વ્યાજનો વારસ/ફૂલ ડૂબ્યું : પથ્થર તર્યો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ફૂલ ડૂબ્યું : પથ્થર તર્યો

‘ચતરભજ, તું આવો જબરો હોઈશ એમ મેં નહોતું ધાર્યું હોં ! ખરેખર, તું મરદ માણસ છે !’

અમરતનું સ્ત્રીત્વ ચતરભજની જવાંમર્દી અને ખેલદિલીને ચૂમી રહ્યું હતું.

‘જબરા ને મરદ તો થાવું જ પડે છે, બાપુ ! નહિતર તો આ રાણીયુંના રાજમાં રહેવાય કેમ ?’

‘અહાહા !’ અમરત હજીય પોતાના પ્રિયપાત્રની પ્રશસ્તિ કર્યે જતી હતી : તેં પણ ખરા ટાંકણે ખિસ્સામાંથી ગુપ્તી બહાર કાઢી હોં ! જ્યાં જાય ત્યાં બધેય આ હથિયાર ભેગું ફેરવતો લાગે છે !’

‘બધેય ઠેકાણે તો નહિ, પણ આવા માણસ – મારા ઘરમાં પગ મેલવા ટાણે તો કાંઈક ઓજાર રાખવું જોઈએ ને ? મારી વાંહે ઢગલો એક છોકરાં છે એનો તો મારે વિચાર કરવો ને ?’

‘ભારે જબરો છે ! પૂરેપૂરો ભારાડી છે ! ખરો મરદ છે !’ અમરત વારી જતી હતી.

‘બહુ રૂડું મનવો મા ને ઠાલાં ! એમ ફોસલાવી પટાવીને ક્યાંક મારી જીભ ખેંચી કાઢશો, છાતી વીંધી નાખશો, આંતરડાં પીંખી નાખશો.’

હવે ટાઢા ચાંપવાનો વારો ચતરભજનો હતો.

‘આવા ટાઢા ડામ દઈ દઈને આંતરડાં તો તું મારાં જ પીંખી રહ્યો છે, ચતુ !’ ​ અમરતે ઘણા સમય પછી ચતરભજ માટેનું સાચું અને હુલામણું સંબોધન વાપર્યું.

એ એક જ સંબોધને ચતરભજની દાઢાવાણીને ઓગાળી નાખી. બોલ્યો :

‘ઠીક લ્યો, હવે તમારાં આંતરડાં નહિ પીખું; હાંઉ ? તમે દુ:ખી થાઓ એ મારાથી ન ખમાય. બોલો, આ આખું કૌભાંડ રચીને શું કરવાનો તમારો વિચાર છે ? સો વાતની એક વાત કરો…’

‘ચતુ, હું હવે તારી દયા ઉપર જ જીવું છું. કૌભાંડ રચતા તો રચાઈ ગયું છે; પણ હવે તારી મદદ વિના એ પાર પાડવું કઠણ છે. હવે તો મારી જિંદગી તારા હાથમાં છે.’

‘જિંદગી તો મારી જ તમારા હાથમાં હતી. હમણાં ગુપ્તી હુલાવી દીધી હોત તો હું જાત ઘિસોડાં કૂંકતો…’

અમરત શરમાઈ ગઈ. ચતરભજના એકેક વાક્યે અમરતની અસહાયતા વધતી જતી હતી. બોલી :

‘ચતુ, તું, વગર ગુપ્તીએ ગુપ્તી કરતાંય આકરા ઘા કાં માર્યા કરે છે ? જરાક તો દયા રાખ ! આ કૌભાંડમાંથી છૂટવાનો એકાદ ૨સ્તો તો દેખાડ !’

‘બાપુ, મારી આંખે તો હવે મોતિયો આવવા માંડ્યો. ઝાંખ વળી ગઈ ! હું તમને શું રસ્તો દેખાડવાનો હતો ? મને પંડને જ અસૂરસવારે સાવ ધાબા જેવું સુઝે છે ત્યારે ઓધિયો મને દોરીને માંડ ઘર ભેગો કરે છે. મારી આંખનાં તેજ તો તમારી પેઢીના ચોપડામાં કાળાંધોળાં ચીતરવામાં જ રેડાઈ ગયાં. આંખ તો તમારી નરવી ને ઝીણી નજરવાળી છે — અંધારે ઝીણાં નાકાવાળી સોયમાં સડપ કરતોકને દોરાની પરોવણી પરોવી લિયે એવી. એવી ઝીણી નજર હતી ત્યારે જ ઓલી સીમને શેઢે પહેલો કૂબો તમને સૂઝી ગયો ને ?’

‘એ એક જ વાતનો સગડ હજી પણ તું નહિ મેલ ?’

‘સગડ તે કેમ મેલાય ? આ તો, મેં તમને કીધું એમ ફૂલ ​ ડુબાડીને પથ્થર તરાવવા જેવી કૌતકની વાત થઈ. એવાં કૌતક આ કળજગમાં થોડાં હાલે, બાપુ ?’

‘પણ હવે તો એ કૌતક પૂરું કર્યા વિના છૂટકો જ નથી ચતુ ! હવે તો હું એમાં અર્ધે આવીને ઊભી છું. પાછું જવાય એમ પણ નથી.’

‘પાછું જવાય એમ ન હોય તો આગળ વધો ! આગે આગે ગોરખ જાગશે.’

‘તારી મદદ વિના આગળ પણ જવાય એમ નથી.’

‘મેં તો બહુ દિવસ મદદ કરી, હવે તો થાકલા ખાવા દિયો, બાપુ !’

‘એક કામમાં મદદ કરી દે. પછી જિંદગી આખી થાકલા જ છે તને... સમજ્યો ? આ એક વાર મદદ કરી છે, તો જિંદગી આખીનું તને જડી રિયે...’

અમરતે લાલચ આપી પણ ચતરભજ એમ ઓછે લાકડે બળે એવો નહોતો. એની નેમ, અમરતે મૂકેલી દરખાસ્ત કરતાંય ઊંડી હતી. બોલ્યો :

‘મારે તો હવે જીવવું કેટલું ને જંજાળ કેટલી ! મને હવે મારી ચિંતા નથી, મારી પછવાડેની ચિંતા છે.’

‘પછવાડેની તારે ચિંતા કરવી પડે એમ છે જ ક્યાં ? તારો ઓધિયો તનેય વેચીને દાળિયા કરી આવે એવો હોશિયાર છે. એના જેવો ખેપાની છોકરો મેં નથી દીઠો.’

‘ખેપાની નહિ પણ દી-ઉઠેલ ને ઓટીવાળેલ કહો !’

‘દી-ઉઠેલ છોકરાં તો સારાં. સાવ પોપાબાઈ જેવા જણ્યાં કરતાં ઓટીવાળ પણ સાત થોકે સારાં. જો દલુ સાવ બાઈમાલી જેવો જ રહી ગયો !’

‘ને ઓધિયો, રિખવ શેઠ ભેગો ફરીફરીને દારૂડિયો થઈ ગયો ! રિખવ શેઠ પંડે તો છૂટ્યા, પણ મારા ઘરમાં સાલ ઘાલતા ગયા... ઓધિયો લેનસર નહિ ચડે ત્યાં સુધી હું થાકલા નહિ ખાઈ શકું.’ ​ તમારે આ રામાયણમાં મારી, મદદ જોઈતી હોય તો...’

‘તો શું ?...’

‘તો, બીજું કાંઈ નહિ; મારે તો હવે કાંઈ અબળખાં બાકી નથી રહી. ઓધિયાને તમારે લેનસર ચડાવવો પડશે.’

‘કેવી રીતે ?’

‘એમાં રીત વળી શું હોય ! મારા ગાદીતકિયા ને કૂંચીકિત્તો ઓધિયાને જડે. બસ. બીજું મારે કાંઈ ન જોઈએ.’

