વાર્તાકાર હેમાંગિની રાનડે/હત્યા

હત્યા

- હવે આમ પૂતળીની જેમ ઊભી જ રહીશ? મોઢામાંથી ફાટને! આ કોણે ફોડ્યું? શું પૂછું છું? સંભળાતું નથી? - ના હોં, હવે નથ સંખાતું. આ તે માણસ છે, કે ઢોર? બોલતીયે નથી, ને હાલતીયે નથી. - અરે ડોબી! સંભળાતું નથી? મોઢામાં શું ભર્યું છે? રામ… રામ. આ તે કાંઈ બાઈ છે? બોલ, કહું છું, બોલ, કોણે કર્યું આ? મારું મોંઘું વાસણ કોણે ફોડ્યું? ના! હું નહીં બોલું. નહીં જ બોલું. અને બોલુંય શું? કે મારો વાંક નો’તો? કે મેં આ વાસણ નથી ફોડ્યું? મારે હાથે આ વાસણ નથી ફૂટ્યું? કે મેં નથી પાડ્યું? કે નાનાં શેઠાણીના હાથમાંથી લપસી પડ્યું? પણ ના, હું નહીં જ બોલું. કંઈ જ નહીં બોલું. એક કહીશ તો બીજી દસ વાતો કહેવી પડશે. ત્રીસ સાંભળવી પડશે. એ કરતાં ચૂપ રહેવું સારું. અને ચૂપ તો હું નાનપણથી જ છું. કેટલા વખતથી? કેટલાં વરસો વીતી ગયાં? કોણ જાણે! થયાં હશે પચ્ચીસ કે પછી પચાસ. વીતવા દો. વરસો વીતી જવા દો. વરસોના વીતવાથી શું થવાનું છે? અને થવાનું હશે, તો થાવા દો, કેમ? મારો અને એનો સંબંધ કેટલો જૂનો છે. સંબંધ? કે પછી દોસ્તી? દોસ્તી કે દુશ્મની? હુંહ! નામથી શું થાય છે? કોઈ પણ નામ આપો. પણ સંબંધ અમારો ઊંડો, હોં! હું એનો સાથ નહીં છોડી શકું, પછી ભલે એ મારી કેટલીયે મશ્કરી કર્યા કરે, હસી લે મારી ઉપર. હસ, હસ તું. હા, હોં! એ મારી મશ્કરી કરે છે. મારી ઉપર હસે છે. હંમેશાં હસે છે મારી ઉપર, કે મારી સાથે? કોણ જાણે. સૌથી પહેલાં એ ક્યારે હસી’તી? હા, યાદ આવ્યું! જ્યારે નાનુ, નાનો હતો. ગોઠણિયા ભરતો, તૂટેલો દડો ઉપાડવા દોડી ગયો’તો. કેવો દેખાતો’તો ને! પોતેય જાણે દડો હોય. જાણે એક દડો બીજા દડાને પકડવા લસર-ઘસર કરતો એ જાય એ જાય… અને હું? શું થયું’તું ત્યારે મને? હેં? ત્યારે હું કેટલું હસી’તી! હાહાહાહા. જિંદગીમાં કદાચ પહેલી વાર હસી’તી, અને મારું હસવું બંધ જ નો’તુ થાતું. હાહાહાહા. આમ તો ગરીબ કુટુંબના સાપોલિયા જેવાં છોકરાંઓને હસવું ક્યાં આવે છે? હું તો પાછી વચલી દીકરી. એટલે એક પછી એક ત્રણ બહેનો, બે ભાઈઓ ઉપર જન્મી, ત્યાં સુધીમાં કુટુંબમાં આનંદ સાવ ઓસરી ગયેલો અને કંટાળો ઘરમાં પેસી ગયેલો. હું પાછી પડી ત્રીજી દીકરી. મારા પછી જન્મ્યો એક ભાઈ. એટલે નાનુ. અમારો નાનુ. હા, હોં, દડાવાળો