શેક્‌સ્પિયર/આત્મોપલબ્ધિ : 1594-1599

6. આત્મોપલબ્ધિ : 1594-1599

કવિએ ત્રીસમું વર્ષ વટાવ્યું અને રાજયોગનાં વર્ષો આવી પહોંચ્યાં ત્યાં સુધીમાં અંતઃસ્રોતા કાવ્યશક્તિનો પૂરો તાગ એણે મેળવી લીધો હતો, કરુણાન્ત ઐતિહાસિક નાટકોમાં (‘6ઠ્ઠો હેન્રી’ અને ‘3જો રિચર્ડ’), મુક્ત હાસ્યનાં પ્રહસનોમાં (‘ગોટાળાની ગમ્મત’ અને ‘વઢકણી વહુ’), રંગીન પ્રેમનાં સામંતશાહી દર્શનોમાં (‘વિફલ પ્રેમ’ અને ‘વેરોનાના બે ભદ્રિકો’). 1592 થી 1594 સુધીનાં વર્ષો શેક્‌સ્પિયર અને અન્ય નાટ્યકારો માટે તેમજ લંડનની રંગભૂમિ માટે વસમાં વર્ષો હતાં. મધ્યયુગના ઇતિહાસમાં લોકક્ષયકૃત બનેલી મહામારી મરકી (The Plague) આ વર્ષોમાં લંડનને ભરખી રહી હતી. રાજ-આજ્ઞાથી નટઘરો બંધ કરવામાં આવ્યાં હતાં. સમકાલીન છ નટમંડળીઓમાંથી ચાર ભાંગી પડી હતી. બાકી રહેલી બે નટમંડળીઓ પણ અર્ધા સભ્યોને છૂટી કરીને ટકવાના વ્યર્થ પ્રયત્નોમાં હતી. પાંચ વર્ષ પહેલાં તિમૂરલંગના પાત્રમાં લંડનને ઘેલું કરનાર નટરાજ એલિન પણ આ માઠા દિવસોમાં મિલકત અને વેશભૂષા વેચીને પ્રવાસીમંડળીમાં જોડાયો હતો. એની સાથે શેક્‌સ્પિયરનાં મહાપાત્રોને જીવંત રજૂ કરવાનો યશ જેને ઘટે છે તે રિચર્ડ બરબેજ પણ જોડાયો હતો. એલિઝાબેથન રંગભૂમિના બે પ્રતિસ્પર્ધી નટો અને મંડળીઓનું આમ સંકટ સમયે મિલન રચાયું હતું. પૂરાં બે વર્ષ આ સંયુક્ત પ્રયાસ જારી રહ્યો અને લંડનના નામી નટોએ ઇંગ્લૅન્ડનાં વિવિધ નગરોમાં નાટકો ભજવીને યોગક્ષેમનું વહન કર્યું. જ્યાં ખ્યાતનામ કલાકારોની આવી દુર્દશા હોય ત્યાં શેક્‌સ્પિયર જેવા અનામી અને દનિયું રળનાર આગંતુકની તો શી કથા! સાહિત્યકારો માટે આ વર્ષો મોટી પનોતીનાં વર્ષો નીવડ્યાં. માર્લોનું ખૂન થયું, ગ્રીન માંદગી અને ભૂખમરાથી અવસાન પામ્યો, પીલ, નેશ અને કિડની ભયંકર દુર્દશા થઈ. વાંચવામાં ટાઢીબોળ લાગતી આ હકીકતો યુવાન શેક્‌સ્પિયરને ઝાળ જેવી લાગી હશે. એ અગ્નિપરીક્ષામાં શેક્‌સ્પિયરે આંતરસુવર્ણની વિશુદ્ધિ પ્રાપ્ત કરી છે. ભિન્નરુચિ લોકસમસ્તની આરાધનાનો માર્ગ ત્યજીને એકાદ વ્યક્તિવિશેષનો આશ્રય એણે મેળવ્યો