શબ્દલોકના યાત્રીઓ – ૧/ઉમાશંકર જોશી
હમણાં ૧૮મી માર્ચે યોગાનુયોગ ગુજરાતી ભાષાના બે મૂર્ધન્ય કવિઓ — સુન્દરમ્ અને ઉમાશંકર જોશી — ને એકસાથે ઘરે મળવાનું થયું. ગુજરાતી સાહિત્યમાં આ બે એક યુગ્મ તરીકે ઓળખાય છે, બંનેનાં નામોનો એકશ્વાસે ઉલ્લેખ થાય છે. એમની સાહિત્યપ્રવૃત્તિ ગાંધીયુગમાં શરૂ થઈ, બલ્કે ગુજરાતી સાહિત્યમાં ગાંધીયુગના પ્રવર્તકોમાંના આ બે કવિઓ આજે લગભગ સિત્તેરની આજુબાજુના છે અને છતાં પ્રત્યક્ષ મેળાપથી એમની ઉંમર કળાઈ ન શકે એવો અખૂટ જીવનરસ તેમણે જાળવે છે. સુન્દરમ્ શ્રી અરવિંદના જીવનદર્શનથી પ્રભાવિત સાધકકવિ છે તે ઉમાશંકર ગાંધીજીવન-દર્શનના પ્રભાવ નીચે આવેલા કવિ-સાધક છે. ઉમાશંકરને લગભગ એક પચ્ચીસીથી મેં જુદી જુદી પરિસ્થિતિમાં નિકટતાથી જોયા છે, પણ એમનામાં કોઈ મોટો ફેરફાર મેં જોયો નથી. તેમની દેહયષ્ટિ અને વિચારદીપ્તિમાં કોઈ આમૂલ પરિવર્તન નહિ દેખાય. તેમણે પોતાના જીવનની સ્પષ્ટ રેખા આંકેલી છે. તેમના વિચારો પહેલેથી ઘડાયેલા છે (એનો અર્થ એવો નથી કે તે સ્થગિતતાના હિમાયતી છે, હમેશાં નવા નવા વિચારોનો પુરસ્કાર કરવા એ તત્પર હોય જ છે). હમેશાં એ જ તાજગી, ચૈતન્ય ઉન્મેષ અને બૌદ્ધિક ચમક વરતાય. એ જ સ્વસ્થતા અને સૌષ્ઠવ, દેશહિતની સતત ચિંતા, માનવીય ગૌરવની હિમાયત, સાહિત્યાદિ કળાઓમાં અતૂટ શ્રદ્ધા—સૌથી વિશેષ ‘મનુષ્ય’માં તેમને રસ, મનુષ્ય પ્રત્યે સાચી સમસંવેદના અને છતાં મનુષ્યને યથાર્થ રીતે પારખવાની સહજ સૂઝ. ‘માણસ’માં કેટકેટલું ભર્યું છે તે તેઓ રજેરજ જાણે છે, અને છતાં મનુષ્યને તે ચાહે છે. માનવતાનો પરિમલ એમની વાણીમાં સતત ફોર્યા કરે. ભાવના અને યથાર્થ એકાકાર થઈ જાય છે. સાહિત્ય આદિ કળાઓની અસરકારકતામાં સંપૂર્ણ પ્રતીતિજનક શ્રદ્ધા છતાં ઉમાશંકર ક્યારેય એકાંગી બન્યા નથી. કવિ પણ નાગરિક છે એટલે નાગરિક તરીકે જે જે કર્તવ્યો અદા કરવાનાં આવે તે બજાવે, ક્યારેક સાહિત્યપ્રવૃત્તિ ગૌણતા ધારણ કરે તોપણ. એનું કારણ એ છે કે ઉમાશંકર કળા કરતાં જીવનનો મહિમા વધારે પ્રીછે છે. બીજી રીતે કહીએ તો તે જીવનકલાકાર છે. ઉમાશંકરને કોઈ ભાગ્યે જ આધ્યાત્મિકતાનું કે સમાજધુરીણનું લેબલ લગાડી શકે. તે બધા વાદોથી ઊફરા ચાલ્યા ગયા છે. ઉમાશંકર છે