શબ્દલોકના યાત્રીઓ – ૧/નાથાલાલ દવે
શ્રી નાથાલાલ દવેને તળ સૌરાષ્ટ્રના કવિ કહી શકો. સૌરાષ્ટ્રમાં જન્મ્યા, ભણ્યા અને સૌરાષ્ટ્રમાં વિવિધ જિલ્લાઓમાં નોકરી નિમિત્તે રહ્યા. સૌરાષ્ટ્રની રગેરગ તે જાણે. આજે છાસઠ વર્ષે પણ એમના ઉચ્ચારો અને લઢણોમાં સૌરાષ્ટ્રની અસલિયત અકબંધ જળવાયેલી અનુભવાય. ત્રીજી જૂન ૧૯૧૨ના રોજ તેમનો જન્મ. વતન ભાવનગર. એમ.એ., બી.ટી. થયા, નઈ તાલીમના સ્નાતક. તેમણે આરંભથી જ શિક્ષણ ખાતામાં નોકરી લીધી. હંટર ટ્રેનિંગ કૉલેજ, મોરબી, બાર્ટન ટ્રેનિંગ કૉલેજ, રાજકોટ અને છેલ્લે અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેઇનિંગ કૉલેજમાં આચાર્ય તરીકે કામ કર્યું. સુરેન્દ્રનગર, ભાવનગર અને રાજકોટ એ ત્રણ જિલ્લાઓમાં શિક્ષણાધિકારી તરીકે, માંગરોળની સ્નાતક નઈ તાલીમ કેન્દ્રના આચાર્ય તરીકે અને રાજ્ય શિક્ષણ ભવન, અમદાવાદમાં રીડર તરીકે રહ્યા. તેમનું આખું જીવન શિક્ષકો વચ્ચે વીત્યું છે. પ્રાથમિક અને માધ્યમિક કક્ષાના શિક્ષણ વિશે તેઓ ઝીણી જાણકારી ધરાવે છે. તેમને શિક્ષણમાં કેવો જીવંત રસ છે તે તો તાજેતરમાં ઉચ્ચ માધ્યમિક કક્ષાએ ગુજરાતીનું પેપર સરકારે પચાસ માર્કનું કર્યું ત્યારે વ્યથિત હૃદયે તેમણે મને લખેલા એક પત્રમાં પણ દેખાયો. ૧૯૭૦માં તે નિવૃત્ત થયા અને હવે પોતાના વતન ભાવનગરમાં જ રહે છે. નિવૃત્તિમાં પણ તે કાંઈ ને કાંઈ સાહિત્યિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિ કરે છે. ભાવનગરની સાહિત્ય ભારતી સંસ્થાના અધ્યક્ષ છે. શ્રી અરવિંદ યોગ કેન્દ્રના ભાવનગર જિલ્લાના કન્વીનર છે. શ્રી માતાજીની જન્મ શતાબ્દી ઉજવણીમાં તેમણે ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. શ્રી નાથાલાલ દવેએ પાંચેક કાવ્યસંગ્રહો અને એટલા જ વાર્તાસંગ્રહો આપ્યા છે. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘કાલિંદી’ ઉમાશંકર જોશીની પ્રસ્તાવના સાથે ૧૯૪૨માં પ્રગટ થયેલો. શ્રી નાથાલાલ દવે રોમૅન્ટિક પ્રકૃતિના કવિ છે. કવિમિજાજની મસ્તી તેમની કવિતામાં અનાયાસ ઊતરી છે. ‘કાલિંદી’માં જોવા મળતો સૌન્દર્યનો કેફ, મંજુલ શબ્દ સુરાવટ, મનોરમ ચિત્રાલેખન, હૂબહૂ પ્રકૃતિવર્ણન અને ભાવની મસ્તીમાં ઉમાશંકરને દેખાયો છે. આ કેફ, આ મસ્તી તેમની કાવ્ય-પદાવલિમાં પણ બરાબર પ્રગટ થાય છે. ફારસી શબ્દોનો વિપુલ ઉપયોગ ક્ષમતાપૂર્વક તે કરે છે. ત્રીસીના કવિઓમાં દેખા દેતાં ભાવનાપરસ્તી અને જીવન વાસ્તવનું આકર્ષણ નાથાલાલ દવેની કવિતામાં પણ છે. ખાસ કરી આર્ય સંસ્કૃતિ પ્રત્યેનો સાચો અનુરાગ તેમની કવિતામાં એક યા બીજા રૂપે આવે જ છે. તેમના ‘કાલિંદી’, ‘અનેરી એક રાત્રિ’, ‘યશોધરા’, ‘ઉતાવળ’, ‘દીપ ઘીનો’ જેવાં કાવ્યો સહૃદયોએ વખાણેલાં છે. નાથાલાલભાઈમાં હાસ્ય-કટાક્ષની એક નૈસર્ગિક શક્તિ છે. તેમના પ્રથમ કાવ્યસંગ્રહમાં જ એનો પરિચય થયેલો. પણ છેક આજે પણ એ શક્તિનો સફળતાપૂર્વક તેઓ વિનિયોગ કરતા દેખાય છે. ‘નૂતન ગુજરાત’માં દર રવિવારે ‘ઉપદ્રવ’ વિભાગમાં તે એક કટાક્ષ કાવ્ય આપે છે. સાંપ્રત જીવનની વિરૂપતા – કઢંગાપણાને તે કટાક્ષ દ્વારા આબાદ પ્રગટ કરે છે. તેમનું ‘ચુનાવ’ ઉપરનું કટાક્ષ કાવ્ય ખૂબ જાણીતું થયેલું છે. આજના કહેવાતા રાજકારણીની તાસીરને તે શબ્દમાં પ્રગટ કરી આપે છે. હાસ્ય-કટાક્ષની આ શક્તિનો આજને તબક્કે વિનિયોગ કરવાની ખૂબ જરૂર છે. શ્રી નાથાલાલ દવેની કાવ્યપ્રવૃત્તિની બીજી એક નોંધપાત્ર વિશેષતા તે લાંબાં સળંગ કાવ્યો રચવાની. ખંડકાવ્ય ‘યશોધરા’ અને રવીન્દ્રનાથના બંગાળી કાવ્ય ઉપરથી રચેલ ‘મેઘદૂત’માં તેમની કવિત્વશક્તિનો ઉદ્રેક વરતાય છે. ઋતુ ઋતુનાં શબ્દચિત્રો પણ તેમણે દોર્યાં છે. પ્રણયગીતો પણ કેટલાંક સારાં થયેલાં છે. તેમના કાવ્યસંગ્રહ ‘જાહ્નવી’માં સ્વાતંત્ર્ય દિન, આપણી પંચવર્ષીય યોજનાઓ, વિનોબાજીની સર્વોદય પ્રવૃત્તિઓ વગેરે વિશે તેમણે ઘણી રચનાઓ કરી છે. આ બધી કૃતિઓનું ભલે કલાદૃષ્ટિએ નહિ પણ બીજી દૃષ્ટિએ મૂલ્ય છે ખરું. કવિતાને જન સામાન્ય સુધી, બહોળા પ્રજા વર્ગ સુધી લઈ જવાનો સંનિષ્ઠ પુરુષાર્થ કેટલા કવિઓએ કર્યો? નાથાલાલનું આ વિશિષ્ટ પ્રદાન લેખાશે. ‘એવા આવે છે ધરતીના સાદ રે હાલો ભેરુ! ગામડે’ અથવા તો ‘ભાઈ! હાલો રે કરવાને વાવણી, હે જી ગાતા હરિની લાવણી’, અથવા તો ‘ધરતી હિન્દુસ્તાનની’ કે ‘ચાલો મોરી કારવાં’ જેવી કૃતિઓ લોકપ્રિય પણ થયેલી છે. પ્રજા પાસે આવા થોડા કવિઓ પણ હોવા તો જોઈએ જ. અલબત્ત તેમની કેટલીક રચનાઓ પ્રાસંગિક ને પ્રચારલક્ષી જ થાય છે, અને ઉદ્ગારોથી આગળ વધતી નથી. પણ પ્રજાને મૂલ્યવિવેક કરાવવાની દૃષ્ટિએ અને કેળવવાની દૃષ્ટિએ રાષ્ટ્રપ્રેમથી પ્રેરાઈને નાથાલાલભાઈએ જે રચનાઓ કરી છે તે એમને કવિ તરીકે મેઘાણીના કુળમાં મૂકે એવી છે. ૧૯૬૦માં ‘જાહ્નવી’ સંગ્રહ ડોલરરાય માંકડની ટૂંકી પ્રસ્તાવના સાથે પ્રગટ થયેલો. ૧૯૬૧માં ગુજરાત સરકારે એને કવિતાનું પ્રથમ પારિતોષિક આપેલું. (તેમના કાવ્યસંગ્રહ ‘અનુરાગ’ને ૧૯૭૩નું પારિતોષિક મળ્યું હતું.) ગુજરાતના ‘એક શિષ્ટસૌમ્ય કવિ’ તરીકે ડોલરરાયભાઈએ એમને આવકારેલા. પ્રથમ કાવ્યસંગ્રહ વખતે ઉમાશંકરે “ગીત તેમની કલાની કલગી નથી” એમ કહેલું પણ, આ બીજા સંગ્રહમાં તેમણે ગીતો ઘણાં આપ્યાં અને ‘શ્રાવણ’, ‘ઘેરાયાં ગગન’, ‘વિદાય’ અને ‘મુરલી’ જેવાં લયહિલ્લોલવાળાં સુંદર ગીતો તેમની પાસેથી મળ્યાં, કવિ કહે છેઃ “છેલ્લાં પંદર વરસમાં ગામડાંઓમાં મારે ઠીક ફરવાનું થયું, તેથી લોકસંપર્કની અસર આ ગીતની શૈલીમાં કંઈક વરતાશે. અટપટા કરતાં સાદા ભાવો અને સરલ ભાષા તરફ મારું વલણ વધારે રહ્યું છે. હરિયાળી ધરતી, શ્રાવણુનાં સરવડાં, સીમની હવા...” આ લોકાભિમુખ લોકોના કવિનો કંઠ આજે પણ એટલો જ બુલંદ અને સ્વસ્થ છે. શ્રી હ. પ્રે. ત્રિવેદીનાં રુબઈયાત અને બીજાં કાવ્યો, વગેરેનું તેમણે સંપાદન કર્યું છે. તેમણે સાહિત્ય અકાદમીની પ્રવાસ અનુદાનની યોજનામાં ભારતના જુદા જુદા પ્રદેશોનો પ્રવાસ કરેલો. ‘શિખરોની પેલે પાર’માં જુદા જુદા પ્રદેશોની ભૂમિકા તથા લોકબોલીનો વિનિયોગ કરીને તેમણે વાર્તાઓ લખી છે. હાસ્યરસની વાર્તા ‘ઊડતો માનવી’ પણ ઉલ્લેખપાત્ર છે. એક કાવ્યમાં તે કહે છેઃ “કવિતા મારી આ, મુજ વિણ ન કોનેય ખપની” પણ નાથાલાલ દવેની કવિતા કેટલા બધાને ખપની છે તે કહેવાની જરૂર છે ખરી?
૧૩-૮-૭૮