વ્યાજનો વારસ/ભોરિંગે ભોરિંગના લબકારા


ભોરિંગે ભોરિંગના લબકારા

નંદને અમરતની સૂચના પ્રમાણે જ ભૂમિકા ભજવી છે. એના હુકમ મુજબ જ ત્રણેય તાંસળીઓ વેશભૂષામાં વાપરી છે. અને નાટ્યવિધાનની બાકીની સઘળી જવાબદારીઓ અમરતે સૂત્રધારની જેમ ઉપાડી લીધી છે.

છેલ્લા છેલ્લા દિવસો દરમિયાન નંદને અસ્વસ્થ તબિયત હોવાનું પણ જાહેર કર્યું હતું.

અમરતે એ જાહેરાતનો સ્ફોટ કરીને સમજૂતી આપી હતી : ‘આટલાં બધાં વરસ પછી કૂખ ઊઘડે છે એટલે કશટ પડશે જ ને ? નાહીધોઈને સાજી–નરવી ઊઠે એટલે નિરાંત, બીજું શું ? અસ્ત્રીનો અવતાર લીધો એટલે આવી પીડા તો ભોગવ્યે જ છૂટકો ને ?’

એક વહેલી પરોઢે નંદનની એ પીડાનો પણ સુખદ અંત આવ્યો. આસપાસનાં દસવીસ ઘર સાંભળે એવી રીતે અમરતે કાંસાની થાળી ઉપર જોશપૂર્વક વેલણ પછાડ્યું. નંદનને થયેલ પુત્રપ્રસવની વધાઈ ગામ આખામાં પહોંચી વળી.

નાટકનો પડદો ઊપડતાં આખું દૃશ્ય બદલાઈ જાય એમ નંદનના જીવન–નાટકનું દૃશ્ય બદલાઈ ગયું.

આ નવા દૃશ્યમાં નંદને આભાશાની સઘળી માલમત્તાની માલેકણ છે. હજી ગઈ કાલ સુધી પોતે વારસ હોવાનો દાવો કરતી હતી એ સુલેખા આજથી વારસ મટી ગઈ છે. એ અને માનવંતી બન્નેનું સ્થળ આ ઘરમાં સમાન કક્ષાનું–નંદનના ‘ભીખ્યા ટુકડા’ વડે ​ જિંદગી પૂરી કરવાનું થઈ ગયું. અમરતની સત્તા અને સાહ્યબી તો નંદન કરતાંય અદકી વધી ગઈ. ગઈ કાલ સુધી જે ‘દલિયા’ તરીકે ઓળખાતો એને હવે ‘દલુભાઈ’ સિવાય બીજે નામે કોઈ સંબોધતું નથી. અને ઘર તેમ જ પેઢીમાં હડધૂત થતો દલુ હવે તો ઊપડ્યો ઉપડતો નથી.

પુત્રજન્મના સમાચાર જાહેર કર્યા પછી અમરત તો થોડા દિવસમાં જસપર ખાતે પોતાનો નવો હોદ્દો સંભાળવા ચાલી ગઈ છે. પણ નંદનને તબિયત નરમ છે એમ કહીને હજી થોડા દિવસ પિયરમાં પડ્યા રહેવાની સૂચના અમરત આપતી ગઈ છે.

અલબત્ત, અમરતની આ આસમાની–સુલતાની અંગે ગામના કેટલાક શંકાશીલ માણસોએ શંકા ઉઠાવી, પણ એ શંકા અમરત સમક્ષ વ્યક્ત કરવાની એમનામાં તાકાત નહોતી.

‘માનો ન માનો દાળમા કાંઈક કાળું છે ખરું.’

‘પેઢીનો દલ્લો પચાવી પાડવાના ખેલ ખેલાયા લાગે છે.’

‘નહિતર, આભાશાને ઘેર ઘોડિયું બંધાવાની આશા જ નહોતી, ત્યારે જાતે જન્મારે ક્યાંથી...?…’

પણ અમરતની સમક્ષ તો લોકોએ અભિનંદન અને ખુશાલી જ વ્યક્ત કર્યાં.

‘બહુ રાજી થવા જેવું થયું, બહેન !’

‘ધરમ પરતાપે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું.’

‘નસીબ થોડાં કોઈએ વેચી ખાધાં છે ?’

‘સુખદુઃખના પણ દાયકા જ હોય છે. દુ:ખનો દાયકો ગયો તે હવે સુખનો દાયકો બેઠો.’

‘આવી દોમદોમ સાહ્યબીમાં શેર માટીની ખોટ હતી તે ભગવાને પૂરી કરી આપી.’

આવાં સઘળાં અભિનંદનો ભેગાં કરીને અમરત, રડતી આંખે એક જ ઉત્તર આપતી : ​ ‘બધું ય સાચું. પણ મારા મોટા ભાઈનાં પુણ્ય એટલાં ઓછાં કે આવું સુખ જોવા જીવતા ન રહ્યા, એના નસીબમાં દીકરાનું સુખ જોવું નહિ સરજાયું હોય.’

અમરતની આ ફરિયાદ માટે કોઈ કોઈ આશ્વાસન આપનારા પણ મળી રહેતા :

‘બહેન, એનું નામ જ પંચમકાળનાં એંધાણ. માણસ બધીય પાંતીનું સુખ તો ન જ પામે.’

બસ, ગામલોકોને મોંએથી અમરત આટલું જ બોલાવવા માગતી હતી.

માત્ર એક ચતરભજે ગામલોકોના સૂરમાં પોતાનો સૂર ન પુરાવ્યો. એ હમણાં હમણાં, અમરતના શબ્દોમાં, ‘આડો ફાટ્યો’ હતો. સુલેખાના વહીવટકાળ દરમિયાન એને પેઢીમાંથી પાણીચું મળતાં, બધો રોષ અમરત ઉપર ઉતારી રહ્યો હતો.