જીવનની ગંભીરભાવે ઉપાસના કરનાર નખશિખ સાધક, योगः कर्मसु कौशलम् — કર્મમાં કુશળતા એ યોગ – આ સૂત્ર એમને ધ્યાનમાં રાખીને તો નહિ લખાયું હોય એવું કોઈ કોઈ વાર લાગી જાય એવી એમની કર્મ પ્રવણતા છે. ઉમાશંકરને તમે પૂર્ણતાવાદી — perfectionist કહી શકો. પણ એની ચાવી તેઓ બને તેટલાં બધાં કામો જાતે કરવાનો આગ્રહ રાખે છે એમાંથી મળે. બને ત્યાં સુધી કોઈની સેવા લે નહિ, અને તમે આગ્રહથી તેમની પાસે કામ પાડી લો તો તમે એમના જેવું કરતા નથી એની પ્રતીતિ તમોને તરત થાય. ‘સંસ્કૃતિ’ના તે તંત્રી છે. કોઈ વાર અંક મોડો થયો હોય અને તમે એમને પ્રૂફરીડિંગમાં મદદ કરતા હો તો થોડી વારમાં તમારી આંખ તળેથી પસાર થઈ ગયેલી ભૂલો પ્રત્યે તે ખૂબ સાહજિકતાથી ધ્યાન દોરે! અને છતાં તમને એનો ભાર ન લાગે. તે કવિ છે તો શિક્ષક પણ છે. તેમણે જ કહ્યું છે ‘હું છું શિક્ષક.’ તમારી અંદર સર્જનાત્મક સિદ્ધાંત કામ કરતો થાય એમાં એમને રસ. તે ઉષ્માવાળા ખરા પણ કોઈ વાર પણ તમે થોડું વધારે બેસો એવું ન બોલે. કોઈ પણ માણસ આવે તો એમને ગમે, અને જાય તો પણ એટલા જ નિષ્કામ. એમણે એક વાર કહેલું છે કે જ્યાં સુધી વાત કરવાનું મળે ત્યાં સુધી વાંચતા નથી અને વાંચવાનું મળે ત્યાં સુધી લખતા નથી! મનુષ્યની કિતાબમાંથી તે સતત વાંચતા રહે છે અને શીખતા પણ રહે છે. તેમનો અધ્યયનયજ્ઞ સતત ચાલે છે. પ્રત્યેક પરિસ્થિતિનો આત્મવિકાસમાં ઉપયોગ કરી લેવાની ફાવટ તો તેમની જ. ‘જે જે થતો પ્રાપ્ત ઉપાધિયોગ, બની રહો તે જ સમાધિયોગ’ એ એમની પંક્તિનું ઉમાશંકર પોતે જ મૂર્ત ઉદાહરણ છે. ઉમાશંકરની બધી પ્રવૃત્તિઓની ગંગોત્રી એમની અહોરાત્ર ચાલતી જીવનસાધનામાં છે. આ સાધના એ એક કવિની રીતે થતી સાધના છે. સ્નાન કર્યા પછી કોઈ વાર બે-ચાર શ્લોકો બોલતા તમે કદાચ એમને સાંભળી જાઓ અથવા તો થોડાં વર્ષો પૂર્વે કુટુંબ સાથે ‘ઓ ઈશ્વર ભજીએ તને’ની સરળ પ્રાર્થનામાં સામેલ થતા તમે એમને જોયા હોય પણ એ કોઈ ધાર્મિક વિધિમાં માનનારની રીતે નહિ, પણ એક કવિની રીતે. કદાચ એમ કહેવું વધુ યોગ્ય છે કે ઉમાશંકરને મન સારું જીવન જ પ્રાર્થના છે. પળેપળની જાગૃતિપૂર્વક જીવતા ઉમાશંકર જે કાંઈ બોલે છે, લખે છે, કરે છે તે એમની અધ્યાત્મચર્યા છે. ઉમાશંકર અજ્ઞેયવાદી