શબ્દલોકના યાત્રીઓ – ૧/ઇન્દુલાલ ગાંધી

ઇન્દુલાલ ગાંધી

ત્રીસીના કવિઓમાં ઇન્દુલાલ ગાંધીનું સ્થાન પહેલી હરોળમાં છે. રંગદર્શી કવિતા દ્વારા તેમણે આ પરંપરાના કવિઓમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી દીધું છે. જે સમયે ગાંધીયુગના તેમના સમકાલીન કવિઓ સામાજિક વાસ્તવને વ્યક્ત કરી રહ્યા હતા ત્યારે ઇન્દુલાલે પોતાના તાનમાં મસ્ત રહી કેટલીક સારી કવિતા આપી. તેમનું કાર્ય પ્રમાણભાન અને ગુણવત્તાની દૃષ્ટિએ પણ માતબર કહી શકાય. તેમણે તેર જેટલા કાવ્યસંગ્રહો આપ્યા છે. દસેક જેટલાં નાટકો પ્રગટ કર્યાં છે. વાર્તાસંગ્રહો પણ પ્રગટ થયા છે; પણ તેમનું પ્રદાન સવિશેષ કવિતાક્ષેત્રે છે. તેમાંય ગીતો તરફ તેમનો પક્ષપાત છે. આપણને પણ ઇન્દુલાલનાં ગીતો ગમે છે. શ્રી ઇન્દુલાલ ફૂલચંદ ગાંધીનો જન્મ સૌરાષ્ટ્રમાં વાંકાનેરની બાજુમાં મકનસરમાં ૮ ડિસેમ્બર ૧૯૧૧ના રોજ થયો હતો. તે સંજેગવશાત્ બહુ ભણી શક્યા નહિ. તે કરાંચી ગયા અને પાનની દુકાન શરૂ કરી. કરાંચીમાં તેમને સાહિત્યનું વાતાવરણુ મળી ગયું. સ્વ. ડોલરરાય માંકડ અને કરસનદાસ માણેકની સોબત મળી, આજે પણ એ વાતાવરણનું તે સ્મરણ કરે છે. ઇન્દુલાલમાં રહેલો કવિ જાગી ઊઠ્યો, કવિતા લખવાની શરૂઆત કરી. ૧૯૩૧માં તેમણે કરાંચીથી ‘ઊર્મિ’ માસિક શરૂ કર્યું. આઠેક વર્ષ ચલાવ્યું. પાછળથી ‘નવરચના’ એમાં જોડાયેલું. એનું સંચાલન અમદાવાદ ગયું, પણ એ સમયમાં આવા સારા માસિકની પહેલ તેમના હાથે થઈ એ નોંધપાત્ર છે. કરાંચીથી પ્રગટ થયેલા ‘ઊર્મિ’ના તંત્રીમંડળમાં ડોલરરાય માંકડ અને ભવાનીશંકર વ્યાસ હતા. એ સમયના દિવસોનું ભાવસભર ચિત્ર આલેખતાં ઇન્દુલાલે લખ્યું :

