વિશ્વપરિચય/ગ્રહલોક
ગ્રહ કોને કહે છે તે વાત પહેલાં કહેવાઈ ગઈ છે. સૂર્ય એ તારો છે, પૃથ્વી ગ્રહ છે, સૂર્યમાંથી છૂટો પડી ગયેલો ટુકડો, ઠંડો પડી જવાથી તેને પ્રકાશ બુઝાઈ ગયો છે. કોઈ પણ ગ્રહને પિતાને પ્રકાશ નથી. સૂર્યની ચારે બાજુ આ ગ્રહોમાંના દરેકનો ચોક્કસ અંડાકૃતિ માર્ગ છે, કોઈનો માર્ગ સૂર્યની પાસે છે, તો કોઈનો સૂર્યથી બહુ દૂર છે. સૂર્યની આસપાસ ફરી આવતાં કોઈ ગ્રહને એક વરસથી ઓછા વખત લાગે છે, તો કોઈને સો વરસથી પણ વધારે લાગે છે. ગમે તે ગ્રહને સૂર્યની આસપાસ ફરતાં ગમે તેટલો સમય લાગતો હોય તો પણ એ પ્રદક્ષિણા સંબંધે એક ચોક્કસ નિયમ છે તેમાં કદી ફેર પડતો નથી. સૂર્યપરિવારની પાસેના અથવા દૂરના નાના અથવા મોટા બધા જ ગ્રહોને પશ્ચિમથી પૂર્વ તરફ પ્રદક્ષિણા કરવી પડે છે. એના ઉપરથી સમજાય છે કે ગ્રહ સૂર્યમાંથી એક જ દિશાનો ધક્કો ખાઈને છૂટા પડેલા છે, તેથી તેઓ એક જ દિશામાં ચાલે છે. ચાલતી ગાડીમાંથી ઊતરતી વખતે ગાડી જે તરફ જતી હોય છે તે તરફ શરીરને એક ધક્કો લાગે છે. ગાડીમાંથી પાંચ જણ ઊતરે તો પાંચે જણને એ એક દિશાનો ઝોક લાગે છે. તે જ પ્રમાણે ફરતા સૂર્યમાંથી નીકળતી વખતે બધા ગ્રહોને જ એક જ દિશાનો ઝોક લાગે છે. એમની એ ગતિ ઉપરથી જણાય છે કે એ બધા એક જ જાતના છે, બધા એક જ ઝોકવાળા છે. સૂર્યની સૌથી પાસે બુધ ગ્રહ આવેલ છે, અંગ્રેજીમાં તેને મકર્યુંરી કહે છે. તે સૂર્યથી ફક્ત સાડા ત્રણ કરોડ માઈલ દૂર છે. પૃથ્વી જેટલું અંતર રાખીને ફરે છે તેના એક તૃતીયાંશ જેટલો બુધ ઉપર ઝાંખા ઝાંખા કેટલા ડાધ દેખાય છે, તેના ઉપરથી એવું માલૂમ પડ્યું છે કે તેની માત્ર એક જ બાજુ સૂર્ય તરફ રહે છે. સૂર્યની આસપાસ ફરી રહેતાં તેને ૮૮ દિવસ લાગે છે. પોતાની ધરી ઉપર ફરતાં પણ એને એટલે જ વખત લાગે છે. સૂર્યની પ્રદક્ષિણા કરવાની પૃથ્વીની ઝડપ સેકંડના ઓગણીસ માઈલની છે. બુધ ગ્રહની ઝડપ તેના કરતાં વધી જાય છે. તેનો વેગ સેકંડે ત્રીસ માઈલનો છે, એક તો એનો રસ્તો ટૂંકો અને તેમાં વળી એની ઉતાવળ વધારે, એટલે પૃથ્વી કરતાં ચોથા ભાગના વખતમાં જ તે પ્રદક્ષિણા પૂરી કરે છે. બુધ ગ્રહની પ્રદક્ષિણાને જ માર્ગ છે, તેની બરાબર વચમાં સૂર્ય નથી, સહેજ એક બાજુ પડતો છે. એટલા માટે ફરતી વખતે બુધ કોઈ વાર સૂર્યની પાસે આવે છે તો કોઈ વાર આઘો ચાલ્યો જાય છે. એ ગ્રહ સૂર્યની આટલે નજીક હોવાને કારણે એને ગરમી ખૂબ વધારે મળે છે. અતિ સૂક્ષ્મ પ્રમાણમાં તાપ માપવાનું એક યંત્ર શોધાયેલું છે, તેને અંગ્રેજીમાં thermocouple થર્મોક પલ કહે છે. તેને દૂરબીનની સાથે જોડીને ગ્રહ તારાની ગરમીની ખબર જાણી શકાય છે. એ યંત્રને હિસાબે, બુધનો જે ભાગ સૂર્યની તરફ ફરે છે તેની ગરમી સીસાને અને ટીનને પીગળાવી શકે છે. એ ગરમીમાં વાયુના અણુ એટલા વેગથી ચંચળ બની જાય છે કે બુધ તેમને પકડી રાખી શકતો નથી, તેઓ દેશ છોડીને શૂન્યમાં દોટ મૂકે છે. વાયુના અણુ ભાગી જવાના સ્વભાવવાળા હોય છે. પૃથ્વીમાં તેઓ સેકંડનો માત્ર બે માઈલને વેગે દોડાદોડ કરે છે, તેથી આકર્ષણના જોરે પૃથ્વી તેમને સાચવી રાખી શકે છે. પરંતુ જો કોઈ કારણથી ગરમી વધી જાય અને એમનો વેગ સેકંડે સાત માઈલનો થઈ જાય, તો પછી પૃથ્વી પોતાની હવાને વશમાં નહિ રાખી શકે. જે બધા વિજ્ઞાનીઓ વિશ્વજગતના હિસાબનીસો, તેઓનું એક મુખ્ય કામ એ છે કે ગ્રહનક્ષત્રોનું વજન નક્કી કરવું. એ કામમાં સાધારણ દાંડીપલ્લાંનું વજન ચાલતું નથી, એટલે યુક્તિ પ્રયુક્તિથી એમને વજન જાણવાં પડે છે. એ વાત સમજાવું છું. ધારો કે એક ગબડતા ગોળાએ અચાનક આવીને કોઈ મુસાફરને ધક્કો લગાવ્યો અને તે દસ હાથ દૂર જઈ પડ્યો. કેટલા વજનનો ગોળો આવીને જોર મારે તો માણસ આટલે દૂર જઈ પડે તેનો નિયમ જો જાણતા હોઈએ તો એ દસ હાથના માપ ઉપરથી ગળાનું વજન હિસાબ ગણીને શોધી કાઢી શકાય. એકવાર અચાનક એવો હિસાબ ગણવાની તક મળી ગઈ એટલે બુધગ્રહનું વજન કાઢવું સહેલું થઈ પડ્યું. એ તક આપનાર એક ધૂમકેતુ હતો. એ વાત કહેવાં પહેલાં ધૂમકેતુ કેવા પ્રકારનો તારો છે તે સમજાવી લઉં ધૂમકેતુ શબ્દનો અર્થ ધુમાડાનો વાવટો. એને આકાર જોઈને એનું નામ પાડેલું છે. ગોળ માથું અને તેની પાછળ એક લાંબી પ્રકાશિત પૂંછડી. એવી સાધારણ રીતે એને આકાર હોય છે. (આથી આપણે એને પૂંછડિયો તારો પણ કહીએ છીએ. અનુo) એ પૂંછડી ખૂબ સૂક્ષ્મ વરાળની બનેલી હોય છે. એટલી સૂક્ષ્મ હોય છે કે કોઈ કોઈ વાર પૃથ્વી તેમાં થઈને જાય છે કે તેની ખબર સુદ્ધાં ન પડે, એનું માથું ઉલ્કા પિંડનું બનેલું હોય છે. આજના મોટા મોટા પંડિતોએ એ અભિપ્રાય નક્કી કર્યો છે કે ધૂમકેતુઓ સૂર્યના બાંધેલા અનુચરો જ છે. કેટલાક એવા હશે જે એ પરિવારના ન હોય, બહારથી આવેલા હોય. એક વાર એક ધૂમકેતુને પ્રદક્ષિણામાર્ગમાં અકસ્માત થયો. બુધના કક્ષામાર્ગ પાસે થઈને તે જતો હતો ત્યારે બુધની સાથે ખેંચાખેંચી થવાથી તેના રસ્તામાં ફેરફાર થઈ ગયો. રેલગાડી પાટા ઉપરથી ઊતરી પડે તે તેને પાછી પાટા ઉપર ધકેલીને ચડાવી તો શકાય પણ ટાઈમટેબલને વખત વીતી જાય. અહીં પણ તેમ જ થયું. ધૂમકેતુ પોતાને માર્ગે પાછો ફર્યો ત્યારે તેને નિમેલો વખત વીતી ગયો હતો. ધૂમકેતુને જેટલો ખસેડી દેતાં બુધને જેટલા આકર્ષણનું જોર ખરચવું પડ્યું હતું તે ઉપરથી હિસાબ ગણવા માંડ્યા. જેનું જેટલું વજન હોય તેટલા જોરથી તે આકર્ષણ કરે છે એ તે જાણીતી વાત છે. એ ઉપરથી જ બુધનું વજન શોધાયું. માલૂમ પડ્યું કે તેવીસ બુધગ્રહો ભેગા કરીએ તો તેનું વજન પૃથ્વીના વજન જેટલું થાય. બુધગ્રહની પાસેના જ રસ્તા ઉપર શુક્રગ્રહને ફરવાને વારો આવે છે. સૂર્યની આસપાસ ફરતાં તેને ૨૨૫ દિવસ લાગે છે. એટલે કે આ૫ણા સાડાસાત મહિનાનું તેનું વરસ થાય છે. એ પિતાની ધરીની આસપાસ કેટલા વેગે ફરે છે તે વિશે હજી ચર્ચા પૂરી થઈ નથી. એ ગ્રહ વરસમાં એક વાર સૂર્યાસ્ત પછી પશ્ચિમ દિશામાં દેખા દે છે, ત્યારે આપણે તેને સંધ્યાતારા કહીએ છીએ, અને એ જ ગ્રહ બીજે વખતે સૂર્યોદય પહેલાં પૂર્વ દિશામાં ઊગે છે ત્યારે આપણે તેને શુક્ર તારા તરીકે ઓળખીએ છીએ. ‘પરંતુ એ તારો છે જ નહિ. એ ખૂબ ચકચક થાય છે એટલે સામાન્ય લોકો એને તારો કહે છે. એનું કદ પૃથ્વી કરતાં સહેજ ઓછું છે. એ ગ્રહને માર્ગ પૃથ્વીના માર્ગ કરતાં બીજા ત્રણ કરોડ માઈલ સૂર્યની પાસે આવેલ છે. એ પણ કંઈ ઓછું નથી. એ યથોચિત અંતર સાચવીને ચાલે છે છતાં એની અંદરની ખબર બરાબર મળી શકતી નથી. એનું કારણ સૂર્યના પ્રકાશનું પ્રખર આવરણ નથી. બુધને સૂર્યને પ્રકાશ ઢાંકી રાખે છે, અને શુક્રને એનાં પોતાનાં જ ગાઢ વાદળાં ઢાંકી રાખે છે. વિજ્ઞાનીઓએ હિસાબ કરીને જોયું છે કે શુક્રગ્રહની ગરમીમાં પાણીનું વિશેષ રૂપાંતર થતું નથી. એટલે ત્યાં જળાશય અને વાદળાં બંનેના અસ્તિત્વની આશા આપણે રાખી શકીએ. વાદળાની ઉપરથી જેટલું અનુમાન કરી શકાય તેટલાથી તો એવું સાબિત થાય છે કે એ ગ્રહ પાસે ઓક્સિજનની મૂડી તન્ન થોડી છે. ત્યાં જે ગૅસનાં ચિહ્ન સ્પષ્ટ જોવામાં આવે છે તે તો આંગારિક ગૅસ છે. વાદળાંની ઉપરના ભાગમાં તેનું પ્રમાણ પૃથ્વીમાં એ ગૅસના કરતાં અનેક હજારગણું વધારે છે. પૃથ્વીમાં એ ગૅસનો મુખ્ય ઉપયોગ ઝાડપાલાને ખોરાક પૂરો પાડવામાં થાય છે. એ આંગારિક ગૅસના ગાઢા આવરણને લીધે ગ્રહ જાણે કામળામાં ઢંકાયેલા જેવો લાગે છે. તેની અંદરની