કે અશ્રદ્ધાળુ નથી. બૌદ્ધિક છે છતાં નાસ્તિક નથી. જૈનોનો ‘સ્યાદ્વાદ’ તેમણે પચાવ્યો છે. ક્યાંય પણ બંધિયારપણું આપણને ન દેખાય કારણ ઉમાશંકર સત્યની ખોજ કરનારા છે. ‘સત્ય’ માટે ફાંફાં મારનારા ગણતર બુદ્ધિપ્રવણોમાંના તે એક છે. ચિત્તની આવી નિરામય અવસ્થા તેમને સ્વાભાવિક છે. રાજ્યસભાના રાષ્ટ્રપતિનિયુક્ત સભ્ય તરીકે સરકારી ઠરાવોનો વિરોધ કરતા હોય કે કટોકટીનો મક્કમ પ્રતિકાર કરતા હોય તો એમાં પણ એમની સાચું કહેવાની તાકાતનાં જ દર્શન થાય. સ્વતંત્રતાના તે પ્રખર હિમાયતી છે. જ્યાં પણ સ્વતંત્રતાને ગળે ટૂંપો દેવાતો હોય ત્યાં એ ત્રિનેત્ર ખોલે જ. ગુસ્સે થવું એમને આસાન છે. પણ હમણાં હમણાં ગુસ્સે થતા નથી. એમનો ગુસ્સો એ બ્રાહ્મણનો પુણ્યપ્રકોપ છે. ઉમાશંકર હમણાં દેશની સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે ચૂંટાયા. દેશભરમાંથી તેમના પર અભિનંદનની વર્ષા વરસી. છાપાંએ અને કૉલમોના લેખકોએ લેખો લખ્યા. ગુજરાતી સાહિત્યકાર આ ઉચ્ચસ્થાને ચૂંટાય એ ગુજરાતને આનંદદાયક નીવડે. પણ ઉમાશંકરની દૃષ્ટિએ એને જોઈએ તો તેમણે તો એક કર્તવ્ય લેખે જ આ કામનો સ્વીકાર કર્યો હશે. પદ તો તેમને ઘણાં મળ્યાં છે. પદોની તેમણે ક્યારેય ખેવના કરી નથી. કેટલાક માણસો હોદ્દા વડે શોભે છે. જ્યારે કેટલાક વડે હોદ્દો શોભે છે. ઉમાશંકર આ બીજા વર્ગના છે. બીજી ભાષાઓના સાહિત્યસેવીઓને પણ તેમના માટે એવાં જ માન-આદર. થોડા સમય પહેલાં બેંગલોરમાં ગોપાલ કૃષ્ણ અડીગાને મળવાનું થયેલું. કન્નડના ‘એલિયટ’ ગણાતા આ કવિએ કહ્યું કે ઉમાશંકર દેશભરના સાહિત્યકારોના પ્રતિનિધિ છે, તેમની આકાંક્ષાઓનું મૂર્ત રૂપ છે. બધી ભાષાઓ માટે તેમને એકસરખો આદર. શિક્ષણકાર તરીકે બોધભાષાનું સ્થાન માતૃભાષા જ લઈ શકે એવો એમનો દૃઢ અભિપ્રાય, પણ હિંદી કે અંગ્રેજી ભાષાઓ માટે અંતરનો એટલો જ ઉમળકો. સાહિત્યની દૃષ્ટિએ સંસ્કૃત અને અંગ્રેજીમાંથી પોષણ મેળવવું જોઈએ એમ એ માને છે. એક વાર તેમણે કહ્યું હતું કે પોતે સંસ્કૃતનો અભ્યાસ કરે છે, અંગ્રેજી વાંચે છે અને લખે છે ગુજરાતીમાં. ઉમાશંકરનાં પ્રવચનો સાંભળવાં એ લહાવો છે. ગુજરાતીમાં તો તે બોલે જ, પણ અંગ્રેજી અને હિંદીમાં પણ એટલી જ આસાએશથી બોલે છે. પણ તે