શાંત કોલાહલ/કોણ તે આવ્યું
કો તે આવ્યું આ વળતી રાતના
ઝાકળભીને રે અંધાર?
આછે ને ટકોરે અડકી બારણે
કોણે કીધ રે ટૌકાર?
આંગણે આવીને જોઉં તો કોઈ ના !
આંહિની અવનિ આ પોઢી ઊંઘમાં
આવ્યું-ગ્યુંથી અજાણ,
કોઈને સંચાર ઘડી યે મૂક ના
તમરાં એવાં એકતાન.
ક્યાંય રે એંધાણી એની જોઈ ના !
બોલનો ગોરંભો હજી યે ગુંજતો
ભળતો ઉરને ધબકાર,
વણ તે માણેલાં સુખની સોડમાં
વ્રે’ની વેદના અપાર,
સોણલાં ઝરતી આ આંખ્યું લોઈ ના.
ઊંઘમાં હું, આવી ત્યારે અહીં કને,–
જાગી જાઉં, ત્યાં છુપાય;
ભોળાંની સંગાથ ભૂંડી ખેલના.
હૈયું તો ય રે ઊભરાય,
ઢળતી પાંપણે રે’વું સોઈ ના.