આજ દિવસ સુધી તો ચતરભજ અને અમરત બન્ને સમદુખિયાં જીવ હતાં. બન્ને જણાં પેઢીનો વારસો પચાવી પાડવા માટે સહિસારી રીતે તેમ જ વ્યક્તિગત રીતે આકાશ–પાતાળ એક કરી રહ્યાં હતાં. અને બન્નેને એમાં એકધારી નિષ્ફળતાઓ સાંપડતી રહી હતી. એને પરિણામે બન્નેનાં પારસ્પરિક હિતો અને સંબધોનો સમવેત વધારે ને વધારે ગાઢ બનતો ગયો હતો. પણ એક ભૂમિકા એવી આવી ઊભી કે જેમાં બંનેનાં હિતો વચ્ચે વિસંવાદ ઉત્પન્ન થયો. અર્થ–સાધનાની આજ સુધીની એકધારી, નિયમિત નિષ્ફળતા પછી અમરતને એમાં ઓચિંતી સફળતા સાંપડી, અમરતની આ સફળતાને ચતરભજ જીરવી ન શક્યો. કાં તો એ સફળતામાંથી પોતાનો હિસ્સો પડાવવો ને કાં તો પોતાના એક વખતના પ્રિય પાત્ર ઉપર વેર વાળવું એ નિશ્ચય કરીને ચતરભજ અમરત પાસે ગયો.

રાતે મોડું થયું હોવા છતાં અમરત પેઢીના કેટલાક ખાનગી ​ ચોપડા તપાસી રહી હતી.

હમણાં હમણાં એના ગૌરવરણા ચહેરાએ ઝડપભેર પૌઢત્વ ધારણ કરવા માંડ્યું હતું. આંખોની નીચલી પાંપણોનો પ્રદેશ ઊંડો ગયો હતો અને ત્યાંથી શરૂ થઈને ઓઠના બન્ને બાજુના ખૂણાઓ સુધી ભરાઉ ગાલોમાં એકેકી સુંદર કરચલી વરતાવા માંડી હતી. અને પરિણામે, બન્ને ઓઠના ખૂણાઓની નીચે ઢાળકીઓ પડતી હતી. એને લીધે અમરતમાં ઠસ્સો વધારે દેખાતો હતો, અને એ ઠસ્સામાં હડપચીનો ઝૂલતો પ્રદેશ ઉમેરો કરતો હતો. એમાં પણ જ્યારે જ્યારે એ કશુક વાંચવા માટે નજર ઢાળીને બેઠી હોય ત્યારે તો ઉપરાઉપર ત્રણ કરચલીઓ પાડતી હડપચી અમરતના માની જોહુકમી અને મારકણા મિજાજની ત્રિવિધ વાણી ઉચ્ચારી રહેતી.

ઓરડામાં દાખલ થતી વેળા ચતરભજે એ હડપચીની ત્રિવિધ શેહ અનુભવી; પણ એથી એણે જરાય થડકો ન ખાધો. ઊલટાનું, મનમાં એ બોલ્યો : ‘જોયો જોયો તારો વટ હવે. બવ વાયડી થા મા; ભૂંડી લાગે છે. હું તેને સારીપટ ઓળખું છું. દીકરાને મન જે મામો હોય એ માને મન તો કડ્યનો રમાડેલ ભાઈ જ હોય. ઠાલો, મારા સામો મિજાજ કરવો મૂકી દે.’

ચતરભજે આટલું વિચાર્યા પછી પણ અમરતે ઊંચે ન જોયું ત્યારે ચતરભજે ખોંખારો ખાધો.

છેક યૌવનકાળનો આ ચિરપરિચિત સંકેત – અવાજ અત્યારે ઓચિન્તો કાને પડતાં, પહેલાં તો અમરત ચમકી. પણ તરત એને યાદ આવ્યું કે આજે મેં જ ચતરભજને અહીં બોલાવ્યો છે એટલે એ આવીને સામે ઊભો છે. એ સંકેત – અવાજ સાંભળીને આજે પણ અમરતનું હૈયું નાચી ઊઠ્યું. પણ આ ઉમ્મરે હવે એ હૈયાનો થનગનાટ મોઢા ઉપર વ્યક્ત કરવો ન શોભે એમ સમજીને એણે, હસવા માટે પ્રસારણ પામેલ ઓઠના ખૂણાઓને તરત સંકોચી લીધા. ​ ગાલના એ સંકોચનને સ્થળે વર્ષો પહેલાં પડતા ગલ ચતરભજને યાદ આવી ગયા. અત્યારે એ ગલની જગ્યાએ ઢાળકીઓ પડી ગઈ હતી એ જોઈને ચતરભજ જરા વિષાદ અનુભવી રહ્યો.

‘એલા, તું તે ગામમાં વસે છે કે ગામ બહાર ?’ અમરતે આજે પણ શિરસ્તા પ્રમાણે જ બોલવાની શરૂઆત કરી. ‘આટલા દિવસથી હું ગામમાં આવી ગઈ છું; પણ તું તો મોઢુંય નથી બતાવતો ! ભારે મોંઘો થઈ ગ્યો છો કાંઈ ?’

‘હું તો સાવ સોંઘો છું. અટાણે તો ફૂટી બદામનોય નથી રિયો.’ ચતરભજે કહ્યું.

‘સોંઘો હોત તો તો આટલા દિવસમાં એકાદ વાર પણ આ ઘરને ઉંબરે ચડવાનું ટાણું જડ્યું હોત, ગામ આખું હરખ કરવા આવી ગયું પણ તું તો…’

‘શોનો હરખ ?’

‘અરે વાહ રે મારા ચતુ !’ અમરતે ઘણાં વર્ષો પછી ચતરભજને પોતે આપેલા લાડકા નામે સંબોધ્યો અને પછી જરા ઠપકાભર્યા અવાજે ઉમેર્યું : ‘અજાણ્યું થઈ જાવાની તારી ટેવ હજીય ગઈ લાગતી નથી.’

‘પણ કાંઈ જાણતો ન હોઉં, ત્યાં સુધી તો અજાણ્યો જ રહું ને ?’