વક્તા કરતાં વાર્તાલાપકાર વિશેષ છે. તે વાગ્મિતામાં ક્યારેય તણાતા નથી. તેમનાં વક્તવ્યોમાં પ્રવાહ આવે છે, પણ તે બોલે છે અચકાઈને. એનું કારણ તેઓ બોલતા હોય છે ત્યારેય યોગ્ય શબ્દ શોધતા હોય છે. ઉમાશંકર અખાના અભ્યાસી. અખાની એક પંક્તિ ‘ગુરુ થા તારો તું જ’ એમની જીવનસાધનાને બરાબર લાગુ પડે છે. તેમની સાધના આ રીતે જ થયેલી છે. તેમણે પોતાનું જે રીતે ઘડતર કર્યું છે તે મનુષ્યજીવનની સાધનાનું એક ઉજ્જવલ પ્રકરણ છે. ગાંધીજીવનદર્શનનો પ્રભાવ તેમણે ખસૂસ ઝીલ્યો છે અને છતાં તમે એમને ‘ગાંધીવાદી’ કહી ન શકો, સર્વોદયનો સંદેશો તે સ્વીકારે. માકર્સમાંથી પણ તે ખપપૂરતું લે અને શ્રી અરવિંદ-ટાગોરમાંથી પણ લે. ભિન્ન ભિન્ન વિચારસરણીને તે પોતાનામાં સમરસ બનાવે. મુખ્ય કેન્દ્ર એમની સ્વકીય વિચારણાનું જ હોય છે. તેમણે ક્યારેય કોઈની કંઠી બાંધી નથી. કોઈ પણ વાદ કે સંપ્રદાયમાં બંધાયા નથી. બધાં દ્રવ્યોનું એમની ચેતનામાં રસાયણ થઈ જાય છે અને જે એક નવું દ્રવ્ય બને છે તે છે ઉમાશંકરત્વ. એટલે અનન્વય અલંકાર-નો ઉપયોગ કરી કહેવું હોય તો ઉમાશંકર એટલે ઉમાશંકર. આ કારણે એમનામાંથી ઘણું શીખવા મળે પણ એમનું અનુકરણ કરનાર છોભીલો પડે. એમના પ્રત્યેક વર્તનની પાછળ એક સત્યશોધક આત્માની આભા રહેલી છે. તે તમારામાં જ્યાં સુધી ન પ્રગટી હોય ત્યાં સુધી એમના વર્તન કે વિચારનું અનુકરણ કંઢગાપણાનું જ પરિચાયક બને. વર્ષો પહેલાં જે કવિએ ‘આત્માનાં ખંડેર’ની સૉનેટમાળા લખી અને જેણે અપૂર્વ આત્મશ્રદ્ધાપૂર્વક ‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા’ એમ ગાયું તેમની આત્માનો પ્રાસાદ બાંધવા કેવી જહેમતભરી સાધના હશે! ઉમાશંકરની જીવનસાધનાનો કાંઈક ખ્યાલ એમના જીવનની સ્થૂલ વીગતોથી પણ આવે. ઉત્તર ગુજરાતમાં ઈડર પાસેના બામણા ગામમાં ૧૯૧૧ના જુલાઈની ૨૧મી તારીખે એમનો જન્મ. હજુ પણ તે ગામડામાંથી આવે છે એમ કહે છે, એમાં ગૌરવ લે છે. કારણ કે વતનમાં તે શીખ્યા એવું ક્યારેય શીખ્યા નથી. પિતા કારભારી હતા. તેમનાં કાવ્યો–વાર્તાઓ–નાટકો અને નવલકથાનાં ઘણાં વસ્તુ તેમને ત્યાંથી સૂઝેલાં. હમણાં અમદાવાદ આકાશવાણી પરથી કવિસંમેલન થયું (ઉમાશંકર એના પ્રમુખ હતા) ત્યારે તેમણે ‘અમે ઈડરિયા પથ્થરો’ એ કાવ્ય વાંચેલું! ઉમાશંકર પથ્થરની જેમ — વજ્ર કરતાં કઠોર છે, તો ફૂલ કરતાં કોમળ પણ છે. ઉમાશંકર ઉપર તેમના બાળપણના અનુભવો અને ગ્રામપ્રદેશની ઘણી અસર પડેલી છે. એ વખતે ઈડરમાં અંગ્રેજી છ ધોરણની જ શાળા હતી. મૅટ્રિકનો અભ્યાસ કરવા તે અમદાવાદ આવ્યા. પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં દાખલ થયા. બે ચારિત્ર્યવાન શિક્ષકો — સ્વ. જીવણલાલ દીવાન અને બલ્લુભાઈના પરિચયમાં આવ્યા. તેમણે ‘હૃદયમાં પડેલી છબીઓ’માં એમને વિશે લખ્યું છે. મૅટ્રિકની પરીક્ષામાં અમદાવાદ કેન્દ્રમાં પ્રથમ આવ્યા. ૧૯૨૮થી ૧૯૩૦ સુધી તેમણે ગુજરાત કૉલેજમાં અભ્યાસ કર્યો. પણ એવામાં સત્યાગ્રહની લડત આવી. સત્યાગ્રહની લડતમાં ઝંપલાવ્યું. જેલવાસ ભોગવ્યો. ૧૯૩૪થી ૧૯૩૮ સુધી એલ્ફિન્સ્ટન કૉલેજ મુંબઈમાં અર્થશાસ્ત્ર અને ઇતિહાસ સાથે બી.એ.નો અને મુખ્ય વિષય ગુજરાતી સાથે એમ.એ.નો અભ્યાસ કર્યો, બી.એ. (ઑનર્સ) બીજા વર્ગમાં અને એમ. એ. પ્રથમ વર્ગમાં પસાર કરી. ૧૯૩૬માં મુંબઈ વિલેપાર્લેમાં ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે અને ૧૯૩૮માં સીડનહામ કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે કામ કર્યું. આ સમયગાળામાં ૧૯૩૧ના છેલ્લા છ મહિના તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાં ગાળ્યા, કાકાસાહેબના અંતેવાસી બન્યા, ‘વિશ્વશાંતિ’ પ્રગટ કર્યું. ઉમાશંકરને વિદ્યાપીઠવાળા ન કહેવાય. છતાં વિદ્યાપીઠના વિદ્યાચેતનસભર વાતાવરણની ઘણી પ્રભાવક અસર તેમના પર થઈ. એ વખતે તેમણે લખેલી ડાયરી ‘૩૧માં ડોકિયું’ તાજેતરમાં પ્રગટ થઈ છે એ ઉપરથી ખ્યાલ આવશે. ૧૯૩૬માં ‘ગંગોત્રી’ કાવ્યસંગ્રહ માટે તેમને રણજિતરામ સુવર્ણચન્દ્રક એનાયત થયો. ૧૯૩૭માં તેમણે જ્યોત્સ્નાબહેન સાથે લગ્ન કર્યાં. તેમણે ‘ઉત્તરરામચરિત’નો અનુવાદ ડૉ. સુમન્ત મહેતા અને શારદાબહેન મહેતાને અર્પણ કર્યો છે અને શાકુન્તલ જ્યોત્સનાબહેનને! અને એક જ શબ્દ લખ્યો : ‘સહધર્મચારિણી’ને. જ્યોત્સ્નાબહેનનો સહધર્મચાર તેમની સાહિત્યપ્રવૃત્તિઓમાં પ્રેરક અને પોષક નીવડ્યો છે. ૧૯૩૯માં ઉમાશંકર અમદાવાદ આવી સ્થિર થયા. ૧૯૪૬ સુધી ગુજરાત વિદ્યાસભામાં અધ્યાપક અને સંશોધક તરીકે રહ્યા. ૧૯૪૬થી ૧૯૫૪ સુધી Self-Appointed Travelling Teacher of Gujarat રહ્યા. અને ૧૯૫૪માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના પ્રોફેસર અને ભવનના અધ્યક્ષ તરીકે જોડાયા, પ્રવાહપ્રાપ્ત ધર્મરૂપે વાઈસ ચાન્સેલર થવાનું આવ્યું તો છ વર્ષ એ કામગીરી યશસ્વી રીતે બજાવી. રાષ્ટ્રપતિએ રાજ્યસભામાં લેખકની હેસિયતથી નિયુક્ત કર્યા તો તે પણ સ્વીકાર્યું અને હાલ ‘સંસ્કૃતિ’ના તંત્રી (૧૯૪૭થી તેમણે આ માસિક ચોક્કસ દૃષ્ટિપૂર્વક શરૂ કર્યું છે.) છે. અકાદમીની આ નવી જવાબદારી સ્વીકારી છે, દેશભરમાં ઘૂમે છે અને સાહિત્ય તેમ જ વિદ્યાકીય પ્રવૃત્તિઓને દોરે છે. આખું ભારત તેમનું ઘર છે. દેશના કોઈ પણ ખૂણે જવાનું હોય તો તમે ઉમાશંકરને પૂછો તો એ પ્રદેશની ‘ગાઈડ’માં પણ ન હોય એવી ઝીણી માહિતી તમને મળે! વિદેશયાત્રા પણ તેમણે કરી છે. ૧૯૫૨માં તેમણે ચીન અને જાવા, બાલી અને લંકા જેવા એશિયાઈ દેશોનો, ૧૯૫૬માં ભારત સરકારના ઉપક્રમે અમેરિકાની યુનિ.માં ‘જનરલ એજ્યુકેશન’ની પ્રવૃત્તિઓના નિરીક્ષણ અર્થે અમેરિકાનો પ્રવાસ કર્યો, લંડનમાં પી.ઈ.એન.ની આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લીધો અને ફ્રાંસ, જર્મની, ઈટલી અને ગ્રીસ પણ જઈ આવ્યા. ૧૯૫૭માં તોકિયોમાં પી. ઈ. એન ની આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લીધો અને જાપાનનાં અન્ય સ્થળો પણ જોયાં. રશિયા પણ ગયા છે. ૧૯૬૪માં જ્યોત્સનાબહેનનું અવસાન થયું. ગુજરાતના સાહિત્યરસિક વર્ગે એક આંચકો અનુભવ્યો. આ દુઃખદ પ્રસંગે લાગણીવિવશ બનનાર વ્યક્તિઓને આશ્વાસન આપનાર પણ ઉમાશંકર હતા. આવી છે તેમની આધ્યાત્મિકતા! ઉમાશંકરને સાહિત્યિક માન તો ઘણાં મળ્યાં છે. બીજી ભાષાઓની સાહિત્ય-પરિષદોનાં પ્રમુખસ્થાન તેમણે શોભાવ્યાં છે. આપણી ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૯૬૧માં તેઓ પ્રમુખ હતા. રણજિતરામ સુવર્ણચંદ્રક ઉપરાંત નર્મદ સુવર્ણચન્દ્રક, મહીડા પારિતોષિક, ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક, અકાદમી ઍવોર્ડ અને છેલ્લે ‘નિશીથ’ કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ ઍવોર્ડ પણ મળ્યો છે. ૧૯૬૮માં કન્નડ મહાકવિ ‘કુવેમ્પુ’ સાથે મળેલા આ પારિતોષિકની ૫૦ હજારની રકમનું તેમણે ‘ગંગોત્રી ટ્રસ્ટ’ કર્યું છે. અને એનો ઉપયોગ દેશ-વિદેશની કવિતાને ગુજરાતીમાં ઉતારવા માટે કરે છે. આ ‘નિશીથ’ પુરસ્કાર ગ્રંથમાળામાં તાજેતરમાં કલ્યાણ મુકામે ભરાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશન ટાણે તેમણે મરાઠી કવિતાના અનુવાદોનાં સાત પુસ્તકો પ્રગટ કર્યાં છે. કવિતા, વાર્તા, નાટક, નિબંધ, વિવેચન, સંશોધન-સંપાદન આદિ સાહિત્યના લગભગ બધા જ પ્રકારોમાં તેમની પ્રતિભા વિહરી છે અને મૂલ્યવાન અર્પણ કર્યું છે. ‘વિશ્વશાંતિ’ પ્રગટ થયું ત્યારે દુરારાધ્ય વિવેચક નરસિંહરાવે ‘સાક્ષરયુગનું ભાવિ દર્શન’ નામે લેખ લખી એમને આવકાર્યા હતા, અને બીજા એવા જ વિવેચક બળવંતરાય ઠાકોરે તેમની પ્રતિભાને પ્રમાણી હતી. સાહિત્યના આ બધા પ્રકારોમાં તેમના સર્જકકર્મનો વિશેષ બતાવવાનો અહીં પ્રસંગ નથી, પણ એક કવિતાની વાત કરીએ તો ઉમાશંકરે વિશ્વશાંતિ–ગંગોત્રી દ્વારા ગાંધીયુગીન કવિતાનો મંગલારંભ કર્યો અને છેક હમણાં ગુજરાતી કવિતા પરિવર્તનની કેડીએ ઊભી હતી ત્યારે ‘છિન્નભિન્ન છું’ અને ‘શોધ’ જેવી રચનાઓ દ્વારા નવી કવિતાનું પુરોહિતકર્મ પણ તેમણે જ કર્યું. સર્જન-વિવેચન ઉભય ક્ષેત્રે ઉમાશંકર હમેશાં આગળ રહ્યા છે અને ઐતિહાસિક કાર્ય બજાવ્યું છે. ગુજરાતી વિવેચનનો ઇતિહાસ લખાશે ત્યારે ‘નવ્ય વિવેચના’ના આદિ પુરસ્કર્તા અને વિવેચક ઉમાશંકર જ હશે. તેમણે ‘પારકાં જણ્યાં’ નામે નવલકથા પણ લખી છે એ બહુ ઓછા જાણતા હશે. તેમની આ ‘નિષ્ફળ નવલકથા’ની આઠેક આવૃત્તિઓ થઈ છે અને ગુજરાતે હોંશેહોંશે એ આસ્વાદી છે. પણ સર્જક ઉમાશંકરની મહત્ત્વાકાંક્ષા ગુજરાતીમાં પદ્યનાટક રચવાની છે. ‘મહાપ્રસ્થાન’માં એના ખમતીધર પ્રયોગો કર્યા છે, અને ‘મંથરા’ તો પદ્યનાટિકા જ છે. ઉમાશંકરને હાથે સળંગ પદ્યનાટક મળે એની સકારણ રાહ જોઈએ. વ્યક્તિ ઉમાશંકર અને સાહિત્યકાર ઉમાશંકર — એકબીજાની હોડમાં ઊતરે એવી પરિસ્થિતિ છે. માણસ કરતાં માણસનાં કાર્યો મોટાં હોય એવા દાખલા ઈતિહાસમાં ઘણા મળી આવશે, પણ ઉમાશંકર જેવાની બાબતમાં તેમનાં કાર્યો કરતાંય માણસ ઉમાશંકર વધુ ઊંચેરા લાગ્યા વગર રહેશે નહિ. ગરવી ગુજરાતના ગૌરવ સમા આ સારસ્વતનું હોવું એ વિશ્વને સરસ્વતીનો પ્રસાદ છે.
૯-૪-૭૮