શબ્દલોકના યાત્રીઓ – ૨/સુધીર દેસાઈ

સુધીર દેસાઈ

એક કુટુંબના બધા જ સભ્યો સાહિત્ય, ચિત્ર આદિ લલિત કલાઓને વરેલા હોય એવું ભાગ્યે જ બને! સુધીર દેસાઈના કુટુંબમાં એવું બન્યું છે. સુધીરભાઈ કવિતા લખે, એમનાં પત્ની તારિણીબહેન વાર્તાકાર છે, એમનાં બાળકો ચિ. સંસ્કૃતિ, ચિ. સંસ્કાર અને ચિ. ધ્વનિ કવિતા, ચિત્ર આદિ કલાઓમાં કાંઈનું કાંઈ કામ કરે છે. સુધીરભાઈ ભારે નસીબદાર! શ્રી સુધીર દેસાઈનો નવો કાવ્યસંગ્રહ ‘સૂર્યને તરતો મૂકું છું’ પ્રગટ થવામાં છે. એની પ્રસ્તાવનામાં આરંભમાં મેં લખ્યું છે : “શ્રી સુધીર દેસાઈની જ એક પંક્તિ છે. ‘ખીલ્યા ગુલમોર જેમ ઊડે સમય મારી લેખિનીને આજ શું કરશો?’ સમયમાં પથરાતી કાવ્યકલાના સંદર્ભે પણ આપણે કાંઈક આવું જ કહીશું! તેમની ‘સૂર્યને તરતો મૂકું છું’ની કાવ્યરચનાઓ સમગ્રતયા આવી સંતર્પક્તાનો અનુભવ કરાવે છે. અને ખીલેલા ગુલમોર જેવી કવિતા તેમણે કાંઈ આસાનીથી આપી નથી. કવિ-ચિત્ત કેવી કેવી અવસ્થાઓમાંથી પસાર થયું છે એનો ખ્યાલ મેળવનારને આવી કવિતા આપવી કેટલી મુશ્કેલ હતી એનો ક્યાસ પણ આવવાનો. સંગ્રહમાં એક સંઘર્ષની આંતર-વેદનાની, કાંઈક હતાશાની હવા વ્યાપેલી છે. કવિ પોતે આજુબાજુની સૃષ્ટિથી કેવા કલાન્ત છે તે તો તેમની લગભગ એકેએક રચનામાં જણાઈ આવે છે, પણ તેમની વિશેષતા એ છે કે, આપણને તે ભેટ તો ધરે છે ગુલમોરની. બળ્યાજળ્યા મનુષ્યને એના છાંયડામાં બે ઘડી શાતાનો અનુભવ થાય છે. કવિ આથી વિશેષ કરી પણ શું શકે?” તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘આકાંક્ષા’ ૧૯૬૧માં પ્રગટ થયેલો. એમાં ગીતો, ગઝલો અને ગદ્યકાવ્યો મૂક્યાં છે. ૧૯૭૪માં અછાંદસ રચનાઓનો સંગ્રહ ‘લોહીને કિનારે ઊગેલ વડ’ તેમણે આપ્યો. ગયે વર્ષે એમણે રશિયન કવિ માયકોવ્સ્કીનાં પાંચ કાવ્યોનો અનુવાદ પ્રગટ કર્યો હતો. ‘કાગળ પર તિરાડો’ સંગ્રહ પણ ટૂંક સમયમાં પ્રગટ થશે. સાહિત્યનાં બીજાં સ્વરૂપોમાં પણ તેમણે કામ કર્યું છે. સામયિકોમાં છેલ્લાં વીસેક વર્ષથી તેમની કૃતિઓ પ્રગટ થાય છે. શ્રી સુધીરબાબુ સુરેન્દ્રરાય દેસાઈનો જન્મ ૧પ ફેબ્રુઆરી ૧૯૩૪ના રોજ પેટલાદમાં થયો હતો. એમનું વતન પંચમહાલમાં આવેલું ગોધરા ગામ. માધ્યમિક શિક્ષણ બાદ તે વિજ્ઞાનની વિદ્યાશાખામાં ગયા. કેમિસ્ટ્રી અને ઝુઓલૉજી સાથે બી.