‘ગામ આખાને તો જાણ થઈ ગઈ.’

‘શેની ?’

‘મોટા ભાઈને ઘેર દીકરો આવ્યાની…’

‘એ તો હું જાણું છું કે, ભાઈને ઘેર દીકરો આવ્યો છે. એ તો મેં કેદુનું ધારી મૂક્યું તું એમાં નવાઈ શું ?’

‘તે તારે મન એનો કાંઈ હરખ જ નથી, એમ ને ? આટલે વર્ષે નંદનને પેટે દીકરો…’

‘નંદનને પેટે કે ઓલી કૂબાવાળીને પેટે !’ ચતરભજે પહેલો ​ચાબખો માર્યો.

અમરત ચોંકી. આ ચાબખો એને ભારે ચમચમ્યો.

જે વાત હજી સુધી નંદનને પણ મેં જણાવા નથી દીધી એ કૂબાવાળી વાત આ કાળમુખાએ ક્યાંથી જાણી ? આ પ્રશ્ન અમરતને મૂંઝવી રહ્યો. અમરતે નહોતું ધાર્યું કે એને આવો સીધો સચોટ સવાલ કરવામાં આવશે.

અમરતની છાતીના ધબકારા વધી ગયા. દીવાને અજવાળે પણ ચતરભજ જોઈ શક્યો કે અમરતની આંખના ડોળા ચકળવકળ ફરવા માંડ્યા છે. અમરત ગમ ખાઈ ગઈ છે. ‘ચાબખો તો આબાદ ફટકાર્યો છે !’ ચતરભજે વિચાર્યું, ‘એ જ લાગની છે આ એકલપેટી !’

અમરતે ઓરડાની ચારેય ભીંતો ઉપર આદત પ્રમાણે નજર ફેરવીને ખાતરી કરી લીધી કે ચતરભજે ઉચ્ચારેલું આ ભયંકર વાક્ય ભીંતોનો એક પણ પથ્થર સાંભળી ગયો નથી. પાકે પાયે એટલી ખાતરી કરી લીધા પછી જ એની જીભ કાંઈક પણ બોલવા માટે સળવળી શકી :

‘એલા, તેં હમણાં શું બાફી નાખ્યું એ તું જાણે છે ?’ અમરતે દમ મારવાની શરૂઆત કરી.

‘હા, હા. જાણું છું. બધું જાણું છું. રજેરજ વાત જાણું છું. જાણ્યા વિના તો હું બોલત જ ક્યાંથી ?’

બીજો ચાબખો પહેલી વારના કરતાંય વધારે ચમચમાટી બોલાવે એવો હતો. અમરતનું જિગર નહોતું કે એ બોલ જીરવી શકે. પોતે આખા ગામની આંખમાં ધૂળ નાખી શકી. આ એક જ માણસને હું આંજી ન શકી ? આ એક જ મારી બાજી ઊંધી વાળશે ? અને તે પણ બીજું કોઈ નહિ ને મારા દીધેલા જ રોટલા ખાઈને મોટો થયેલો બે દોકડાનો આ વાણોતર મારી સામે ચાલવાની હિંમત કરી જાય ?

અમરતને હાડોહાડ ચાટી ગઈ. એણે મનમાં વિચાર્યું કે હવે તો આડે લાકડે આડો વહેર પાડ્યા વિના છૂટકો જ નથી. મુનીમ મારી ​ આડે આવશે તો એને પણ ઉખેડી નાખતાં વિચાર કરવા નહિ રોકાઉં. સઘળી હિમ્મત એકઠી કરીને એણે ચતરભજને ધમકી આપી :

‘એલા, બહુ હવે લવારો કર્યો છે તો તારી જીભ ખેંચી કાઢીશ.’

‘બેહો બેહો હવે ! બહુ બોલતાં શીખ્યાં છો તે હું જાણું છું. જો મોટા જીભ ખેંચવાવાળા ન જોયા હોય તો !’

ચતરભજે એવા તો ઠઠ્ઠાભર્યા અવાજમાં જવાબ વાળ્યો કે અમરત તો ડઘાઈ જ ગઈ. આ જોરૂકા મુનીમ પાસે મારી એક પણ કારી નહિ જ ફાવે કે શું એવા અંદેશાથી એ નરમ ઘેંશ જેવી થઈને બોલી :

‘પણ તું અડદ ને મગ ભેગાં જ ભરડ્યે રાખ પછી તો મારે ન છૂટકે બોલવું જ પડે ને ? હાથે કરીને તું…’

‘પણ મેં એમાં ખોટું શું કીધું ભલા !’

‘પણ તું શું બોલ્યો એનું તને ભાન છે ?’

‘હા, છે, છે, છે, ભાન વિના આવી વાત થોડી કરાય ?’

‘શી વાત ?’

‘ઓલી કૂબાવાળી વાત બીજી કઈ ?’

ફરી અમરત દાઝી, આ માણસ એ વાતનો સગડ જ નહિ મેલે કે શું ?

‘એવી ખોટેખોટી વાત કરતાં જરાય શરમાતો નથી ? કોકની આબરૂ પાડતાં જરાય વિચાર નથી થાતો ?’

‘આબરૂનો વિચાર તો, મારે નહિ પણ તમારે જ કરવાની જરૂર હતી. આબરૂ વહાલી હોત તો આવું કામ કરવાનું તમને સૂઝ્યું જ ન હોત.’

અમરતને હવે તો ખાતરી થઈ ચૂકે કે આ માણસની આંખમાં ધૂળ નહિ નાખી શકાય. આ એક જ માણસ મને માથાભારે મળ્યો. આ દેવને તો રીઝવવામાં જ ભલીવાર છે. જો એ રૂઠ્યા તો ભારે ભૂંડા થશે. એને છંછેડવામાં હું સાર નહિ કાઢું. જિંદગીભર આ માણસને રીઝવીને જ મેં સઘળું કામ કઢાવ્યું છે તો હવે જાતેજનમારે ​ એની સાથે બગાડવામાં હું લાભ નહિ કાઢું. નાહક એક દુશ્મન શા માટે ઊભો કરવો ?

