શબ્દલોકના યાત્રીઓ – ૧/કે. કા. શાસ્ત્રી
ગુજરાતમાં કે. કા. શાસ્ત્રીને કોણ ન ઓળખે? સૌના એ પ્રીતિપત્ર. ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિની ચૂંટણીમાં સૌથી વધારે મત તેમને જ મળે. અનેક વિષયોમાં તેમની ગતિ. સાહિત્ય – ખાસ કરીને મધ્યકાલીન, ભાષાશાસ્ત્ર, ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ, સંસ્કૃત સાહિત્ય, પુરાતત્ત્વ, ધર્મ-તત્ત્વજ્ઞાન – અનેક વિષયોમાં તેમની ગતિ. એમની વિદ્વત્તા ઘડીભર આશ્ચર્યમાં મૂકી દે. પણ તમે મળો ત્યારે આવા મોટા વિદ્વાનને મળી રહ્યા છે એવું ન લાગે. જ્યારે જુઓ ત્યારે હળવા ફુલ્લ. આજે પણ ભો. જે. વિદ્યાભવનથી કે ગુજરાત સંશોધન મંડળની ઑફિસેથી હાથમાં લાકડી સાથે ઝડપભેર ચાલતા ચાલતા ઘર તરફ જતા શાસ્ત્રીજીને તમે જોઈ શકો. તેમનો તરવરાટ અને ઉત્સાહ યુવાનોને પણ શરમાવે એવો. પણ હમણાં હમણાં વાર્ધક્યની છાયા દેખાવા માંડી છે ખરી. શ્રી શાસ્ત્રીજી પંચોતેરના થયા. એમનો અમૃત-મહોત્સવ ગુજરાત ઉ.સાહપૂર્વક ઊજવશે. તેમણે નાનાંમોટાં ૧૪૦ પુસ્તકો લખ્યાં છે; વરસના લગભગ બેને હિસાબે. શ્રી કેશવરામ શાસ્ત્રીનો જન્મ ૨૮મી જુલાઈ ૧૯૦૫ના રોજ માંગરોલમાં થયો હતો. તેમના પિતા કાશીરામ માંગરોલની વૈષ્ણવ સુબોધિની પાઠશાળાના આચાર્ય હતા. ઘણા ઓછાને ખબર હશે કે શાસ્ત્રીજીએ માત્ર મૅટ્રિક્યુલેશન સુધીનું જ શિક્ષણ લીધું છે. પરંતુ તેમણે જાતે વિદ્યાસાધના કરી એવી સિદ્ધિ મેળવી કે આચાર્ય આનંદશંકર ધ્રુવે ઠેઠ ૧૯૩૯માં તેમને એમ.એ.ના વર્ગમાં અપભ્રંશ અને જૂની ગુજરાતી સાહિત્યના ઇતિહાસનું અધ્યાપનકાર્ય સોંપ્યું. ૧૯૪૪માં મુંબઈ યુનિવર્સિટીએ એ માટે માન્યતા આપી. ૧૯૫૧માં ગુજરાત યુનિ. એ માન્યતા આપી, ૧૯૫૫માં તે પીએચ. ડી.ના માર્ગદર્શક બન્યા. તેમના માર્ગદર્શન નીચે ઘણા પ્રાધ્યાપકોએ પીએચ.ડી. ના સંશોધન-નિબંધો લખી ગુજરાતી સાહિત્યમાં પોતાનું અર્પણ કર્યું છે. વર્ષોથી શાસ્ત્રીજી ગુજરાત, મુંબઈ, ઉત્તર પ્રદેશની યુનિવર્સિટીઓમાં ગુજરાતી, સંસ્કૃત, હિંદી અને ઈતિહાસના વિષયોમાં પીએચ. ડી.ના પરીક્ષક તરીકે કાર્ય કરે છે. ૧૯૨૩માં માંગરોળ (સોરઠ) નજીકના એક નાના ગામ ચંદવાણામાં બોડીવાવ મઠના સાહેત નિવાસી મહંત શ્રી બાલકદાસજીના શિષ્ય (હાલના મહંતશ્રી) રાધેવલ્લભના અધ્યાપન માટે એક વર્ષ ગાળ્યા પછી માંગરોળની તેમના પિતાશ્રીની સંસ્કૃત પાઠશાળામાં ખંડ સમયના શિક્ષક તરીકે અને કોરોનેશન હાઈસ્કૂલમાં સહાયક તરીકે ૧૧ વર્ષ સંસ્કૃત અને ગુજરાતીનું શિક્ષણકાર્ય કર્યું. આ સમયમાં તેમની સંશોધક વૃત્તિ ગુજરાતી વ્યાકરણ અને ભાષાશાસ્ત્રના ક્ષેત્રમાં તેમને ખેંચી ગઈ અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધનનું કાર્ય તેમના હાથે આરંભાયું. ઈ. સ. ૧૯૩૬માં મકરસંક્રાંતિને દિને તે અમદાવાદ સ્થિર થવા આવ્યા. બેએક મહિના તેમણે એક પ્રેસમાં વ્યવસ્થાપક