શબ્દલોકના યાત્રીઓ – ૧/ગોપાળરાવ વિદ્વાંસ
તાજેતરમાં સુપ્રસિદ્ધ અનુવાદક ગોપાળરાવ વિદ્વાંસનું અવસાન થયું. ગુજરાતી સાહિત્યને મરાઠી ભાષાની કૃતિઓ ગુજરાતીમાં લઈ આવનાર પ્રમાણભૂત અનુવાદકની મોટી ખોટ પડી છે. ૨૩મી મે ૧૯૮૦ના રોજ તેમણે આ નશ્વર દેહ છોડ્યો. અવસાન સમયે તેમની ઉંમર ૮૪ વર્ષની હતી. મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવીને સ્થિર થયેલા અને ગુજરાતને પોતાનું વતન લેખી એના સંસ્કાર સંવર્ધનમાં ફાળો આપનાર ગણતર મહારાષ્ટ્રિયનોમાં વિદ્વાંસ બંધુઓની બેલડીનું પણ ખાસ સ્થાન છે. ગોપાળરાવના નાનાભાઈ ભાસ્કરરાવ વિદ્વાંસે વર્ષો સુધી સી. એન. વિદ્યાવિહારમાં ભૂગોળના શિક્ષક તરીકે કામ કર્યું અને વિવિધ કક્ષાની ભૂગોળો તેમણે ગુજરાતીમાં આપેલી. ગોપાળરાવના અવસાનથી આ બેલડી ખંડિત થઈ. ગોપાળરાવ વિદ્વાંસનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લામાં આવેલ ચાંજલા ગામમાં ૧૮૯૬ના નવેમ્બરની ૨૬મીએ થયો હતો. પિતા ગજાનન સૌરાષ્ટ્રના એક રજવાડામાં—વળામાં મોજણીદાર હતા. તે સૌનો પ્રેમ જીતી શકેલા. માતા સરસ્વતીબહેન પણ ધાર્મિક હતાં. મૂળશંકર ભટ લખે છે કે “બન્નેની બોલચાલમાં પૂરાં કાઠિયાવાડી ઉચ્ચારોનો પણ રણકાર સંભળાય અને છતાં મરાઠી ભાષા પરની ભક્તિ પણ એવી જ. ઘરમાં પરસ્પર આ ભાષાનો ઉપયોગ ચાલુ હોય અને પડોશના લોકો સાથે એટલી જ સહજ રીતે શુદ્ધ કાઠિયાવાડી રણકાવાળી બોલીનો વ્યવહાર ગજાનનદાદાના કંઠે કાઠિયાવાડી ભજનિકોનાં ભજનો સાંભળવાં એ પણ લહાવો હતો.” પિતાના વ્યવસાયને કારણે તેમનું બાળપણ ભાવનગર પાસે વલ્લભીપુરમાં વીત્યું. પૂનાની ફર્ગ્યુંસન કૉલેજમાંથી તે ગણિત શાસ્ત્રનો વિષય લઈ સ્નાતક થયા. અભ્યાસકાળ દરમ્યાન તેમને નાનાભાઈ ભટ્ટ અને ગિજુભાઈ બધેકા જેવા કેળવણીકારોનો પરિચય થયો, સ્નાતકની પદવી પ્રાપ્ત કર્યા પછી તેમની સાથે જ કામ કરવાનું એમણે પસંદ કર્યું અને ભાવનગરની શિક્ષણસંસ્થા દક્ષિણામૂર્તિ ભવનમાં આજીવન સેવક તરીકે જોડાયા. ૧૯૩૯માં આ સંસ્થા બંધ થઈ ત્યાં સુધી એની સાથે જોડાયેલા રહ્યા. ગાંધી વિચારધારા પર આધારિત રાષ્ટ્રીય