અમરતનો બધો રોષ ઓસરી ગયો. ઊંચે ચઢી ગયેલાં ભવાં નીચે ઊતરી ગયાં. મોંની તંગ બનેલ કરચલીઓ આપમેળે જ ઢીલી પડી ગઈ અને એની જગ્યાએ વર્ષો પહેલાંની હસમુખી રેખાઓ હસી રહી. બોલી :

‘ચતુ, તું તો સોમાં સોંસરવો છે હોં ! તારા જેવો ભારાડી માણસ મેં હજી સુધી નથી જોયો !’

આ શબ્દ પ્રૌઢત્વને આરે પહોંચેલી અમરત નહોતી બોલતી પણ કૌમાર્ય વટાવીને યૌવનમાં પ્રથમ પગલાં માંડતી વેળા, ભારાડી જવાંમર્દ ને જોહુકમી કરી શકે, પોતાના નિરંકુશ મદ ઉપર માવતની ગરજ સારે એવા જોમભર્યા પૌરુષ માટે તલસતી અમરતના એ શબ્દો હતા.

આવી જાતના ભારાડી પૌરુષના તલસાટને કારણે જ અમરત પોતાના સીધાસાદા અને સુકુમાર પતિને પાટુ મારીને પિયર નાસી આવેલી. ચતરભજમાં એણે એ જવાંમર્દી જોઈ, જંગલિયત જોઈ, એવી જંગલિયત માટે તો અમરત આજ દિવસ સુધી ફાંફાં મારતી હતી. ચતરભજમાં એને પૂરેપૂરો જંગલી આદમી જડી રહ્યો; કહેવાતી શિષ્ટતા કે સભ્યતાનો એક પણ રંદો લાગ્યા વિનાના બરછટ બાવળિયા જેવો એક ઘા ને બે કટકા કરે એવો બાહોશ, મૃદુતા, ઋજુતા કે નાજુકપણાનું જેનામાં નામ ન મળે. આવા પૌરુષની પૂજા કરવામાં, એને પગે પડવામાં, એના પર જીવનની ન્યોછાવરી કરી જવામાં, અમરતે ધન્યતા અનુભવી હતી.

અત્યારે પણ ‘તારા જેવો ભારાડી માણસ મેં હજી સુધી નથી દીઠો’ એમ કહેતી વેળા અમરતની આંખો સમક્ષ એ જ ભરજુવાન વયનો ચતરભજ ઊભો હતો : પેઢીના સઘળા વાણોતરો પોતાની કરડાકી વડે ડારતો અને ડામતો. ​ અત્યારે અમરતે ધાર્યું હતું કે પોતે કરેલી આ પ્રશસ્તિથી ચતરભજ રીઝશે અને મારા રચેલા કૌભાંડમાં ભાગીદાર બનશે. પણ ચતરભજ આજે જુદો નિર્ણય કરીને આવ્યો હતો. બોલ્યો :

‘ભારાડી થયા વિના તો કૂબાની ભાળ મને ક્યાંથી લાગી હોત ?’

‘એલા હજી એ વાતનો સગડ નહિ મેલે કે ?’

‘શું કામ મેલું ? તમે આ પેઢીને પચાવી પાડવાનો સગડ હજી મેલો છો, તે મને શિખામણ આપવા નીકળ્યાં છો !’

‘એ વાતનો તારે ગામગોકીરો કરવો છે ? શું વિચાર છે ?’

‘હા જરૂર પડે તો કદાચ કરવોય પડે. આ તો તમે ફૂલ ડુબાડીને પથ્થર તરાવવા જેવું કરો છો.’

‘આ અમરતમાં તાકાત છે, ફૂલને ડુબાડવાની ને પથ્થરને તરાવવાની. આ એક શું આવાં તો એકવીશ ફૂલ તારી નજર સામે ડુબાડી દીધાં ને ઘણાય પથ્થરને તરતા કરી દીધા.’

‘પણ હવે આ એક પથ્થરને તો નહિ જ તરાવી શકો ગામની આંખમાં…’

‘ગામ તો ગાલાવેલું કહેવાય. એને ઊઠાં ભણાવવાં એમાં તે કઈ મોટી વાત ?’

‘પણ આ ચતરભજ જીવતો છે ત્યાં સુધી આ વાતને તમે દાટી શકશો નહિ.’

‘જોયો જોયો હવે ચતરભજને ! ચતરભજ વળી કઈ વાડીનો મૂળો ?’

‘એ તો હું તમને ખબર પાડી દઈશ કે ચતરભજ કઈ વાડીનો મૂળો છે. થોડા દિવસમાં જ તમને જાણ થશે કે આ ચતરભજ કોણ છે.’

‘જાણું જ છું, ચતરભજ એટલે આભાશાની પેઢીનો ઓશિયાળો વાણોતર, આ અમરતની ઓળખાણથી મુનીમના હોદ્દા ​ લગી પહોંચેલો ખટપટિયો, અને અમરતની જ દયાથી એ હોદ્દે ટકી રહેલો પામર પેટભરું.’

એકીસાથે અમરતે ચતરભજને ત્રણ ત્રણ નવાજેશો ભેટ ધરી, પણ ચતરભજના મોંની તો એક પણ રેખા બદલાતી નથી.

‘હું પેટભરું, એમ કે ?’ ચતરભજે મૂછનો ઊડતો કાકડો હોઠ વચ્ચે લેતાં કહ્યું : ‘આ ચતરભજે જાત નિચોવીને તમારી પેઢીનાં પેટ ભર્યાં છે. આસામી ડૂલ થવા બેઠી હતી ત્યારે આ ચતરભજે એને તારી છે. ઘણી વાર એકસમાટી હૂંડીઓ આવી પડતી ત્યારે આભાશા નાણાભીડમાં આવી પડતા; એવે ટાણે આ ચતરભજે આબરૂ સાચવી છે; અને જીવણશા જેવા જોરૂકા હરીફની સામે વ્યાજવટાવ ભાંગી પડતો હતો એમાંથી મારું લોહી રેડીને મેં ધંધો ટકાવી રાખ્યો…’

‘બીજું કાંઈ બોલવાનું બાકી નથી રેતું ને ?’

