વાર્તાવિશેષ/૮. વાત્રકને કાંઠે

૮. વાત્રકને કાંઠે


પન્નાલાલની નવલિકાઓમાંથી ‘વાત્રકને કાંઠે’ વિશે અવાર-નવાર વિચાર આવે એમ છે, એ માટે કયું તત્ત્વ જવાબદાર છે? નવલના ખેતરનો એ કણેકણ અને ક્ષણેક્ષણે વાસ્તવિક લાગતો નેસડો? નવલ અને વાત્રક વચ્ચે કલ્પાયેલું આંતર-બહિર સામ્ય? સાત વર્ષ પહેલાં નવલના પિતા સાથેની બોલાચાલીને લીધે ચાલ્યો ગયેલો સ્વમાની પતિ અને ત્રણ વર્ષ પહેલાં નવલની છેડતી કરનારનું ખૂન કરીને એની સલાહથી નાસી ગયેલો બીજો પતિ – એ બંને આજે સાધુવેશે અહીં આવીને નવલની ચિંતામાં, જાતનો ભોગ આપવા વિવાદ કરી રહ્યા છે એમાં દેખાતી એમની દિલગીરી? કે નવલ એ બંનેને એકમેકથી વધુ ચાહે છે એવી સંકુલ લાગણીની લેખક પ્રતીતિ કરાવી શક્યા છે એ? ‘કુત્તી’ નામની શ્રી ચંદ્રકાન્ત બક્ષીની નવલિકામાં એક સ્ત્રી બે પુરુષોને ચાહે – એમની સાથે શરીર-સંબંધ રાખી એમની બેકારીના સમયમાં ધંધો કરવા તૈયારી બતાવે એ પ્રકારનું વસ્તુ પસંદ થયેલું છે. એક સ્ત્રી બે પુરુષને ચાહે એ ભાવ તો નવો ન હતો. પણ બે પુરુષ સાથે શરીરસંબંધ ધરાવવામાં પણ સંબંધની સચ્ચાઈ હોય એ શક્યતાને સંવેદનની કક્ષાએ આલેખવામાં બક્ષીએ સફળ થવાનું હતું. પન્નાલાલ કરતાં તદ્દન જુદી જ રીતે પ્રતીતિની ભૂમિકા રચવાની હતી. એ માટે સ્થૂલતા – માંસલતાનો આગ્રહ એમણે જતો કરવો પડે એવું પણ ન હતું. બક્ષી એ વાર્તામાં કેટલા સફળ થયા છે એની ચર્ચા અહીં પ્રસ્તુત નથી કે એમને પન્નાલાલ સાથે સરખાવવાનો આ ઉપક્રમ પણ નથી. બે વાર્તાઓ વચ્ચે જે સામ્ય છે એ આભાસી છે અને વૈષમ્ય છે એ લેખકોના અભિગમમાંથી જન્મેલું છે. બક્ષી વર્તમાન સમાજની અપવાદ સ્વરૂપ વાસ્તવિકતાનો આધાર લે છે, જ્યારે પન્નાલાલને વ્યાપક વાસ્તવિકતાનું સમર્થન મળેલું છે. ‘કુત્તી’માં એક જ ક્ષણે બે પુરુષો વચ્ચે સ્ત્રી છે, જ્યારે અહીં નવલના જીવનમાંથી સાત વર્ષ પહેલાં અદ્રશ્ય થયેલો પહેલો પતિ અને ત્રણ પહેલાં વિદાય થયેલો બીજો પતિ એકાએક આવી મળે છે. એમના જવામાં જેમ ક્રમિકતા છે તેમ આવવામાં પરોક્ષતા છે. નવલ અત્યારે એકલી જ છે. એને એ બંનેના પકડાઈ જવાની બીક છે તેમ એમને નવલના ભવિષ્યની ચિંતા છે. એ ચિંતા પ્રગટ કરતી એમની વાતચીત અને દરમિયાન પોતાનું કામ કર્યે જતી નવલનું વર્તન નર્યા વાસ્તવના પાયા પર આલેખાયેલું છે. એનાં લૌકિક અને ચૈતસિક એ બંને રૂપ અહીં પ્રગટ્યાં છે. માસા-માસી તો પરિસ્થિતિના ભાગ જેવાં છે પણ બે પતિ અને નવલ – આ ત્રણ પાત્રો વચ્ચેનો પ્રગટ-અપ્રગટ સંવાદ બલ્કે સંવાદિતા સાધવામાં જ ‘વાત્રકને કાંઠે’ની વિશેષતા વરતાશે. વાર્તાનું મધ્યબિન્દુ નવલની નિર્વેદસહજ મનઃસ્થિતિમાં છે. એને સુખી કરવા માટે બંને જણા ભોગ આપવા તૈયાર છે. પહેલા પતિએ તો કોઈ ગુનો કરેલો નથી. એ બીજાને બદલે પકડાઈ જવા તૈયાર છે. એની સામે બીજાની સચ્ચાઈ પણ ઊણી ઊતરતી નથી. નવલ એ બંને માટે સમભાવ ધરાવે છે. લેખકે એ પૂરેપૂરું સ્પષ્ટ પણ કર્યું છે. ‘પરંતુ નવલને – વાત્રકને એના ડાબા-જમણા કાંઠા માટે પક્ષપાત હોય તો આ બેમાંથી એકના ઉપર હોય! એને તો – ડાબી ફૂટે તોય ને જમણી ફૂટે તોય, આંખ તો પોતાની જ હતી ને! અને એટલે જ તો પોલીસ થાણામાંય એણે નવગુણ ટાળનાર નન્નો જ પકડી રાખ્યો ને? ‘અવતારમાંય આવા બાવા મીં નથી ભાળ્યા પછી ઓળખવાની વાત જ ક્યાં, સાહેબ!’ વાર્તાને અંતે આ સમભાવની સ્થિતિ ટકતી નથી. જેણે ખૂન નહોતું કર્યું એ લંગડાને બદલે પકડાઈ જવામાં સફળ થયો ત્યારે જ નવલને ખબર પડી કે એ ‘અભાગી માણસ એને વધારે વહાલો હતો. એની કુમાશ, એનું સુંવાળાપણું ને રિસાળવો સ્વભાવ વગેરે બધાં જ લક્ષણ એને ગમતાં હતાં.’ નવલ એને માટે આંસુ સારે છે, પણ અંતરતમ, કારણ તો લેખકે કહ્યું જ નથી. એ માણસ વિના વાંકે, માત્ર નવલને સુખી કરવા માટે અને લંગડાને બચાવી લેવા માટે જેલમાં ગયો. આમાં એણે હાથે કરીને જે વેદના વહોરી એ નવલના અનુભવનો ભાગ બની. લંગડો ખુલાસો કરવા જ નવલની પાછળ પાછળ નદી સુધી ગયો હતો : ‘કોરટમાં મીં મારાવાળી તો ઘણીય કરી પણ પેલા બોલકાએ મને નંઈ પોંચવા દીધો. રાજવાળાએય કાને કાંઈ નંઈ ધર્યું. અડધો તો આ ભાંગેલો ટાંટિયો નડ્યો મને... સાચું કહું છું! જીવતરને મીં કોઈ દા’ડો વાલું કર્યું નથી ને કરુંય નંઈ!... પણ’– નવલને હૈયાફાટ રડતી જોઈને બીજો પગ પણ ભાંગી ગયો હોય એવું એ અનુભવે છે. દૂરથી જ વિદાય થઈ જાય છે. એની વ્યથા ઓછી નથી. કેમ કે એ પ્રગટ પણ થઈ ન શકી. લેખકે બંને પુરુષપાત્રોની સહન કરવાની વૃત્તિ અને ક્ષમતા વચ્ચે જે સમતુલા ઊભી કરી છે એ અનન્ય સાધારણ છે. અને આ બધું ધારણ કરવાનું છે નવલના અબોધ એકાકી હૈયાએ. લંગડો પણ ત્યાંથી જઈ રહ્યો છે એની એને ખબર નથી : ‘હાથમાંનું હેવાતન તો આ ચાલ્યું... એ નદીનો વળાંક વળ્યો... એ લંગડાતો લંગડાતો ડુંગરી ચઢ્યો એ ઊતરે... એ... એ... એ... એ... ઊતરી પડ્યો!’ જે નવલની આંખે દર્શાવાનું હતું એ લેખકે પોતે જ નિર્દેશ્યું. પણ પન્નાલાલે નિજ દૃષ્ટિ અને પાત્ર દૃષ્ટિ (પોઇન્ટ ઑફ વ્યૂ)માં અગાઉથી જ અભેદ સાધ્યો હોવાથી એ નવલ વતી વાત કરતાં હોવા છતાં એનો અણસાર પણ આવતો નથી. વાર્તાનું છેલ્લું વાક્ય જરૂરી હતું? ‘એક જ આશા હતી : ઢોર ચરાવવા ગયેલા માસા સામે મળે ને એને સમજાવીને પાછો લાવે!’ શું અગાઉનો કરુણ અંત જીરવાય એવો ન હતો? વિકલ્પ ઉઘાડો રાખીને વ્યથા ઓછી કરવાની જરૂર હતી? કદાચ પન્નાલાલે સભાનતા કે ગણતરી વિના જ આ અંત સૂચવી દીધો છે. માસા ઢોર ચારવા ગયા છે એ વિગત વાસ્તવિકતાનો એક ભાગ છે. એનો લાભ અહીં અનાયાસ મળી જાય છે. ‘મળેલા જીવ’ જેવી લઘુનવલમાં કે બીજી કેટલીક વાર્તાઓમાં ઇશાનિયા દેશના પરિવેશે પન્નાલાલે જે પ્રેમનિરૂપણ કર્યું છે એમાં ઠીક ઠીક રંગદર્શીપણું આવી ગયું છે. પ્રેમને એક વાસ્તવિક માનવસંબંધ રૂપે આલેખવામાં એમને ‘વાત્રકને કાંઠે’માં અદ્ભુત સફળતા મળી છે. અહીં સહજતાનું પણ એક આગવું સૌંદર્ય છે. એ પ્રાપ્ત પરિસ્થિતિ અને ઘટનાની સોએ સો ટકા મદદ લેવા છતાં પાત્રોના મન થકી માયા જોડી આપે છે. આ વાર્તાને આજના ધોરણે મૂલવવા માટેય અદ્યતન પરિભાષા અપ્રસ્તુત બની જાય છે. કદાચ વર્ષો સુધી ઉન્નતભ્રૂ વિવેચનનાં હથિયાર આ વાર્તા સામે હેઠાં પડી જશે.


૧૯૭૬