ભાવના, સંસ્કારપ્રિયતા અને કેળવણી વિષેના તેમના વિચારો આ કાળમાં જ ઘડાયા. જીવનમાં જે મૂલ્યોને તેમણે અગ્રિમતા આપી તે દક્ષિણામૂર્તિની દેણ હતી. દક્ષિણામૂર્તિના પ્રકાશન વિભાગનો તેમને અનુભવ હતો. આ સંસ્થાએ બાળકો અને કિશોરો માટે ઉપયોગી સાહિત્ય પ્રગટ કર્યું. શિક્ષણ અંગેનાં પુસ્તકો પણ પ્રગટ થયાં. આ બધામાં ગોપાળરાવનો હિસ્સો ગણનાપાત્ર, મૂળશંકર ભટ્ટ એ વખતનાં સંસ્મરણો આપતાં કહે છે, “સ્વ. ગિજુભાઈના ધોધમાર બાલ-સાહિત્યને આકાર, ગતિ, વિસ્તાર ને સાદું સૌન્દર્ય મળ્યાં તે ગોપાળભાઈની આગવી સૂઝ, ધગશ, તન્મયતાને આભારી છે. મારા જેવા સાવ અણઘડ લેખકનાં ઘાટઘૂટ વગરનાં લખાણોને મઠારીને તે એવી રીતે તૈયાર કરતા કે આ લખાણ ગોપાળભાઈનું જ છે એમ કહેવાનું મન થઈ જાય. હું એમનો આભાર માનું તો તેઓ એ વાતને અરધેથી જ કાપી નાખે. નમ્રતા તો પાર વગરની.” નાનાભાઈ પ્રત્યેની ગુરુભક્તિ પણ એવી કે મૂળશંકરભાઈ કહે છે તેમ કૂવા પર પાણી સીંચીને નવરાવવા, તેમનાં કપડાં ધોવાં એ જાણે તેમનો નિત્યક્રમ બની ગયેલો. એ સમયે પ્રજ્વલિત થયેલી રાષ્ટ્રીય ભાવનાથી પ્રેરાઈને ૧૯૩૨ના સત્યાગ્રહની લડતમાં તેમણે ભાગ લીધો. વીરમગામ છાવણીમાંથી પકડાયા અને છ મહિના યરવડા જેલનો કારાવાસ ભોગવ્યો. દક્ષિણામૂર્તિ બંધ થયા પછી એ સમયના જાણીના બાળસાહિત્યનાં લેખિકા શ્રી તારાબહેન મોડક સાથે થોડો સમય તેમણે મુંબઈમાં દાદરની સંસ્થામાં કામ કર્યું. આ પછી તે મુંબઈની જાણીતી પ્રકાશનસંસ્થા આર. આર. શેઠની કંપનીના માલિક સ્વ. ભુરાલાલ શેઠના પરિચયમાં આવ્યા અને ચોસઠ વર્ષની વયે નિવૃત્ત થયા ત્યાં સુધી તેમણે આ પ્રકાશનસંસ્થામાં કામ કર્યું. તેમણે પોતાના આયુષ્યનાં પાંત્રીસ વર્ષ અનુવાદકાર્ય કર્યું, એનો આરંભ સ્વ. ભુરાલાલ શેઠના પરિચયથી થયેલો. બન્યું એવું કે એમના કોઈ સ્નેહીએ વિ. સ. ખાંડેકરની ‘ક્રોંચવધ’ નવલકથા મરાઠીમાં વાંચેલી, વાંચીને તેમને થયું કે આ કથા ગુજરાતીમાં ઊતરે તો સારું. તેમણે ગોપાળરાવને વાત કરી. આરંભમાં તો તે અચકાયા. પોતાનાથી આ કાર્ય થઈ શકશે કે કેમ એની મૂંઝવણ થઈ પણ ધારો કે તે અનુવાદ તો કરે પણ આવું પુસ્તક