ગરમી બહાર આવી શકતી નથી. એટલે શુક્રગ્રહનો ઉપરનો ભાગ ઊકળતા પાણી જેવો અથવા તેથી વધારે ગરમ હશે. શુક્રમાં પાણીની વરાળ ન મળી આવી એ નવાઈની વાત છે. તે પછી શુક્રનાં ગાઢ વાદળાં શામાંથી બન્યાં છે તે વિચારવા જેવી વાત છે. સંભવ એવો છે કે વાદળાંના ઉપલા થરમાં ઠંડીને કારણે પાણી એવું જામી ગયેલું છે કે તેમાંથી વરાળ થાય જ નહિ. આ વાત ખાસ વિચારી જોવા જેવી છે. પૃથ્વીમાં સર્જનના પહેલા યુગમાં જ્યારે પીગળેલી વસ્તુઓ ઠંડી પડીને નક્કર થવા માંડી ત્યારે અનેક પ્રમાણમાં પાણીની વરાળ અને આંગારિક ગૅસનો ઉદ્ભવ થયો હતો. ગરમી વધારે ઓછી થયા પછી પાણીની વરાળ પાણી થઈને ગ્રહ ઉપર સમુદ્ર રૂપે વિસ્તરી. ત્યારે હવામાં જે જે વાયુનું પ્રાધાન્ય હતું. તે બધા નાઈટ્રોજનની પેઠે નિષ્ક્રિય ગૅસ હતા. ઑક્સિજન ગૅસ તત્પર અને મળતાવડો છે. બીજા પદાર્થો સાથે મળી જઈને યૌગિક પદાર્થો ઉત્પન્ન કરવાનો તેનો સ્વભાવ છે. એવી રીતે તે પોતાને રૂપાંતરિત કર્યા કરે છે. તેમ છતાં પૃથ્વીની હવામાં આટલા બધા પ્રમાણમાં ઑક્સિજન વિશુદ્ધ રૂપે શી રીતે ટકી રહ્યો છે. આ એનું મુખ્ય કારણ પૃથ્વીનાં ઝાડપાન છે. ઝાડપાન હવાના આંગારિક ગૅસમાંથી અંગાર પદાર્થ લઈ લઈને પોતાના જીવકોષ તૈયાર કરે છે, અને ઑક્સિજનને છોડી મૂકે છે. ત્યારપછી પ્રાણીઓના નિઃશ્વાસ અને લતાપાંદડાંના સડામાંથી પાછો આંગારિક ગૅસ પેદા થાય છે અને પોતાનો ખજાનો પૂરો કરે છે. સૃષ્ટિના આદિ કાળમાં જ્યારે વનસ્પતિમાં થોડો ઑક્સિજન હતો ત્યારથી પ્રાણીઓના જન્મનો મોટો અધ્યાય શરૂ થયો હોય એ સંભવિત છે. એ વનસ્પતિ જેમ જેમ વધવા લાગી તેમ તેમ તેમના નિશ્વાસથી ઓક્સિજનનું પ્રમાણ વધી ગયું. આંગારિક ગૅસ ઘટી ગયો. એટલે સંભવ એવો છે કે શુક્રગ્રહની દશા તે આદિકાળની પૃથ્વીના જેવો હોય, એક દહાડો કદાચ કોઈ તક મળી જતાં ત્યાં વનસ્પતિ દેખા દેશે અને આગારિક ગૅસમાંથી ઓક્સિજનને છટ પાડવા માંડશે. ત્યાર પછી લાંબે વખતે ધીમે ધીમે જીવજંતુની શરૂઆત થશે. ચંદ્ર અને બુધની અવસ્થા બરાબર આથી ઊલટી જ છે. ત્યાંની જીવપાલનયોગ્ય હવા આકર્ષણની દુર્બળતાને કારણે જોતજોતામાં ખલાસ થઈ ગઈ હતી. સૂર્યમંડળમાં શુક્રગ્રહની પછીનું આસન પૃથ્વીનું છે. બીજા ગ્રહોની વાત પૂરી કર્યા પછી પૃથ્વીની ખબર લઈશું. પૃથ્વીની પછીની હારમાં મંગળ ગ્રહનું સ્થાન છે. એ રતુમડા રંગનો ગ્રહ જ બીજા ગ્રહો કરતાં પૃથ્વીની સૌથી પાસે છે. એનું કદ પૃથ્વીના લગભગ નવમા ભાગ જેટલું છે. સૂર્યની આસપાસ એક વાર ફરી આવતાં એને ૬૮૭ દિવસ લાગે છે, ‘જે રસ્તે એ સૂર્યની પ્રદક્ષિણા કરે છે તે ઘણે ભાગે અંડાકાર છે; તેથી ફરતી વખતે તે એક વાર સૂર્યની નજીક આવી જાય છે તો બીજી વાર દૂર ચાલ્યો જાય છે. પોતાની ધરીની આસપાસ ફરતાં એ ગ્રહને પૃથ્વીના કરતાં માત્ર અડધો કલાક વધારે લાગે છે, તેથી ત્યાંનાં દિવસ રાત આપણી પૃથ્વીના દિવસરાત કરતાં સહેજ જ મોટાં છે. એ ગ્રહમાં જેટલી વસ્તુ છે, તે પૃથ્વીની વસ્તુના દશમા ભાગ જેટલી છે, તેથી તેની આકર્ષણ શક્તિ પણ એટલી ઓછી છે. સૂર્યના ખેંચાણને લીધે મંગળ ગ્રહ જે માર્ગે ચાલવું જોઈતું હતું તેમાંથી એ સહેજ ચલાયમાન થયેલો છે. પૃથ્વીના ખેંચાણનું એ પરિણામ છે. વજન અનુસાર આકર્ષણના જોરે પૃથ્વીએ મંગળને કેટલો ચલાયમાન કર્યો છે તેનો હિસાબ કરીને પૃથ્વીનું વજન નક્કી કરવામાં આવેલું છે. આ જ પ્રસંગે સૂર્યનું અંતર પણ જાણવામાં આવ્યું. કારણ કે મંગળને સૂર્ય પણ ખેંચે છે અને પૃથ્વી પણ ખેંચે છે. સૂર્ય કેટલો દૂર હોય તો બંને ખેંચાણનો છેદ ઊડી જાય અને મંગળ આટલો ચલાયમાન થાય તે હિસાબ કરીને શોધી શકાય છે. મંગળ કંઈ ખાસ મોટો ગ્રહ નથી. તેનું વજન પણ પ્રમાણમાં ઓછું છે, આથી તે પ્રમાણમાં આકર્ષણનું જોર પણ ઓછું હોવાને કારણે તે હવા ખોઈ બેસે એવી બીક હતી. પરંતુ સૂર્યથી એ પૂરતો દૂર છે એટલે તેને એટલી બધી ગરમી મળતી નથી જેથી હવાના અણુઓ ગરમ થઇને ઊધળીને ચાલ્યા જાય છે. મંગળ ગ્રહની હવામાં ઓક્સિજનને શોધવાનો પ્રયત્ન નિષ્ફળ ગયો છે. છેડો કદાચ હશે. મંગળ ગ્રહના લાલ રંગ ઉપરથી એવું અનુમાન થાય છે કે ત્યાંના પથ્થર ઓક્સિજનના સંયોગને લીધે તદ્દન કાટ ખાઈ ગયા છે. અને પાણીની વરાળનાં જે ચિન્હ મળી આવ્યાં તે પૃથ્વીની પાણીની વરાળના સેંકડે પાંચ ટકા જેટલી જ છે. મંગળ ગ્રહની હવામાં આ જે દરિદ્રતાનાં લક્ષણ જોવામાં આવે છે તે ઉપરથી સમજાય છે કે પૃથ્વી પણ ધીમે ધીમે પોતાની પૂંજી ખોતી ખોતી એ દશાએ પહોંચશે. પૃથ્વીથી સૂર્યના અંતર કરતાં મંગળથી તેનું અંતર વધારે છે, આથી એ ગ્રહ બેશક વધારે ઠંડો છે. દિવસે વિષુવ પ્રદેશમાં કદાચ થોડી ગરમી રહેતી હશે પરંતુ રાતે તે બરફ જામી જાય એવી ઠંડી કરતાં પણ વધારે ઠંડી રહેતી હશે એમાં શક નથી. બરફની ટોપી વાળા તેના ધ્રુવપ્રદેશની તે વાત જ નહિ. એ ગ્રહના ધ્રુવપ્રદેશમાં બરફની ટોપી વધે છે અને ઘટે છે, કોઈ કોઈ વાર તે દેખાતી પણ બંધ થઈ જાય છે. આ પીગળી જતી ટોપીનો આકાર બદલાય છે તે યંત્ર દ્વારા જોઈ શકાય છે. એ ગ્રહનો ઘણો ભાગ મરુ જેવો સૂકો છે. માત્ર ગ્રીષ્મ ઋતુમાં કોઈ કોઈ ભાગ લીલો થઈ જાય છે, સંભવ છે કે પાણી જવાને માર્ગે બરફ ગળવાના દિવસોમાં ઝાડપાન ઊગી નીકળતાં હશે. મંગળગ્રહ સંબંધે વિદ્વાનો વચ્ચે ઘણા દિવસ થયાં એક ચર્ચા ચાલ્યા કરે છે. એક વખતે એક ઈટાલિયન વિજ્ઞાની મંગળમાં લાંબી લાંબી રેખાઓ જોવા પામ્યા. તેમણે કહ્યું કે જરૂર, આ ગ્રહના વતનીઓએ ધ્રુવપ્રદેશમાંથી બરફનું પીગળેલું પાણી મેળવવાને માટે નહેર ખોદી છે. વળી કોઈ કાઈ વિજ્ઞાની કહે છે કે એ આંખની ભૂલ છે. હમણાં હમણાં આકાશ તરફ માણસે કેમેરાને ગોઠવ્યો છે. એ કેમેરામાં પાડેલી છબીમાં પણ કાળી રેખા જોવામાં આવે છે. પરંતુ એ કૃત્રિમ નહેર છે, અને બુદ્ધિમાન પ્રાણીઓએ જ એ બનાવેલી છે, એ તો કેવળ અનુમાન જ છે. જરૂર, એ ગ્રહમાં પ્રાણીઓ રહેતાં હોય એ અસંભવિત નથી, કારણ ત્યાં હવા પાણી છે. બે ઉપગ્રહો મંગળની આસપાસ ફરે છે. એકને એક આંટો ફરતાં ત્રીસ કલાક લાગે છે અને બીજાને સાડાસાત કલાક લાગે છે, એટલે કે મંગળના એક રાતદિવસમાં તે લગભગ ત્રણ વાર તેની આસપાસ ફરી આવે છે. આપણું ચંદ્ર કરતાં એ લોકો પ્રદક્ષિણા ખૂબ વહેલી પૂરી કરે છે. મંગળ અને બૃહસ્પતિના કક્ષામાર્ગની વચમાં પુષ્કળ ખાલી જગ્યા જોઈને વિદ્વાનોને વહેમ ગયો હતો અને તેમણે શોધ કરવા માંડી હતી. પહેલાં તે ખૂબ નાના ચાર ગ્રહ જોવામાં આવ્યા. ત્યાર પછી તો ત્યાં હજારો ટુકડા ટુકડા ગ્રહની ભીડ જોવામાં આવી. એ. બધા ટુકડા ટોળેટોળાં વળીને સૂર્યની આસપાસ ફર્યા કરે છે. એને આપણે ગ્રહિકો એવું નામ આપીશું. અંગ્રેજીમાં એને asteroids, એસ્ટેરોઈડસ કહે છે. પહેલાં જે દેખાયો હતો તેનું નામ સિરિસ (Ceres) પાડયું હતું. તેનો વ્યાસ ચારસો પચીસ માઈલનો છે. ઈરોસ (Eros) નામે એક ગ્રહિકા છે તે સૂર્યની પ્રદક્ષિણા ફરતી વખતે પૃથ્વીની જેટલી નજીક આવે છે તેટલી નજીક બીજો કોઈ ગ્રહ આવતા નથી. એ એટલી નાની છે કે એની અંદરની કોઈ ખાસ ખબર જાણી શકાતી નથી. એ બધીને ભેગી કરીએ તો જેટલું વજન થાય તે પૃથ્વીના વજનના ચોથા ભાગથી પણ ઓછું થાય. એ વજન મંગળના કરતાં પણ કંઈક ઓછું છે, નહિ તો મંગળના ફરવાના માર્ગમાં આકર્ષણ લગાડીને કંઈક મુશ્કેલી ઊભી કરત. ગ્રહના આ ટુકડાઓને કોઈ એક આખા ગ્રહના જ ભગ્નાવશેષ માની શકાય. પરંતુ વિદ્વાનો કહે છે કે એ વાત સાચી નથી. એ ભેગા થઈને ગ્રહનો આકાર કેમ ન પામ્યા એ કહી શકાય એમ નથી. આ ગ્રહિકાઓની સાથે બીજી એક ટોળીની વાત પણ કહેવી જોઈએ. તે પણ બહુ નાના નાના હોય છે, તેઓ પણ ટોળેટોળાં. બાંધીને ફરે છે અને ચોક્કસ માર્ગે સૂર્યની આસપાસ ફર્યા કરે છે; તેમને ઉલ્કાપિંડ કહે છે. પૃથ્વી ઉપર સતત તેનો વરસાદ વરસ્યા કરે છે. ધૂળની સાથે એમની રાખ પણ કંઈ ઓછી ભળેલી નથી. પૃથ્વી ઉપર જો હવાનો ચંદરવો ન હોત તો આ બધા ક્ષુદ્ર શત્રુઓના આક્રમણથી આપણે બચવા પામવાના નહોતા. ઉલ્કાપાત દિવસે અને રાતે થોડો થોડો થયા જ કરે છે. પરંતુ અમુક અમુક મહિનાના અમુક અમુક દિવસે ઉલ્કાપાત વધારે થાય છે. ૨૧ મી એપ્રિલ, ૯, ૧૦, ૧૧ મી ઑગષ્ટ ૧૨, ૧૩, ૧૪, અને ૨૭ મી નવેમ્બરની રાત્રે ઉલ્કાવૃષ્ટિની આતશબાજી જોવા જેવી હોય છે. આ સંબંધે દિવસની ચોક્કસતા જોઈને વિજ્ઞાનીઓ એનું કારણ શોધવામાં મંડ્યા છે. વાત એમ છે કે, એમનો એક ચોક્કસ માર્ગ છે. પરંતુ ગ્રહોની પેઠે એઓ એકલા ફરતા નથી, એ આકાશના ટોળાબંધ તીડાની જાતના છે, લાખોના લાખો એક જ રસ્તે ભીડ કરતા ચાલ્યા જાય છે. વરસના અમુક અમુક દિવસે પૃથ્વી એ લોકોની સભાસ્થાનમાં જઈ ચડે છે. પૃથ્વીનું આકર્ષણ એઓ સહન કરી શકતા નથી. એટલે ઢગલાના ઢગલા વરસાદની માફક પડે છે. પૃથ્વીની ધૂળમાં ધૂળ થઈને મળી જાય છે. કોઈ કોઈ વાર મોટા મોટા ટુકડા પણ પડે છે. ફાટીને આસપાસનું બધું બાળીને ખાખ કરી નાખે છે. સૂર્યના ઈલાકામાં અનધિકાર પ્રવેશ કરી આફતમાં આવી પડેલા ધૂમકેતુના દુર્ભાગ્યની આ નિશાનીઓ છે. એવું પણ કહે છે કે તરુણ વયમાં પૃથ્વીના અંતરમાં જ્યારે ગરમી વધારે હતી, ત્યારે અગ્નિના ઉત્પાતથી પૃથ્વીની અંદરની વસ્તુઓ એટલી ઊંચે ઊડી ગઈ હતી કે પૃથ્વીનું આકર્ષણ વટાવીને સૂર્યની આસપાસ ફર્યા કરે છે. કોઈ કોઈ વાર પાસે આવતાં જ પૃથ્વી તેને પાછી ખેંચી લે છે. અમુક અમુક દિવસે એ ઉલ્કાની જાણે હરિલૂટ થાય છે. વળી એવા ઉલ્કાપિંડ પણ મળ્યા જે સૂર્યમંડળની બહારથી આવીને પૃથ્વીમાં આવીને પૃથ્વીના આકર્ષણમાં પકડાઈ ગયા હોય છે. વિશ્વમાં ક્યાંક એક ઠેકાણે કદાચ કોઈ પ્રલયકાંડ થયો હશે, જેની ઉદ્દામતાથી વસ્તુપિંડ ભાંગીને આમતેમ ઊડી ગયા હશે. આ ઉલ્કા આજે તેની જ સાક્ષી પૂરી રહી છે. આ અતિશય નાના ગ્રહોની પછીના રસ્તા ઉપર જ અતિશય માટો ગ્રહ બૃહસ્પતિ નજરે પડે છે. એ બૃહસ્પતિ પાસેથી કોઈ પણ પાકી ખબરની આશા રાખતાં પહેલાં બે વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે. સૂર્યથી તેનું અંતર અને તેનું કદ, પૃથ્વીનું અંતર નવ કરોડ માઈલથી કંઈક વધારે છે અને બ્રહસ્પતિનું અંતર ૪૮ કરોડ ૩૦ લાખ માઇલ છે, ઍટલે કે પૃથ્વીના અંતર કરતાં પાંચ ગણાથીયે વધારે. પૃથ્વીને સૂર્યની જેટલી ગરમી મળે છે તેના સત્તાવીસમા ભાગ જેટલી બ્રહસ્પતિને મળે છે. એક વખતે ખગોળશાસ્ત્રીઓએ એવું અનુમાન કર્યું હતું કે બૃહસ્પતિ ગ્રહ પૃથ્વીના જેટલો ઠંડો થઈ ગયો નથી, તેની પોતાની ગરમીની મૂડી પુષ્કળ છે. તેના વાયુમંડળમાં હમેશાં જે ચંચળતા જોવામાં આવે છે તેનું કારણ તેની પોતાની અંદર રહેલી ગરમી છે. પરંતુ જ્યારે બૃહસ્પતિની ગરમીનો હિસાબ કરવો સંભવિત બન્યો ત્યારે ખબર પડી કે એ ગ્રહ તો અત્યંત ઠંડો છે. બરફ બંધાય એવી ઠંડી કરતાં પણ ૨૮૦ ફેરનહાઈટ અંશ વધુ ઠંડો છે. આટલી બધી ઠંડીમાં બૃહસ્પતિમાં પાણીની વરાળ હોઈ જ શકે નહિ. તેના વાયુ મંડળમાંથી બે ગૅસનો પત્તો લાગ્યો છે. એક તો એમોનિયા, નિશાદલ–એમોનિયમ કલોરાઇડ-માં રહેલી જેની તીવ્ર ગંધ આપણને ચમકાવે છે, અને બીજો ભૂત ભડકાને ગૅસ, જે વગડામાં વટેમાર્ગુઓને