શાંત કોલાહલ/હે અભિનવ-પથ-યાત્રિક


હે અભિનવ-પથ-યાત્રિક

દુર્ગમ ગિરિવર શિખર જહીં નહિ ચરણ-ચિહ્ન નહિ કેડી,
હે અભિનવ પથ યાત્રિક એ દિક પ્રથમ અડે તવ એડી.

શાલ-તરુ-મર્મર, ઘન ગર્જન શમવતી કેવલ શાન્તિ
અરુણ કિરણની વિસલત સુંદર સ્મિતઉજ્જવળ દ્યુતિકાન્તિ.

અતુલ શક્તિમત યૌવન, નિર્ભય ડગ, અનિરુદ્ધ ઉમંગે,
હે અભિનવપથ યાત્રિક ચલ ચલ મુક્તકંઠ નિજ સંગે.

રમતી સરલ તવ ચાલ સહે નહિ ભાર, પરિગ્રહ ઝોળી;
અંગથકી ઉર મર્મ સ્પર્શતાં બંધન દે સહુ ખોલી.

ખુલ્લે મન, કર મહિં એકલ ધરી દૃઢ સંકલ્પની યષ્ટિ,
હે અભિનવ પથ યાત્રિક ચલ ચલ દૂર ન ઝંખન-સૃષ્ટિ.