શબ્દલોકના યાત્રીઓ – ૧/સ્નેહરશ્મિ

સ્નેહરશ્મિ

૧૬ એપ્રિલ, ૧૯૭૮. સવારનો સમય. ઉમાશંકરભાઈ સાથે સી. એન. વિદ્યાવિહારમાં શ્રી. ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ના નિવાસે પહોંચ્યો. કવિ નિરંજન ભગત ત્યાં બેઠા હતા. ઝીણાભાઈએ આજે પંચોતેર વર્ષ પૂરાં કર્યા હતાં. અમે સાનંદ અભિનંદન આપ્યાં. ઝીણાભાઈ અત્યંત પ્રસન્ન અને સ્વસ્થ હતા. કપાળે કુમકુમ તિલક કરેલું હતું. માધુર્યની મૂર્તિ સમા ઝીણાભાઈ આજે પ્રેક્ષણીય લાગતા હતા. વાર્ધક્ય પણ કેટલું સુંદર હોઈ શકે એ આ ક્ષણે પ્રતીત થયું. કવિ અને કેળવણીકાર તરીકે આ પોણી સદીમાં કેટકેટલા અનુભવોનાં ચિત્રો તેમના ચિત્ત પર પસાર થતાં હશે! છેલ્લે છેલ્લે કવિ સ્નેહરશ્મિમાં આધ્યાત્મિક અભિગમ સવિશેષ રૂપે દેખાય છે. એમના એક તાજા કાવ્યનું શીર્ષક છે ‘અનાગતના બંદર પ્રતિ’. આરંભ થાય છે :

કોક બોલ્યું :
દાયકાઓના અનુભવોની
રંગબેરંગી ઝાંયવાળા
દેહના ઉત્તરીયને
હવે ક્યાંક ટીંગાડવું પડશે-
ટુવાઓએ એમાં બારીક
છિદ્રો પાડ્યાં છે, તાણાવાણા
એના ઘસાઈ ગયા છે.
અને કવિ કહે છેઃ
જે અનાગતના બંદર પ્રતિ
મારે જવાનું છે ત્યાં પહોંચવા
મારા વહાણનું સુકાન
અજર અમર એવી મારી
ચેતનાના હાથમાં કાં ન મૂકી દઉં?

વેદનાનું ગીત ગાવાની મનીષા પ્રગટ કરતા કવિ સ્નેહરશ્મિ આમ તો જીવનમાંગલ્યના કવિ છે. ગાંધીયુગના કવિઓમાં સુન્દરમ્, ઉમાશંકર પછી તરત તેમનું નામ લેવાતું. ગાંધીયુગની ભાવનાઓ, આદર્શો અને કપરી સામાજિક વાસ્તવિકતાને તેમણે વાચા આપી છે. હું ભણતો ત્યારે “જાગ રે! જાગ સૂનારા! જો પ્રસરે સ્વાર્પણજ્વાળા” એ તેમની પંક્તિઓનું કંઈ અનેકવાર ગુંજન કરેલું. ‘સ્વાધીનોનું ગીત’, ‘બ્યૂગલ’, ‘અવતાર’ જેવાં કાવ્યો પણ અનેકવાર વાંચેલાં. ‘સરિતાનું ગાન’, ‘અર્ઘ્ય’, ‘સિંધુનો સાદ’, ‘અણદીઠ જાદુગર’ પણ સ્મરણીય છે. દીનદલિતો પ્રત્યેનો સમભાવ અને ગાંધીજીવનદર્શનથી પ્રેરાયેલી સ્વાતંત્ર્ય, પ્રેમ-અહિંસા, સંસ્કૃતિ-પ્રેમ આદિ ભાવનાઓ શ્રી. સ્નેહરશ્મિની કવિતામાં કલાત્મક અભિવ્યક્તિ પામી છે. પણ આ ઉપરાંત, કહો કે એની સાથે જ, રવીન્દ્રનાથની સૌન્દર્યભાવનાનો તંતુ પણ આરંભથી જ એમની કવિતામાં દેખાય છે. એમનાં ગીતમાં બંગાળી લય-લહેકા માત્રથી જ નહિ પણ કાવ્યના જીવાનુભૂત તત્ત્વ તરીકે અને જીવનદૃષ્ટિ પરત્વે પણ રવીન્દ્રનાથની પ્રભાવક અસર સ્નેહરશ્મિની કવિતા પર થયેલી છે. તેમણે કાવ્યસંગ્રહો તો બે જ પ્રગટ કર્યા છે : ‘અર્ઘ્ય’ અને ‘પનઘટ’ અને ત્રીજો હાઈકુ સંગ્રહ ‘સોનેરી ચાંદ રૂપેરી સૂરજ’ અને ચોથો કાવ્યસંગ્રહ ‘નિજલીલા’ હવે પ્રગટ થશે. પણ એમની કાવ્યયાત્રામાં સાતત્ય રહેલું છે. આજે પણ અવનવા આકારોમાં તેઓ પોતાનો કાવ્યાનુભવ કંડારે છે. સ્નેહરશ્મિ ગાંધીયુગના કવિ હોવા છતાં અત્યારની કવિતારીતિને કે રચનાવૈચિત્ર્યને સમજવાનો પ્રયત્ન કરે છે અને છેલ્લાં વર્ષોમાં એમની કાવ્યશૈલી આધુનિક્તા સાથે પણ મેળમાં રહેલી દેખાય છે. આજે પણ એમની કાવ્યસર્જનપ્રક્રિયા તાજગીભરી રીતે ચાલે છે. હું તેમને મળવા ગયો હોઉં અને તેમની તાજી રચાયેલી રચનાઓ સાંભળ્યા વગર પાછો આવ્યો હોઉં એવું ક્યારેય બન્યું નથી! સ્વાભાવિક જ તમોને કવિતાલાભ થાય જ. આ પીઢ કવિને સુંદર હલકથી કાવ્યપઠન કરતા જોવા એ એક લહાવો છે, ગુજરાતમાં સૉનેટનો કાવ્યપ્રકાર અને પૃથ્વી છંદ એ બળવંતરાય ઠાકોરની ગુજરાતી સાહિત્યને એક કાવ્યસંગ્રહ સમી ભેટ છે એમ ઉમાશંકરે કહેલું. સ્નેહરશ્મિ માટે પણ ‘હાઈકુ’ના કાવ્યપ્રકાર પરત્વે એમ કહી શકાય. ‘હાઈકુ’ના જાપાની કાવ્યપ્રકારના છોડને તેમણે ગુજરાતીમાં રોપ્યો એટલું જ નહિ પણ એનું સંવર્ધન કર્યું, માવજત કરી, ભલભલા કવિઓને તેમણે હાઈકુ લખતા કરી દીધા! કાકાસાહેબે તેમને ‘હાઈકુ સ્નેહરશ્મિ’ના ઈલકાબથી નવાજ્યા, એમાં પૂરું ઔચિત્ય છે. ‘હાઈકુ’ના પ્રકારને તેમણે લોકપ્રિય બનાવ્યો એટલું જ નહિ પણ એનું આખું શાસ્ત્ર રચી આપ્યું. આ પ્રકારનો ઉદ્ભવ અને વિકાસ જાપાનની પ્રજાના જીવનસંદર્ભમાં કેવું મૂલ્ય ધરાવે છે અને હાઈકુનું જીવાનુભૂત તત્ત્વ શું છે એ વિષે એક સંશોધકની જહેમતથી તેમણે કામ કર્યું છે. એમના સંગ્રહની વિસ્તૃત પ્રસ્તાવના એની સાહેદી પૂરે છે. પણ અત્યારે લખાતા હાઈકુથી એમને સંતોષ નથી. માત્ર ૧૭ અક્ષરથી જ હાઈકુ બનતું નથી; જેમ ૧૪ લીટીથી જ સૉનેટ થતું નથી. જાપાનમાં દર વર્ષે ૧૦ લાખથી વધુ હાઈકુ લખાય છે અને એનાં પચાસ જેટલાં સામયિકો છે, પણ કલાત્મક હાઈકુઓ તો ગણતરીનાં જ નીકળે. શ્રી. સુન્દરમે ત્રણ સુકવિઓમાં સ્નેહરશ્મિને ગણાવેલા અને એમની “હાર્દરસ”ની કવિતાને વખાણેલી. રામનારામણ પાઠક અને બળવંતરાય ઠાકર જેવા કવિ-વિવેચકોએ સ્નેહરશ્મિની કવિતાની ઉચિત પ્રશંસા કરેલી છે. સ્નેહરશ્મિએ કવિતા ઉપરાંત ટૂંકી વાર્તા, નવલકથા, આત્મકથા આદિ પ્રકારો પણ સફળ રીતે ખેડ્યા છે. ‘હીરાનાં લટકણિયાં’, ‘ગાતા આસોપાલવ’, ‘સ્વર્ગ અને પૃથ્વી’, ‘પૃથ્વીના તારા’ જેવા વાર્તાસંગ્રહો