નાનુ. જ્યારે હું જન્મી, ત્યારે જાણે ઘરમાં સોપો પડી ગ્યો’તો. એ લોકોને એમ, કે હું નહીં મારી જગ્યાએ નાનુ જનમશે. પણ જન્મી હું. હા, હું જન્મી. હું જ. મારી બા અને મારી બહેનો અને હું. અમારામાં તફાવત ખરો. એ બધાંયે દેખાવમાં સાધારણ, એટલે બાઈ માણસ જેવાં દેખાય. અને હું? મારી બા કહ્યા કરતી, કે મને ઘડવા જ્યારે ભગવાન બેઠો હશે ને, ત્યારે તેણે ભાંગ પીધી હશે. મારા કપાળમાં જાણે એક મોટી ગાંઠ છે, અને મારા સામેનાં દાંત છેને, તે મારા નીચેના હોઠ ઢાંકી દે છે, જાણે કે હોઠ પરનું છજું! હું નીચે જોઉં, એટલે સૌ પહેલાં મારા દાંત મને દેખાય. માટે હું નીચે જોતી જ નહીં ને! અને હું ક્યારે શરમાઈયે નહીં, એમાં નીચે જોવું પડે ને. પાછી શરમાઉં ક્યારે? શરમાવાનો કોઈ દિ’ વખત જ ક્યાં આવ્યો છે? નથી જ આવ્યો. હું તો હસતીયે નથી. હસું તો દાંત દેખાય. દાંત આમેય દેખાય, પણ હસુ ત્યારે કદાચ વધારે ભયાનક લાગે: દાંતાળી! ઘરમાં મને બધાં દાતાંળી કહીને ચીડવતાં. એટલે હું હસતી નહીં. તે દિવસે હું ખૂબ હસી’તી હોં! કેટલું સરસ, મજાનું લાગતું’તું. કેટલું હળવું! જાણે તે તૂટેલા દડા જોડે હમણાં હુંયે હવામાં ઊછળી પડીશ. દૂર, દૂર આકાશમાં જઈ પડીશ. હળવીફૂલ બની જઈશ. એટલે જ તો હું હસી’તી. ખડખડાટ. પણ ત્યાં બાપુજીએ ત્રાડ નાખી, હસે છે કે હણહણે છે, હેં? નપાતર, હસતાંય નથી આવડતું. આ તે છોકરી છે, કે ઘોડી? ઘોડી? હું? હું એકદમ ચૂપ થઈ ગઈ. બસ! તે દા‘ડો, ને આજની ઘડી. હું હસી જ નથી. નો’તી હસી, પણ એ હસી’તી હોં! પેલી. એ કોણ શું પૂછો છો? એ મારી સહેલી. ત્યારે એ ખૂબ ખૂબ હસી’તી, પણ જરાયે અવાજ કર્યા વગર, હોં! ગુપચુપ એણે મારી ભણી જોયું અને હસતાં હસતાં એ બેવડ વળી ગઈ. બોલી, હવે આજથી તું મારા કબજામાં છો. મારા, હવે હું તને નહીં જવા દઉં. ક્યાંય નહીં જવા દઉં. બસ! ત્યારથી એ મારી જોડે રહે છે. જાણે ચોંટીને. ઘડીભરેય રેઢી નથી મૂકતી મને. પકડી રાખે છે. પણ તેથી શું? આમ જુઓ તો સારું જ છે ને, હેં? મારું આપણું, પોતીકું કોઈ તો છે. બા, બાપુજી મને પોષી નો’તાં શકતાં એટલે મને નોકરીએ ચોંટાડી દીધી. ખાવું, પીવું ને પચાસ રૂપિયા પગાર. પગાર મારો, મળે બા-બાપુજીને, મને નહીં, મને મારા માથાની ગાંઠ અને મારા લાંબા, પીળા દાંત જોડે પધરાવી દીધી. હું નાનુ વગરની