શબ્દલોકના યાત્રીઓ – ૨/હેમંત દેસાઈ
શ્રી હેમન્ત દેસાઈ મુખ્યત્વે કવિ છે. સાંપ્રત ગુજરાતી કવિતાની વાત કરનારે હેમન્ત દેસાઈની વાત કરવી પડે. કવિતામાં પ્રકૃતિ અને પ્રણયકાવ્યોમાં એમની કવિતાને વિશિષ્ટ ઉન્મેષ જોવા મળે. પ્રકાર પરત્વે ગઝલ અને ગીતમાં હેમન્ત ખીલી ઊઠે છે, વિવેચનમાં પણ તેમણે કરેલું કવિતાનું વિવેચન ખાસ નોંધપાત્ર છે. ‘કવિતાની સમજ’ વિશે તેમણે સમજપૂર્વક લખ્યું છે. તેમનું આ પુસ્તક કીર્તિદા નીવડ્યું. એની પાછળ એમની ઘણી જહેમત રહેલી છે. એમનો પીએચ.ડી.નો મહાનિબંધ અને અન્ય વિવેચનલેખોમાં આપણને રસ પડે એવું એમનું કામ છે. શ્રી હેમંત દેસાઈ – દક્ષિણ ગુજરાતમાં એમનો જન્મ ૨૭મી માર્ચ ૧૯૩૪ના રોજ થયેલો. વતન બીલીમોરા. પ્રાથમિક શિક્ષણ બીલીમોરામાં લીધું. કૉલેજનું એક વર્ષ નવસારી ગાર્ડા કૉલેજમાં કર્યું. એ વખતે શ્રી ઉશનસ્ નવસારીમાં પ્રાધ્યાપક હતા. તેમના પરિચયે હેમંતના વિકાસમાં ઘણો ફાળો આપ્યો. ઈન્ટર આર્ટ્સથી તે અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં જોડાયા. ૧૯પ૭માં ગુજરાતી અને માનસશાસ્ત્ર સાથે બી.એ.ની પરીક્ષા બીજા વર્ગમાં પસાર કરી. ૧૯૬૦માં ગુજરાતી અને અર્ધમાગધી સાથે એમ.એ. થયા. પ્રસિદ્ધ વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના નીચે હેમંતભાઈએ પીએચ.ડી.નું રજિસ્ટ્રેશન તો ક્યારનુંય કરાવેલું પણ સંજોગોની પ્રતિકૂળતાને કારણે એ મહાનિબંધ લખવાનું વિલંબાતું ગયું. ૧૯૭૮માં એ કામ પૂરું થયું અને તેમને પીએચ.ડી.ની ડિગ્રી મળી. આ મહાનિબંધનો વિષય હતો ‘અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રકૃતિનિરૂપણ.’ હવે એ ગ્રંથાકારે સત્ત્વરે સુલભ બનવો જોઈએ. હેમંત દેસાઈ એમ.એ. થયા પછી થોડો સમય બીલમોરા અને અમદાવાદમાં શિક્ષક તરીકેની નોકરી સ્વીકારી. ૧૯૬૨માં તે એમ. જી. સાયન્સ ઈન્સ્ટિટ્યૂટમાં જોડાયા. બીજે જ વર્ષે એની ભગિની સંસ્થા અને હેમંતની માતૃસંસ્થા એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક નિમાયા. ૧૯૬૯ સુધી તે એલ. ડી.માં ગુજરાતીના અધ્યાપક તરીકે રહ્યા. ૧૯૬૯થી સાબરમતી કૉલેજમાં ગુજરાતીને મુખ્ય અધ્યાપક તરીકે જોડાયા. માર્ચ ૧૯૭૯થી કૉલેજમાં તેઓ આચાર્યના હોદ્દાનો ભાર વહન કરી રહ્યા છે. હેમંત દેસાઈએ કવિતા લખવાનો આરંભ પોતે માધ્યમિક શાળામાં ભણતા હતા ત્યારથી કરેલો. સ્વાભાવિક રીતે જ લખાવા માંડેલું. એમનું પ્રથમ કાવ્ય ‘બીજ’ રામપ્રસાદ બક્ષી અને સ્વ. ૨. વ. દેસાઈના તંત્રીપદે પ્રગટ થતા ‘નાગરિક’ માસિકમાં છપાયેલું. આ ૧૯પ૨-પ૩માં બન્યું. તે ‘કુમાર’ માસિકમાં કાવ્યો મોકલવા માંડ્યા પણ એ તો પાછાં આવવા લાગ્યાં. અઢાર વર્ષના યુવાન કવિ હેમંતને થવા લાગ્યું કે કવિતાનું આ લોકો શું કરે છે. અને એ માટે જ જાણે તે અમદાવાદ આવ્યા. પણ બુધ કાવ્યસભામાં ન ગયા. પછી તો બચુભાઈ રાવતના પરિચયમાં આવ્યા. બુધ કાવ્યસભામાં નિયમિત હાજરી આપવા લાગ્યા. ૧૯પપમાં તેમનું કાવ્ય પહેલી વાર ‘કુમાર’માં પ્રગટ થયું. ૧૯પ૬થી ૧૯૬૧ સુધીની ‘કુમાર’ની ફાઈલોમાં હેમંત દેસાઈની રચના વગરનો ભાગ્યે જ કોઈ અંક જોવા મળશે! ૧૯પ૮માં હેમંતને કવિતાનો ‘કુમાર ચન્દ્રક’ મળ્યો. પણ એ પહેલાં સુરત લેખક