‘બાકી તો શું રહે ? ને બોલવુંય શું ? મેં મૂરખાએ પારકાંને પંડનાં માણસો ગણીને આટલી ગધામજૂરી કરી ત્યારે તમે આટલાં ચગદળિયાં કરો છો ને ? મેં ગમે તેવાં કાળાંધોળાં કરીને તમારાં સહુનાં પેટ ભર્યાં ત્યારે તમે મને પંડને જ પેટભરુ કહેવા આજે તૈયાર થયાં ને ?’

‘પેઢી સારુ તેં ગમે તેટલું કર્યું, પણ તારું પોતાનું ઘર ભરવામાંય તેં કાંઈ કમીના નથી રાખી…’

‘અને તમે વળી કમીના રાખી હશે !’

‘મારી વાત કરજે મા. મારો ને તારો મોભો નોખો છે. તું એક વાણોતર છો.’

‘વાણોતર છું, એમ ?’ ચતરભજ હજીય મૂછો ચાવતો હતો.

‘હા, હા, વાણોતર જ છો. તારી દાઢમા હજી મારા દીધેલા અન્નના દાણા છે. હું કહું એમ તારે કરવું જ પડશે. કૂબાવાળીની વાત જો વાને કાને પણ ગઈ છે, તો તારી ખેર નહિ રહે…’ ​ ‘એટલે ?’

‘એટલે એમ કે જે દિવસે એ વાત ત્રીજે કાને રેડાશે તે દિવસે આ દુનિયામાંથી તારાં અંજળ ખૂટી જશે. તારાં બાયડીછોકરાં અંતરિયાળ રઝળી પડશે.’

અમરતનો રોષ માતો નહોતો. જીવ ઉપર આવેલા ઝનૂની પશુની પેઠે એ બોલતી જતી હતી.

પણ ચતરભજ એમ કાંઈ ગાંજ્યો જાય એવો નહોતો. અમરત ભોરિંગ જેટલી ઝેરીલી હતી તો ચતરભજ પણ સામે ભોરિંગ જેટલો જ દંશી હતો. ભોરિંગેભોરિંગના લબકારામાં બેમાંથી કોઈ ખાટી જાય એમ નહોતું, ચતરભજે એ જ મક્કમ અવાજે કહ્યું :

‘મારાં અંજળ ખુટાડનાર આ દુનિયા ઉપર છે કોણ ?’

‘આ રહી, અમરત પોતે. તારા જેવા તો કૈંકને જીવતા ને જીવતા ભોંયમાં ભંડારી દઈશ.’

‘ઠાલા પડકા મારો માં. વહરાં લાગો છો વહારાં. માથે ચોટલાવાળીઓનાં ગજાં નથી, ગુંજાશ નથી.’

‘મને ચોટલાવાળી ગણીને તું, ભલો થઈને ભરમમાં રે’જે મા હોં ! મારું ગજું ને ગુંજાશ તારે જોવાં છે ?’

‘હા, હા. બતાવો તો ખરાં તમારું ગજું. જોઈએ તો ખરા તમારી ગુંજાશ; કોક દી સાચી ભીડ ટાણે અમનેય ખપમાં આવશો.’

ચતરભજે ચાનક ચઢાવી એટલે અમરત ઊભી થઈ અને પાછલે પગલે, પછીત પાસે પડેલી મજૂસ તરફ આગળ વધતી ગઈ.

ચતરભજ હજી બોલતો હતો :

‘તમારી તાકાત નથી…’

‘લે હમણાં જ તને તાકાત અને ગજું બેય દેખાડી દઉં, એટલે તને નિરાંતનિરાત થાય.’ મજૂસ તરફ જતાં જતાં પણ અમરત બોલતી જતી હતી, ‘નહિ બતાવું તો વળી તને ઓરતો રહી જાશે.’

આટલું કહીને અમરતે મજૂસના ચોરખાનામાંથી કાળાબોઝ ​સીસમની સવા હાથ લાંબી આંકણી કાઢી.

ચતરભજ આ આંકણીથી પરિચિત હોય એમ ખડખડાટ હસ્યો.

અમરતને જરા આશ્ચર્ય થયું, બોલી :

‘તું એમ ન સમજતો કે આ માત્ર ચોપડામાં લીટા આંકવાની આંકણી જ છે…’

‘ના બાપૂ, ના, સારીપઠ જાણું છું કે એમાં શું છે. વીશવીશ વરસ સુધી આ હાથનાં આંગળાં વચ્ચે એ આાંકણી રમી છે. એ આંકણીથી વ્યાજના કોઠા આંકીઆંકીને મેં એના સીસમને જુઓ, લીસુંલપટ બનાવી દીધું છે.’

અને ફરી ચતરભજ ખડખડાટ હસ્યો. આ વખતના હાસ્યમાં અમરતના ઉલ્લુપણાનો ઉપહાસ પણ વરતાતો હતો.

આ ઉપહાસ સાંભળીને અમરત વીફરી. એણે આંકણીનો એક ખૂણો મુઠ્ઠી દાબીને કશુંક ઉઘાડવાનો પ્રયત્ન કરવા માંડ્યો.

