શાંત કોલાહલ/૮ રે છેલ મોરા

૮. રે છેલ મોરા !

એલાં વ્હેતાં ઝરણને કોઈનો ન રંગ
એનાં આનંદે ઊછળે પાણી.
વાંકી તે વાટનાં ય કૂડાં એકાન્તને
પોતાને ગીત રહે માણી.

રે છેલ મોરા !
આંખમાંહી અજવાળું આંજી લીજે ને
કીજે પાણીનાં જોમભરી કાયા;
હળવાં હવાથકી ય ખેલીયે, ન આપણે
ઝાઝેરી રાખીયે માયા.

એલાં ઘેરાં અંધારતણાં ગંજથકી રાતડીએ
ચારકોર આવરી લીધી;
આવડો ય નાનો અંગાર ભલો,
તેજ એનાં સીમસીમ જાય છે વીંધી.

રે છેલ મોરા !
આંખમાંહી અંજવાળું આંજી લીજે ને
કીજે પાણીનાં જોમભરી કાયા;
હળવાં હવાથકીય ખેલીયે, ન આપણે
ઝાઝેરી રાખીયે માયા.

એલાં ઊંચાં ગગનમાંહી ઊડે ગરુડ
એની પાંખનું પીછું ય નવ હાલે;
જેની રે દાઢમાં ન ઝેરનો જમાવ
એ જ તારલાની સંગ રમે તાલે.

રે છેલ મોરા !
આંખમાંહી અંજવાળું આંજ લીજે ને
કીજે પાણીનાં જોમભરી કાયા;
હળવાં હવાથકી ય ખેલીયે, ન આપણે
ઝાઝેરી રાખીયે માયા.