“આમ ‘ઊર્મિ’ મારા જીવનમાં ઊડતી પંખિણી જેવી, પ્રણયની રાગિણી જેવી લહેરાતી આવી અને તેમાંથી જીવનનું મહાસંગીત પ્રગટ્યું. જીવન તેમ જ સાહિત્ય એક પ્રગાઢ મૈત્રીનાં વાહન બન્યાં. એ મૈત્રીભાવના ક્રમશઃ કૌટુંબિક, સામાજિક, રાષ્ટ્રીય તેમ જ જાગતિક બની. મારી પ્રથમ સજ્ઞાત ભાવના જીવનમાં કવિતા જીવવાની હતી. સૌરાષ્ટ્ર છોડ્યું અને હું થનગનતા હૃદયે કરાંચી આવ્યો. ‘ઊર્મિ’ દ્વારા મારું જીવન ગદ્ય-પદ્યની ભાવનાઓ રૂપે પ્રગટ થતું હતું. ઈશ્વરે મને તીવ્ર સંવેદનશીલ અને પ્રાણસમૃદ્ધ હૃદય આપ્યું હતું, જે આજ સુધી એવું જ રહ્યું છે. ત્યારે તો પ્રત્યેક દિવસ, પ્રત્યેક માસ, પ્રત્યેક ઋતુ, બધું નવું નવું અને સર્જનાત્મક બની રહેલું હતું. ‘ઊર્મિ’ના સંપાદનકાળનાં સાતેક વર્ષ નવા જીવનરૂપે વીત્યાં. હું એટલો બધો ભાવનાવિષ્ટ-ભાવપૂર્ણ થયો હતો કે હવે તેને જીવનની કોઈ નક્કર ભૂમિકા પર સંસ્થિત કરવાની પૂરી જરૂર હતી ને મેં ‘ઊર્મિ’ છોડ્યું – નવા સાહિત્ય દ્વારા નવી ચેતના મેળવવા માટે.”

એ સમયમાં તેમને પ્રકૃતિનું – ખાસ કરીને સિન્ધુ નદીનું કેવું અમોઘ આકર્ષણ હતું તે તેમણે ‘પહેલી પચીસીનું પરિભ્રમણ’ એ લેખમાં કાવ્યમય રીતે વર્ણવ્યું છે. એક કંડિકા આપું :

“તે દિવસોમાં મને સિન્ધુની અજબ લગની લાગી હતી. આખો દિવસ સિન્ધુને કાંઠે કાંઠે ફરતો, અને ક્યારેક ચાંદની રાતે મધરાત સુધી કોઈ ઊંચી શિલા પર બેસીને એનો અસ્ખલિત પ્રવાહ જોયા કરતો. મારી કલ્પના સામે ઋષિમુનિઓના આશ્રમો રમતા, એની પર્ણકુટિના દ્વારમાં ઊભો રહીને જાણે કે એમની યાજ્ઞિક ક્રિયાઓને જોતો અને સમિધો હોમતો. માટીનાં પાત્રો લઈને સિન્ધુમાં પાણી ભરવા આવતી રૂપવતી અને તેજસ્વી ઋષિકન્યાઓને નજરોનજર જોવાનું ને એની સાથે વાતો કરવાનું મને મન થતું. કિશોર વય પછીની પહેલી પચીસીનું આ એક કૌતુકરમ્ય સ્વપ્ન હતું.”

શ્રી ઇન્દુલાલનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘તેજરેખા’ ૧૯૩૧માં પ્રગટ થયો. એ પછી ‘જીવનનાં જળ’, ‘ખંડિત મૂર્તિઓ’, ‘શતદલ’, ‘ગોરસી’, ‘ઈંધણાં’, ‘ધનુરદોરી’, ‘ઉન્મેષ’, ‘પલ્લવી’, ‘શ્રીલેખા’ અને છેલ્લે ‘ઉત્તરીય’ ૧૯૬૨માં પ્રગટ થયો. તેમનો નવો સંગ્રહ હવે પ્રસિદ્ધ થશે, એમાં પાછલાં વર્ષોનાં કાવ્યો તેમણે આપ્યાં છે. તેમનાં ‘કેસૂડે રંગ લીધા’, ‘આવજે ના વહેલી’, ‘આંધળી માનો કાગળ’, ‘નોબત’, ‘કુલ જાહ્નવી’ જેવી રચનાઓ ખૂબ લોકપ્રિય નીવડેલી. ક્યારેક એમની કવિતામાં કટાક્ષનું આલેખન પણ અસરકારક રીતે થયેલું છે. ‘માતાનું હૈયું’ પણ લાગણીથી ભીનું ભીનું સુંદર કાવ્ય છે. શ્રી ઇન્દુલાલની વિશેષતા ગીત પરત્વે છે. તેમણે ત્રણ હજાર જેટલાં ગીતો રચ્યાં છે. તેમનાં ગીતો આકાશવાણી પરથી રજૂ થાય છે. ગેયતા એ ઇન્દુલાલની કવિતાનો ગુણ અને મર્યાદા બંને છે. ક્યારેક નરી સંગીતમયતા આપણને કઠે છે. ઈન્દુલાલે કાવ્યની સાવયવ એકતા અને સુગ્રથિતતા પર વધુ ધ્યાન આપ્યું હોત તો તેમની પાસેથી આપણને આથી પણ વધુ ઉત્તમ રચનાઓ મળત. તેમનામાં રહેલા પ્રતિભાબીજનો પરચો તો ગુજરાતને ઘણો વહેલા થયેલો. દેશના ભાગલા પછી તે કરાંચીથી ગુજરાતમાં આવ્યા અને આકાશવાણીમાં જોડાયા. આકાશવાણી પર તેમણે વીસેક વર્ષ કામ કર્યું. તેઓ આકાશવાણીમાં નાટકનો વિભાગ સંભાળતા. રેડિયો માટે તેમણે અઢીસો જેટલાં એકાંકી તૈયાર કરેલાં પરંતુ આ સરકારી નોકરીથી કવિને રંજ થયેલો. તેમણે જ કહ્યું છે કે