તેમણે આપ્યા છે. તેમની વાર્તાઓ કોઈને કોઈ ભાવનાબિંદુને સ્પર્શે છે. વાર્તાના બાહ્ય દેહની પણ તે માવજત કરી જાણે છે. એમની વાર્તાઓ તેમનો શિક્ષકનો જીવ હોવા છતાં, ઉપદેશ આપવા લખાયેલી નથી. વાર્તાઓમાં પ્રગટ થતું તેમનું ભાવજગત અને નિરૂપણરીતિ આ વાર્તાઓને એક કવિની રચનાઓ ઠેરવે છે. તેમણે એક સરસ નવલકથા પણ લખી છે. ‘અંતરપટ’ નામે ‘સંસ્કૃતિ’માં એનું અવલોકન કરતાં મેં એને થોડાં વર્ષોમાં ગુજરાતીમાં પ્રગટ થયેલી નવલકથાઓમાં “વિશિષ્ટ સ્થાનની અધિકારી” તરીકે ઓળખાવી હતી. અમુક સમયગાળાની પ્રશ્ચાદ્ ભૂમિકામાં ઘટનાઓનો ક્રમિક વિકાસ આલેખીને તેમણે એક પ્રેમી યુગલની કરુણગંભીર પ્રણયકથા આપી છે તે ચિરકાળ આસ્વાદ્ય રહેશે. તેમણે સર્જેલું પનીનું પાત્ર ગુજરાતી નવલકથાઓનાં અમર સ્ત્રીપાત્રોમાં સ્થાન પામે એવું છે. આ નવલકથાની બીજી આવૃત્તિ પ્રગટ થઈ છે. તેમણે પોતાની આત્મકથા પણ લખી છે. ૧૮૭૦માં એનો પહેલો ભાગ ‘મારી દુનિયા’ પ્રગટ થયો. એમાં મુખ્યત્વે બાળપણ અને યુવાવસ્થાનાં સ્મરણો આલેખ્યાં છે. સ્વાતંત્ર્ય સંગ્રામના અનુભવો વર્ણવતો એનો બીજો ભાગ ‘નવી કેડી’ નામે અને શિક્ષણક્ષેત્રના અનુભવોને આવરી લેતો એનો ત્રીજો અને છેલ્લો ભાગ ‘વિસ્તરતી ક્ષિતિજો ‘ હવે પછી પ્રગટ થશે. ઝીણાભાઈ વિવેચન ઝાઝું લખતા નથી પણ જ્યારે લખે છે ત્યારે રસદર્શન અને રહસ્યદર્શન કરાવવાની તેમની વિશિષ્ટ શક્તિનો પરિચય થાય છે. હમણાં તેમણે ‘દર્શક’ની નવલકથા ‘સૉક્રેટિસ’ પર અભ્યાસલેખ લખી તેમની કલાસૂઝ અને કૃતિ–અંતગર્ત ઈતિહાસની ઝીણી નુકતેચીની કરવાની શક્તિનો પરિચય કરાવ્યો છે શ્રી ઝીણાભાઈ દેસાઈ, ‘સ્નેહરશ્મિ’નો જન્મ ૧૬મી એપ્રિલ ૧૯૦૩ના રોજ. પિતાનું નામ રતનજી ભાણાભાઈ ભગત અને માતાનું નામ કાશીબા. તેમના વતન ચીખલી-સમરોલીની પ્રકૃતિનું સુંદર વર્ણન તેમણે પોતાની આત્મકથામાં આપ્યું છે. તેર વર્ષની ઉંમરે તેમણે પિતા ગુમાવ્યા. એમના ઉછેરમાં માતા કાશીબાનો મહત્ત્વનો હિસ્સો છે. તેમનાં સહધર્મચારિણી મુ. વિજયાબહેનની પ્રેરણા તેમનાં સૌ કાર્યોમાં રહેલી છે. શ્રી વિજયાબહેન આજે પણ સામાજિક સેવાકાર્યમાં ગૂંથાયેલા રહે છે. તેમણે પ્રાથમિક શિક્ષણ ગામની શાળામાં લીધેલું. ૧૯૨૦માં મૅટ્રિકમાં હતા ત્યારે અસહકારની લડત ચાલી. ૧૯૨૧માં વિદ્યાપીઠના વિનીત થયા અને ૧૯૨૬માં સ્નાતક થયા. ગાંધીજીએ વિદ્યાપીઠમાં જે પાંચ સ્નાતકોને લીધા તેમાં ઝીણાભાઈ પણ એક હતા. તે ઇતિહાસ અને રાજકારણના અધ્યાપક