વિશિષ્ટ સાહિત્યસંજ્ઞા કોશ/N

N
Nachtraglich ઘટનોત્તર મનોવિશ્લેષણ વર્તમાનના અર્થઘટન માટે ભૂતકાળને તપાસે છે. મનોરોગીઓના વૃત્તાંતનું પગેરું કાઢવા જતાં ફ્રોઈડને લાગેલું કે ખરેખર પોતે વ્યક્તિ ઇતિહાસને તપાસતો હતો છતાં મનોરોગીના નિવેદનમાં કાલ્પનિક તત્ત્વો ભળી ગયેલાં હતાં. આનું કારણ એ છે કે સ્મૃતિ જે તે લાગણીઓ જન્માવે છે તે લાગણીઓ ઘટના ખરેખર બની હોય તે સમયે હાજર હોતી નથી. ઘટના બની ગયા પછી એનું અર્થઘટન આપવામાં આવતું હોય છે. આનું સાદૃશ્ય નવલકથાવાચનમાં શોધવામાં આવ્યું છે અને દર્શાવવામાં આવ્યું છે કે કઈ રીતે વાચકની સામે કથાંશક્રમ (Sjuzet) આવે છે અને એમાંથી એ કઈ રીતે કથાંશસંખ્યા (Fabula) જુદી તારવતો હોય છે. વાચકને કારણો અને સંબંધો શોધીને મનોવિશ્લેેષકની જેમ, અર્થની પુનઃપ્રાપ્તિ માટે સમયમાં પાછા હટી મથવાનું હોય છે.
Naiv und sentimentalisch સહજકવિ અને બોધકવિ, શિલરે કવિઓને બે વર્ગમાં વહેંચ્યા છે : જેનું વ્યક્તિત્વ પ્રકૃતિ સાથે પૂરું સંવાદી છે એવો સહજકવિ અને પ્રકૃતિનો સીધો સંપર્ક ગુમાવ્યો છે છતાં પ્રકૃતિમાં પાછા જવા ઇચ્છે છે એવો બોધકવિ. આમ, સહજકવિ વાસ્તવવાદી છે, જ્યારે બોધકવિ આદર્શવાદી છે. પહેલાના પ્રતિભાવમાં સ્વયંસ્ફૂર્તિ છે, બીજાનો પ્રતિભાવ ઔપચારિક છે. છતાં આ બંને કવિઓ એક બીજાના પૂરક છે.
Narrame કથિમ કથનનો નાનામાં નાનો અવિશ્લેષ્ય સંદેશપરક ઘટક.
Narrated monologue જુઓ FIS
Narrattee કથનગ્રાહી કલ્પિતવાચક માટેની આ સંજ્ઞા છે. નવલકથામાં કથન કોણ કરે છે એમાં કથનની જેટલી મહત્તા છે. તેમ કથન કોને માટે થયું હોય છે એના દ્વારા પણ કથનની મહત્તા છે જેને ઉદ્દેશીને કથન થયું હોય, એ કથન ગ્રહણ કરનાર પણ કથન પર પ્રભાવ પાડતો હોય છે.
Nazism નાત્સીવાદ હિટલરના જર્મનદલ સાથે આ સંજ્ઞાનો સંબંધ છે. ફાસિવાદની જેમ આ વાદ પણ વ્યક્તિસ્વાતંત્ર્ય, લોકશાહી, વૈયક્તિક અધિકાર, આંતરરાષ્ટ્રીય સહયોગ અને અધિનાયકનું એ સમર્થન કરે છે. ટૂંકામાં પ્રજાની સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય પ્રવૃત્તિઓ પર સરમુખત્યારશાહી સૂચવતી આ સંજ્ઞા છે.
Negative Dialectics નકારાત્મક દ્વન્દ્વતર્ક ‘નકારાત્મક દ્વન્દ્વતર્ક’ નામક મહત્ત્વના પુસ્તકમાં અડોર્નોએ હેગલના દ્વન્દ્વાત્મક તર્કને આત્મસાત કરી હેગલની વિચારણાનું અતિ ઝીણવટથી વિરચન કર્યું છે. અડોર્નો સ્થાપિત કરે છે કે નકારાત્મક દ્વન્દ્વતર્કની આવશ્યકતા છે જે સામાજિક શોષણ અને વ્યક્તિગત દમનને – બંનેને – આવરી લઈ શકે. નકારાત્મક દ્વન્દ્વતર્ક સર્વસત્તાત્મક વલણોને શરણે ગયા વગર પોતે સમગ્રને રચવા સક્ષમ હોવો જોઈએ.