ચત૨ભજનો આ દાવ અમરત પારખી ગઈ ખરી. ઓધિયાને પેઢીના મુનીમપદનો વારસ બનાવવાની ચતરભજની માગણીમાં ખરે ખરી મુત્સદ્દીગીરી હતી એ પણ અમરત જાણી ગઈ. પણ અત્યારે ચતરભજ પાસેથી પોતે જે સહકાર લેવા ઇચ્છતી હતી એ સહકાર એટલો તો અગત્યનો અને અનિવાર્ય હતો કે મુનીમ અત્યારે ગમે તે માગણી મૂકે તો ૫ણ એ સ્વીકાર્યા વિના છૂટકો જ નહોતો. એ પ્રમાણે અમલ કરવાની વાત તો આગળ ઉપર જ્યારે સમય આવે ત્યારે. અત્યારે તો કાબેલ મુનીમની હામાં હા ભણ્યા સિવાય બીજો આરોવારો નહોતો. બાકી મનમાં તો અમરત સારી પેઠે સમજતી હતી કે ઓધિયા જેવા ઊખડેલ દારૂડિયાના હાથમાં પેઢીનાં કૂંચીકિત્તો સોંપાય તો તો બીજે જ દિવસે પેઢીનું ઊઠમણું થઈ જાય. પણ અમરત તો જીભનાં જશમાં માનનારી હતી. માત્ર જીભ ચલાવ્યે જ જંગ જીતી શકાતો હોય તો કાં ન જીતી લેવો ? અત્યારે પણ એણે એ જ નીતિ અજમાવી. શરૂઆતમાં થોડા દિવસ ભલેને ઓધિયો ચતરભજના ગાદી–તકિયે બેસી જતો ! આગળ ઉપર એને ઉખેડીને ફેંકી દેતાં મને ક્યાં નથી આવડતું ?

ચતરભજની માગણી તો જાણે કે સાવ મામૂલી જ છે, અને એ તો હું વગર માગ્યે જ બક્ષી દઉં એટલી ઉદારતા મારામાં છે, એવો સરસ દેખાવ કરીને અમરતે અભિનય સાથે કહ્યું :

‘ઓય ધાડેના ! માગી માગીને આટલું જ માગ્યું ? ઓયવોય ! ​એમાં અટાણ સુધી આડી આડી વાત શું કર્યે જાતો હતો ? મેં તો કીધું કે મદદના બદલામાં ચતુ કાંઈક હાથી ને ઘોડા માગી લેશે. પણ તેં તો માગી માગીને ફક્ત ઓધિયા સારુ ગાદી–તકિયા જ માગ્યા ?’

‘મારે એટલું બસ છે. વધારે કાંઈ ન જોઈએ. મારો ઓધિયો એનો રોટલો રળતો થાય...’

‘એટલામાં તેં શું મોઢું બગાડ્યું ! ઓધિયાને તો હું વગર કીધે જ મુનીમ–પદે બેસાડવાની હતી. બાપની ગાદીએ તો દીકરો જ શોભે ને ? નામાંકામાંની હૈયાઉકલત ને કાંટિયાં વરણ હારે કામ લેવાની આવડત તો ઓધિયાને જ તેં શીખવ્યાં હોય ને !’

‘ને હજી કામ કરતો થાશે એટલે વધારે શીખશે. કામ કામને શીખવે...’

મીઠાબોલી અમરતના શબ્દછળને ચતરભજ હજી પામી શક્યો નહોતો. એ તો પોતાના પુત્રને સાચોસાચ મુનીમપદે કલ્પી રહ્યો હતો.

