શબ્દલોકના યાત્રીઓ – ૨/સુરેશ જોષી

સુરેશ જોષી

શ્રી સુરેશ જોષી એટલે ગુજરાતી સાહિત્યમાં વીસમી સદીના ઉત્તરાર્ધની વિશિષ્ટ સાહિત્યપ્રતિભા, ટૂંકી વાર્તા, લઘુનવલ, વિવેચન, કવિતા, અંગત નિબંધ વગેરે પ્રકારોમાં તેમણે મૂલ્યવાન પ્રદાન કર્યું છે. ગુજરાતીમાં આધુનિકતાના તે પ્રબલ પુરસ્કર્તા રહ્યા છે. ગુજરાતી ગદ્યને ખેડનાર ગણતર ગદ્યલેખકોમાં તેમનું સ્થાન છે. સાહિત્યનું વહેણ બદલનાર સાહિત્યકાર પોતે મોટો સર્જક ન પણ હોય; પણ સુરેશ જોષીની બાબતમાં એવું નથી. સાંપ્રત ગુજરાતી સાહિત્યને તેમણે નવો વળાંક આપ્યો. ખાસ કરીને ટૂંકી વાર્તા અને લઘુનવલમાં તેમનું પ્રદાન વિશિષ્ટ છે. તેમણે પ્રયોગોનો પુરસ્કાર કર્યો પણ કૃતક–પ્રયોગશીલતાની તેમણે ક્યારેય પીઠ થાબડી નથી. નવીનોના પુરસ્કર્તા ખરા, પણ નવીનો બધા જ તેમને પ્રશંસે નહિ. કવિતાક્ષેત્રે પણ તેમણે નવો અભિગમ દર્શાવ્યો. પણ જ્યારે કવિતા બંધિયાર બની બેઠી ત્યારે એને ‘કુંઠિત સાહસ’ કહેતાં તે અચકાયા નહિ. સુરેશભાઈ સાહિત્યમાં Istagnation – સ્થગિતતાના વિરોધી છે. જ્યાં અને જ્યારે તેમને બધું સ્થગિત થતું ભાસે ત્યાં અને ત્યારે તે એની સામે જેહાદ ચલાવે જ. સર્જક તરીકે તેમને લગભગ બધા જ પ્રકારોમાં સફળતા વરી છે. કવિતાની બાબતમાં મારા મનમાં પ્રામાણિક સંદેહ છે. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ઉપજાતિ’ પ્રગટ થયો ત્યારે નગીનદાસ પારેખના તંત્રીપદે પ્રગટ થતા ‘બુદ્ધિપ્રકાશ’માં મેં એનો રિવ્યૂ લખેલો. સંગ્રહના સબટાઈટલનો ઉપયોગ કરી અવલોકનને અંતે મેં એવું કાંઈક લખેલું કે “શ્રી સુરેશ જોષી ‘પાંત્રીસ પદ્યરચનાઓ’ને બદલે પાંચ પણ કાવ્યરચનાઓ આપે એમ ઈચ્છીએ.” એ પછી અમે ઘણી વાર મળ્યા પણ તેમણે કદી આ વાત મારી સમક્ષ કાઢી નથી. પાછળથી તેમણે આ સંગ્રહ રદ કરેલો. તેમણે એ પછી ‘ઈતરા’ પ્રગટ કર્યો છે. એનાં મૃણાલવિષયક કાવ્યો મને ગમે છે. સુરેશભાઈએ બૉદલેર, પાબ્લો નેરુદા, પાસ્તરનાક, ઉન્ગારેત્તિ વગેરેની કવિતાના સરસ ગુજરાતી અનુવાદ પણ આપ્યા છે. તેમની આ ‘પરકીયા’ કવિતા પણ ‘સ્વકીયા’ જેવી લાગે છે! સુરેશ જોષીને હંમેશાં વિવેચનાએ સાથ આપ્યો છે. ‘વિવેચના’ એટલે તેમની પોતાની ‘વિવેચના’. ‘વિવેચકો’ને તેમનાં તારણો સ્વીકારતાં વાર લાગી છે. એક વાર તેમણે કહેલું કે આપણી વિવેચના પાણ્ડુર બની ગઈ છે, ચાલો, એને