“દેશના ભાગલા પછી હું આજીવિકા માટે સરકારી તંત્રમાં પ્રવેશ્યો એ મેલું અને ક્લિષ્ટ લાગ્યું. મારો અસંતોષ વધ્યો. કવિ કે સાહિત્યકાર થવા ખાતર હું કવિ કે સાહિત્યકાર થયો નહોતો. પૂર્ણ માનવી થવા મારી અભીપ્સા હતી, અને એ માટેનાં કવિતા અને સાહિત્ય અંગ હતાં. જીવનને વધુ ઊર્ધ્વ લીધા વગર વધુ ઊંચી કવિતા સાંપડે નહિ, એ ખ્યાલ મારા મનમાં ઘર કરી ગયો હતો. કોઈ મને પૂછે કે ‘ઊમિં’એ તમને શું આપ્યું? તો મારો ઉત્તર હશે કે ‘ઊર્મિ’એ મને જીવન જીવવાની ચાવી આપી છે.”

કવિને ‘ઊર્મિ’કાળનું વાતાવરણ પાછું મળ્યું હોત, તેમના ભાવનાજીવન સાથે વાસ્તવજીવનનો સુમેળ સધાયો હોત તો તેમની કલમમાંથી આથી પણ ઉત્કૃષ્ટ કળાકૃતિઓ આપણને મળી હોત. તેમણે નાટક-વાર્તાક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. ‘નારાયણી’, ‘પલટાતાં તેજ’, ‘અંધકાર વચ્ચે’, ‘પથ્થરનાં પારેવાં’, ‘અપંગ માનવતા ‘, ‘કીર્તિદા’ જેવા સંગ્રહો ઉલ્લેખનીય છે. અર્ધી સદી સુધી કોઈ કવિકંઠ ગાતો રહે એ કોઈ પણ ભાષાના સાહિત્યની ગૌરવપ્રદ ઘટના છે. શ્રી ઇન્દુલાલ ગાંધીએ લગભગ પચાસ વર્ષ પહેલાં લખવાનું શરૂ કર્યું, કવિતા ક્ષેત્રે ઘણા વારાફેરા આવ્યા, પણ તેમણે પોતાનો રાહ છોડ્યો નથી. અનેક ભાવોને આ ભાવનાશાળી કવિએ ગાયા છે, જીવનભર રમણીયતાની ઉપાસના કરી છે. અત્યારે નિવૃત્તિકાળમાં તે રાજકોટમાં રહે છે. તેમનાં ઉત્તર વયનાં કાવ્યોના સંગ્રહની આપણે પ્રતીક્ષા કરીએ.