શબ્દલોકના યાત્રીઓ – ૧/કાકાસાહેબ કાલેલકર

કાકાસાહેબ કાલેલકર

સામવેદની ઋચાઓનું ગાન કરનારને ઉદ્ગાતા કહે છે. ભારતીય સંસ્કૃતિનાં ઉત્તમ તત્ત્વોને સતત-જીવનભર–સમજાવી આપણી પ્રજાને અભિમુખ કરનાર કાકાસાહેબ સંસ્કૃતિના ઉદ્ગાતા છે. ભારતીય સંસ્કૃતિના સદંશો તેમણે આપણને સમજાવ્યા એટલું જ નહિ પણ એની સાથે એવી એકરૂપતા સાધી કે એમનું સમગ્ર જીવન એના પ્રતીક સમું બની રહ્યું. કૉલેજકાળમાં કાકાસાહેબ મારા પ્રિય લેખક. એમને જોવા-મળવાની ખૂબ ઇચ્છા, પણ એ તો ક્યાંથી શક્ય બને? બી. એ.ના વર્ગમાં આવ્યો ત્યારે વડોદરામાં એમનું વ્યાખ્યાન છે એવા સમાચાર સાંભળતાં જ્યુબિલી બાગ દોડી ગયો. એમને સાંભળવામાં એવા તલ્લીન બની જવાયું કે પિતાજીએ મોકલેલા પૈસા ગજવામાંથી કોઈ કાઢી ગયું! શિક્ષક-પિતા ઉપર બોજો ન પડે એ દૃષ્ટિએ ટ્યૂશન કરી એટલી રકમ કમાઈ લીધેલી. કાકાસાહેબનું એ પ્રથમ દર્શન. ૧૯૪૮-૪૯ની સાલ હશે. પછી ૧૯૫૪માં સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન લોકભારતી સણોસરાના ઉદ્ઘાટન પ્રસંગે કાકાસાહેબની મુલાકાતનો લાભ મળેલો, એનું વર્ણન એ વખતે ‘સંસ્કૃતિ’માં આપેલું. ૧૯૬૧માં તેમને છોત્તેર વર્ષ પૂરાં થયાં અને તેમને ‘કાલેલકર અધ્યયનગ્રંથ’ અર્પણ થયો એ પ્રસંગે એટલે કે ૧લી ડિસેમ્બર ૧૯૬૧ના રોજ ઉમાશંકરભાઈના નિવાસસ્થાન ‘સેતુ’માં એક નાનકડો સુંદર સમારંભ થયેલો. તેમના હસ્તે ‘કાલેલકર અધ્યયનગ્રંથ’ની નકલ મળી અને એના પહેલા પાને તેમણે સ્વયંસ્ફુરણાથી એક પરિચ્છેદ લખી આપ્યો તે તો મધુર સંભારણું બની રહ્યું. એ પછીનાં વરસોમાં અનેકવાર મળવાનું બન્યું. મારી જેમ અનેકોને તેમના વાત્સલ્યનો અનુભવ થયો હશે. છેલ્લે કાકાસાહેબને ૧૯૮૦ના જૂનની ૧૦મીએ દિલ્હીમાં મળવાનું બનેલું. મારા સંપાદન હેઠળ પ્રગટ થતી ‘ગુજરાતી ગ્રંથકારશ્રેણી’માં કાકાસાહેબ વિશેનો મોનોગ્રાફ તૈયાર કરાવેલો. ‘શ્રેણી’ના આ પચ્ચીસમા લઘુગ્રંથનું ઉદ્ઘાટન ‘સંનિધિ’માં તેમના હાથે કરાવેલું. સાંભળવાની થોડી મુશ્કેલી હતી પણ લખીને વાતચીત કરતા. કોમ્યુનિકેશનનો કશો વાંધો ન આવતો. શ્વેત વસ્ત્રોમાં અને શ્વેત દાઢીમાં શોભતા કાકાસાહેબની મૂર્તિ એક ઋષિ જેવી લાગેલી! વૃદ્ધાવસ્થામાં જ્યારે જ્યારે તેમને જોયા છે ત્યારે ત્યારે વાર્ધક્ય પણ કેવું સુંદર હોઈ શકે એની પ્રતીતિ થઈ છે. તેમનો જન્મ ૧લી ડિસેમ્બર ૧૮૮૫ના રોજ. મૂળ નામ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર પણ જગપ્રસિદ્ધ બન્યા ‘કાકાસાહેબ’ના નામથી, એ શી રીતે બન્યું? ૧૯૧૦-૧૧માં એ ગંગનાથ વિદ્યાલય, વડોદરાના