વિશિષ્ટ સાહિત્યસંજ્ઞા કોશ/P

P
Pangram સર્વવર્ણાલેખ વર્ણોના થોડાંક પુનરાવર્તનને બાદ કરતાં આખી વર્ણમાલાનો ઉપયોગ કરતું વાક્ય.
Paradigm Shift વિચારવિશ્વવળાંક ટોમસ કુહ્ન દ્વારા પ્રચલિત સંજ્ઞા. કુહ્ન માને છે કે વૈજ્ઞાનિક સંશોધન કોઈ ચોક્કસ વિચારવિશ્વની સીમારેખાઓ વચ્ચે, એટલે કે પ્રવર્તમાન સ્વીકૃત સિદ્ધાંતો દ્વારા નક્કી કરાયેલી માર્ગદર્શક રેખાઓ વચ્ચે થતું હોય છે. જેને એ ‘સાધારણ વિજ્ઞાન’ કહે છે. પરંતુ બીજી બાજુ વૈજ્ઞાનિક પ્રયોગોનું સ્વરૂપ જ એવું છે કે એ પ્રવર્તમાન સિદ્ધાંતો સમજાવી ન શકે એવી સમસ્યાઓ અને એવા અપવાદોને જન્મ આપે છે. આવું વધુ પ્રમાણમાં બને તો કટોકટીની સ્થિતિ ઊભી થાય છે; અને છેવટે નવા વિચારવિશ્વ દ્વારા એને હલ કરવામાં આવે છે. ટોલેમીના ખગોળશાસ્ત્રથી કોપરનિક્સનું ખગોળશાસ્ત્ર એ રીતે વિચારવિશ્વનો વળાંક છે. સાહિત્યક્ષેત્રે અર્વાચીન સાહિત્યથી આધુનિકતાવાદી સાહિત્ય એવો જ વિચારવિશ્વનો વળાંક છે. વિજ્ઞાનક્ષેત્રની આ સંજ્ઞા દરેક ક્ષેત્રમાં આજે પ્રચલિત છે.
Paraphrase translation અન્વાયાંતર અનુવાદ શબ્દેશબ્દ અને પંક્તિએ પંક્તિને ચુસ્ત રીતે અનુસરતા શબ્દશઃ અનુવાદ (metaphrase translation)ની સામે કવિ ડ્રાયડને મૂળ કવિને લક્ષમાં રાખી ભાવાર્થને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરતા ‘અન્વાયાંતર અનુવાદ’ની હિમાયત કરી છે.
Parergon ઉપસાધક કલાવસ્તુના આંતર અને બાહ્યના સમસ્યાપૂર્ણ સંબંધ સંદર્ભે ચર્ચા કરતાં દેરિદાએ આ સંજ્ઞાનો ઉપયોગ કર્યો છે. જેને અલંકરણ કહેવાય અને જે કલાવસ્તુના પ્રતિનિધાનમાં આંતરિક ઘટક નથી એ ઉપસાધક પણ પોતાના સ્વરૂપમાત્રથી આહ્‌લાદક જન્માવવામાં કામગીરી બજાવે છે. ચિત્ર પરિગત (Frame). મૂર્તિ પરના પડદા કે મહેલોના થાંભલાઓ આવી ઉપસાધક સામગ્રી છે. ઉપસાધક બહાર રહીને આંતરિક પરિચાલન સાથે સંબંધિત રહે છે અને એને સહાયક નીવડે છે. ટૂંકમાં કોઈ પણ કલાવસ્તુની આંતરિકતા અને બાહ્યતાની સમસ્યાના પ્રદેશમાં આ સંજ્ઞા રોપાયેલી છે.
Participatory poetics સહભુક્તિનું કાવ્યશાસ્ત્ર સાહિત્ય એના પ્રાથમિક તબક્કામાં મૌખિક પ્રયોગ સાથે સંકળાયેલું હતું. એનો અર્થ એ કે સાહિત્યનો પ્રાગિતિહાસ મૌખિક શબ્દકરણમાં પડેલો છે. આવી મૌખિક સંસ્કૃતિમાં રોપાયેલું કાવ્યશાસ્ત્ર સહભુક્તિનું કાવ્યશાસ્ત્ર હતું. એમાં વક્તા શ્રોતા અને વિષયનું એક પ્રકારનું સાતત્ય હતું. આજે પણ આ કાવ્યશાસ્ત્રને લક્ષમાં રાખી સાહિત્યની સમજનો પ્રારંભ કરી શકાય. આ સમજના કેન્દ્રમાં પ્રશ્ન છે : ‘કોણ કોને શું કહે છે?’