છે. આશ્રયદાતાના ગમા-અણગમાની ગુલામી એની કલમે સ્વીકારી છે. આ ત્રણ વર્ષોમાં કવિ સર્વાંશે સ્થળકાળનો ઉદ્ગાતા બન્યો છે. આશ્રયદાતા સાઉધમપ્ટનના વર્તુળનાં સાહિત્યસંસ્કાર અને પ્રણાલી એની કૃતિઓમાં પ્રતિબિંબિત થયાં છે. ‘રતિ અને ગોપયુવા’ તેમજ ‘લ્યુક્રીસનો શીલભંગ’ કાવ્યો આમ તો યુવાન ઉમરાવ સાઉધમપ્ટનને અર્પણ થયાં છે. વાસ્તવમાં સાઉધમપ્ટનના આશ્રયે શેક્‌સ્પિયરની પ્રતિભાના આ તત્કાલીન ઉન્મેષો છે. ‘ગોટાળાની ગમ્મત’ અને ‘વેરોનાના બે ભદ્રિકો’ એ નાટકો કેવળ સાઉધમપ્ટન જૂથના મનોરંજન માટે ગોઠવાયેલાં છે. ‘ગોટાળાની ગમ્મત’ યુરોપના શિષ્ટ યુગના લૅટિન નાટ્યકાર પ્લીટસના ‘મેનિશ્મી’ને આધારે રચાયું છે. વિદ્યાપીઠના અભ્યાસથી વંચિત શેક્‌સ્પિયરે શિક્ષિત સમાજનો પરિચય થતાં જ શિષ્ટ સાહિત્યનું આ નાટકમાં અનુકરણ કરી જોયું છે. ઓગણીસની વયનો સાઉધમપ્ટન અને તેના સમવયસ્કોના રંજન અર્થે ‘વેરોનાના બે ભદ્રિકો’ને શેક્‌સ્પિયરે વિચાર્યું લાગે છે. એટલે તો નાટકમાં અપ્રતીતિજનક અને આઘાતપ્રેરક ગણાય તેવો પોતાની પ્રેયસી મિત્રને નિવેદિત કર્યાનો પ્રસંગ કેવળ સાઉધમપ્ટનના યુવાન વર્તુળમાં જ સંભવી શકે, કારણ આ વર્તુળ અવિવાહિતોનું વર્તુળ હતું. સ્વપ્નની પ્રેયસીના આવા અદલાબદલા એ વર્તુળનાં અરમાન હશે તો શેક્‌સ્પિયરે એનું હાસ્યાન્વિત સન્માન કર્યું છે. આ સંદર્ભ ચૂકીને વિવેચકોએ વરોનાના બે ભદ્રિકો વેલેન્ટાઇન અને પ્રોટીઅસની વફાઈના નાટકમાં શેક્‌સ્પિયરે છત્રીસ જેટલા છબરડા વાળ્યા છે એમ ગણી બતાવ્યું છે. વાસ્તવમાં શેક્‌સ્પિયરે વફાદારીથી આશ્રયદાતાના મનોરાજ્યને નાટકમાં સ્થાપી આપ્યું છે. સાઉધમપ્ટનના આશ્રયે વીતેલો આ સમય શેક્‌સ્પિયર માટે – એટલે એના રસિયાઓ માટે ‘અતૃપ્તિની પાનખર’ (The Winter of Discontent) જેવો છે. પેલાં શર્કરામધુર સૉનેટોનું સંવેદન મુખ્યત્વે આ વર્ષનો એકરાર છે. અજવાળી તોયે રાત જેવો અનુભવ કવિને આશ્રયદાતાના દરબારમાં મળ્યો છે. કવિ તોયે નટ! ઉમરાવોના તો અનુચરો પણ અભિજાત કુટુંબોમાંથી આવે. જ્યારે શેક્‌સ્પિયર સંભાવિતપદ માટેની અરજી જેણે પાછી ખેંચી હતી