ભૂલા પાડવા માટે પ્રખ્યાત છે. અનેક પ્રકારની દલીલો ભેગી કરીને હાલ તરત એવું નક્કી થયું છે કે, બૃહસ્પતિનો દેહ કઠણ છે, લગભગ પૃથ્વી જેટલો નક્કર છે. બૃહસ્પતિની અંદરના પથ્થરિયા જઠરનો વિસ્તાર બાવીસ હજાર માઈલનો છે; એની ઉપર બરફનો થર બાઝેલો છે તે સોળહજાર માઈલનો છે. એ બરફના થર ઉપર છ હજાર માઈલ સુધી વાયુમંડળ છે. આવડા મોટા ગંજ ખડકેલા વાયુના જબરદસ્ત દબાણથી હાઈડ્રોજન પણ પ્રવાહી થઈ જાય. આથી એ ગ્રહમાં કઠણ બરફના થર ઉપર પ્રવાહી ગૅસનો સમુદ્ર બની ગયો છે. અને તેના વાયુમંડળનો ઉપરનો થર પ્રવાહી એમોનિયાના બિંદુનો બનેલો છે. બૃહસ્પતિ અતિકાય ગ્રહ છે, એને વ્યાસ લગભગ નેવું હજાર, માઈલનો છે કદમાં એ પૃથ્વી કરતાં તેરસો ગણો મોટો છે. સૂર્યની પ્રદક્ષિણા કરતાં એને લગભગ બાર વરસ લાગે છે. દૂર હોવાને લીધે એનો કક્ષામાર્ગ પૃથ્વી કરતાં ઘણો મોટો છે એમાં શક નથી, પરંતુ એ ચાલે પણ છે ખૂબ મંદ ગતિએ. પૃથ્વી જ્યારે સેકંડના ઓગણીસ માઈલ ચાલે છે, ત્યારે એ માત્ર આઠ માઈલ ચાલે છે. પણ એનું સ્વાવર્તન એટલે કે પોતાની ધરીની આસપાસ ફરવાનું ખૂબ વેગથી ચાલે છે. આવા મોટા વિપુલ દેહને ચક્કર ફેરવતાં એને દસ કલાક લાગે છે. આપણું એક દિવસ રાત થાય એટલા વખતમાં એના બે દિવસ રાત થઈને પણ વધે છે. બૃહસ્પતિના પરિવારમંડળમાં નવ ઉપગ્રહો છે. દસમા ઉપગ્રહની ખબર મળી છે, પરંતુ તે ખબર પાકી થઈ નથી. પૃથ્વીના ચંદ્ર કરતાં આ ચંદ્રો બૃહસ્પતિની આસપાસ અનેક ગણું વેગથી ફરે છે. પહેલા ચાર ઉપગ્રહો આપણા ચાંદાના જેવા જ મોટા છે તેમને પણ અમાવાસ્યા, પૂર્ણિમા અને સમવૃદ્ધિ આવે છે. બૃહસ્પતિના સૌથી દૂરના બે ઉપગ્રહ તેના બીજા ઉપગ્રહો કરતાં ઊલટી દિશામાં ફરે છે એ ઉપરથી કેટલાક એવું અનુમાન કરે છે કે એ બે પહેલાં ગ્રહિકાઓ હતી, બૃહસ્પતિના ખેંચાણથી સપડાઈ ગઈ છે. પ્રકાશ સેકંડના ૧૮૬૦૦૦ માઈલને વેગે દોડે છે એ વાત પહેલવહેલી નક્કી થઈ બૃહસ્પતિના ચંદ્રગ્રહણ ઉપરથી. હિસાબ પ્રમાણે બૃહસ્પતિના ઉપગ્રહનું ગ્રહણ જ્યારે થવું જોઈએ, તેના કરતાં થોડા વખત પછી દરેક વખતે તે થતું નજરે પડે છે. પ્રકાશને ચાલતાં અમુક વખત લાગે છે. એમ જ ન હોત તો ગ્રહણ થતાંની સાથે જ ગ્રહણ થતું નજરે પડત. પૃથ્વીથી એ ઉપગ્રહનું અંતર માપીને અને ગ્રહણની મુદત કેટલી વીતી ગઈ છે તે ધ્યાનમાં લઈને પ્રકાશના વેગનો પહેલોવહેલો હિસાબ કરવામાં આવ્યો હતો. બૃહસ્પતિને પોતાનું તેજ નથી એનો પુરાવો બૃહસ્પતિના નવ ઉપગ્રહોના ગ્રહણ વખતે મળી રહે છે. ગ્રહણ કેવી રીતે થાય છે વિચારો. કોઈ પણ યોગને લીધે જ્યારે સૂર્ય પાછળ હોય, અને ગ્રહ પ્રકાશને રોકત સૂર્યની સામે ઊભો હોય, અને તેની પણ સામે ગ્રહની છાયામાં ઉપગ્રહ આવેલો હોય, ત્યારે સૂર્યને પ્રકાશ ન મળવાને લીધે ઉપગ્રહને ગ્રહણ લાગે છે. પરંતુ વચલા ગ્રહને જો પોતાનું તેજ હોત તો તેનો પ્રકાશ ઉપગ્રહ ઉપર પડત, અને ગ્રહણ થઈ જ શકત નહિ. આપણા ચંદ્રનાં ગ્રહણમાં પણ એમ જ થાય છે. ચંદ્રની આગળથી પૃથ્વી જ્યારે સૂર્યને ઢાંકી દે છે, ત્યારે તેજ વગરની પૃથ્વી ચંદ્રને પડછાયો જ આપી શકે છે, પોતા પાસેથી પ્રકાશ આપી શકતી નથી, બ્રહસ્પતિની પછીની હારમાં શનિ ગ્રહ આવે છે. એ ગ્રહ સૂર્યથી ૮૮ કરોડ ૬૦ લાખ માઈલ દૂર છે. અને સાડા ૨૯મા વરસમાં તે સૂર્યની એક પ્રદક્ષિણા કરે છે. શનિનો વેગ બૃહસ્પતિ કરતાં પણ ઓછો છે—એક સેકંડે માત્ર છ માઈલ, બૃહસ્પતિ સિવાય સૌર જગતના બીજા ગ્રહો કરતાં એનો આકાર ઘણો મોટો છે. એને વ્યાસ પૃથ્વી કરતાં લગભગ ૯ ગણો છે. પૃથ્વીના વ્યાસ કરતાં નવ ગણો મોટો હોવા છતાં એક ફેરો ફરતાં એને પૃથ્વી કરતાં અડધાથીયે ઓછો વખત લાગે છે, એ એટલા બધા જોરથી ફરે છે માટે જ એ વેગના ધક્કાને લીધે એનો આકાર સહેજ ચપટા જેવો થઈ ગયેલો છે. આવડું મોટું એનું કદ છે. છતાં એનું વજન પૃથ્વી કરતાં ૮૫ ગણું જ વધારે છે, એ આટલો હલકો છે માટે જ આટલું મોટું કદ હોવા છતાં પણ ખેંચવાની એની શક્તિ પૃથ્વી કરતાં વધારે નથી. વાદળાનું એક આવરણ એને વીંટળાઈ વળેલું છે, જેનો આકાર વારે વારે બદલાતો નજરે પડે છે. શનિને નવ ઉપગ્રહો છે. જે સૌથી મોટો છે. તે કદમાં બુધ. કરતાં પણ મોટો છે. લગભગ આઠ લાખ માઈલ દૂર રહે છે, અને સોળ દિવસમાં પ્રદક્ષિણા પૂરી કરે છે. શનિગ્રહના કુંડાળાના રંગોની તપાસ કરતાં માલમ પડ્યું છે. કે એ કુંડાળાના જે ભાગો ગ્રહની પાસે છે. તેમનો ચાલવાનો વેગ બહારના દૂર આવેલા ભાગ કરતાં અનેક ગણો વધારે છે. કુંડાળું જો અખંડ ચક્રના જેવું હોત, તો ફરતા ચક્રના નિયમ પ્રમાણે બહારની બાજુએ જ વેગ વધારે હોત. પરંતુ શનિનું કુંડાળું જો છૂટી છૂટી વસ્તુઓનું બનેલું હોય તો તેમાંની જે ગ્રહની પાસે આવેલી હોય. તે જ આકર્ષણના જોરથી વધારે વેગે ફરે. આ બધા ટુકડા ટુકડા લાખો ઉપગ્રહો ઉપરાંત નવ મોટા ઉપગ્રહ જુદે માર્ગે શનિગ્રહની પ્રદક્ષિણા ફરે છે. એ ગ્રહની આસપાસ નાના નાના ટુકડાનાં આ ટોળાં શી રીતે ઉત્પન્ન થયાં, એ વિષે વિજ્ઞાનીઓ જે માને છે તે વિષે થોડું અહીં કહું છું, ગ્રહના પ્રબળ આકર્ષણને લીધે કોઈ પણ ઉપગ્રહ પોતાનો ગોળ આકાર કાયમ રાખી શકતા નથી, છેવટે તે ઘણે ભાગે અંડાકાર બની જાય છે, આખરે એક વખત એવો આવે છે જ્યારે આકર્ષણ. વધુ સહન ન થઈ શકવાને કારણે ઉપગ્રહના ભાંગીને બે ટુકડા થઈ જાય છે એ બે નાના ટુકડાઓ પણ પાછા ભાંગ્યા કરે છે. એમ કરતાં કરતાં ભાંગતાં ભાંગતાં એક જ ઉપગ્રહમાંથી લાખો ટુકડા થવા અસંભવિત નથી. ચંદ્રની પણ એક વખત એ જ દશા થવાની છે. વિજ્ઞાનીઓ કહે છે કે, પ્રત્યેક ગ્રહને એક એક અદૃશ્ય મંડળની વાડ વીંટી રહેલી છે તેને આફતનું કુંડાળું કહે છે. તેની અંદર આવતાં વેંત ઉપગ્રહનો દેહ ફૂલીને ઈડાના જેવો લંબાયો આકાર ધારણ કરે છે, અને ત્યાર પછી ભાંગવા માંડે છે. આખરે ટુકડાઓ ભેગા થઈને ગ્રહની આસપાસ ફરવા લાગે છે. વિજ્ઞાનીઓના મતે બૃહપતિનો પહેલો ઉપગ્રહ આ અદૃશ્ય આફતના કુંડાળાની પાસે આવી પહોંચ્યો છે, અને થોડા દિવસ પછી તેમાં પેસતાં જ તેના ટુકડેટુકડા થઈ જવાના છે. શનિની પેઠે બૃહસ્પતિની આસપાસ પણ ત્યારે એક તેજસ્વી કુંડાળું બની જશે. શનિની ફરતે જે કુંડાળું છે તે કેવી રીતે ઉત્પન્ન થયું તે વિષે વિદ્વાનો એવું અનુમાન કરે છે કે લાંબા સમય પહેલાં શનિનો એક ઉપગ્રહ ફરતો ફરતો એના આફતના કુંડાળામાં જઈ પડ્યો હતો, તેને પરિણામે તેના ભાંગીને ટુકડે ટુકડા થઈ ગયા અને તે આજે પણ એ ગ્રહની આસપાસ ફર્યા કરે છે. પૃથ્વીના આફતના કુંડાળાથી બહુ દૂર છે એટલે જ ચંદ્રમાં ઝાઝો ફેર પડ્યો નથી. પૃથ્વીના આકર્ષણનો જોરે આસ્તે આસ્તે ચંદ્ર એ કુંડાળા પાસે આવતો જાય છે, ત્યાર પછી જ્યારે તે કુંડાળામાં જોખમના પ્રદેશમાં પ્રવેશ કરશે ત્યારે તેના ટુકડેટુકડા થઈ જશે, અને તે ટુકડા પૃથ્વીની આસપાસ વીંટળાઈ વળી શનિગ્રહનું અનુકરણ કરશે, ત્યારે પૃથ્વીની શનિની દશા થશે. કૅમ્બ્રિજના અધ્યાપક જેફેનો મત આથી ઊલટો છે. તેઓ કહે છે કે ચંદ્ર અને પૃથ્વી વચ્ચે અંતર વધતું જ જાય છે. આખરે ચાંદ્ર માસ અને સૌર માસ સરખા થઈ જશે ત્યારે પાસે ખેંચવાનો ક્રમ શરૂ થશે. બૃહસ્પતિ કરતાં પણ શનિ સૂર્યથી વધારે દૂર છે-એટલે ઠંડો પણ વધારે છે. તેનું બહારનું વાયુમંડળ ઘણે ભાગે બૃહસ્પતિના જેવું જ છે. કેવળ એમોનિયાનું પ્રમાણ એટલું બધું જણાતું નથી, ભૂત ભડકાના ગૅસનું પ્રમાણ શનિમાં