થઈ ગઈ. પણ હું કાંઈ એકલી નો’તી. મારી જોડે હતી મારી સાહેલી. હું એની સાથે બોલતી, એ મારી જોડે વાતો કરતી, પણ અમારી વાતો કોઈને સંભળાતી નહીં હોં! ના ના, અમે છાનાંમાનાં વાતો કરતાં, કલાકો સુધી બોલતાં, પછી મને કોઈનીયે જરૂર નો’તી રે’તી. મારી બા શેઠાણી પાસે આવતી, પગાર લેવા. મને મારી બા દીઠીયે ન ગમતી. કોણ? શું પૂછો છો! મારી બાની વાત કરું છું. જે જનમ આપે એને બા જ કહે ને! એ. આવતી, શેઠાણી પાસે રોદણાં રોવા બેસી જતી. મને ખૂબ ચીઢ ચડતી એની ઉપર. ચીઢ ન ચડે? હેં? ગુસ્સો ન આવે? ના, ના, મને જનમ આપ્યો માટે ગુસ્સો નો’તો આવતો, મને, આ માંસના લોચાને. એને માટે નહીં. મને ચીઢ ચઢતી, અને ગુસ્સો આવતો કે એ બધાંનું ધ્યાન મારી તરફ દોરતી. મારી તરફ. મારાં દાંતો તરફ, મારા કપાળની ગાંઠ તરફ. જ્યાં હું કામ કરતી, એ બધાં મને રાત-દિવસ જોતાં. એમને મારી, મારા આ રૂપની ટેવ પડી ગઈ’તી. પણ જ્યારે બા આવતીને, ત્યારે તે મારું આ રૂપ ફરી પાછું તેમની આંખોમાં ઘોંચતી. કહેતી: જોઈ? આ ડાકણને જોઈ તમે શેઠાણી? સવારે નજરુંમાં ચડી જાય તો રોટલો ન મળે, દિવસ આખો બગડે. આ તો તમે ભલાં માણસ છો કે આ મૂઈ ડાકણને સંભાળો છો, નહીંતર શેઠાણીની આંખોમાં નવો જ ભાવ ઊભરાતો. શેઠાણી મારી સામું જોતી, જાણે પહેલી વાર જોતી હોય! મારામાં કાં’ક નવું, ગંદું દેખાતું. મને નફરત થાતી મારી બા ઉપર. અને તમને કહું, જ્યારે, જ્યારે મને ગુસ્સો આવતો ત્યારે ત્યારે મારા માથાની આ ગાંઠ દુખવા માંડતી, ખૂબ દુખતી. શૂળ ઊપડતાં હું ગાંડી બની જતી. બાપરે! કેટલું દુખતું ત્યારે. આય વોય વોય, સહન નો’તું થાતું. ત્યારે મારી બહેનપણી, મારી સાહેલી મને કહેતી, ધીમે-ધીમે કહેતી, હું છું ને! મને કંઈ તું ગંદી નથી લાગતી, આવ. પછી હસતી, વગર અવાજે, હોં! ત્યારે મને થાતું કે હું બાને કહું, કે તું આમ ઘડી-ઘડી મને નવું મોત કેમ આપી જાય છે? મને થાતું, હું શેઠાણીની આંખોમાં આંગળાં ખોંસી એની કીકીઓ કાઢી લઉં. મને જુએ છે? તારે મને જોવી છે? જો, જો, જોઈ લે. પણ એ, મારી સાહેલી મને સમજાવતી. હું મોઢું ફેરવી એની જોડે મળી જતી. એ મને ચોંટી પડતી, અને હું એને પકડવા, પકડી રાખવા મથતી. કેટલી નોકરીઓ બદલાવી મેં. હવે તો બા-બાપુજી જીવે છે કે નહીં, કોણ જાણે! હમણાંનું કોઈ આવતું નથી. મારો પગાર મને