એવા જ્હૉન શેક્‌સ્પિયરનો પુત્ર હતો. ઉપરાંત હરિજનોમાં હેઠ જેવો નટનો વ્યવસાય એણે સ્વીકાર્યો હતો. એટલે પોતાનાં અનેક નાટકોમાં વિદૂષકોનું કે આશ્રિતોનું રાજાઓના દરબારમાં જે સ્થાન એણે દર્શાવ્યું છે, તેથી જુદું સ્થાન સાઉધમપ્ટનના દરબારમાં શેક્‌સ્પિયરનું કદાચ નહીં હોય! ઋણી શેક્‌સ્પિયરે એટલે જ સૉનેટોમાં વારંવાર પોતાની ભાગ્યહીન દશાના ઉલ્લેખો સહજભાવે આપ્યા છે અને આશ્રયદાતાને ‘તું મારું સર્વસ્વ છે’ કહીને સ્વીકાર્યો છે. આ દાસત્વ યુવાન શેક્‌સ્પિયરના જીવનનું મોટામાં મોટું વિઘ્ન હતું. વિરાટનગરીમાં બૃહન્નલા સ્વરૂપે અર્જુનનું વનવાસનું તેરમું વર્ષ તેવું મહામારીના સમયમાં સાઉધમપ્ટનની જાગીર ટિચફીલ્ડમાં શેક્‌સ્પિયરનું 1593નું વર્ષ. કૌરવોના આક્રમણથી વિરાટનગરીની ધેનુઓને જેમ અર્જુને તેમ ભદ્રસમાજના આશ્રયના ઑથારથી કામધેનુ જેવી સર્ગશક્તિને શેક્‌સ્પિયરે ‘વિફલ પ્રેમ’ નાટક લખીને પાછી મેળવી છે. શેક્‌સ્પિયરનું હાસ્ય સદૈવ એના સ્વાસ્થ્યનું માપયંત્ર રહ્યું છે. ‘વિફલ પ્રેમ’માં શેક્‌સ્પિયરને એનું ખોવાયેલું હાસ્ય મોડું મોડુંયે પાછું મળ્યું છે. અવિવાહિત સાઉધમપ્ટનના ખુશામતી વર્તુળમાં જ સંભવી શકે એવું આ નાટક છે, પરંતુ શેક્‌સ્પિયરના એ નાટકમાં ઐહિક વાસનામોક્ષ સમાયો છે. સ્ટેટફર્ડના એ ગ્રામજને યુવાન ઉમરાવના કૃપાપાત્ર બનીને સંભાવિતોનું જગત જોયું છે અને જાણ્યું છે. એ જગતમાંથી શેક્‌સ્પિયરનું એકમાત્ર ‘મૌલિક’ નાટક ‘વિફલ પ્રેમ’ (Love’s Labour’s Lost) આકાર પામ્યું છે. સાઉધમપ્ટનની ટિચફીલ્ડ જાગીરના રાજવી વૈભવથી કવિ અંજાયો પણ છે અને અકળાયો પણ છે. એ વૈભવશાળી જીવનના કૃત્રિમ સંકેતોને એણે જનપદના અબૂજ કિન્તુ સોલ્લાસ જીવન જોડે સરખાવ્યાં છે. પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃત – શેક્‌સ્પિયરનાં નાટકોમાં પરંપરિત આ ધ્રુવબિંદુઓનો પરિચય ‘વિફલ પ્રેમ’માં પ્રથમ વાર મળે છે. જન્મસ્થાન સ્ટેટફર્ડને જેમ શેક્‌સ્પિયરે અનેક નાટકોમાં જનપદના ગ્રામીણોને પ્રવેશ આપીને સંભાર્યું છે, તેવી જ રીતે સાઉધમપ્ટનના વર્તુળને અનેક નાટકોમાં