તરીકે કામ કર્યું. એ પછી એક વર્ષ ‘પ્રજાબંધુ’ સાપ્તાહિકના તંત્રી વિભાગમાં કામ કર્યું અને ૧૯૩૭ના એપ્રિલથી ગુજરાત વિદ્યાસભામાં સંશોધક તરીકે જોડાયા. તેમનું પ્રથમ પુસ્તક ‘સૌન્દર્યપદ્યમ્ સટીકં સગુર્જરાનુવાદમ્’ ઠેઠ ૧૯૨૨માં પ્રગટ થયેલું. વિદ્યાસભામાં જોડાયા ત્યાં સુધીમાં તો તેમનાં પંદરેક પુસ્તકો પ્રગટ થયાં હતાં. એ પછી એમાં વેગ આવ્યો. ૩૮ વર્ષના ઉચ્ચ–અધ્યાપન–કાર્યમાં તેમણે અનેક વિદ્યાર્થીઓને ઘડ્યા. તેર જેટલા વિદ્યાર્થીઓએ મહાનિબંધો લખી પીએચ. ડી.ની પદવી પ્રાપ્ત કરી. આ સિવાય અન્ય માર્ગદર્શકો નીચે કામ કરતા સંશોધકોને શાસ્ત્રીજીએ ઘણી વિદ્યાસહાય કરી છે. આજે પણ મધ્યકાલીન સાહિત્ય કે ભાષાશાસ્ત્રને લગતા કોઈપણ વિષયમાં કોઈપણ વિદ્યા-અર્થીને શાસ્ત્રીજી સહાય કરે જ. વચ્ચે ૧૯૬૧થી ૧૯૭૦ સુધી અમદાવાદની બાલાભાઈ દામોદરદાસ મહિલા કૉલેજમાં પણ સાથોસાથ સંસ્કૃત અને ગુજરાતીના સંલગ્ન અધ્યાપક તરીકે તેમણે સેવા આપેલી. ૧૯૩૯થી સતત અનુસ્નાતક વિદ્યાર્થીઓને વ્યાપક રીતે માર્ગદર્શન આપવાની એમની સેવા અભૂતપૂર્વ કહી શકાય એવી છે. શાસ્ત્રીજી વિદ્યાર્થીવત્સલ અધ્યાપક છે. એમના વાત્સલ્યનો લાભ ઘણાને મળ્યો છે, આ લખનારને પણ. ૧૯૩૭માં વલ્લભસંપ્રદાયનું ‘અનુગ્રહ’ માસિક શરૂ કરેલું. એના આરંભમાં ૧૦ વર્ષ અને છેલ્લાં ૮ વર્ષથી ફરી તંત્રી તરીકે સેવા આપે છે. અગાઉ કહ્યું તેમ શાસ્ત્રીજીના પિતાશ્રી સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતા. તેમની છત્રછાયામાં તેમણે છંદ, વ્યાકરણ, કોશ, કાવ્યશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર અને વેદાંતનો અભ્યાસ કર્યો, અનેક લેખો અને ગ્રંથો લખ્યા. અત્યારે યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ તરફથી છપાતો ‘બૃહદ્ ગુજરાતી કોશ’ એની પરમ સિદ્ધિ છે. ૧૯૫૨માં ગુજરાતી વ્યાકરણ અને ભાષાશાસ્ત્રના સંશોધન ક્ષેત્રે આપેલા પ્રદાન માટે ગુજરાત સાહિત્યસભાએ તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક આપ્યો અને ઈતિહાસક્ષેત્રે દ્વારકા ઉપરના મહાનિબંધ માટે ૧૯૭૧માં દ્વારકાની ગુજરાત ઇતિહાસ પરિષદના અધિવેશનમાં તેમને ગોકાણી સુવર્ણચંદ્રક એનાયત થયો. અનેક વિદ્વદ્ મંડળોએ તેમને વ્યાખ્યાનશ્રેણી માટે નિમંત્ર્યા છે. ૧૯૫૨માં મુંબઈ યુનિ.નાં ઠક્કર વ્યાખ્યાનો, એ પછી વડોદરા યુનિ.ના સંગીત મહાવિદ્યાલય તરફથી ‘ભરત-નાટ્ય-શાસ્ત્ર અને અભિનવાચાર્ય’ ઉપર ૭ અને ‘ભાણ, એક નાટ્યપ્રકાર’ ઉપર ૩ વ્યાખ્યાનો આપ્યાં છે. સૌરાષ્ટ્ર યુનિ. તરફથી પણ તેમને વ્યાખ્યાનો માટે નિમંત્રણ મળ્યું છે. તેમનાં અનેક પુસ્તકોને પારિતોષિકો મળ્યાં છે. ૧૯૬૬માં અખિલ ભારતીય સંસ્કૃત સંમેલન તરફથી એ વખતના રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. રાધાકૃષ્ણનને હસ્તે તેમને ‘વિદ્યાવાચસ્પતિ’ની પદવી મળી. ૧૯૭૬માં