વિનોદ જોશીનાં કાવ્યો/પટેલ-પટલાણી

પટેલ-પટલાણી

પીથલપુરમાં પટેલિયો કાંઈ પટલાણી પંચાળ કે માગે માદળિયું
ઉગમણું ઘર અવાવરું આથમણું ઝાકઝમાળ કે માગે માદળિયું
પટેલ કોરો ઓરસિયો પટલાણી ચંદનડાળ કે માગે માદળિયું

અમથો નક્કર ફાડિયું હમણાં ઢીલો ઘેંશ,
બેઠો વરવે વેશ એને માદળિયે કાંઈ મૂંઝાવ્યો;

થોભો દઈને ઉંબરે બેઠો રબ્બર દેહ,
પંપાળે સંદેહ એની આંગળિયુંમાં ઓરતા;

જમણે હાથે ખોતરે જોખમવંતો કાન,
ખરતું કેવળજ્ઞાન આ તો માદળિયાનો મામલો;

ઓસરિયું કાંઈ અણોહરી ને રાંધણિયું ભેંકાર કે માગે માદળિયું
પટલાણીને રગ રગ મ્હોર્યો અણદીઠો એંકાર કે માગે માદળિયું
પટેલ પૂરા તળિયાઝાટક પટલાણી ચિક્કાર કે માગે માદળિયું

પટલાણીવટ જોઈને અખંડ વ્યાપ્યો કાળ,
ઊભી થઈ તતકાળ ફેં ફેં મૂછો ફાંકડી;

ફૂટ્યો ફાંગી આંખમાં ફળફળતો તેજાબ,
ઉપરથી પીધી રાબ એના ખોંખારે ઘણ ધ્રોડિયાં;

ધણણણ તોપું ગડગડી પીથલપુર મોઝાર,
જામ્યો જયજયકાર એના પંચાળે પડઘા પડે;

પટલાણીને સોંસરમોંસર પેઠી વેરણ ફાળ કે માગે માદળિયું
પડતું મેલ્યું પિયરિયું ને વળતાં લીધો ઢાળ કે માગે માદળિયું
પરપોટામાં પડી ગયો રે ઘોબો અંતરિયાળ કે માગે માદળિયું

હાં હાં પટલ ખમા કરો અણસમજ્યાની આણ,
હું પાદરનું છાણ ને તમ પારસ પીપળો;

આંખે ઝૂલે ચાકળા કાંધી તોરણ મોર,
ઢૂંક્યો રે કલશોર હવે ઢાળો માઝમ ઢોલિયો;

પોચી પોચી રાતડી ચાંદો અફલાતૂન,
પટલાણી સૂનમૂન એને હઈડે વાગે વાંસળી;

ચપટીક ઓરી લા..પસી ને અધમણ કરી કુલેર કે વાગે વાંસળિયું
પટેલ ભીનો ભાદરકાંઠો પટલાણી ખંડેર કે વાગે વાંસળિયું
લીલો ઘોડો છૂટી ગયો ને પડી રહી સમશેર કે વાગે વાંસળિયું