ફૅશનપરસ્ત ઈટલી અને ફ્રાન્સનાં ખ્વાબોથી દિમાગને તરબતર કરનાર મિજાજી યુવક પાત્રો દ્વારા વિસારે પડવા દીધું નથી. એટલે જ ‘વિફલ પ્રેમ’માં સાઉધમપ્ટને ફ્રાન્સમાં જેનો પરિચય મેળવ્યો હતો તેવા નાવારેના યુવાન રાજવી ફર્ડિનાન્ડને મધ્યવર્તી રાખીને નાટક રચ્યું છે. સાઉધમપ્ટનની અવિવાહિત રહેવાની પ્રતિજ્ઞા શેક્‌સ્પિયરે સૉનેટોમાં અનેક વાર યાદ કરી છે. એ જ પરિસ્થિતિ ‘વિફલ પ્રેમ’નું નાટ્યબીજ બની છે. યુવાન ફર્ડિનાન્ડ અને ત્રણ સમવયસ્કો ત્રિવાર્ષિક બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઈ બેઠા છે. ફ્રાન્સની રાજદુહિતા અને ત્રણ સહિયરો અતિથિ બનીને એમનો પ્રતિજ્ઞાભંગ કરાવે છે. નાટકનું વસ્તુ આટલું સરળ છે, પરંતુ ફ્રાન્સની રાજકુંવરી આવીને નાવારેના યુવાન રાજવીનું વેદાભ્યાસજડત્વ દૂર કરે છે ત્યાં સુધીના સંવાદોમાં શેક્‌સ્પિયરે આડંબરી પદાવલિની મબલખ ભેટ ધરી છે. ‘વિફલ પ્રેમ’ નાટક શેક્‌સ્પિયર માટે મોટો પદાર્થપાઠ રહ્યું છે. કેવળ સ્થાનિક એવા વિષયો અને સમકાલીન વ્યક્તિવિશેષની પાત્રપ્રકૃતિનું એ નાટક છે. ઇસેક્સ અને સાઉધમપ્ટનના જૂથના આત્યંતિક દ્વેષનું કેન્દ્ર રાણીનો માનીતો વૉલ્ટર રાલે હતો. બીજા કોઈ પણ સંદર્ભમાં શેક્‌સ્પિયરે જેને બિરદાવ્યો હોત એવા રાલેનું ભયંકર ઠઠ્ઠાચિત્ર ‘વિફલ પ્રેમ’ નાટકમાં છેલછબીલા આરમેડોના પાત્ર દ્વારા ઉપસાવ્યું છે, પરંતુ કેવળ એક જૂથમાં સીમિત રહેવાનું શેક્‌સ્પિયરને કદી નથી ફાવ્યું. એનો સ્વભાવ કરુણામય છે એટલે જ ‘વિફલ પ્રેમ’ નાટકમાં કાવ્યોચિત બાનીની એલિઝાબેથન પ્રણાલી અનુસર્યા પછી શેક્‌સ્પિયરે નાટકના અંતે બંડ પોકાર્યું છે. રેશમી પદાવલિનું અને જાજ્વલ્યમાન ભદ્રસમાજનું વશીકરણ હવે પોતાને નથી નડતું એનો પુરાવો કવિએ બેરુનના મુખે રજૂ કર્યો છે. બ્રહ્મચર્યની દીક્ષા પામેલા નાવારેના ધૂની રાજવીના ત્રણ મિત્રોમાં એકનું નામ બેરુન છે. પ્રથમથી જ બ્રહ્મચર્યની ત્રિવાર્ષિક દીક્ષા વિષે બેરુન સાશંક છે. રાજકુંવરી સાથે આવેલી સહિયર રોઝેલીનના પ્રેમસ્પર્શે બેરુનમાં સૂક્ષ્મ પરિવર્તન આવે છે. બધા જ આડંબરો સરી પડે છે અને સહજભાવે એ પ્રતિજ્ઞા લે છે, કે ‘સાક્ષરી ચીનાંશુક શબ્દસમૂહો’, રેશમી અર્થગર્ભિત પર્યાયો, ત્રિશૃંગી અતિશયોક્તિઓ, ચાવળાં આડંબરો, ભારેખમ અલંકારો - બધાંય વર્જ્ય!’ (Tafetta phrases, silken terms precise, Threepiled hyperboles,spruce affectation figures pedantical - Henceforth my wooing mind shall be expressed. In russet yeas and honest kersey noes). હવે તો બેરુન ગામઠી હા અને સાચી બરછટ ના જેવા શબ્દોને ઉપયોગમાં લેશે. સંસ્કારી આડંબરોમાંથી પ્રણય દ્વારા બેરુનનું આવું પરિવર્તન દર્શાવીને શેક્‌સ્પિયર સાઉધમપ્ટનની કૃપાના ઑથારમાંથી મુક્ત બની જાય છે. ‘વિફલ પ્રેમ’ છે તો કાચું નાટક, પણ કવિએ એમાં સાચી દિશા મેળવી લીધી છે. નિશ્ચિત સમકાલીન વ્યક્તિને આધારે થયેલી પાત્રરચના અને અમીર આશ્રયદાતાના ગમા-અણગમાને લક્ષમાં રાખી રચાયેલી કૃતિ ‘વિફલ પ્રેમ’ છે. ટિચફીલ્ડમાં લખાયેલા એ નાટકમાં સાઉધમપ્ટન જૂથના હરીફ રાલેનો આરમેડોના પાત્રમાં ઉપહાસ થયો છે. પ્રભુતામાં પદાર્પણ કરતા સાઉધમપ્ટન ખચકાતો હતો એ હકીકતની આજુબાજુ શેક્‌સ્પિયરે મર્માળું નાટક રચ્યું ને જાણી લીધું કે કોઈ વ્યક્તિ કે જૂથને પ્રતિબિંબિત કરનારાં નાટકોથી પોતાને સંતોષ નથી. દરબારી રીતરસમોથી અકળાયેલા શેક્‌સ્પિયરે આ નાટકનાં વસવાયાં પાત્રો મોથ કૉસ્ટાર્ડ અને ડલ અને ભદ્રંભદ્રી પાત્રો પાદરી નાથાનીઅલ પંતુજી હોલોફર્નેસનો સાથ શોધ્યો છે. નાટકને અંતે વસંત અને શિશિરનાં બે ઋતુગીતોમાં નિસર્ગનો ધબકાર પામીને શેક્‌સ્પિયરે આડંબરી આરમેડો પાસે ભરતવાક્યનું ઉચ્ચારણ કરાવ્યું છે : ‘You that way; We this way.’ જાણે કે શેક્‌સ્પિયરે સંકલ્પ કર્યો છે. આરમેડોનો રસ્તો એ રૂઢિપરસ્તીનો રસ્તો છે અને કવિનો રાહ એ મુક્તમનનો રાહ છે. ‘વિફલ પ્રેમ’નો અંત એ સર્વતંત્ર સ્વતંત્ર શેક્‌સ્પિયરનો નવો રાહ છે. આમ, ‘વિફલ પ્રેમ’માં તાત્કાલિક અને સીમિત અનુભવોને સીધા નાટકમાં ઉતાર્યા પછી ભૂલ સુધારીને શેક્‌સ્પિયરે રાહ બદલ્યો છે. આ રીતે 1592 થી 1594નાં વર્ષો – પ્રથમ બે કાવ્યકથા અને સૉનેટોની રચનાનાં વર્ષો – શેક્‌સ્પિયરના ઉન્માદ અને વ્યથાની તવારીખ મૂકી ગયાં છે. આશ્રયથી લાલાયિત શેક્‌સ્પિયરે આ વર્ષોમાં રંગભૂમિ અને લોકરંજનનો ક્ષોભ અને શરમ અનુભવ્યાં છે, પરંતુ ત્રણ વર્ષનો આશ્રિતભાવ ખંખેરીને 1594માં શેક્‌સ્પિયર દૃઢતાથી રંગભૂમિને વશવર્તી બને છે. પછીનાં છ વર્ષમાં એની પ્રતિભાના અપ્રતિમ પરિપાક જેવા ‘રોમિયો અને જુલિયેટ’, ‘વાંસતી રાત્રિનું સ્વપ્ન’, ‘વેનિસનો વ્યાપારી’, ‘બીજો રિચર્ડ’, ‘જ્હૉન રાજવી’ ‘જુલિયસ સીઝર’ અને ‘કોજાગ્રિ’ અવતાર લે છે. લોકનાટકનું શરણું સ્વીકારીને માનવ્ય અભિવ્યક્તિનું શ્રેષ્ઠ વરદાન પ્રાપ્ત કર્યું, તે પછી પૂરાં સોળ વર્ષ પર્યંત આ વ્યવસાયી નાટ્યકારે પ્રતિવર્ષ બેત્રણ નાટકો રચીને સમૃદ્ધ અંગ્રેજી વાઙ્મયના ઇતિહાસમાં કવિ-નાટ્યકારનું એકમેવ સ્થાન વિભૂષિત કર્યું. અંગ્રેજી પ્રજાના લોહીને વ્યાપી વળેલી કૃતિઓનો રચયિતા વ્યવસાયી રંગભૂમિનો ‘નાટ્યકાર’ હતો અને શ્રીમંતોની કૃપા ત્યજીને સ્વેચ્છાએ લોકસમસ્તને એણે માથું નમાવ્યું હતું એ વાત 1594માં ચેમ્બરલેઇન નટમંડળીના આજીવન સભ્ય બનીને એણે પ્રગટ કરી છે. અમીરાતથી અંજાયેલી એની આંખો જાણે એનાં ઉપેક્ષિત ભાંડુઓને શોધી રહી હોય તેમ એણે વ્યવસાયી નટ બનીને ભદ્રસમાજને વાસનામોક્ષનો રાહ ચીંધી બતાવ્યો : ‘આપ સહુનો પેલો રહ્યો મહામાર્ગ, અમારો તો અન્ય.’ "You that way; We this way."[1] લોકનાટ્યના પંથે શેક્‌સ્પિયરે ઉલ્લાસથી યાત્રા આરંભી. જ્હૉન બનિયનની પ્રસિદ્ધ ધર્મવાર્તા “યાત્રિકની પ્રગતિ’(Pilgrim’s Progress)નો યાત્રી ઈસાઈ. હાથમાં બાઇબલ અને ખભે પાપભાર વહીને ધર્મની લાકડીને આધારે જેમ મૃત્યુના ઓછાયાની ખીણ વટાવી ગયો હતો તેમ બહુરૂપી વેશે – શેક્‌સ્પિયરે હોઠે સ્મિત, કંઠે ગીત અને હૈયે કરુણા વહાવીને નટોના સથવારામાં મૃત્યુના ઓછાયાની ખીણમાં પાંગરેલા આંતરજીવનને એવું આત્મસાત્ કર્યું છે કે એનાં નાટકોના દર્પણમાં માનવજાત અદ્યાપિ જિંદગીના મર્મોને પામે છે. બે પ્લેગનું સંકટ દૂર થતાં 1594ની વસંતમાં લંડનનાં નટઘરો ફરીને પ્રવૃત્ત બન્યાં. નટમંડળીની નવેસરથી રચના થઈ. માર્લોનાં મહત્ત્વાકાંક્ષી