શાંત કોલાહલ/૫ મહુડો
પેલો મહુડો મ્હોરેલ અલબેલો !
એની સુગંધતણું કામણ કૂંડું રે
કુણા કાળજાને લાગતો હેલો...જીરે
ઊંચા ગગનમાંનું મોંઘું મંદાર
આંહિ આવ્યું છે આપણી ભોમ :
ઘેરી ઘટાનીમાંહિ ખેલંતા પીજીએ
આપણે ઉમંગનો સોમ...જીરે
આને એંધાણીએ તે જાણીએજી
કાળને અમરત ભરાય આલવાલ,
વાવર્યાની હૈયામાં રાખીએજી હોંશ
ઓણ ઝાઝેરો ઊછળે ફાલ...જીરે.
આભની અપસરા યે જોઈ લે કે
આજ આંહિ મોરલી મૃદંગ કેમ વાજે !
કોઈનાં તે ઘેલાં નેપૂર અને કોઈનાં
રમતાં લોચનિયાં લાજે...જીરે.