વ્યાકરણ અને ભાષાશાસ્ત્ર ક્ષેત્રે મળેલી સિદ્ધિ માટે રાષ્ટ્રપતિ ડૉ. ફખરુદ્દીન અલી અહમદને હસ્તે તેમને ‘પદ્મશ્રી’નો ઇલકાબ આપવામાં આવ્યો. ૧૯૭૭માં પ્રયાગની ભારતી પરિષદ તરફથી ‘મહામહિમોપાધ્યાય’ની પદવીથી તેમને વિભૂષિત કરવામાં આવ્યા. તેમની વ્યાપક વિદ્યાસિદ્ધિઓમાં ગુજરાતી ક્રમિક વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ શાસ્ત્ર, ગુ. પારંપરિક વ્યાકરણ, ગુ. માન્ય ભાષાનું લઘુ વ્યાકરણ એ મહત્ત્વનું પ્રદાન છે. ભાષાશાસ્ત્રના વિષયમાં ‘વાગ્વિકાસ’, ‘ગુજરાતી ભાષાનો વિકાસ અને અર્વાચીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ’, ‘ભાષાશાસ્ત્ર અને ગુજરાતી ભાષા’ અને ‘ભાષા અને ગુજરાતી ભાષા’ ઉલ્લેખનીય છે. કોશના ક્ષેત્રે તેમણે ‘અનુપ્રાસકોશ’, ‘પાયાનો ગુજરાતી કોશ’, ‘ગુજરાતી લઘુકોશ’, ‘બૃહદ્ ગુજરાતી કોશ’, દસ ભાષાનો ‘વનૌષધિકોશ’, ‘વ્યુત્પત્તિ કોશ’ વગેરે. મહાભારતના મૂળરૂપ ‘ભારત સંહિતા’ ૨૪ હજાર શ્લોકોની અલગ કાઢી એમાંથી ૮૮૦૦ શ્લોકોની ‘જય સંહિતા’ તૈયાર કરી આપી. આ તેમનું અત્યંત મહત્ત્વનું પ્રદાન ગણાય છે. તેમણે એકાંકી નાટકો પણ રચ્યાં છે એ બહુ ઓછા જાણતા હશે. ‘અજેય ગૌરીશિખર અને બીજાં દસ એકાંકીઓ ‘ અને ‘કૌલ પરાજય’ વગેરે ઉલ્લેખપાત્ર છે. જેટલા અનેક સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે. બાર જેટલા ધાર્મિક સામાજિક, સાહિત્યિક, સાંસ્કૃતિક ટ્રસ્ટોના તે ટ્રસ્ટી છે. વિશ્વ હિંદુ પરિષદની ગુજરાત શાખાના કાર્યકારી પ્રમુખ છે. શુદ્ધાદ્વૈત સંસદના ૧૯૪૦થી મંત્રી અને ૧૯૭૫થી પ્રમુખ છે. ગુજરાત સાહિત્ય સભા અમદાવાદના ૧૯૪૨થી એક મંત્રી છે. ૧૯૬૧થી ગુજરાત રિસર્ચ સોસાયટી અમદાવાદ શાખાના નિયામક અને ૧૯૭૪થી મંત્રી છે. ૧૯૬૯ની ગુજરાતી સાહિત્ય પરિષદના જૂનાગઢ અધિવેશનમાં ભાષા-સાહિત્ય-ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગના અધ્યક્ષ હતા. ૧૯૭૫ની ગુજરાત ઇતિહાસ પરિષદના પાટણ અધિવેશનના પ્રમુખ હતા. શાસ્ત્રીજીનો લાભ આકાશવાણી અને ટી. વી.એ લીધો જ હોય. પ્રસંગવશાત્ ગુજરાત યુનિ.ની સેનેટના પાંચ વર્ષ માટે અને જામનગર આયુર્વેદ યુનિ. શરૂ થતાં બે વર્ષ માટે એની સેનેટના સભ્ય હતા. શાસ્ત્રીજી બધા ધર્મો પ્રત્યે સમભાવ ધરાવે છે પણ તેમનું હૃદય શુદ્ધાદ્વૈત-પુષ્ટિ માર્ગમાં છે. સુરતની શ્રી બાલકૃષ્ણ શુદ્ધાદ્વૈત મહાસભા તરફથી તેમને ‘શુદ્ધાદ્વૈતાલંકાર’ની પદવી મળેલી એમાં પૂરું ઔચિત્ય છે. શ્રી કે. કા. શાસ્ત્રી જેવા વિદ્વાન અને સંશોધક ગુજરાતી સાહિત્યમાં તો આંગળીને વેઢે ગણાય એવા છે. ભારતમાં પણ એમના જેવી સજ્જતાવાળા બહુ ઓછા હશે. ગુજરાત શાસ્ત્રીજી માટે ગૌરવ લઈ શકે, ગુજરાતી સાહિત્યની અને વિદ્યાની હજુ વધુ ને વધુ સેવા કરવા પ્રભુ તેમને સ્વાસ્થ્યયુક્ત દીર્ઘાયુ અર્પે. ગુણજ્ઞ ગુજરાત એમનો અમૃત મહોત્સવ ઉમળકાભેર ઊજવશે.
૧૩-૧-૮૦