નાટકોના યશસ્વી નટ એલીને શાહુકાર શ્વશુર હેન્સલોની સહાયથી રચેલી એડમિરલ મંડળી અને તરુણ વયના રિચર્ડ બરબેજે અન્ય નટોની ભાગીદારીમાં સ્થાપેલી ચેમ્બરલેઇન મંડળી. રાણી એલિઝાબેથના છેલ્લા દાયકામાં આ મંડળીઓ દ્વારા અંગ્રેજી નાટ્યસાહિત્યનો સુવર્ણયુગ રચાયો. એડમિરલ અને ચેમ્બરલેઇનની છત્રછાયા કેવળ કાનૂની રક્ષણ પૂરતી હતી. આવા રક્ષણ વિના નટોને અનેક પ્રકારની કનડગત લંડનની નગરપાલિકાને હાથે નડતી. ચેમ્બરલેઇન મંડળીને જ્યારે શહેરની ‘ક્રૉસ કીઝ’ નામની સરાઈમાં નાટકો ભજવવાં હતાં ત્યારે રાણીના સંબંધી વૃદ્ધ ઉમરાવ હંસ્ડને (લૉર્ડ ચેમ્બરલેઇન) નગરપાલિકાને બાંયધરી આપી હતી કે ચેમ્બરલેઇન મંડળીનાં નાટકો વહેલાં શરૂ થશે જેથી ગુમાસ્તાઓ સાંજે દુકાનેથી પાછા વળે. એમણે એવી પણ ખાતરી આપી હતી કે મંડળીનાં નાટકોની જાહેરાત ઢંઢોરો પીટીને નહીં કરાય. આમ છતાંય નગરસમિતિએ પરવાનો આપવામાં ગલ્લાંતલ્લાં કર્યાં ત્યારે લૉર્ડ ચેમ્બરલેઇને ગર્ભિત ધમકી આપી હતી કે મંડળીને નવાં નાટકોની ભજવણીમાં વિઘ્ન નડશે તો નાતાલમાં રાજમહેલમાં નાટકો સારી રીતે નહીં ભજવાય અને રાણીમાતા નારાજ થશે. આ દલીલ પછી જ ચેમ્બરલેઇન મંડળીને શહેરના કોટની અંદરના વિસ્તારોમાં નાટક રજૂ કરવાની છૂટ મળી હતી. ચેમ્બરલેઇન મંડળીમાં સ્થાન મળ્યું એ શેક્‌સ્પિયરનું મહદ્ભાગ્ય ગણાય : એવું વિધાન અત્યારે વ્યાજસ્તુતિ ઠરે. વિભૂતિપૂજાનાં શ્રદ્ધાળુ મન ભવાયાની સોબતને દુર્દૈવ લેખે, પરંતુ કવિ શેક્‌સ્પિયરે સૂધબૂધથી એ સોબત મેળવી હતી અને જાતને આવી પ્રાપ્તિથી ધન્ય ગણી હતી તે માટે વાજબી કારણો છે. કળાકાર શેક્‌સ્પિયરને જે મોકળાશ અને સ્વાતંત્ર્ય નટોની મડળીમાં મળ્યાં તેનો અલ્પાંશ પણ કૃપાળુ આશ્રયદાતાની સેવામાં અશક્ય હોત. ચેમ્બરલેઇન મંડળીમાં શેક્‌સ્પિયરને યોગક્ષેમની ચિંતા ટળી એટલું જ નહિ, ત્યાં એને આજીવન મૈત્રી મળી. કુટુંબથી નિર્વાસિત બનેલા શેક્‌સ્પિયરને સહોદરો તરફથી નહોતી મળી તેવી મમતા અને હૂંફ વ્યવસાયી ભાગીદારોએ અર્પ્યાં છે. એની નાટ્યકૃતિઓનું મરણોત્તર પ્રકાશન કરીને ચેમ્બરલેઇન મંડળીના હેમિન્ગ અને