હવે તો ચતરભજનું હસવું માતું નહોતું છતાં હાસ્ય વચ્ચે વચ્ચે એ તૂટક તૂટક બોલતો હતો :

‘અરે રામ રામ ! એટલુંય નથી જાણતાં ! એમ ડાબી કોર ન ફેરવાય. ડાબી કોર તો ઊલટાનું કઠણ ભીડાઈ જાશે. જમણી કોર એના પેચ ફેરવો તો ઊઘડે... હં... હં... એમ જ હં... હવે બરોબર; હવે આવડ્યું. એ તો એમ જ હાલે... બાઈડિયું માણસને આવી ચીજના વપરાશનો મહાવરો નહિ ને, એટલે જરાક અઘરું પડે... હં... પણ હવે બરાબર આવડી ગયું હોં !... હા, હજી બેક આંટા બાકી હશે... ફેરવ્યે રાખો તમતમારે... આંટા થઈ રેશે એટલે આફૂડી ખબર પડશે... એહે ! એહે ! આવું ઓજાર કોઈ દી વાપરેલ નહિ એટલે બાઈડિયું માણસ જરાક મૂંઝાઈ જાય…’

‘આંકણી ઉઘાડવાની આખી ક્રિયા દરમિયાન ચતરભજ જે ઉપહાસભર્યું સંભાષણ કરતો રહ્યો એના શબ્દે શબ્દે અમરત સળગી ઊઠી. જે માણસને પોતે અત્યારે પોતાની તાકાતનો પરચો ​બતાવીને ડારવા માગતી હતી એ જ માણસ એની મશ્કરી કરી ગયો તેથી અમરતના રોષનો પાર ન રહ્યો.

સઘળાં જોમ અને જોશ એકઠાં કરીને અમરતે આંકણીનું છૂપું ઢાંકણું ખેંચ્યું :

કાળીભમ્મર ઘટાટોપ વાદળીઓમાંથી ઓચિંતો વિદ્યુલ્લતાનો, રૂપેરી શિરોટો બહાર આવે એમ આ કાળી સીસમ–આંકણીમાંથી એક તીક્ષ્ણ શસ્ત્ર તગતગી રહ્યું.

અમરતની ધારણાઓ તો એવી હતી કે હથિયાર જોઈને ચતરભજ કાં તો પાછો હટી જશે, અથવા તો બીકનો માર્યો બારણા બહાર નીકળી જવા મથશે – જે ગણતરીએ અમરતે બારણાં બંધ કર્યા હતાં. અથવા તો ‘મને માફ કરો ! હું તમારી ગાય છું.’ કરતોકને આવીને મારા પગમાં પડશે – અને, કૂબા-વાળી વાત કોઈને નહિ કહું એવી કબૂલાત આપશે. પણ કમનસીબે અમરતની એકેય ધારણા સાચી ન પડી.

જરાય થડકો ખાધા વિના ચતરભજ તો ઊલટો વધારે બેફામ બનીને હસતો હતો.

હવે તો આ ઉપહાસ અમરત માટે અસહ્ય બની ગયો. બોલી :

‘વેખલીની જેમ ખીખી શું કર્યા કરે છે ? હસતાં શરમાતો નથી જરાય ?’

‘હસું... નહિ... ત્યારે... શું...રોવા... બેસું ... ?... હેં ? ...’

આટલા શબ્દો પણ ચતરભજ હસવા આડે બેવડ વળીવળીને માંડ ઉચ્ચારી શક્યો.

હવે તો અમરતને કાળ ચડ્યો, બોલી :

‘તારા નસીબમાં આજે સાચોસાય રોવાનું જ લખ્યું લાગે છે. મારા હાથમાં આ શું ચીજ છે એ દેખાય છે તને ?’

હવે તો ચતરભજને હસવાનો હાંફ ચડ્યો હતો એ તેણે જરા થાક ખાઈને માંડમાંડ ઓછો કર્યો, જેથી અમરતને એ ​કાંઈક જવાબ આપી શકે. એક લાંબો શ્વાસ હેઠો મૂકીને એણે કહ્યું :

‘હા, બાપુ, હા, હું આંધળો નથી કે તમારા હાથમાં ભાલા જેવી અણિયાળી ગુપ્તી છે, એ સાવ ભાળી ન શકું. તમારો ને આ ગુપ્તીનો નાતો આજકાલનો નવોસવો હશે. મારો ને એનો નાતો તો કડ્યના રમાડેલ ભાઈ જેવો ગણાય. હું સાવ ઘૂડપંખ નથી કે ગુપ્તી જેવી ગુપ્તીને ભાળી ન શકું.

‘આ ગુપ્તી તારું કાળજું વીંધી નાખશે.’

‘ખોટ્ટી વાત ! સાવ ખોટ્ટી વાત !’ ચતરભજે અજબ બેતમાંથી ‘ટી’ ઉપર ભાર મૂકી મૂકીને કહ્યું.

‘કાળજું વીંધાઈ જાતાં વાર નહિ લાગે હોં !’ અમરતે ધીમે પગલે આગળ વધતાં ધમકી આપી.

‘ગાંડાં થાવ મા, ગાંડાં ! મારાં ને તમારાં કાળજા આ ભવમાં કોઈ દી નહિ વીંધાય.’

‘કારણ ?’

‘કારણ કાં ભૂલી જાવ તમે ? મોટા ભાઈ સારુ તોલો અફીણ વાપરવા ટાણે મેં નોંતું કીધું કે, આવાં કામ કરવા સારુ તો મારા જેવા લોઢાનાં કાળજાં જોઈએ અને તમારે પણ લોઢાનાં જ કાળજા છે એમ તમારી જીભે જ તમે કબૂલ કર્યું હતું, હવે તમે જ કહો કે આપણાં બેયનાં લોઢાનાં કાળાજાં પાસે આવી સૂયા જેવી ગુપ્તીનું શું ગજું ?’

ચતરભજ જેમ જેમ ઉશ્કારાતો જતો હતો તેમ તેમ અમરતનો ધૂંધવાટ વધતો જતો હતો.

‘આ ગુપ્તી તારાં આંતરડાં પીંખી કાઢશે.’

આ વખતે તો ચતરભજ બેહદ હસ્યો અને બોલ્યો :

‘બાપુ, મોઢેથી જ બોલીને ઠાલાં શું કામ હિંસા કરમની રાવી બાંધો છો ? અસૂર–સવારે ગોચરીએ નીકળતા વિમલસૂરી આવું આવું સાંભળી જાશે તો આ ઘરનો ઉંબરો છોડી જાશે.’ ​અમરતની ધીરજ આવી રહી હતી. એ લગભગ ચતરભજની સામે આવીને ઊભી રહી અને ગુપ્તીની અણી આગળ ધરી હોવા છતાં ચતરભજ ઉપર તો એની કશી અસર જ નથી થતી જાણીને એ આકુળવ્યાકુળ થતાં બોલી

‘આ ગુપ્તી હવે તો તારો પ્રાણ લેશે હોં !’