અમરત હજીય પોતાનો વાગ્વૈભવ પાથરી રહી હતી :

‘અરે ભગવાન ! મેં તો ધાર્યું કે ચતુ તો ઓલી વાર્તાના આંધળાની જેમ ‘મારા દીકરાના દીકરાની વહુને સાત ભોંયવાળી મેડીને છેલ્લે મજલે સોનાની ગોળીમાં છાશ ફેરવતી જોઉં’ એવી આકરી માગણી કરશે. પણ તેં તો માગી માગીને અંતે મામૂલી ચીજ માગી ! દીકરાને મુનીમ–પદ દેજો.’

‘બીજું તો મારાથી મગાય પણ શું ? આટલું વળી…’

‘અરે ભલા જીવ, આટલું તો અમે વગર કીધે જ સમજીએ ને ? અમનેય થોડીઘણી અકલ તો ભગવાને આપી છે. અમે એટલું પણ ન સમજીએ કે ઓધિયાને પાળવો–પોષવો એ અમારો ધરમ છે ? જેના બાપે પેઢી સારુ થઈને જિંદગી નિચોવી એ છોકરાને અમે ભૂલી શકીએ ? અમને તે એટલાં નગુણાં ધારી લીધાં ?’

‘એટલું બધું તો નહિ, પણ મારે તો મારી તજવીજ કરવી જોઈએ ને ? વગર કીધેય તમે આટલું કરવા તૈયાર છો, એ તમારી ​મોટાઈ બતાવે છે.’

ચતરભજ જાળમાં પૂરેપૂરો ફસાયો હતો.

અમરતે લાગ જોઈને એને બાંધી લીધો. બોલી :

‘તેં તો જિંદગી આખી આ પેઢી સારુ લોહીનાં પાણી કર્યા છે, તારા ઉપકાર તો ભુલ્યા ભુલાય એમ નથી. આટલા ઉપકાર ભેગો હવે એક વધારે ઉપકાર કરતો જા એટલે તારું સદાયનું સંભારણું રહે.’

‘તમ જેવા માણસ ઉપર ઉપકાર કરનાર હું કોણ ? મારી ગુંજાશ શી ?’ ચતરભજ આજે ભયંકર નમ્રતા ધારણ કરી રહ્યો હતો.

‘તારે એમાં બીજું કાંઈ નથી કરવાનું. તારી પાકી ઉંમરે હવે તારી પાસે કાંઈ મહેનત કે દાખડો નથી કરાવવા. બહુ દિવસ લગણ તારી પાસે ગોલાપાં કરાવ્યાં. હવે તો તારે બેસવાનું ટાણું છે. આ કામમાંય તારે કાંઈ દાખડો કરવાનો નથી.’

‘દાખડો ન કરવાનો, તો શું જીભ હલવવાની છે ?’

‘ના; જીભને કાબૂમાં રાખવાની છે, તું મૂગો રહે એટલે તારી માથે ઘીના ઘડા. તારી લૂલીબાઈને મોંમાં સીવી રાખજે. આ વાતમાં તું કાંઈ જાણતો જ નથી એમ સમજજે, કૂબાવાળી વાત ત્રીજે કાને ન જાય એટલે ગંગા નાહ્યાં.’

સાંભળીને ચતરભજ પહેલી જ વાર સહેજ હસ્યો. એણે ખાતરી આપી :

‘ત્રીજે કાને ન જાય; હાઉં ?’

‘હાઉં ; જીભને બે ઓઠ વચ્ચાળે બેવડે બખિયે સીવી લેજે. તો, ઓધિયો તારા કરતાંય સવાયાં માનપાન પામશે, પણ તારી જીભ...’

‘એમાં હવે વધારે કેવાપણું ન હોય.’ ચતરભજે વધારે ખાતરી આપી; ‘નંદનને મેં સગી બહેન કરતાંય વધારે ગણી છે. માનવંતીની બહેન એ મારી જ બહેન ને એનો દીકરો તો મારો ભાણેજ થયો ને ? ભાણેજનું અહિત મામાની જીભેથી થાય ખરું ? સાસ્તરમાં સો ​ભ્રામણ ને એક ભાણેજને સરખા ગણ્યા છે.’