Paste job અનુલગ્ન કૃતિ અન્ય સાહિત્ય કૃતિઓના ટુકડાઓથી તૈયાર કરેલી સાહિત્યકૃતિ.
Personalism વ્યક્તિત્વવાદ આ વાદ નથી, એક વૃત્તિ છે. જીવનમાં મૂલ્યોનો સંબંધ વ્યક્તિત્વ સાથે છે, અને વ્યક્તિત્વ હંમેશાં મૂલ્યોની શોધમાં હોય છે. માનવવ્યક્તિત્વની એ મહત્તા છે. આથી માનવવ્યક્તિત્વની પવિત્રતા અને સ્વતંત્રતાનો ઉચ્છેદ કરવાનો પ્રયાસ કોઈ પણ વ્યક્તિત્વવાદી સાંખી શકે તેમ નથી.
Phallocentrism લિંગકેન્દ્રિતા ફ્રેન્ચ નારીવાદી લેખક હેલન સિહૂએ પિતૃમૂલક સમાજમાં પુરુષને વિજેતા તરીકે ચીતરવામાં આવ્યો છે એની સામે પોતાની પ્રતિક્રિયા આપી છે. દેરિદાની બૌદ્ધિક વિચારધારાથી પ્રભાવિત આ લેખક પણ તત્ત્વવિચારકેન્દ્રિતાનો વિરોધ કરે છે અને નારીને જીવનશક્તિના ઉદ્‌ગમ સ્થાન તરીકે ઓળખાવી પિતૃમૂલક વ્યવસ્થામાં નારીનું શોષણ કરતી અને નારીને ચૂપ કરી દેતી જે લિંગકેન્દ્રિતા છે એનો નારીવાદી ભાષામાં વિરોધ કરે છે. લિંગકેન્દ્રિતા એવી વ્યવસ્થાનો નિર્દેશ કરે છે, જેમાં લિંગ શક્તિનું ઉદ્‌ગમસ્થાન કે એનું પ્રતીક ગણ્યું હોય. તત્ત્વવિચારકેન્દ્રિતા (Logocentrism) અને લિંગકેન્દ્રિતા (phallocentrism)ના સંકરમાંથી લિંગતત્ત્વકેન્દ્રિતા (phallogocentrism) જેવી સંજ્ઞા અસ્તિત્વમાં આવી છે.
Phallogocentrism લિંગતત્ત્વકેન્દ્રિતા જુઓ, phallocentrism.
Pharmakon વિષમારણ દેરિદાના વિરચનવિચારમાં લેખનને આ સંજ્ઞા દ્વારા વર્ણવવામાં આવ્યું છે. આ સંજ્ઞા ‘વિષ’ અને ‘મારણ’ બંનેનો અર્થસંકેત કરે છે. લેખનની શોધ એ મારણ છે. પરંતુ સાથે સાથે એ ભયંકર રસાયણ પણ છે. દેરિદાની વિચારવ્યવસ્થામાં આ દ્વિધાતાણ છે. સારું/નરસું; આંતર/બાહ્ય; સ્મૃતિ/વિસ્મૃતિ; વાણી/લેખન; – જેવા વિરોધોને એ ઉપસાવે છે. આમ આ સંજ્ઞા વિરોધોની લીલા છે.
Phenomenon પ્રતિભાસ પ્રતિભાસ અપરોક્ષ અનુભવ છે. હું કોઈ વસ્તુને જોઉં તો મારી અનુભૂત વસ્તુ એ પ્રતિભાસ છે. જર્મન તત્ત્વચિંતક કાન્ટ પ્રતિભાસને વસ્તુતત્ત્વ (Noumenon)થી અલગ કરે છે. વસ્તુતત્ત્વ અનુભૂત વસ્તુથી સ્વતંત્ર એવી વસ્તુની ખુદની હયાતી (thing - in -itself) છે. સાહિત્યક્ષેત્રે આ વિચાર અનુક્રમે રસલક્ષી સિદ્ધાંતમાં અને કૃતિલક્ષી સિદ્ધાંતમાં જોવાય છે.