‘હા…શ ! મારે એટલું જ જોઈએ છે. તમે જ મને આ જિંદગીમાં જીવતો નરકમાં નાખ્યો છે કે તમે જ મારા પ્રાણ લઈને આ નરકમાંથી ઉગારો તો તો તમારા જેવો ભલો ભગવાનેય નહિ. એટલું જ માગુ છું દેવી, આ જીવતા નરકમાંથી હવે તો મારો ઝટ છુટકારો કરો !’

આવા આક્ષેપો અને દોષારોપણો સાંભળીને અમરતને હાડોહાડ ઝેર વ્યાપી ગયું. ચત૨ભજ એના બોલવામાં આટલી બધી હદ વટાવી જશે એવો અમરતને સ્વપ્નેય ખ્યાલ નહોતો. પોતે જ જેને દૂધ પાઈને ઉછેર્યો હતો એ ભોરિંગ પોતાને જ ડંખવા આવશે એવી એને કલ્પના પણ નહોતી. હવે તો આ ભોરિંગને ઠાર માર્યે જ છૂટકો છે એમ અમરતને લાગ્યું. આ ઝેરીલા જાનવરને હવે અહીંથી જીવતો જવા દેવામાં ભલીવાર નથી. એને હવે છૂટો મેલીશ તો જરૂર એ વખધર મારી કરીકા૨વી મહેનત ધૂળમાં મેળવશે, મારી બાજીઓ ઊંધી વાળશે અને મારી બધી આશાઓ ઉપર પાણી ફેરવશે.

પસાર થતી હરેક ક્ષણ નિર્ણાયક બનતી જતી હતી. અમરતને લાગ્યું કે પોતે ઘડેલી યોજનાઓ સફળતાપૂર્વક પાર પાડવી હોય તો કોઈ ઉપર દયા રાખવી પાલવે જ નહિ. ભલેને ચતરભજ મારો પ્રિયપાત્ર રહ્યો. આજે એ પ્રિયપાત્ર મટીને મારો સમોવડિયો બનવા આવ્યો છે, મારી આડે માર્ગ રોકીને ઊભો છે. અને મારા માર્ગમાં આડશ ઊભી કરનારાઓને તો સહુને મેં જરાય દયા દાખવ્યા વિના દૂર કરી નાખ્યા છે તો આ બે દોકડાનો વાણોતર ​તે વળી કોણ ?

અને એ વાણોતરે પોતે જ ઊઠીને મને પાઠ નથી ભણવ્યા કે આવાં કામાં કરવા સારુ તો લોઢાનાં કાળજાં જોઈએ !

બીજો કશોય વિચાર કર્યા વિના, માત્ર કર્મયોગમાં જ માનનારી અમરતે આંખો ચમકાવીને ચતરભજની છાતી સામે ગુપ્તી ઉગામી.

પણ… અજબ છે આ ચતરભજ | છાતી સામે ઉગામાયેલી તગતગતી ગુપ્તી જોઈને લગીરે થડકો ખાવો તો દૂર રહ્યો, પણ આ તો અત્યાર સુધીમાં નહોતો હસ્યો એટલા મોટા અવાજે હસી પડ્યો : અને ભય, ભયાનકતા કે ખૂનરેજીનું વાતાવરણ સમૂળું ફૂંક મારીને જાણે કે ઓરડામાંથી ઉડાડી મૂક્યું. અને એની જગ્યાએ બેવડ વળી વળી ને થતી હસાહસીથી ઓરડાની હવાને ભરી દીધી.

આ અનુભવથી અમરત તો ડઘાઈ જ ગઈ. એનાં જોમ અને જોશ ઓસરી ગયાં. ગુપ્તીની મૂઠ ઉપર ચપોચપ ભીડેલી તંગ મુઠ્ઠીનાં આંગળાં પોચા ગાભા જેવાં થઈ ગયાં. એના જોરદાર કાંડામાં જાણે કે ખાલી ચડી ગઈ હોય એમ એ કામ કરતું અટકી ગયું.

માંડમાંડ હસવું ખાળીને ચતરભજ બોલી શક્યો.

‘ઓયવોય ! સાવ આવાં હૈયાંકૂટાં નીકળશો એમ મેં નહોતું ધાર્યું … એ… હે... હે ! ભાઈના ઘરમાં આવાં જ અંધેરકારભારાં કરજો ?’

‘હું એમ બકું છું કે તમે આ જે હથિયાર મને મારવા આવ્યાં છો એ હથિયારમાં ખેતરની ખરપી જેટલુંય જોર નથી; ચૂલામાં ઓબાર ભરવાના ચીપિયા કરતાંય આ તો નપાવટ છે. અરે, આંખમાંથી પરવાળાં ખેંચવાની ચીપટીય આ તમારી ગુપ્તી કરતાં વધારે પાણીદાર હોય...’

‘હેં !…’ ​‘હા, એમાં હેબતાઈ જવાની જરૂર નથી. આ તમારી ગુપ્તી મારી છાતીમાંથી આંતરડાં તો શું, પણ લોહીનો એક ટશિયોય નહિ કાઢી શકે…’

‘હેં !’

‘હા, બાપુ, હા. ભગવાને તમને આંખ આપી છે તો આની અણી ઉપર તો નજર કરી જુઓ જરાક ! મને તો તમે આંધળું ઘડપંખ ગણો છો, પણ તમેય છતી આંખે મારા જેવાં કાં થાવ ?’

અમરતે ગુપ્તી ઊંચી કરીને એની અણી તપાસવા માંડી.