થયા એ વખતે કૃપલાણી આચાર્ય હતા. વિદ્યાપીઠમાં વાતાવરણ ધમધમતું હતું. ઝીણાભાઈએ સત્યાગ્રહમાં જેલનિવાસ પણ ભોગવ્યો. સુરત સિટી કૉંગ્રેસ કમિટીના પ્રમુખ બનેલા, ૧૯૩૨-૩૩નાં બે વર્ષ જેલવાસ. ૧૯૩૪માં મુંબઈ વિલેપાર્લેમાં આવેલી ગોકળીબાઈ હાઈસ્કૂલના આચાર્ય બન્યા. એ વખતે ઉમાશંકર, મંકોડી, ધીરુભાઈ દેસાઈ વગેરે શિક્ષકો તરીકે હતા. ૧૯૩૮ પછી તે અમદાવાદ આવ્યા અને શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહારમાં જોડાયા. આ સંસ્થાના ઘડતરમાં સ્નેહરશ્મિનો મહત્ત્વનો ફાળો છે. તેમના હાથ નીચે તેજસ્વી વિદ્યાર્થીઓની પેઢીઓની પેઢીઓ તૈયાર થઈ. આપણા લેખક વાડીલાલ ડગલી અને લોકસભાના સભ્ય શ્રી. પુરુષોત્તમ માવલંકર તેમના વિદ્યાર્થી. આ નામાવલિ ઘણી લાંબી કરી શકાય. સ્નેહરશ્મિએ શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે મહત્ત્વની સેવાઓ આપી છે. પ્રાથમિક-માધ્યમિકથી આરંભી ઉચ્ચ શિક્ષણના વિવિધ સ્તરે સરકારી, અર્ધસરકારી કમિટીઓ પર તેમણે કાર્ય કર્યું છે. ગુજરાત યુનિવર્સિટીની સિંડીકેટ પર તેઓ બેએક દાયકા લગી રહ્યા છે અને કાર્યકારી કુલપતિ તરીકે કામગીરી બજાવી છે. સાહિત્યક્ષેત્રે ગુજરાતી સાહિત્ય પરિષદના દિલ્હી અધિવેશનમાં તેઓ શિક્ષણ વિભાગના પ્રમુખ ચૂંટાયા હતા અને ૧૯૭૨-૭૩માં મદ્રાસમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ હતી. ગુજરાતી સાહિત્ય પરિષદનું ભવન હવે હાથવેંતમાં દેખાય છે. પરિષદનું પોતાનું મકાન થશે. આ જટિલ કાર્યમાં ઝીણાભાઈની સેવાઓનો ઘણો મોટો હિસ્સો છે એની નોંધ લેવી જોઈએ. હમણાં પરિષદના મકાનનો ખાતમુહૂર્ત વિધિ કવિ સ્નેહરશ્મિના હસ્તે થયો એમાં પૂરું ઔચિત્ય છે. ગુજરાતના સંસ્કારજીવનને ઘડવામાં પોણી સદી સુધી પોતાના ‘શબ્દ’ દ્વારા અને પોતાની કૃતિ દ્વારા મહત્ત્વનું પ્રદાન કરનાર કવિ-કેળવણીકાર સ્નેહરશ્મિનું સ્થાન વિશિષ્ટ ગણાશે. ઉમાશંકર જોશીએ પોતાના કીર્તિદા કાવ્યસંગ્રહ ‘નિશીથ’નું સ્નેહરશ્મિને અર્પણ કરતાં લખ્યું છે, “ભવની કેડીએ શ્રદ્ધા પ્રેરતા સ્નેહરશ્મિને.” ઉમાશંકરે કદાચ સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રની વ્યક્તિઓના મનોભાવનો જ પડઘો પાડ્યો છે, એવું આભિજાત્ય માર્દવ અને માધુર્ય સ્નેહરશ્મિના વ્યક્તિત્વમાં છે. ગુજરાતના સંસ્કારજીવન ઉપર તેમના આશીર્વાદ અને શુભેચ્છા હમેશાં રહેલ છે. પ્રભુ તેમને સ્વાસ્થ્યયુક્ત શતાયુ આપે એમ ઈચ્છીએ.

તા. ૬-૮-૭૮