આચાર્ય હતા. શ્રી અરવિંદના મિત્ર બૅરિસ્ટર કેશવરાવ દેશપાંડેએ આ સંસ્થા સ્થાપેલી. વિદ્યાલયમાં કૌટુમ્બિક વાતાવરણ ઊભું કરવા અધ્યાપકોને કુટુંબનાં સગાંની પદવીઓ આપવામાં આવી! ફડકે ‘મામા’ બન્યા, હરિહર શર્મા ‘અણ્ણા’ બન્યા અને કાલેલકર ‘કાકા ‘ બન્યા! બન્યા તે બન્યા જ. આ નામ પ્રચલિત બની ગયું. પણ બીજે જ વર્ષે ૧૯૧૨માં તે હિમાલય ગયા. ૧૯૧૩માં ઋષિકુલ હરદ્વારમાં મુખ્ય અધિષ્ઠાતા અને ૧૯૧૪-૧૫માં છ મહિના સિંધ બ્રહ્મચર્યાશ્રમમાં રહ્યા બાદ શાંતિનિકેતન ગયા. કાકાસાહેબ પર સ્વામી વિવેકાનંદ, શ્રી અરવિંદ, સ્વામી રામતીર્થનો ઘણો પ્રભાવ પડેલો. રવીન્દ્રનાથ ટાગોરની પણ ખૂબ અસર થયેલી. શાંતિનિકેતનમાં જ ગાંધીજીનો મેળાપ થયો. ગાંધીજીની જીવનદૃષ્ટિ એમને વધુ સંતર્પક લાગી અને તે ગાંધીજીના અંતેવાસી બની રહ્યા. ૧૯૨૮માં ગુજરાત વિદ્યાપીઠની પુનર્ઘટના થઈ ત્યારે કાકાસાહેબ ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક થયા. સ્વરાજ્ય માટેની લડતોમાં તેમણે જેલવાસ ભોગવ્યો. ૧૯૩૬માં ગુજરાતી સાહિત્ય પરિષદનું બારમું અધિવેશન ગાંધીજીના પ્રમુખપદે મળ્યું ત્યારે કાકાસાહેબ કલાવિભાગના પ્રમુખ હતા. ૧૯૪૨ની લડતમાં પણ તેમણે ભાગ લઈ જેલવાસ ભોગવ્યો. ૧૯૨૩ અને ૧૯૩૮માં પણ તેમણે જેલવાસ ભોગવેલો. ૧૯૪૮માં ગાંધીજીનું ખૂન થયું ત્યારે ગાંધીજીના જીવનદર્શનના મૂર્ત પ્રતીક સમા જે મહાનુભાવો આપણી પાસે હતા તેમાંના એક કાકાસાહેબ. ૧૯૫૦માં તેમણે પૂર્વ આફ્રિકાનો પ્રવાસ કર્યો. ૧૯૫૨માં તેઓ રાજ્યસભાના સભ્ય નિમાયા. ૧૯૫૨માં તેઓ યુરોપના પ્રવાસે ગયા. ૧૯૫૩માં બૅકવર્ડક્લાસ કમિશનના પ્રમુખ બન્યા. ૧૯૫૪માં જાપાનનો પ્રવાસ કર્યો. ૧૯૫૬માં સમગ્ર ગાંધીવાઙ્મયની સરકારી યોજનાના સલાહકાર મંડળમાં નિમાયા. બીજે જ વર્ષે ૧૯૫૭માં ચીન અને જાપાનનો પ્રવાસ કર્યો. એ પછી ૧૯૫૮માં વેસ્ટ ઇન્ડીઝ, બ્રિટિશ ગિયાના, અમેરિકા અને યુરોપ–આફ્રિકાના દેશોનો પ્રવાસ કર્યો. કાકાસાહેબ વિશ્વયાત્રી બની રહ્યા. તેમની આ બધી સંસ્કારયાત્રાઓનું સુંદર વર્ણન આપણને ‘હિમાલયનો પ્રવાસ’, ‘ઉગમણો દેશ જાપાન’ અને ‘પૂર્વ આફ્રિકામાં’ જેવાં પુસ્તકોમાં મળે છે. ગુજરાતી સાહિત્યમાં ઘણાં પ્રવાસવર્ણનો લખાયાં છે પણ ‘હિમાલયનો પ્રવાસ’ આજે પણ અનન્ય રહ્યું છે. છન્નું વર્ષના આયુષ્યકાળમાં તેમણે કેટકેટલી પેઢીઓ જોઈ! સમગ્ર ‘ગાંધીયુગ’ જોયો, દેશ અને દુનિયાના વારાફેરા જોયા. કોંગ્રેસ અને તેમનો જન્મ એક જ વર્ષે – ૧૮૮૫માં. સ્વાતંત્ર્ય માટેની લડતોના તે સાક્ષી અને સૈનિક. ૧૯૪૭માં