ચતરભજે ગુપ્તીને ઉદ્દેશીને એ જ ઉપહાસ ચાલુ રાખ્યો હતો :

‘એ… હે… હે… ! સાવ બુઠ્ઠી | લોઢાના મજાગરા જેવી | ભાંગેલ નકુચાનો ભંગાર જ ! એનાથી કોઈનાં કાળજું તો ન વીંધાય પણ છોકરાંવને મોઈ–દાંડિયે રમવાની ગબી ખોદતાંય મુશ્કેલી પડે…’

ગુપ્તીની ઉપર આંગળાં ફેરવતાં ફેરવતાં અમરતે પૂછ્યું :

‘આની અણી કાણે બેવડ વાળી નાખી છે ભલા ?’

‘બીજું કોણ હોય ?’

‘કોણ ? બોલી નાખ ઝટ !’

‘કાળાં કામનો કરનાર આ ચતરભજ પંડે જ ! બીજું કોણ ?’

‘આમ કેમ કરવું પડ્યું ભલા ?’

‘દલુ પેઢીએથી આ આંકણી લેવા આવ્યો ત્યારે જ ઝટપટ એની અણી મારે ટીપી નાખવી પડી.’

‘કારણ ?’

‘કારણમાં તો શું બીજું ? શ્રાવકના ઘરમાં આવું હિંસક હથિયાર શોભે ? વિમલસૂરી કોક દી જોઈ જાય તો આવા ઘરને સંઘમાંથી બહાર કાઢી મુકાવે ને ભૂલેચૂકે આવું હથિયાર મારા જેવા માણસ ઉપર વપરાઈ જાય તો ઠાલાં તમે આવતે ભવે તિર્યંચયોનિ પામો…’ ​‘એ... મ ?...’ અમરતના જવાબમાં હજીય મરડ હતો.

‘હા, બાપુ, હા. એમ નહિ તો કેમ ? મારે તો આગળપાછળનો બધોય વિચાર કરવો પડે ને ? એ વિચાર ન કરતો હોત તો તો આવાં માણસ – મારા કુટુંબમાં મારા જેવાનો તો કેદુનો ઘડોલાડવો થઈ ગયો હોત. મેં તો માંડી જ રાખ્યું’તું કે કોક દી આ ગુપ્તી મારી છાતી સામે જ મંડાશે. સારું થ્યું ને, મેં જ એને દસતે દસતે ટીપીને ભાંગેલ ભંગાર જેવી કરી નાખી ! તમારે હાથે એક જીવહિંસા થાતી રહી ગઈ. પણ એનું પુણ્ય મારે ખાતે ચડશે હોં !’

અમરત એવી તો છોભીલી પડી ગઈ કે હવે એક અક્ષર સુધ્ધાં ઉચ્ચારવાના એને હોશ ન રહ્યા. એના મોં ઉપરનું સઘળું મારકણું તેજ ઊડી ગયું.

‘ઠાલાં, ! ભોંઠાં પડો મા હવે, તમે ભોંઠાં પડો એમાં મને જ શરમ જેવું થાય.’ આટલું કહીને ચતરભજે પોતાના લાંબા અંગરખાની ઉપરના એક છૂપા ખિસ્સામાં હાથ નાખ્યો અને થોડી વાર પહેલાં સીસમની લાકડીમાંથી ચમકેલ વિદ્યુલ્લાતાના શિરોટનેય ઝાંખો પાડી દેતી અસાધારણ ચમકવાળી ગુપ્તી ખેંચી કાઢીને બોલ્યો :

‘લ્યો, સાચી ગુપ્તી !’

અમરત એક ડગલું પાછળ હઠી ગઈ.

‘બીશો મા. જરાય ગભરાવ મા. તમને મારવા સારુ આ બહાર નથી કાઢી. મારે અસ્ત્રીહત્યા નથી વહોરવી. તિર્યંચયોનિથી હું બીઉં છું. આ તો તમને મદદ કરવા કાઢી છે. તમે ભોંઠાં પડો એ મારાથી ન ખમાય...’

સાચી ગુપ્તીના તેજ સામે અમરતનાં તેજ ઓસરતાં લાગ્યાં.

‘લ્યો, આ ગુપ્તી, ને વીંધી નાખો મારું કાળજું. આટલાં વરસ તમે આંખથી વીંધતાં આવ્યાં છો. આજે સાચેસાચ વીંધી નાખો એટલે હું ધન્ય થાઉં......’

ચતરભજે પરાણે અમરતના હાથમાં પોતાની ગુપ્તી મૂકી. ​ અમરતે ખુલ્લી ગુપ્તીનો ખૂણામાં ઘા કર્યો. એના હૃદયમાં ચતરભજ માટે યૌવનવયનો ઊર્મિ–ઉછાળો ધસી આવ્યો.

ચતરભજ એ જ શાન્ત તેજે અમરતને મહાત કરી રહ્યો હતો.

અમરતને મોંએથી ફરી એ જ શબ્દો બહાર પડ્યા :

‘ચતરભજ, તું ખરો ભારાડી છે. તારા જેવો જબરો માણસ મેં આજ દિવસ...’

પણ આટલું બોલતાં તો અમરતનો ઊર્મિ–ઉછાળો એવો તો અદમ્ય બની ગયો કે એ જાણે ઊઠતીકને ચતરભજને બાથ ભરીને વળગી પડી — વર્ષો પહેલાં પતિને પાટુ મારીને નાસી આવ્યા પછી આ યુવાન મુનીમને વળગી પડી હતી એમ જ.

ધમણc પાકા લોઢાનું નહિ, બરડ ધાતુનું લાગે છે. આવે ટાણે બટકી બેસતાં વાર ન લાગી ! આ બટકણે કાળજે પારકી પેઢીના ભોગવટા કરવા નીકળી છે ! ચૂડલાવાળીઓ ભોગવટા કરી જાય તો તો થઈ જ રહ્યું ને !’

અને છેવટે ચતરભજે મનમાં ચુકાદો આપ્યો :

‘ગમે તેવી અજવાળી તોય રાત તો ખરી જ !’

*