Physical poetry વસ્તુકવિતા વિચારકવિતા (Platonic poetry)થી વિરુદ્ધની કવિતા માટે રેન્સમે યોજેલી સંજ્ઞા. રેન્સમ કાવ્યકલ્પન અને અ-કલ્પનપરક પ્રોક્તિને આ વિચારોને વિરોધાવે છે. વૈજ્ઞાનિક પ્રોક્તિ પાંખાં પ્રતીકોથી કામ કરે છે, જ્યારે કવિતા વધુ સમૃદ્ધ અને પ્રત્યક્ષ સંમૂર્તિપરક સંકેતોનો વિનિયોગ કરે છે. વિચારોને વજન આપતી વિચાર-કવિતા કરતાં આવી વસ્તુકવિતા જુદી છે.
Pictorialist poetics ચિત્રમૂલક કાવ્યશાસ્ત્ર અહીં શાબ્દિક સંસ્કૃતિ દૃશ્યસંસ્કૃતિ તરફ ઢળી એનો સંકેત છે. મુદ્રિત પાના પરની કવિતાનાં સંમૂર્તિ૫૨ક લક્ષણો પર વધતી જતી સભાનતાએ કાવ્યકૃતિઓનું ‘સ્થલીકરણ’ કર્યું છે; અને ભાષાપરક સંરચનાઓનાં ચિત્રાત્મક અને સ્થલગત પાસાંઓની શક્તિઓને બહાર આણી છે. આ પ્રકારનું કાવ્યશાસ્ત્ર સ્વરૂપગત મૂલ્યોની તેમ જ કવિતાના તાણાવાણામાં ચિત્રાત્મક સંરચનાઓને વણી લેવાની વધુ ખેવના કરે છે. આ મૂર્ત કાવ્યશાસ્ત્ર (Concrete poetics) તરીકે પણ ઓળખાય છે.
Plaisir આહ્‌લાદ જુઓ, Jouissance.
Platonic poetry વિચારકવિતા જુઓ, physical poetry.
Pleonasm શબ્દાધિક્ય વધારાના શબ્દોનો ઉપયોગ.
Plurisign બહુસંકેત જુઓ, Monosign.
Poetic language fallacy કાવ્યભાષા દોષ અન્ય ભાષાકીય પ્રવૃત્તિઓ કરતાં સાહિત્યની ભાષાકીય પ્રવૃત્તિ સ્વરૂપગત રીતે અને કાર્યગત રીતે જુદી અને વિશિષ્ટ પ્રવૃત્તિ છે એવી માન્યતાને આ સંજ્ઞા દોષ ગણે છે, અને દૃઢપણે માને છે કે કેટલાક કાવ્યશાસ્ત્રીઓએ સાહિત્યિકતા અંગે જે લક્ષણો તારવ્યાં છે તે સાહિત્યિક છે જ નહિ. સામાન્ય ભાષા અને સાહિત્યભાષા વચ્ચે ભેદ જોવો નિરર્થક છે.
Pointillism બિંદુવાદ જુઓ, Divisionism.
Polyphonic novel બહુસ્વન નવલકથા મિખાઈલ બખ્તિનનું મહત્ત્વનું પ્રદાન ભાષાના સંવાદપરક પરિમાણની શોધ અંગેનું છે. સાહિત્ય, નીતિ, રાજકારણ, કાયદો અને મનના વિચારોમાં એક મુદ્દો નોંધવા જેવો છે કે આપણે આપણા પોતાના શબ્દો કરતાં અન્યના શબ્દો સાથે વધુ મથીએ છીએ. કાં તો આપણે કોઈના શબ્દો યાદ કરીએ છીએ અને એના પર પ્રતિક્રિયા કરીએ છીએ. કાં તો દલીલ કે બચાવ કે મતભેદ માટે અન્યના શબ્દોને રજૂ કરીએ છીએ. એટલે કે અન્યના શબ્દોને અનુલક્ષીને મનમાં સંવાદ રચતા હોઈએ છીએ. આ દરેક કિસ્સામાં કોઈકની વાણી આપણી વાણીના સંસર્જનને શક્ય બનાવે છે; અને ભાષાની સર્જનશક્તિમાં અનિવાર્ય કારણરૂપ બને છે. ભાષાના આ સંવાદપરક અને સામાજિક સંદર્ભપરક પરિમાણને લક્ષમાં રાખી બખ્તને દોસ્તોયેવ્સ્કીની નવલકથાના સંદર્ભમાં બહુસ્વન નવલકથાનો સિદ્ધાંત આપ્યો છે.