છાપે કોણ? ગુજરાતીમાં એ વખતે બંગાળી અનુવાદોની બોલબાલા હતી, છેવટે ભુરાલાલ શેઠે હામ ભીડી. ગોપાળરાવે ‘ક્રૌચવધ’નો અનુવાદ કર્યો અને તેમણે એ પ્રગટ કર્યો. એ બન્યું ૧૯૪૫માં. વાચકોએ એમનો અનુવાદ વખાણ્યો, એની માંગ વધવા માંડી. ગોપાળરાવ એક પછી એક અનુવાદો આપતા ગયા. ગુજરાતીમાં ખાંડેકરની લોકપ્રિયતા માટે ગોપાળરાવ પણ જવાબદાર છે. તેમણે ખાંડેકરની ‘ઉલ્કા’, ‘દાઝેલાં હૈયાં’, ‘સંધ્યાદીપ’, ‘આશામિનારા’, ‘સુવર્ણ રેણુ’, ‘દોનધ્રુવ’, ‘યયાતિ’ જેવી અનેક નવલકથાઓ ગુજરાતીમાં અનુવાદિત કરી છે. જે ‘કૌંચવધ’ના પ્રકાશન પ્રસંગે અવઢવ હતી તેની પણ સાત આવૃત્તિઓ અત્યાર સુધીમાં પ્રગટ થઈ છે. તેમણે કુલ ૭૫ જેટલાં મરાઠી પુસ્તકોના અનુવાદ કર્યા છે. આ ઉપરાંત તેમણે ગ. ત્ર્યં. માડખોલકરની ‘પલટાતાં ગૃહજીવન’ ‘ચંદનવાડી’, વિભાવરી શિરૂરકરની ‘બલિદાન’, શ્રી.ના, પેંડસેની ‘ગારીબીનો બાપુ’ અને ‘હદપાર’, ગો.ની. દાંડેકરની ‘શિતૂ’, અને ‘ભ્રમણગાથા,’ રણજિત દેસાઈની ‘સંધ્યાનો શુક્ર,’ વગેરે મરાઠી સાહિત્યની સત્ત્વશીલ કૃતિઓ ગુજરાતીમાં આપી છે. બોરકરની કલાકૃતિ ‘ભાવીણ’ને ગુજરાતી દેહ આપવાનું માન પણ તેમના ફાળે જાય છે. સ્વ. ગોપાળરાવ વિદ્વાંસનું અનુવાદકાર્ય ગુણવત્તામાં અને ઈયત્તામાં માતબર કહી શકાય એવું છે. બંગાળીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવાનું જે કાર્ય નગીનદાસ પારેખ, રમણલાલ સોનીએ કર્યું તેવું જ મરાઠીમાંથી અનુવાદ કરવાનું કાર્ય ગોપાળરાવે કર્યું છે. સુયોગ્ય ગુજરાતી પર્યાય માટે તે ઘણી મથામણ કરતા. એમના અનુવાદો અધિકૃતતાની છાપ લઈ આવે છે. ૧૯૭૪માં યુનિ. ગ્રંથનિર્માણ બોર્ડ માટે ‘ભારતીય નવલકથા’ પુસ્તક હું તૈયાર કરતો હતો ત્યારે મરાઠી નવલકથાઓ વિશે અવારનવાર તેમની સાથે ચર્ચા કરતો, અનેક કૃતિઓના અંશો તેમણે મૂળ મરાઠી સાથે મને સરખાવી આપ્યા હતા. તેમની વિદ્યાપ્રીતિની અને સ્નેહાળપણાની સઘન છાપ પડેલી. સૌમ્ય પ્રકૃતિનો વિદ્યારસિક સજ્જન અને દૃષ્ટિસંપન્ન અનુવાદકના અવસાનથી ગુજરાતી સાહિત્યને મોટી ખોટ પડી છે. પ્રભુ સ્વર્ગસ્થના આત્માને ચિર શાંતિ અર્પો!
૨૦-૭-૮૦