફાટેલી આંખોથી, ધ્રૂજતા હાથમાં ઉપાડેલા બાળકને નિરખતી માધવી ઊભી છે. આ અજબ દૃશ્યને જોઈ સ્ત્રીઓએ શોરબકોર કર્યો. કોઈએ માધવીને હટાવી, કોઈએ નાળ કાપી, કોઈએ બાળકને લૂછ્યું, કોઈએ તે બાઈને બેસાડી, તેની સાડી સરખી કરી. સ્ટેશન આવતાંની સાથે સ્ટ્રેચર મંગાવ્યું. મા, બાળકને તેની ઉપર સુવડાવ્યાં, અને સ્ટ્રેચર ઉપાડવાવાળાઓ જલ્દીથી પગ ઉપાડતાં આગળ વધી ગયા. માધવી દોડતી, સાડી સંભાળતી, પડતી, લપસતી તેમની પાછળ દોડી. પ્લૅટફૉર્મના ખૂણામાં સ્ટ્રેચર મુકાણું. માધવીએ જોયું, બાઈએ બાળકના મોઢા પર સાડીના છેડાનો છાંયડો કરી લીધો છે. માધવી જરીક આગળ વધી. એક અદમ્ય ઇચ્છાથી તેણે હાથ આગળ કર્યો. બાળકના માથા પર મૂકવા માટે. બાઈએ તેનો હાથ પકડી લીધો. તેની આંખોમાંથી નેહ વરસી રહ્યો હતો. લોકો ભેગા થયા. કોઈએ ધીમેથી કહ્યું, ‘હૉસ્પિટલ લઈ જાઓ.’ અને માધવી પોતા ઉપર કાબૂ મેળવે તે પહેલાં સ્ટ્રેચર ત્યાંથી લઈ જવામાં આવ્યું. કેટલી વાર સુધી માધવી, સમ્મોહિત, ત્યાં જ ઊભી રહી, પછી ધીમે-ધીમે ચાલીને તેણે ટ્રેન પકડી. તે રાતે માધવી સૂઈ ન શકી. બેસી રહી ખુરશી પર, બારીની સામે. આજે તેણે વીતી રહેલી ઘડીઓના બદલાતા રંગ માણ્યા, સવારની કોમળ હવા તેને પંપાળી ગઈ. નાહી-ધોઈ નીકળી. તેના પગ જાણે તાલ દેતા હતા... ‘હૉસ્પિટલ જવું છે... મારે હૉસ્પિટલ જવું છે.’ ગુ-મૂત્રથી રોળાયેલો એક નાનકડો હાથ તેની તરફ ઊઠ્યો છે, તેની જોડે મૈત્રી કરવા... તે હાથને પકડી લેવા માધવી કાણે અધીર પગલાં ભરતી વધતી જાય છે...