મિલને હેમંતને સાહિત્યની પ્રેરણા આપેલી. તેમણે એમાં હાજરી આપેલી. સાહિત્યની દુનિયા સાથે પહેલો સંપર્ક સ્થપાયો. સાહિત્યકારોને પ્રત્યક્ષ મળવાનું પણ ત્યારે જ બનેલું. બીજી એક ઘટના તે અગાઉ જેનો ઉલ્લેખ કર્યો તે ‘બીજ’ કાવ્ય ‘નાગરિક’માં છપાયું એના પ્રથમ ભાવક આપણા કવિ રાજેન્દ્ર શાહ હતા. તેમણે જ હેમંતનો શ્રી ઉશનસને પરિચય કરાવ્યો એ દિનપ્રતિદિન વધતો ગયો. આજે પણ હેમંતભાઈ પોતાની સાહિત્યરુચિ કેળવવામાં રાજેન્દ્ર શાહ અને ઉશનસનો પ્રભાવ આનંદપૂર્વક સ્વીકારે છે. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ઇંગિત’ ૧૯૬૧માં પ્રગટ થયો. ગુજરાત સરકારનું પારિતોષિક પણ એને મળેલું. એમનો બીજો કાવ્યસંગ્રહ ‘મ્હેક નજરોની ગહેક સપનોની’ ૧૬૭પમાં પ્રગટ થયો. એમાં ગીતો અને ગઝલો સંગ્રહાયાં છે. ૧૯૭૬માં ‘સોનલ મૃગ’ નામે ત્રીજો સંગ્રહ પ્રગટ થયો. હીરાબહેન પાઠકે આ સંગ્રહની પ્રસ્તાવનામાં કહેલું કે “ભાઈશ્રી હેમંત કાવ્યની રસજ્ઞતાના મરમી છે. તેમની પાસે કાવ્ય ભાવો, વિષયોનું ઠીક વૈવિધ્ય છે. કવિકર્મની સવિશેષ ગંભીર ઉપાસનાથી ને સમાધિથી તેઓ વધુ હૃદ્ય પરિણામ નિપજાવી શકે, કવિતાના ‘સોનલ મૃગ’ની તેમની મૃગયા નિરંતર બની રહો.” હેમંત દેસાઈ જીવનમાં અને કવનમાં આપબળે આગળ આવેલા કવિ છે. તેઓ ભણતા હતા ત્યારથી જ અતિસુખશંકર ક. ત્રિવેદી સુવર્ણચંદ્રક કાવ્યસ્પર્ધાના પ્રથમ વિજેતા બનેલા. આંતર યુનિવર્સિટી કૉલેજના વિદ્યાર્થીઓએ પાદપૂર્તિની પંક્તિ ઉપરથી રચના કરવાની રહેતી. વિદ્યાર્થી હેમંત દેસાઈ આ ચંદ્રક સ્થપાયો ત્યારથી માંડી લાગલગાટ ત્રણ વર્ષ સુધી આ સ્પર્ધામાં વિજયી નીવડ્યા હતા. એ પછી ઉશનસ, રાજેન્દ્ર શાહ, જયન્ત પાઠક જેવા મુરબ્બી કવિમિત્રોની અને બચુભાઈ રાવત, પિનાકિન ઠાકોર આદિ કાવ્યમર્મજ્ઞોની હૂંફ અને પ્રેરણાથી તેમણે કવિતાક્ષેત્રમાં નોંધપાત્ર કાર્ય કર્યું છે. એલ. ડી. આર્ટ્સમાં અધ્યાપક હતા ત્યારે એ વખતના આચાર્ય પુરુષોત્તમ માવલંકરના તંત્રીપદે ચાલતા ‘અભ્યાસ’માં તેમણે લેખો લખેલા. એ ઉપરથી સરસ પુસ્તક તૈયાર થયું તે ‘કવિતાની સમજ’, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડે તે ૧૯૭૪માં પ્રગટ કર્યું. આ ગ્રંથને ગુજરાત સરકારનું પ્રથમ પારિતોષિક મળેલું. આ ઉપરાંત ગુજરાતીના અધ્યાપકની હેસિયતથી તેમણે વિદ્યાર્થીઓ માટે બીજા અધ્યાપકોના સહયોગમાં બેત્રણ પુસ્તકો લખ્યાં છે. હેમંતભાઈને નાનપણથી જ સંગીતનો શોખ અને સમજ. શાસ્ત્રીય સંગીતનો આજે પણ તેમને રસ છે. કેટલાંક વાદ્યો તે વગાડી શકે છે. સંગીતનો આ શોખ અને જ્ઞાન તેમની કવિતાને ઉપકારક નીવડ્યું છે. તેમનો બીજો રસનો વિષય જ્યોતિષ છે. બાર વર્ષથી તે જ્યોતિષમાં રસ લે છે. એનો તેમણે ઊંડો અભ્યાસ કર્યો છે. આજે પણ એમને કુંડળી બતાવવા એમના ઘરે માણસોની કતાર જામે છે! તેમનો ત્રીજો રસ આયુર્વેદ અંગેનો છે. આયુર્વેદમાં તેમને સંનિષ્ઠ શ્રદ્ધા છે. પણ કોઈ કોઈ વાર તે તબિયતની ફરિયાદ કરતા હોય છે! કવિતા અને વિવેચનમાં હેમંતભાઈનો રસ અને એમનું કામ જોતાં કોઈ વાર તેમની પાસેથી ધરખમ કૃતિઓ આપણને મળી જાય એ પૂરું સંભવિત છે. આપણે પ્રતીક્ષા સેવીએ. તેમની કવિતાની કુંડળી જોઈને આમ કહું છું!
૩૦-૯-૭૯