Negritude હબસીનિષ્ઠા આ સંજ્ઞા સાંપ્રતકાલીન આફ્રિકન લેખકો અને ખાસ તો ફ્રેન્ચભાષી આફ્રિકન લેખકોના વલણને નિર્દેશે છે. આ વલણ આફ્રિકન સંસ્કૃતિ અને એની સંવેદનાને જાળવી રાખવા માગતી હોય અને પ્રકાશિત કરવા માગતી હોય એ પ્રકારની સૌંદર્યનિષ્ઠાને સાહિત્યમાં રજૂ કરે છે.
Neo Geo નીઓ જીઓ સમૂહમાધ્યમોથી પ્રભાવિત આ કલાવાદની પાછળ બે ધારણાઓ છે. પહેલી ધારણા એ છે કે સાંપ્રત સમાજની વ્યવસ્થા, ગ્રાહકઉપભોગની પ્રક્રિયામાં પડેલાં સંકેતો અને મૂલ્યો દ્વારા ગોઠવાયેલી છે. બીજી ધારણા એ છે કે વૈશ્વિક મૂર્તસંસ્કૃતિ આ વાસ્તવને કેટલે અંશે આકલિત કરી શકે છે એના સામર્થ્ય પર કલાનું લક્ષ્ય અને કલાની શક્તિને આંકવાનાં રહે છે. આ કલા આંદોલન નકલ કરવામાં નહીં પણ વિચારોની પ્રતિકૃતિ (Parodies) ઊભી કરવામાં કલાનું માહાત્મ્ય જુએ છે. આઠમા દાયકાના ન્યૂયોર્કમાં પિટર હેલી, શેરી લેવિન વગેરેએ આ વાતાવરણ ઊભું કર્યું અને પ્રતિકૃતિઓ રૂપે ભૌમિતિક આકૃતિઓ ઉપસાવી.
Neophilia આધુનિકપ્રીતિ નવી વસ્તુઓમાં અધિક પ્રીતિ. આધુનિક સાહિત્યમાં કેટલાક આ ગ્રંથિથી પીડાય છે.
Neophobia આધુનિકભીતિ નવી વસ્તુઓની અધિક ભીતિ. આધુનિક સાહિત્યની વિરુદ્ધ જનારાઓમાં આ ગ્રંથિ જોવા મળે છે.
New novel નવી નવલ આલાં રોબગ્રિયે, નાતાલી સારોત, માર્ગરિત દયુરા અને માય્‌કલ બુતોર જેવા ફ્રેન્ચ નવલકારોની નવલકથામાં આ નવી નવલ (Nouveau roman)નો અભિગમ જોવાય છે. આ અભિગમ ભૌતિક વિગતો પર અને વાસ્તવનાં નવાં પાસાંઓ પર ભાર મૂકે છે. અને રૈખિક કથન તેમ જ સામાજિક કે રાજકીય વિષયવસ્તુને બાદ કરે છે.
Non-Thought અ-વિચાર મોરિસ બ્લાન્શૉએ અ-વિચારના ક્ષેત્ર તરીકે સાહિત્યના ભાષાક્ષેત્રને આગળ ધર્યું છે. એનું કહેવું છે કે રોજિંદી ભાષાનું વિચારક્ષેત્ર દિવસના મુદ્રશ જેવું સુસ્પષ્ટ હોય છે. આ વિચાર ભૂમિકામાં રોજિંદી ભાષા પોતે અદૃશ્ય થાય છે ત્યારે સાહિત્યની ભાષા કલ્પિત હોવાથી અ-વિચાર ક્ષેત્રની ભૂમિકામાં આવે છે અને અદૃશ્ય થયેલી ભાષાનું અહીં પ્રત્યાગમન થાય છે.
Normal Suggestion સાધારણ ધ્વનિ જુઓ, Micro Suggestion.
Noumenon જુઓ Phenomenon
Nouveau realisme નવ્ય વાસ્તવવાદ ઈવેલ ક્લાઈન, ઝાં તિન્ગલી, દેનિયલ સ્પોરી અને મેનિયલ રોય્‌ઝે જેવાની કલાકૃતિઓને આધારે ફ્રેન્ચ કલાવિવેચક ઉપર પિયર રેસ્તનીએ આ સંજ્ઞા આપી છે. સામાન્ય વસ્તુઓનો વિનિયોગ કરી સંયોજન ઉપસાવતા કલાસ્વરૂપને આ સંજ્ઞા નિર્દેશે છે.
Nouveau roman નવી નવલ જુઓ, New novel.