તડકામાં ફેરવવા લઈ જઈએ. તે એને એવી ફેરવવા લઈ ગયા કે એ પરસેવાથી રેબઝેબ થઈ ગઈ! સાહિત્યકૃતિને મૂલવવાનાં ધોરણોમાં સાહિત્યિક દૃષ્ટિકોણના તેમના આગ્રહે એક પરિપાટી ઊભી કરી આપી. વિવેચનને એક નવીન દિશા સાંપડી એમાં તેમના પ્રયત્નોનો મોટો ફાળો છે. તેમણે વિવેચનમાં વપરાતી સંજ્ઞાઓના ચોક્કસ સંકેતો નક્કી કરવા ઉપર ભાર મૂક્યો. રીઢી લપટી લઢણોમાં અટવાઈ પડેલી ગુજરાતી વિવેચનાને તેમણે મુક્ત કરી અને નવ્ય વિવેચનાના પુરસ્કર્તા બન્યા. પાયાના સંપ્રત્યયો તેમણે સ્પષ્ટ કર્યા અને સાહિત્યિક કૃતિને આધુનિક યુગની સંપ્રજ્ઞતાના સંદર્ભમાં તપાસવા ઉપર તેમણે ભાર મૂક્યો. સાહિત્યકૃતિઓમાં નિરૂપાયેલ ‘વસ્તુ’નું વિવરણ કરવા માત્રથી વિવેચન થઈ જતું નથી, પણ એની સંરચનાની તપાસ કરવી જોઈએ એમ તેમણે કહ્યું. આ માટે ભિન્ન ભિન્ન સમયે પશ્ચિમમાં જે વિચારો પ્રભાવક બન્યા તે સૌનો ગુજરાતીમાં ખ્યાલ આપી વસ્તુલક્ષી ઘેારણે સાહિત્યનું વિવેચન કરવા ઉપર ઝોક આપ્યો. આકૃતિવાદમાંથી સંરચનાવાદ અને એ પછી હવે દાર્શનિક પીઠિકાનું મહત્ત્વ તે પ્રીછે છે. સુરેશ જોષી ક્યારેય પોતાના વિચારો કે સિદ્ધાન્તોમાં પણ પુરાયા નથી. પણ ખેદની વાત એ છે કે તેમના હાથે સર્જાતા સાહિત્યનું જે મૂલ્યાંકન-વિવેચન થવું જોઈએ તે બહુ થયું નહિ. નવોદિત લેખકોને એનો લાભ મળ્યો નહિ. સુરેશ જોષી જેવાને માટે તમે ‘બહુશ્રુત’ શબ્દ એના પૂરા કદના અર્થમાં યોજી શકો. યુરોપીય સાહિત્યના તે અભ્યાસી છે જ પણ સંસ્કૃત સાહિત્યના ચાહક અને ઊંડા અભ્યાસી પણ ખરા જ. બંગાળી ઉપર પણ તેમનું એવું જ પ્રભુત્વ. તેમના જેવી સજ્જતાવાળા બહુ ઓછા સાહિત્યકારો આજે સાહિત્યક્ષિતિજ ઉપર દેખાય છે. આવા જાગ્રત સાહિત્યકાર શ્રી સુરેશ જોષીનો જન્મ ઈ.સ.૧૯૨૧ના મેની ૩૦મી તારીખે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાલોડ ગામે થયો હતો. પિતાનું નામ હરિપ્રસાદ જોષી. એમના દાદા આદિવાસીઓમાં કામ કરતા હતા. સોનગઢમાં તેમણે ઘણાં વર્ષો ગાળેલાં. પિતા રેલવેમાં નોકરી કરતા. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સોનગઢ–પાટણ–નવસારીમાં થયેલું. ઉચ્ચ શિક્ષણ તેમણે મુંબઈમાં લીધું. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ૧૯૪૩માં બી.એ. અને ૧૯૪૫માં એમ.