‘સાચી વાત છે.’ અમરતે સૂર પુરાવ્યો : ‘ભવાયા જ્યારે કમાલિયાનો વેશ કાઢે છે ત્યારે એનાં ગંધરફિયા મસાણમાં બત્રીસલક્ષણાનું માથું વધેરવા સારુ મામો પોતાના ભાણેજની હત્યા કરે છે, ને પછી માતાનો શાપ લાગે છે...’

ચત૨ભજ અને અમરત એકબીજાને રૂડું મનવતાં જતાં હતાં. એમાં કોણ કોને છેતરી રહ્યું છે કળવું મુશ્કેલ હતું. ભોરિંગેભોરિંગ સામસામા બેઠા હતા. થોડી વાર પહેલાં એમણે ફૂંફાડા મારી લીધા. હવે ગેલ કરતા હતા.

ગેલમાં આવી જઈને જ ચતરભજે થોડી વારે એક નવી વાત છેડી :

‘તમારે તે હજી કેટલાંક કાળાંધોળાં કરવા બાકી રહ્યાં છે ? હવે તો હાંઉ કરો !’

‘મનેય ઘણી વાર એવો વિચાર તો આવે છે કે બહુ દિવસ કાળાંધોળાં કર્યાં. હવે કાંઈક...’

‘પણ કયા ભવ સારુ આટલું...’

‘મારે તો આ ભવ સારુ જ આ બધુંય કરવું પડ્યું છે... દલુને સુખી કરવા સારુ આ બધીય...’

‘પણ એક એક જીવ માટે થઈને તમે કેટલા જીવની જિંદગી બગાડી, એનો કાંઈ વિચાર થાય છે તમને ?’

‘એ વિચાર હું કોઈ દિવસ નહિ કરું. એને એકને સારુ થઈને હજી બીજી હજાર જિંદગી બગાડવી પડશે તોય બગાડીશ...’

‘દયા રાખો હવે.’

‘દયા રાખવા જેવી આ દુનિયા જ નથી. નાક દબાયા વિના કોઈ મોઢું ન ઉઘાડે ! દયા તો ડાકણને ખાય.’

‘સાવ એમ તે હોય ?’

‘સાવ એમ શું, એમ જ છે. દયાને લાયક આ દુનિયા નથી. ​દુનિયા આખી આડી છે. પછી આડે લાકડે તો આડો વહેર જ હોય !’ અમરતે પોતાના જીવનનું તત્વજ્ઞાન થોડા શબ્દોમાં જ સમજાવી દીધું.

‘પણ આ આડા વહેરમાં તમે કેટલી જિંદગી વહેરી નાખી એની ગણતરી કરી છે કોઈ દિવસ ?’

‘મારા માર્ગની આડે જે કોઈ આવશે એને હજી પણ વહેરી નાખીશ !’

‘ઠીક બાપુ ! જેવી તમારી મરજી !’ ચતરભજે જતાં જતાં કહ્યું : ‘પણ ભલા થઈને સેવકને હવે તમારા આડા વહેરની હડફેટમાં ન લાવજો ! તમારી આડી કરવતમાં વહેરાઈ જઈશ તો વાંહે ઘેરો એક છોકરાં રઝળી પડશે.’

ચતરભજ બહાર નીકળી ગયા પછી અમરત મન શું ગણગણતી હતી :

‘સહુને પેટ હાય છે ! ઘડીક વાર પહેલાં આ જ ચતરભજ મને ધમકી આપતો હતો કે ફૂલ ડૂબાડીને પથ્થરને નહિ તરવા દઉં... પણ મેં એને ગુપ્તીની અણીએ નહિ તો છેવટે મુનીમ–૫દની ગોળીએ મારી નાખ્યો. એને પણ બિચારાને કબૂલ કરવું પડ્યું કે ફૂલ ડૂબ્યું ને પથ્થર તર્યો. તરાવતાં આવડવું જોઈએ ! પંડ્યમાં ૨તિ જોઈએ....’

*