એક-સ્વન નવલકથામાં લેખકનો અવાજ જ પ્રભુત્વ ધરાવતો હોય છે. અને પાત્રોના અવાજની પરસ્પરની પ્રતિક્રિયાઓને અત્યંત ગૌણ કરી એ સાર્વત્રિક રીતે સર્વેસર્વા બની છાઈ જતો હોય છે. લેખકના અવાજના આધિપત્ય હેઠળ જ અન્ય અવાજોને એમાં સ્થાન હોય છે. પરંતુ બહુસ્વન નવલકથામાં અન્ય અવાજો પોતાની રીતે પ્રગટે છે. પોતે સ્વતંત્ર દરજ્જો હાંસલ કરે છે; અને લેખકના અવાજને તાબે થયા વગર એની સાથે સંભાષણમાં ઊતરે છે.

Polysynthesism બહુસંયોજન જુઓ, Holophrase.
Polyvocity બહુવાચિકતા સાહિત્યકૃતિની તત્ત્વકેન્દ્રી અને નિષ્ક્રિય એકવાચિકતાના સ્વીકારને બદલે વક્રતા સંકુલતા અને સંદિગ્ધતાને અનુલક્ષીને એની બહુવાચિકતાની શક્યતા પર ભાર મૂકતી દિશા આ સંજ્ઞા સૂચવે છે.
Pop art લોકગ્રાહી કલા કોમિક સ્ટ્રીપ્સ અને જાહેરાતનાં પોસ્ટરો જેવી સમૂહ ઉત્પાદનની સામગ્રીનો ઉપયોગ કરતું કલાસ્વરૂપ.
Postfeminism અનુનારીવાદ નારીવાદ અંગે ફેરવચારણા કરતો અભિગમ. એવું તારવવામાં આવ્યું છે કે નારીવાદનાં ભય અને જોખમોએ સાબિત કર્યું છે કે પુરુષના જગતમાં પુરુષ સાથે સમાનતાનો આગ્રહ રાખવો એ ભૂલ છે. નારીના જાતીય રીતે આકર્ષક રહેવાના અને ગૃહજીવનમાં પ્રસન્ન રહેવાના અધિકારને હાનિ પહોંચી છે; કૌટુંબિક જીવન જોખમમાં મુકાયું છે અને નૈતિક ધોરણો વગરના બાળઉછેરને પોષણ મળ્યું છે. આ સંદર્ભમાં અનુનારીવાદ નવ્ય નારીત્વનો દાવો કરી રહ્યો છે.
Posthumanism અનુમાનવતાવાદ અનુઆધુનિક વિચારણાનું એક પરિણામ અનુમાનવતાવાદ છે. પુનરુત્થાન પરિયોજનામાં વ્યક્તિચેતનાને કેન્દ્રમાં રાખી આત્મસિદ્ધિનું ગૌરવ આંકવામાં આવતું હતું. અને કોઈ પણ સંસ્કૃતિના પ્રાથમિક ધ્યેયોમાંનું એ એક ધ્યેય હતું. પણ આલ્થુઝર જેવા માક્ર્‌સવાદી ચિંતકે લગભગ પ્રતિમાનવતાવાદી કહી શકાય એવા વલણ સાથે જગતના કેન્દ્ર તરીકે માનવજાત છે એ વિચારનો વિરોધ કર્યો. કેટલાક અનુઆધુનિકતાવાદી નારીવાદીઓએ પણ માનવતાવાદને પિતૃસત્તાક વિચારધારાનો ભાગ ગણી એનાથી અંતર કેળવ્યું છે.
Povera (art form) માર્ગીકલા પરિણામ કરતાં વિચાર કે પ્રક્રિયા પર વધુ ભાર આપતું કોલાજ, નખચિત્ર, ઇત્યાદિ કલાસ્વરૂપ.
Pre Raphaelite પૂર્વરેફિલ રેફિલ પૂર્વેના ઇટાલિયન કલાકારોની શૈલીને પુનર્જીવિત કરવા માગતું ૧૮૪૮ની આસપાસનું હોલ્મન હંટ, જોન મિલે, રોઝેટી વગેરે અંગ્રેજી કલાકારોનું જૂથ. સાહિત્યસંજ્ઞા તરીકે અહીં ચિત્રાત્મકતા, ઇન્દ્રિયસંવેદ્ય કલ્પનો, ધાર્મિક પ્રતીકાત્મકતા, મધ્યકાલીનતા અને આર્ષશૈલીનું સૂચન છે.
Principle of return પશ્ચાદ્‌ગતિનો સિદ્ધાંત લોતમનની સંજ્ઞા. રોજિંદી ભાષા કાલગત સંવેદન છે; જ્યારે કવિતાનું સંવેદન સ્થલગત છે; અને આ સ્થલગત સંવેદન ભાવક પાસે સતત પશ્ચાદ્‌ગતિ ઇચ્છે છે. આ સતત ચાલતી પશ્ચાદ્‌ગતિની પ્રક્રિયા અને તુલના દ્વારા ભાવક સમક્ષ અર્થની નવી સામગ્રી પ્રત્યક્ષ થાય છે.
Proairetic code સંઘટનસંહિતા સંપૂર્ણ કે પૂરતી ન હોવા છતાં રોલાં બાર્થે કથાસાહિત્યના વિશ્લેેષણ માટે પાંચ સંહિતાઓ નિર્દેશી છે. વાચક દ્વારા કરાતી વસ્તુસંકલનાને નિયંત્રિત કરતી સંઘટનસંહિતા. આ ઉપરાંત પ્રશ્ન અને ઉત્તર, સમસ્યા અને ઉકેલમાં સંલગ્ન રહેતી ચેતનાસંહિતા (Hermeneutic code); પાત્રોને વિકસિત કરવા જોઈતાં અર્થપરક લક્ષણોને સંગ્રહતી અર્થસંહિતા (Semic code); પ્રતીકાત્મક અને વિષયવસ્તુપરક વાચનાઓ પર લઈ જતી પ્રતીકાત્મક સંહિતા (Symbolic code) અને કૃતિ દ્વારા નિર્દિષ્ટ સાંસ્કૃતિક પાર્શ્વભૂથી બંધાયેલી નિર્દેશ૫રક સંહિતા (Referential code).
Proletcult કામદાર સંસ્કૃતિ Proletarskaya Kultura આ સંક્ષેપ છે. આ સંજ્ઞા ૧૯૧૭માં બોગદાનોવ દ્વારા શરૂ થયેલી સોવિયેટ ચળવળને નિર્દેશે છે. ઉત્સાહી લેખકોનું જૂથ આ ચળવળમાં કામદારસંસ્કૃતિના ઉત્તેજનનું ધ્યેય રાખતું હતું.
Prunning poem અવચ્છેદન કવિતા કપાતી ડાંખળીની જેમ છંટાતો આવતો શબ્દ અને બંધાતી આવતી પ્રાસરચના આ કાવ્યનો વિશેષ છે. આ કવિતાસ્વરૂપની ત્રણ પંક્તિના એકમમાં બીજી અને ત્રીજી પંક્તિના પ્રાસ પહેલી પંક્તિના પ્રાસમાંથી ક્રમશઃ એક એક અક્ષર અવચ્છેદિત થતાં બંધાતા આવે છે.
જેમકે, ચંદ્રકાંત ટોપીવાળાની રચના :

કાળમીંઢ વૃક્ષો અકબંધ
તૂટ્યા ચંદ્રનું રવડે કબંધ
ઊડતી પાંખ અંદરથી બંધ

Psuedo-objective Rede જુઓ, FIS.
Psychobiography મનોજીવનકથા મનોવિશ્લેષણાત્મક અને મનોગત્યાત્મક દૃષ્ટિબિંદુથી થયેલો વ્યક્તિનો અભ્યાસ.
Psychopoetics મનોકાવ્યશાસ્ત્ર કાફકા અને ફ્લોબેરના અભ્યાસ સંદર્ભે ચાર્લ્સ બર્નહાયમરે યોજેલી સંજ્ઞા. આ સંજ્ઞા દ્વારા લેખકને સાહિત્યકૃતિને સંરચના આપતાં ભાષિક કાર્યોના જેવી ચૈતસિક પ્રક્રિયાઓ અભિપ્રેત છે.
Purple patch અતિકલાપખંડ સાદી અને સરલ સાહિત્યકૃતિમાં અત્યંત અલંકૃત, અત્યંત સભાન ખંડ કે પરિચ્છેદ.