બૃહસ્પતિના કરતાં વધારે છે. શનિ જો કે કદમાં પૃથ્વી કરતાં અનેક ગણો મોટો છે. તો પણ તેનું વજન તે પ્રમાણમાં વધારે નથી. બૃહસ્પતિની પેઠે તેનું વાયુમંડળ ઊંડું હોવાનો સંભવ છે, કારણ કે એનું આકર્ષણ ચુકાવીને વાયુ ભાગી જઈ શકે એમ નથી. એમાં વાયુનું પ્રમાણ અતિશય વધારે છે તેથી જ એનું સરેરાશ વજન કદના પ્રમાણમાં આટલું બધું ઓછું છે. એની અંદરના કઠણ ભાગનો વ્યાસ ૨૪૦૦૦ માઈલ છે. તેની ઉપર લગભગ ૬૦૦૦ માઈલ બરફ જામેલો છે–અને તેની ઉપર ૧૬૦૦૦ માઈલ સુધી હવા છે. શનિ ગ્રહની પછી એક યુરેનસ નામને ન શોધાયેલો ગ્રહ આવે છે. એ ગ્રહસંબંધે ખાસ કંઈ વર્ણન જાણી શકાયું નથી, એનું કદ પૃથ્વી કરતાં ૬૪ ગણું વધારે છે. સૂર્યથી એ ૧૭૮ કરોડ ૨૮ લાખ માઈલ દૂર છે અને સેંકડે ચાર માઈલનો વેગે ૮૪ વર્ષમાં એક વાર એ સૂર્યની પ્રદક્ષિણા કરે છે. આવડું મોટું એનું કદ છે, પણ ખૂબ દૂર છે એટલે દૂરબીન વગર એ જોઈ શકાતા નથી. જે વસ્તુનો એ ગ્રહ બનેલો છે તે પાણી કરતાં સહેજ ઘન છે, એટલે પૃથ્વી કરતાં અનેક ગણો મોટો હોવા છતાં પણ, એનું વજન પૃથ્વી કરતાં માત્ર ૧૫ ગણું જ છે. ૧૦ કલાક ૪૩ મિનિટમાં એ ગ્રહ એક ફેરો ફરે છે. ચાર ઉપગ્રહો પોતપોતાના કક્ષામાર્ગે સતત એની પ્રદક્ષિણા કર્યા કરે છે. યુરેનસની શોધ થયા પછી થોડા જ વખતમાં વિદ્વાનોએ યુરેનસની બેહિસાબી ગતિ જોઈને નક્કી કર્યું હતું. કે, આ ગ્રહે કોઈ એક બીજા ગ્રહના આકર્ષણને લીધે રસ્તાના નિયમનો ભંગ કર્યો છે. શોધતાં શોધતાં તે ગ્રહનો પત્તો લાગ્યો. તેનું નામ નેપચ્યુન પાડવામાં આવ્યું. સૂર્યથી એનું અંતર ૨૭૯ કરોડ ૩૫ લાખ માઈલ છે, લગભગ ૧૬૪ વર્ષમાં એક વાર એ સૂર્યની પ્રદક્ષિણા કરે છે. એનો વ્યાસ લગભગ ૩૩, ૦૦૦ માઈલનો છે. યુરેનસ કરતાં કંઈક મોટો. દૂરબીનમાંથી એ નાનીસરખી લીલી થાળી જેવો દેખાય છે. એક 'ઉપગ્રહ ૨ લાખ ૨૨ હજાર માઈલ દૂરથી ૫ દિવસ ૨૧ કલાકમાં એની એક પ્રદક્ષિણા પૂરી કરે છે. ઉપગ્રહનું અંતર અનો આ ગ્રહના કદ ઉપરથી હિસાબ ગણવામાં આવ્યો છે કે એને વસ્તુ–પદાર્થ પાણીથી કંઈક ભારે છે, વજનમાં એ લગભગ યુરેનસ જેટલો છે. કેટલા વેગથી એ પોતાની ધરીની આસપાસ ફરે છે તે આજ સુધી ચોક્કસ નક્કી થઈ શક્યું નથી. નેપ્ચ્યુનના આકર્ષણથી યુરેનસ જે નવે માર્ગે ચાલવો જોઈએ તેનો હિસાબ કર્યા પછી પણ માલૂમ પડ્યું કે યુરેનસ બરાબર તે માર્ગે ચાલતો નથી, એ ઉપરથી સમજ પડી કે નેપ્ચ્યુન સિવાય એ ગ્રહની ગતિ માર્ગની બહાર બીજો કોઈ તારો છે. ૧૯૩૦માં એક નવો ગ્રહ જોવામાં આવ્યો. તેનું નામ પ્લુટો રાખવામાં આવ્યું. એ ગ્રહ એટલો નાનો અને એટલે દૂર છે કે, દૂરબીનથી પણ એ દેખી શકાતો નથી. કેમેરા વડે છબી પાડીને એના અસ્તિત્વને નિઃસંદેહપણે સાબિત કરવામાં આવ્યું છે, ‘એ ગ્રહ જ સૂર્યથી દૂરમાં દૂર છે. તેથી એને પ્રકાશ અને ગરમી એટલાં થોડાં મળે છે કે, એની દશાની આપણે કલ્પના પણ કરી શકીએ એમ નથી.’ ૩૯૬ કરોડ માઈલ દૂરથી લગભગ ૨૫૦ વરસમાં એ ગ્રહ સૂર્યની એક વાર પ્રદક્ષિણા કરે છે. પ્લેટોનું ઉષ્ણતામાન બરફ ગળી જાય એવી ઠંડી કરતાં ૪૪૬ ફેરનહાઇટ અંશ ઓછું હશે. આટલી ઠંડીમાં ગમે એ તોફાની ગૅસ તો શું પણ પ્રવાહી નક્કર બની જાય. આંગારિક ગૅસ, એમોનિયા, નાઇટ્રોજન વગેરે વાયુરૂપ પદાર્થોએ જામી જઈને બરફના પિંડથી ગ્રહને જરૂર ઢાંકી દીધા હશે. કેટલાક માને છે કે સૌરલેકની આખરી સરહદ ઉપર કેટલાક નાના નાના ગ્રહ વેરાયેલા પડેલા છે. તેમાંનો જ એક આ પ્લેટો છે. પણ એ મતનો ચોક્કસ પુરાવો મળતો નથી. કદી યે મળશે કે કેમ તે પણ કહી શકાતું નથી. અત્યારના કરતાં પુષ્કળ પ્રબળ દૂરબીન એ અંતરનો પડદો કદી ઊંચકી શકે તો જ સંશયનું સમાધાન થાય.