શબ્દલોકના યાત્રીઓ – ૧/રામપ્રસાદ બક્ષી

રામપ્રસાદ બક્ષી

અત્યારે તમારે પંડિત યુગના સાક્ષરને મળવું છે? તો મુંબઈ જાઓ ત્યારે શ્રી રામપ્રસાદ બક્ષીને મળવાનું ચૂકશો નહિ. પંડિત યુગના પ્રચંડ મનોઘટનાશાળી સાક્ષરો કેવા હશે એનો તમને કંઈક ખ્યાલ મળશે. પણ આ સાક્ષરમાં એક ફરક એ છે, કે સતત મોટા વિચારો સાથે કામ પાડતા હોવા છતાં તેમનામાં સહેજ પણ ભારેખમપણું નથી. જ્યારે મળો ત્યારે હળવા ફૂલ જેવા. સૂક્ષ્મ નર્મમર્મ ચાલુ વાતચીતમાં રેલાયા કરે. તીક્ષ્ણ હાસ્યવિનોદની છોળો ઊડ્યા કરે. રામભાઈને મળીને ભાગ્યે જ કોઈ માણસ ગંભીર રહી શકે. જીવનને ફિલસૂફની નજરે જોતા તેઓ એક હસતા ફિલસૂફ છે. શ્રી રામપ્રસાદ બક્ષી સંસ્કૃતના વ્યુત્પન્ન પંડિત, સાહિત્ય-મીમાંસક, કળાકૃતિઓ સાથે કામ પાડનારા દૃષ્ટિપૂત વિવેચક અને સંપાદક છે. ભારતીય સાહિત્ય મીમાંસાના ફૂટ પ્રશ્નોના તેમણે કરેલા ઊહાપોહે કેટલાક પાયાના પ્રમેયોને ગુજરાતીમાં વિશદ રીતે મૂકી આપ્યા, અભિમત સિદ્ધાંતો કળાકૃતિઓને લાગુ પાડી આપ્યા એ તેમની મહત્ત્વની સેવા છે. સમગ્ર ભારતમાં પણ એમના જેવી સજ્જતાવાળા વિદ્વાનો ગણ્યાગાંઠ્યા જ છે. ગુજરાતી ઉપરાંત સંસ્કૃત અને અંગ્રેજી રામપ્રસાદ બક્ષી પર પણ તેમને પ્રભુત્વ છે. સંસ્કૃતમાં તેઓએ કાવ્યરચનાઓ કરી છે. સંસ્કૃત તેઓ ખૂબ આસાનીથી બોલી-લખી શકે છે. અંગ્રેજીમાં પણ તેમણે અનેક પેપર્સ લખ્યાં છે. ભાષાશાસ્ત્રમાં પણ તેમને જીવંત રસ છે. એ વિષયમાં પણ તેમણે ગણનાપાત્ર કાર્ય કર્યું છે. રસ-મીમાંસાના ક્ષેત્રમાં તો રામપ્રસાદ બક્ષી, સ્વ. ડોલરરાય માંકડ, નગીનદાસ પારેખ વગેરેએ જે બરનું કામ કર્યું છે તે અનુત્તમ છે. દુર્ભાગ્યે ઉપરની નામાવલિ આગળ લંબાવી શકાય એવી સ્થિતિ નથી. સાહિત્ય મીમાંસક હોય અને એ સાથે જ પ્રત્યક્ષ વિવેચનકાર પણ હોય એવો સુમેળ વારંવાર જોવા મળતો નથી. રામભાઈમાં એ બંનેનો સુમેળ થયેલો છે. સાહિત્ય ઉપરાંત શિક્ષણશાસ્ત્ર એ પણ તેમનું જીવનભરનું કાર્યક્ષેત્ર રહ્યું છે. એમાં પણ તેઓ શિક્ષણની મીમાંસા કરનારા અને એ સાથે જ ઉત્તમ શિક્ષક રહ્યા છે. તેમના હાથ નીચે અભ્યાસ કરનારાઓની બે-ત્રણ પેઢી થઈ ગઈ છે. એ રીતે તેઓ ગુરુણાં ગુરુ: ગણાય. તેમના નામની આગળ મુકાતો ‘આચાર્ય’ શબ્દ એનું પૂરું વજન ધરાવે છે. શ્રી રામપ્રસાદ પ્રેમશંકર બક્ષીનો જન્મ ૨૭મી જૂન ૧૮૯૪ના રોજ જૂનાગઢમાં થયો હતો. વતન રાજકોટ. તેમણે ૧૯૧૪માં મુંબઈ યુનિ.ની બી. એ.ની ડિગ્રી સંસ્કૃત ઑનર્સ સાથે બીજા વર્ગમાં મેળવી. મુંબઈ સરકારના ખાતા તરફથી એસ. ટી. સી. ડી. ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પ્રથમ આવી પસાર કરી. સાન્ટાક્રુઝની પ્રખ્યાત શેઠ આનંદીલાલ પોદ્દાર હાઈસ્કૂલમાં ૧૯૨૭થી ૧૯૫૯ સુધી આચાર્ય તરીકે રહ્યા. અનેક વિદ્યાર્થીઓના જીવનઘડતરમાં ભાગ ભજવ્યો. ૧૯૫૯ના જૂનમાં નિવૃત્ત થયા પછી પણ તે આ સંસ્થાના માનદ સલાહકાર તરીકે રહ્યા છે. તેમની વિદ્વત્તાની કદર રૂપે મુંબઈની મીઠીબાઈ કૉલેજે તેમને માનાર્હ અધ્યાપક તરીકે નિયુક્ત કર્યા. મુંબઈ યુનિવર્સિટીએ ૧૯૬૧માં પીએચ. ડી.ના ગાઈડ નીમ્યા, એમ. એસ. યુનિવર્સિટી વડોદરામાં ત્રણ વર્ષ વિઝિટિંગ પ્રોફેસર તરીકે રહ્યા. બીજી અનેક સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે તે જોડાયેલા રહ્યા છે. ગોરેગાંવના સંસ્કારધામ વિદ્યા મંડળના પ્રમુખ તરીકે રહ્યા. તેમની સુદીર્ઘ સાહિત્ય સેવાની કદરરૂપે ગુજરાતી સાહિત્ય પરિષદે ૧૯૭૬-૭૭માં પોરબંદર ખાતે ભરાયેલા એને અઠ્ઠાવીસમા અધિવેશનમાં શ્રી રામપ્રસાદ બક્ષીની પ્રમુખ તરીકે વરણી કરી હતી. આ અગાઉ શ્રી રામભાઈ આ પદ માટે સતત નન્નો ભણતા રહેલા; છેવટે એમના પ્રશંસકો અને સાહિત્યકારોના મમતાભર્યા આગ્રહથી તેમણે આ સ્થાન સ્વીકારેલું. તેમના પ્રમુખીય વ્યાખ્યાનમાં સાહિત્ય શાસ્ત્રના મૂળભૂત પ્રમેયોની સમર્થ મીમાંસા કરવામાં આવી છે. કાવ્યમાં નિગૂહન, શબ્દની ત્રિવિધ શક્તિઓ, કાવ્યમાં અલંકારોનું પ્રયોજન, કળામાં આકૃતિવિધાન, પદ્યરચનામાં વૃત્તોનું સ્થાન, પ્રતીકનું મહત્ત્વ, કળામાં તિરોધાનનો પ્રશ્ન, સાહિત્યમાં અશ્લીલતા, કાવ્ય વિષયભૂત અનુભૂતિ, કાવ્યની ફલશ્રુતિ આદિ તાત્ત્વિક પ્રશ્નોની એમના આ અભ્યાસમંડિત વ્યાખ્યાનમાં સમર્થ ચર્ચા કરવામાં આવી છે. મુંબઈમાં યોજાતાં કવિસંમેલનો કે સાહિત્ય મેળાવડાઓમાં શ્રી રામભાઈએ પ્રમુખસ્થાન શોભાવ્યું છે અને દ્યોતક નિરીક્ષણો આપ્યાં છે. પ્રયાગની મહા-માહિમોપાધ્યાયની માનદ પદવીની તેમને ઓફર થયેલી પણ તેમણે એનો સ્વીકાર કર્યો નહિ. શ્રી રામભાઈ અનેક સમિતિઓ પર રહી ચૂક્યા છે. ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડની સલાહકાર સમિતિ પર તેમણે ચાર વર્ષ સેવાઓ આપેલી. વાર્ધક્યમાં પણ તે સતત વિદ્યાકીય પ્રવૃત્તિ કરે છે. એકવાર તેમણે મને પત્રમાં લખેલું કે મુંબઈ ‘કુરુક્ષેત્ર’ બની ગયું છે. બધા કહે છે ‘ત્વં કુરું ત્વં કુરું’ – તું કર, તું કર! અને શ્રી રામભાઈનો સ્વભાવ કોઈને નિરાશ કરતો નથી, એથી તબિયત પર બોજો પડવા છતાં તે ફલદાયી વિદ્યાકાર્યમાં હમેશાં સહકાર આપે છે. શ્રી રામપ્રસાદ બક્ષીનું લેખનકાર્ય તો ઘણું વહેલું આરંભાયેલું પણ તેમણે ગ્રંથસ્થ ઘણું મોડું કર્યું. તેમનો પ્રથમ ગ્રંથ ‘વાઙ્મય વિમર્શ’ ૧૯૬૩માં પ્રગટ થયો. આ ગ્રંથને ગુજરાત સરકારનું પ્રથમ પારિતોષિક મળ્યું. ૧૯૭૦માં એની બીજી આવૃત્તિ પ્રગટ થઈ. તેમણે આ ગ્રંથ એમના પૂજ્ય મામા સ્વ. સાક્ષર હિંમતલાલ ગણેશજી અંજારિયાને અર્પણ કર્યો છે. (આજે પણ વાતવાતમાં સ્વ. અંજારિયાનાં સંસ્મરણો વર્ણવતાં તેમનો અવાજ લાગણીભીનો બને છે.) એવો જ આદર અને પ્રેમ સ્વ. નરસિંહરાવ દિવેટિયા, ધનસુખલાલ મહેતા અને શ્રી સુંદરજીભાઈ બેટાઈ પ્રત્યે તેમને છે. આ ગ્રંથમાં કાવ્યનું સ્વરૂપ, કાવ્યમાં અલંકાર અને છંદ, કવિતામાં પરંપરા વિચ્છેદ, કાવ્ય-નાટકમાં રસનિષ્પત્તિ, રસ સિદ્ધાન્તની હાસ્ય પરત્વે ન્યૂનતા, રસ અને નાટ્ય, નાટકમાં સામાજિક તત્ત્વ વગેરે વિષેની પર્યોષણા કરી છે. આ જ વર્ષ (૧૯૬૩)માં એમનાં બીજાં બે પુસ્તકો ‘નાટચ રસ’ અને ‘કરુણ રસ’ પ્રગટ થયાં. ‘કરુણ રસ’ એ મ. સ. યુનિવર્સિટી વડોદરાના ભારતીય સંગીત-નૃત્ય-નાટ્ય મહાવિદ્યાલયના ઉપક્રમે આપેલાં ત્રણ વ્યાખ્યાનોનો સંગ્રહ છે. પહેલા વ્યાખ્યાનમાં નાટ્યતત્ત્વનો સંક્ષિપ્ત પરિચય આપી કરુણ રસના વિભાવ, પાશ્ચાત્ય ટ્રેજેડીમાં કરુણ રસની નિષ્પત્તિ, આજના જમાનામાં ઉમેરવા યોગ્ય વિભાવોની સમજ આપી છે. બીજા વ્યાખ્યાનમાં કરૂણ રસના અનુભાવનમાં નટની અને પ્રેક્ષકની દૃષ્ટિએ રહેલી મુશ્કેલીઓનું વિશદ વિવરણ આપ્યું છે. કરુણ રસના અન્ય રસો સાથેના સંબંધની ચર્ચા સારી થયેલી છે. ટ્રેજડીની પણ સમાંતરે સ્વરૂપચર્ચા થઈ છે. શ્રી રામભાઈ પૌરસ્ત્ય સાહિત્ય મીમાંસાનો નિષ્કર્ષ લાઘવમાં આપવા સાથે પ્રસંગોપાત્ત પાશ્ચાત્ય સાહિત્યમાંથી