જ મળે છે. સારું થયું. મરી જવા દો, સાલાઓને. મારે શી જરૂર છે? મારી પાસે એ છે ને! મારી સાહેલી. બસ! એની જોડે ચોંટીને હું અવાજ વગરની દુનિયામાં નિરાંતે રહું છું. નવી-નવી આંખોમાં, મારે માટે ઘૃણા જોવાની મને ટેવ પડી ગઈ છે. હવે હું મોટી થઈ ગઈ છું ને! હા, હોં! મારું શરીર અજબ રીતે ફેલાતું જાય છે. જ્યાં સપાટી હતી, ત્યાં ગોળાઈ આવવા મંડી છે. હુંહ! પણ તેથી શું? હવે મારી જોડે કામ કરવાવાળા નોકરો, સાલા પુરુષો, પાછળથી આવીને મને અડે છે. ઊબકાં આવે છે મને. છી ગંદા, ગોબરા. એક દિવસે એકે મારી છાતીને અડવા પાછળથી હાથ લંબાવ્યો. મેં એને જોરથી એવો તમાચો ઠોક્યો કે મંડ્યો વોય-વોય કરવા, હરામખોર! ગાલ પસવારતાં કહે, મૂઈ છે ડાકણ અને નખરા કેટલા કરે છે! જા, ભૂંડીભખ, કોઈ તને પૂછશેય નહીં. હુંહ! ન પૂછે. મારે ક્યાં પુછાવવું છે? પછી બધાંને કે’તો ફરે, આને ત્રણ છાતીઓ છે, બે સામે ને એક કપાળ પર. સાંભળીને બધાં ખૂબ હસ્યાં. પછી જાણો છો શું થયું? ત્યારે આ મારી ઉપરની ગાંઠ દુ:ખવા માંડી. ગાંઠ દુ:ખે ત્યારે થાય કે માથું અફાળી લોહી કાઢું. ગંદું લોહી, કોહેલું લોહી, જેમાં આ દરદ વસે છે. પણ એ મને સમજાવે છે, કહે છે, ના હોં, ના, એવું ના કરતી. હમણાંની એની આંખો જાણે બદલાઈ ગઈ છે. સાચું કહું છું હોં! એની આંખોમાં પહેલાં જેવી હમદર્દી નથી. કશુંક બીજું દેખાય છે. કદાચ દુષ્ટતા. હું મારા મનને દિલાસો આપું છું, એ મારો વહેમ છે. પણ મન નથી માનતું. હમણાં હમણાં એના હસવામાંય પહેલાં જેવી વાત નથી રહી. જાણે કે એ મારી ઠેકડી ઉડાડતી હોય એવું હસે છે. એના વળગવામાં પણ હવે મને ચેન નથી મળતું. એનું ચોંટવું, ચીકણું લાગે છે. પણ ટેવ છે ને, કેટલાંયે વરસોની ટેવ! મારી જાતને એનામાં સંતાડી દેવાની ટેવ, એની નિકટતામાં ડૂબી જવાની ટેવ. હવે મારી ગોળાઈ લબડવા માંડી છે. ગાંઠ પણ ક્યારેક જ દુ:ખે છે, ને હું હંમેશની જેમ ચૂપ જ રહું છું. કંઈ નથી બોલતી, કંઈ નથી કે’તી. શું કહું? કોને કહું? હા, એ છે. એ સાંભળેય છે ખરી. પણ હવે એને સંભળાવવામાં મને રાહત નથી મળતી. લાગે છે એ હવે મને બસ, સહન જ કરે છે, એની પાસે હવે મને આપવા જેવું કંઈ જ નથી. ખૂટી ગયું જે હતું તે. અને એક દિવસે, એક દિવસે મેં નાનુને જોયો. નાનુ, અમારો નાનુ! તૂટેલો દડો: હા, હોં! એનેએ હળવાફૂલ જેવું થઈ જવું. નાનુને જોતાંવેંત મને કેટલું સુખ મળ્યું, કેટલો આનંદ થયો! મને થયું, હું હસું, ખડખડાટ હસું. કેટલાંયે, ઘણેરાં વરસોથી હું હસી નથી. કેટલો વખત વીત્યો હશે? કેટલાં વરસો? પચ્ચીસ, પચાસ? પણ આજે હું નાનુ જોડે હસીશ. હું હસીશ, નાનુયે હસશે. હું દોડી નાનુ પાસે. એ બગીચામાં રમતો’તો, મને જોઈ એ પણ કિલકારી મારી હસવા લાગ્યો. હું એની પાસે ગઈ. એ ઊછળ્યો. હું વાંકી વળી. મેં એને ઉપાડી લીધો. હાશ! નાનુને ખોળામાં લઈ, હું હળવી ફૂલ બની જઈશ. હળવી. સાવ હળવી. દડા જેવી. ઊછળીને હું હવામાં ઊડવા લાગીશ. મેં ઊડવા હાથ ફેલાવ્યો. નાનુ જોસથી હસવા લાગ્યો. ત્યાં… ત્યાં કોઈકે તેને મારા હાથમાંથી ઝૂંટવી લીધો. નાનુ રોવા લાગ્યો. કો’કે કહ્યું, હાય, હાય, આ કોણ ડાકણ છે? ભરખી જશે મારા રતનને. અને નાનુ મારી તરફ જોઈ રહ્યો. એની આંખોમાં બીક હતી. બીક? મારી બીક? મારાથી ડર? સૂગ? મારે માટે? મારાથી ઘૃણા! ત્યારે એ હસી. એ એ જ. મારી સાહેલી. જોરથી હસી. ખડખડાટ. પહેલાંની જેમ ધીમે ધીમે નહીં, ખૂબ મોટેથી: હા, હા, હા, અને કહે, તું ઉપાડીશ? બાળકને? હેત કરવા? તું? જરી તારી સિકલનો તો વિચાર કરવો’તો: હા, હા, હા, હા. મારું માથું. મારું કપાળ. બાપ રે! કેટલું દરદ! હાય, હાય, કેટલું દુ:ખે છે! મારી ગાંઠમાં શૂળ ઊપડે છે. મારી છાતી, મારી છાતીમાં આ શું ઊભરાય છે? દૂધ ભરાઈ આવ્યું છે. છલોછલ. ફૂટ્યું. ફૂટી ગયું. ઢોળાય છે. અને એનું હસવું. હાય હાય! ફૂટી જ ગયું. શું ફૂટ્યું? મારી છાતી ફૂટી ગઈ. દૂધ… દૂધ... લાલ રંગનું દૂધ. વહેવા માંડ્યું. રડારડ, ચીસો, હસવું, લાલ લાલ. હાહાહાહા. ના. ના. હું એ હસવું બંધ કરી દઈશ. હું એને નહીં, નહીં હસવા દઉં. નહીં હસવા દઉં. મેં હાથ લંબાવ્યા. લાલ લાલ હાથ. હું મથી એને શોધવા, એને પકડવા, એ હંમેશાં મારી જોડે છેતરપિંડી કરે છે. પણ હાથ નથી લાગતી. હું પકડીશ એને. જરૂર પકડી પાડીશ. લીધી પકડી લીધી. એનું ગળું, એની ગરદન મારા હાથમાં. મેં એનું ગળું દાબ્યું જોરથી, ખૂબ જોરથી. લાલ લાલ હાથ. લાલ લાલ ગળું. નાનુ રડે છે. ના, ના, તું રડતો નહીં હં, નાનુ જો હું હસું છું, તુંયે હસ. હા, હું હસીશ, નાનુ જોડે, હસીશ. ખૂબ ખૂબ હસીશ. હવે મને કોઈ નહીં રોકે. કોઈ નહીં. હું હસીશ. ખડખડાટ. હાહાહાહાહા…

(‘ગદ્યપર્વ’ મે-૨૦૦૬)