એસસી. થયા. એલએલ.બી.ની પરીક્ષા પસાર કરી ઍડવોકેટ થયા. એલએલ. એમ.ની ટર્મ ભરેલી પણ પરીક્ષા ન આપી. સ્કૂલ અને કૉલેજકાળથી તેમને રમતોમાં રસ હતો. ઘણાં ઈનામો મેળવ્યાં છે. ચિત્રકલામાં પણ એવો જ ઉમળકો. ઈન્ટરમિડિયેટ ડ્રૉઇંગની પરીક્ષા ઉત્તમ રીતે પસાર કરી. બીજી હિંદીની પરીક્ષાઓમાં પણ તે પહેલા આવેલા, તેમણે વકીલાત ન કરતાં સ્વતંત્ર ધંધો શરૂ કર્યો. ૧૯૬૪માં રિની પૅકેજિંગ ઈન્ડસ્ટ્રીઝ નામે ફૅક્ટરી સ્થાપી. હમણાં ૨૯મી જૂન, ૧૯૮૦ના રોજ કલકત્તામાં એમની ફેક્ટરીને ગોલ્ડ મેડલ એનાયત થયો. ‘લોહીને કિનારે ઊગેલ વડ’નું કવર કલાત્મક છે તે હવે સમજાય છે. સુધીરભાઈને સાહિત્યના સંસ્કાર વારસામાં મળેલા. કવિતાલેખનનો આરંભ ૧૯૪૬માં થયો. ચોમાસાની એક સવારે, એક અને સાંજે બીજું એમ બે કાવ્યો લખ્યાં અને ‘જન્મભૂમિ-પ્રવાસી’ના બાળ વિભાગમાં છપાયાં. શાળાના અભ્યાસ દરમ્યાન ‘ચાંદનીમાં નૌકાવિહાર’ નામે નાનકડું નાટક લખેલું. પછી તો એમનાં લખાણો છપાવા લાગ્યાં. આરંભ ગોકુળદાસ રાયચુરાના ‘શારદા’ માસિકથી થયો. ‘આકાંક્ષા’ પ્રગટ થયા બાદ ૧૯૪૬માં ‘ગુજરાતી નાટકોમાં પ્રતિબિંબ થતું સમાજજીવન’ એ વિષય ઉપર દેશી નાટક સમાજ તરફથી અમૃત મહોત્સવ નિમિત્તે યોજાયેલી હરીફાઈમાં પ્રથમ ઈનામ મળેલું. તેમણે વાર્તાઓ પણ લખી છે. ‘સવિતા’ માસિકની વાર્તા હરીફાઈમાં તેમની વાર્તા ‘છાયા-પ્રકાશ’ને બીજું ઈનામ મળેલું. ૧૯પપમાં શ્રી તારિણી મુનશી સાથે તેમનું લગ્ન થયું. લગ્ન પછી તે જે કાવ્યો પ્રગટ કરતા તે ‘સુધિતા દેશોપાધ્યાય’ને નામે. શરદબાબુની નવલકથાઓ તેમને ગમતી, ટાગોરની કવિતાના તે આશક હતા. બરુઆનાં પિકચર્સ ઘણાં ગમે. આ બધાને કારણે બંગાળ તરફ તેમનો પક્ષપાત એટલે ‘દેસાઈ’નું ‘દેશોપાધ્યાય’ કર્યું અને ‘સુધીરનું’ ‘સુધિતા’. પછી તે રાજેન્દ્ર શાહના પરિચયમાં આવ્યા, તેમની સલાહથી મૂળ નામ ‘સુધીર દેસાઈ’ જ કાયમ રાખ્યું. સુધીરભાઈ જુદી જુદી સાહિત્યિક અને જાહેર સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા છે. ‘કવિલોક’ના