એ. થયા. તેમણે એ વખતે કરાંચીની ડી. જે. સિંધ કૉલેજમાં અધ્યાપન કાર્ય સ્વીકાર્યું. તેમણે એ વખતનાં સંસ્મરણો આપતાં કહેલું કે “કરાંચીમાં તે વખતે ઘર મેળવવાની ભારે મુશ્કેલી. રાતે શાળાની પાટલી પર સૂઈ રહેતો. સવારે કરાંચીની ઠંડીમાં મ્યુનિસિપાલિટીના પાણીનો નળ ખુલ્લો મૂકી નીચે બેસી ‘ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે’ ગાતાં ગાતાં ઠંડા પાણીએ સ્નાન કરતો, પણ ત્યાં જે બે વર્ષનો ગાળો મળ્યો તેમાં ધરાઈને કલાકોના કલાકો સુધી વાચન કરી મારી જાતને અધ્યાપન માટે સજ્જ કરી. પરદેશી સાહિત્યનો વ્યાપક પરિચય અહીં કર્યો.” ૧૯૪૭માં સ્વાતંત્ર્ય મળતાં તે ગુજરાતમાં આવ્યા અને વલ્લભવિદ્યાનગર ખાતે વિઠ્ઠલભાઈ પટેલ મહાવિદ્યાલયમાં અધ્યાપક તરીકે જોડાયા અને ૧૯૫૧ સુધી ત્યાં રહ્યા. એ પછી તે વડોદરા યુનિવર્સિટીમાં ગુજરાતીના વ્યાખ્યાતા તરીકે જોડાયા. હમણાં થોડા સમય પૂર્વે જ તેઓ વડોદરા યુનિવર્સિટીમાં ગુજરાતીના પ્રોફેસર અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ થયા છે. આ સ્થાન તેમને ઘણું વહેલું મળવું જોઈતું હતું. ૧૯૬૧માં તેમણે મધ્યકાલીન કવિ નરહરિની જ્ઞાનગીતા ઉપર સંશોધન કરી પીએચ.ડી.ની પદવી મેળવી છે અને આજે તો તેમના વિદ્યાર્થીઓ પીએચ.ડી. થયા છે. ૧૯૪૯માં તેમણે ઉષાબહેન સાથે લગ્ન કર્યું. એમને ત્રણ સંતાનો છે : પ્રણવ, કલ્લોલ અને ઋચા. શ્રી સુરેશભાઈને રાજ્ય સરકારનાં શ્રેષ્ઠ પુસ્તકનાં પારિતોષિકો તો મળે જ, ચન્દ્રકો પણ મળ્યા છે. ૧૯૭૧નો રણજિતરામ સુવર્ણચન્દ્રક તેમને મળ્યો છે. સુરેશભાઈને આ ચન્દ્રક નહોતો મળ્યો ત્યારે જેટલો ઊહાપોહ થયો તેના કરતાં આ ચંદ્રક તેમણે સ્વીકાર્યો ત્યારે વધુ ઊહાપોહ થયેલો. તેમણે આ ચન્દ્રકની તમામ કિંમત જયપ્રકાશ નારાયણના નિધિમાં આપી દીધેલી. ગુજરાત અને દેશની પાસે જે આપવા જેવાં સાહિત્યિક માનપાન છે તેને માટે સુરેશભાઈથી વધુ લાયક વ્યક્તિઓ કેટલી તે પ્રશ્ન છે. આરંભથી જ તેમને પોતાના વિચારોના માધ્યમ તરીકે કોઈને કોઈ ‘મુખપત્ર’ની આવશ્યકતા રહેલી છે. આરંભમાં ‘વાણી’ કાઢ્યું. પછી ‘ક્ષિતિજ’, ‘મનીષા’ અને ‘ઊહાપોહ’ કાઢ્યાં. સતત આ ખોટનો વેપલો તે કરતા રહ્યા છે. હમણાં વળી ‘એતદ્’ કાઢ્યું છે, પણ એમાં અગાઉના ‘ક્ષિતિજ’ની રોનક હજુ આવી નથી! સુરેશભાઈ જેવી સજ્જતાવાળા સર્જક વિવેચક બીજી ભાષાઓમાં પણ ગણતર જ હશે. સુરેશ જોષી માટે ગુજરાત સકારણ ગૌરવ લઈ શકે.

૪-૩-૭૯