સ્વાતંત્ર્ય મળ્યું એના પણ સાક્ષી અને સ્વાતંત્ર્ય પછીની દેશની સ્થિતિના પણ તે મૂક સાક્ષી. ‘મૂક’ એટલા માટે કે સ્વાતંત્ર્ય પછી કાકાસાહેબે એક શબ્દ પણ રાજકર્તાઓને સંભળાવ્યો નથી. કદાચ એમાં એમનું સૌમ્ય વ્યક્તિત્વ અને વ્યવહારકુશળતા કારણભૂત હશે. કાકા સાહેબને એક શબ્દમાં વર્ણવવા હોય તે ‘વિભૂતિ’ કહી શકાય. આ અભિધાનથી ઓળખાવી શકાય એવા ઝાઝા માણસો આપણી પાસે નથી, અને કાકાસાહેબ માટે બીજો શબ્દ જડતો નથી. અર્વાચીન ભારતમાં પ્રગટેલા મનીષીઓમાં તેમની ગણના થાય. ગાંધીજીના અવસાન પછી જે થોડી વ્યક્તિઓ આપણી પાસે હતી એમાંની એક તે કાકા સાહેબ. એમનું ‘હોવું’ એ કેટલું વધુ સમાશ્વાસક હતું! ગાંધીજીમાં પથ્થરમાં પણ પ્રાણ પૂરવાની ચમત્કારિક શક્તિ હતી ત્યાં જેઓ પોતે જ ‘રત્નો’ હતા તેની તો વાત જ શી? એક એક અંતેવાસી ગાંધીજીની નાની આવૃત્તિરૂપ હતા. ગાંધીજીના નિકટ અંતેવાસીઓમાં કિશોરલાલ મશરૂવાળા, આચાર્ય ક્રિપલાણી, મહાદેવભાઈ દેસાઈ, સ્વામી આનંદ, નરહરિ પરીખ, ગિદવાણી અને કાકાસાહેબ—સપ્તર્ષિમંડળ જોઈ લ્યો જાણે! ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ગાંધીજીના વિચારો દેશભરમાં પ્રસર્યા. આ સૌ પોતપોતાની રીતે ગાંધીજીવન-દર્શનના ભાષ્યકાર બન્યા. કાકા સાહેબમાં સાહિત્યિક સર્જકતા હોઈ ગુજરાતના સંસ્કારજીવન ઉપર એનો પ્રભાવ કાંઈક વિશેષ પડ્યો. તેમણે મુખ્યત્વે કેળવણી અને સાહિત્યમાં કામ કર્યું. હિંદુસ્તાનીના પ્રચારનું કામ ગાંધીજીએ ભળાવેલું તે પૂરી નિષ્ઠાથી કર્યું. તેમનાં લખાણો અને સંભાષણોએ ગુજરાતી લેખકો ઉપર જાદુઈ અસર કરી. સૌએ એમનો પ્રેમપૂર્વક સત્કાર કર્યો. નવજીવન સ્કૂલના તે મોવડી બની રહ્યા. અનેક લેખકોના ઘડતરમાં તેમનો હિસ્સો છે. આપણા સુન્દરમ્ કાકાસાહેબના વિદ્યાર્થી. છાત્રાલયમાં સુન્દરમ્ અને અમૃતલાલ પંડ્યાએ એક પ્રયોગાત્મક હૅર કટિંગ સલૂન શરૂ કરેલું. કાકાસાહેબની હજામત પણ કરેલી! ઉમાશંકરના ઘડતરમાં પણ કાકાસાહેબનો ફાળો. ‘ગંગોત્રી’નું અર્પણ કાકાસાહેબને કરતાં ઉમાશંકરે કહેલું છે :

અજાણ્યું વ્હૈ આવ્યું ગભરું ઝરણું કો તવ પદે
પ્રવાસી તેં એને હૃદય જગવી સિંધુરટણા

આવા તો અનેક નવયુવકોને કાકા સાહેબના હાથે ઘડાવાનું સદ્ભાગ્ય સાંપડેલું. કાકાસાહેબની માતૃભાષા મરાઠી, પણ ગુજરાતી પર તેમણે અદ્ભુત પ્રભુત્વ મેળવી લીધેલું. કાકાસાહેબ લેખક તરીકે આપણને સહેજે પરાયા લાગતા નથી. ગાંધીજીએ તેમને ‘સવાઈ ગુજરાતી’નું બિરુદ આપેલું. કાકાસાહેબનાં પછી તો અનેક પુસ્તકો પ્રગટ થયાં; પણ તેમણે સૌ પહેલો ગુજરાતી લેખ તો ૧૯૨૦માં અમદાવાદમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના સંમેલનમાં રવીન્દ્રનાથ ટાગોર પણ આવેલા ત્યારે રવીન્દ્રનાથની પ્રતિભાનો ગુજરાતને પરિચય કરાવતો લખ્યો તે છે. કાકાસાહેબનાં એક પછી એક પુસ્તકો પ્રગટ થવા માંડ્યાં. ગુજરાતી સાહિત્યને એક સમર્થ ગદ્યકાર સાંપડ્યો. એક ઉત્તમ સર્જક નિબંધકાર, આત્મકથાલેખક, પ્રવાસવર્ણનકાર, કેળવણીકાર અને ચિંતક તરીકેનું તેમનું કાર્ય ઊંચી કોટિનું છે. આ બધામાં તેમની સૌન્દર્યાભિમુખ કવિદૃષ્ટિ રહેલી છે. એમની પ્રતિભા ગદ્યમાં કાવ્ય સર્જે છે. કાકાસાહેબને ઉમાશંકરે યોગ્ય રીતે જ ‘કવિ’ તરીકે ઓળખાવ્યા છે. લલિત નિંબંધનો પ્રકાર હંમેશાં તેમના નામ સાથે જોડાયેલો રહેશે. બાલસહજ કૌતુકથી તેમણે પ્રકૃતિનાં વિવિધ સ્વરૂપોનું સૌન્દર્ય છતું કર્યું છે. તેમણે તડકાનું અને કાદવનું કાવ્ય બનાવ્યું છે, તારાઓના સૌન્દર્યને પ્રગટ કર્યું છે નદી અને ઝરણાંની શોભા વર્ણવી છે. પ્રકૃતિ અને મનુષ્ય ઉભયના સૌન્દર્યને તે પ્રમાણે છે. કાકાસાહેબ સમગ્ર સૃષ્ટિના પ્રેમી કવિ છે. તેમની શૈલી પણ સંસ્કૃત સાહિત્યના પ્રગાઢ પરિશીલનથી પરિષ્કૃત થયેલી છે. લોકબોલીના શબ્દો અને રૂઢિપ્રયોગોને પણ તે ક્ષમતાપૂર્વક પ્રયોજે છે. ઉપમા રૂપક અને ઉત્પ્રેક્ષાને તેમણે કરેલો પ્રયોગ છેલ્લી અડધી સદીના ગુજરાતી ગદ્યમાં વિરલ કહી શકાય એવો છે. તેમના ગદ્યનું એક આગવું પોત રચાયું છે. આ આલંકારિક ગદ્યમાં સરલતાનું સ્વાભાવિક સૌન્દર્ય છે. કાકાસાહેબની ગુજરાતી તે કોઈ બિનગુજરાતીની ગુજરાતી છે એવો દૂરનોય વહેમ ન પડે એવી એ જીવંત ભાષા છે. ૧૯૬૦માં ગુજરાતી સાહિત્ય પરિષદનું ૨૦મું સંમેલન અમદાવાદમાં તેઓના પ્રમુખપદે મળ્યું હતું. એમના ગ્રંથ ‘જીવનવ્યવસ્થા’ને એકાદમી ઍવોર્ડ મળેલો. હિંદી અને અન્ય ભારતીય ભાષાઓમાં તેમનાં પુસ્તકો અનુવાદિત થયાં છે. ૧૯૬૧માં તેમણે છોત્તેર વર્ષ પૂરાં કર્યાં ત્યારે જેમ ગુજરાતીમાં ‘કાલેલકર અધ્યયનગ્રંથ’ પ્રગટ થયો હતો તેમ ૯૪ વર્ષ પૂરાં કર્યાં અને ૯૫મા વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે હિંદીમાં પ્રગટ થયેલા અભિનંદન ગ્રંથનું નામ હતું ‘સમન્વય કે સાધક.’ ઉમાશંકરે એમાં લખેલું કે કાકાસાહેબના જીવનની ચારિતાર્થતા સમન્વય-યોગની સાધનામાં છે. ૨૧મી ઑગસ્ટ ૧૯૮૧ના રોજ તેમનું અવસાન થયું. સમન્વય અને સંવાદિતાના સાધક કાકાસાહેબ એક સારસ્વતનું જીવન જીવ્યા છે. ભારતીય સંસ્કૃતિના ઉદ્ગાતા તરીકે તે હંમેશાં સ્મરણીય રહેશે. પ્રભુ તેમના આત્માને ચિર શાંતિ આપે.

૧૯-૧૧-૭૮
૨૫-૮-૮૧