મંત્રી તરીકે તેમણે ૧૯૬૯થી ૧૯૭૨ સુધી કામ કર્યું, મુંબઈ લેખક મિલનના મંત્રી તરીકે પણ ૧૯૭૨-૭પ સુધી રહ્યા, ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિમાં પણ તે ચૂંટાઈ આવે છે અને એની મુંબઈ શાખાના મંત્રી પણ છે. સાન્તાક્રૂઝ સાહિત્ય સંસદની કારોબારીના સભ્ય છે. સાહિત્ય સહકારી પ્રકાશન સંસ્થાના ડાઈરેક્ટર તરીકે પણ તે હતા. પંચમહાલની વિવિધ જાહેર સંસ્થાઓ સાથે પણ તે જોડાયેલા રહ્યા છે. ૧૯૭૧માં તેમણે ‘ક્યારેક’ નામનું લઘુ માસિક શરૂ કરેલું. ‘ક્યારેક’ તરફથી સાહિત્યની અને કળાવિષયક ચર્ચાની બેઠકો યોજાતી. એમાં વિવિધ વિદ્વાનો ભાગ લેતા. મીઠીબાઈ કૉલેજમાં દર મહિનાના છેલ્લા શનિવારે બેઠક મળતી. હવે એ અનિયમિત પણ મળે છે ખરી. તેમનાં લખેલાં ઘણાં નાટકો ટી.વી. અને રંગભૂમિ પર ભજવાયાં છે. તેમનાં ગીતો ‘હિઝ માસ્ટર્સ વૉઈસ’ અને ‘ઈનરેંકા’ કંપનીએ રેકર્ડ કર્યાં છે. તેમની વાર્તાઓ પણ શિષ્ટ સામયિકોમાં પ્રગટ થઈ છે. પણ તારિણીબહેનના વાર્તાસંગ્રહ પહેલાં એ પ્રગટ નહિ કરે એ ચોક્કસ! સ્ત્રીદાક્ષિણ્ય સુધીરભાઈમાં છે જ, એમાંય એ તો નાગર! અનેક કવિમુશાયરામાં તે ભાગ લે છે. વિવિધ સાહિત્ય સંસ્થાઓમાં વ્યાખ્યાનો પણ આપે છે. ‘કાવ્યગોષ્ઠિ’ના આદિપુર અધિવેશનમાં તેમણે આપેલું વ્યાખ્યાન ‘સોવિયેત કવિતાનાં સીમાચિહ્નો’ નામે પુસ્તિકા રૂપે પ્રગટ કર્યું છે. નેશનલ બુક ટ્રસ્ટ તરફથી ‘પ્રેમચંદજી’ અનુવાદ પ્રગટ થશે. શેઠ ગોવિંદદાસજીના નાટક ‘મહાપ્રભુ વલ્લભાચાર્ય’નો સ્વામી આનંદના સૂચનથી તેમણે અનુવાદ કરેલો. તે ૧૯૭૧માં પ્રગટ થયો છે. અમૃતા પ્રીતમના કાવ્યસંગ્રહ ‘કાગઝ ઔર કૅન્વાસ’નો તેમણે અનુવાદ કર્યો છે તે પ્રકાશ્ય છે. જૉર્જ સેફેરિસ, યેવતુશેન્કો, જી. શંકર કુરૂપ વગેરેનાં કાવ્યોના અનુવાદ પુસ્તક રૂપે પ્રગટ કરવાની તેમની યોજના છે. ‘સંબંધ’, ‘ઢંઢેરો’, જેવાં સામયિકોએ તેમની કવિતાના ખાસ અંકો પ્રગટ કર્યા છે. સુધીર દેસાઈ આધુનિક મિજાજના કવિ છે. વીસેક વર્ષની તેમની કાવ્યસાધનાનાં સુફળ મળ્યાં છે. તેઓ આથી પણ ઉત્કૃષ્ટ રચનાઓ આપી શકવાની ક્ષમતા ધરાવે છે. કાવ્યરસિકો આતુરતાપૂર્વક એની રાહ જોશે.

૧૨-૧૦-૮૦