ઉદાહરણો લે છે અને આધુનિક દેશકાળની સ્થિતિ પણ લક્ષમાં લેતા હોઈ તેમની ચર્ચા સવિશેષ ઉપેાગી અને જીવંત નીવડે છે. ત્રીજા વ્યાખ્યાનમાં કરુણ રસની અનુભૂતિની લૌકિક અનુભવથી ભિન્નતા, શોક શી રીતે કરુણ રસરૂપ પામે છે, દુઃખપ્રધાન રચના હોવા છતાં પ્રેક્ષકને આનંદાનુભૂતિ શી રીતે થાય છે વગેરે પ્રશ્નોની ચર્ચા ઊંડાણથી કરી છે. એમની વિચારણા કેટલી વ્યાપક અને પ્રગતિશીલ છે એનો ખ્યાલ આ પુસ્તકમાં આવે છે. ‘નાટ્ય રસ’ પણ તેમનાં આવાં અભ્યાસમંડિત વ્યાખ્યાનોનો સંગ્રહ છે. શ્રી રામભાઈને ગોવર્ધનરામ માટે પણ અપાર પ્રીતિ, ગોવર્ધનરામની અંગ્રેજી સ્ક્રૅપ બુકોના સંપાદનમાં તે સ્વ. કાન્તિલાલ છ. પંડ્યા અને સન્મુખલાલ પંડ્યાની સાથે રહ્યા છે. ગોવર્ધનરામને સમ્યક રીતે સમજવામાં અત્યંત સહાયરૂપ એવી એમની અંગ્રેજી સ્ક્રૅપ બુકોને ગુજરાતીમાં ‘ગોવર્ધનરામની મનન નોંધ’ પુસ્તકમાં સારાનુવાદરૂપે ગુજરાતીમાં સુલભ બનાવીને શ્રી રામભાઈએ ગુજરાતી સાહિત્યની મોટી સેવા કરી છે. ‘ગોવર્ધનરામનું મનોરાજ્ય’ એ તેમના ગોવર્ધનરામ વિષયક અભ્યાસલેખોનો સંગ્રહ છે. શ્રી રામભાઈ બક્ષી સાથે ‘ઉત્તમલાલ ત્રિવેદીની ગદ્યરિદ્ધિ’નું સંપાદન કરવાની તક આ લખનારને મળી હતી. તેમના જેવા દૃષ્ટિસમ્પન્ન વિદ્વાનના સહયોગમાં કાર્ય કરવાનો લાભ મળ્યો એને હું મારું સદ્ભાગ્ય લેખું છું. સ્વ. ધનસુખલાલ મહેતાના સહયોગમાં તેમણે ‘નરસિંહરાવની રોજનીશી’નું પણ સંપાદન કરેલું. ગુજરાત સાહિત્ય સભા તરફથી ૧૯૫૩ના ગ્રંથસ્થ વાઙ્મયની સમીક્ષા પણ તેમણે તૈયાર કરી આપેલી. એમની સાહિત્યસેવા માટે તેમને ‘નર્મદ સુવર્ણચંદ્રક’ એનાયત થયેલો. હાલ શ્રી રામભાઈ મુંબઈમાં નિવૃત્ત જીવન ગાળે છે. થોડા સમય પહેલાં આંખે મોતિયો ઉતરાવેલો. સારો ઊતર્યો. ચશ્માં પણ સારાં આવ્યાં, પણ પછી આંખની કીકીમાં clot જામ્યો. આને કારણે આંખની તકલીફ રહે છે. તાજેતરમાં તેમણે મને લખ્યું “અન્ય ઉપાય નથી. દવાથી લાંબે ગળે ત્યારે. જખ મારે એ રુધિરકણી, એ ગળે તે પહેલાં હું નહિ ગળી (પીગળી) જાઉં?” પરંતુ સમસ્ત ગુજરાત ઈચ્છશે કે એ રુધિરકણી જ જલદી ગળી જાય! ગુજરાતીભાષી પ્રજાને શ્રી રામભાઈના જેવી સજ્જતાવાળા સાચા-સાત્ત્વિક વિદ્વાનો કોઈ પુણ્ય સંચયબળે જ પ્રાપ્ત થતા હોય છે!

તા ૧૫-૬-૮૦