કૉન્ડેલે જગતને પ્રિય સખા શેક્‌સ્પિયરનું સદાકાળ ૠણી બનાવ્યું છે. ધંધાની ભાગીદારી તરીકે આ મંડળીના કારોબારને સમજવામાં અક્ષમ્ય ભૂલ થાય. સાચી રીતે સહજીવનનો અખતરો ચેમ્બરલેઇન મંડળીએ કર્યો હતો. વર્ષમાં આઠ માસ વહેલી પરોઢથી મોડી રાત સુધી સૌ સાથે કાર્યરત રહેતા, શેક્‌સ્પિયરના ભાગીદારો એના નાટ્યસર્જનના સમર્થ વાહકો હતા. રખે ને એમને અશિક્ષિત અને અસંસ્કારી માની લઈએ. મંડળીનું બંધારણ જ એવું હતું કે પ્રત્યેકના નિઃસ્વાર્થ ઉમંગ અને સહકાર વિના કોઈને આર્થિક લાભ ન રહે. સહુએ પોતાની મૂડી મંડળીમાં રોકી હતી. મંડળીના માલસામાન, વેશભૂષા અને નાટકોના માલિકીહક સહિયારા હતા. ભાગીદારી એવી તો સફળ થઈ કે થોડાં જ વર્ષોમાં મંડળીએ જગપ્રસિદ્ધ ગ્લોબ થિયેટર સહિયારી ભાગીદારીનું બંધાવ્યું. આ સહકારી પ્રવૃત્તિનું હાર્દ ભાગીદારો વચ્ચેની સાચી મૈત્રીમાં હતું. કાનૂની જોગવાઈ ઉપર આધાર રાખનાર બીજી મંડળીઓ તૂટી ત્યારે પણ હેમિન્ગ અને કૉન્ડેલનો વહીવટ એવો ચોખ્ખો રહ્યો કે ચેમ્બરલેઇન મંડળીનો એક પણ સભ્ય કદીયે કોર્ટે ન ચડ્યો. આપણા જમાનામાં પણ મનોરંજન પ્રવૃત્તિમાં પડેલી કોઈ મંડળીએ આવો વિક્રમ નથી સ્થાપ્યો. વ્યક્તિગત અને કૌટુંબિક જીવનમાં ચેમ્બરલેઇન મંડળીના શેક્‌સ્પિયરના સાથીદારો સમાજમાં અકલંકિત જીવનની છાપ મૂકી શક્યા છે. અમિત્રોએ પણ નોંધ્યું છે કે શેક્‌સ્પિયરની મંડળીના નટો સારા પડોશીઓ, ઠરેલ અને સૂઝવાળા નાગરિકો, યોગ્ય તાલીમ પામેલા અને પ્રામાણિક ગૃહસ્થાશ્રમીઓ હતા. અંગત જીવનમાં શાંત રહી અને નિરુપદ્રવી રીતે જીવીને એમણે પોતાનું તેજ રંગભૂમિને સમર્પિત કર્યું હતું. ચેમ્બરલેઇન મંડળીનો આધારસ્તંભ નટ રિચર્ડ બરબેજ હતો. દેશનું પહેલું નટઘર ‘થિયેટર’ એના પિતા જેઇમ્સ બરબેજનું સાહસ હતું. બરબેજનો નિવાસ રંગભૂમિનો વિસ્તાર ગણાતા શોરડીચ વિભાગમાં સંત લિયોનાર્ડના ગિરિજાઘર પાસે હોલીવેલ માર્ગ પર એક મકાનમા હતો. ચેમ્બરલેઇન મંડળીની સ્થાપના સમયે બરબેજની વય વીસની હતી. બે વર્ષ પહેલાં ત્રીજા રિચર્ડના પાત્રને સફળતાથી નિરૂપીને એણે અભિનયસિદ્ધિ મેળવી હતી. ઇંગ્લૅન્ડની શ્રેષ્ઠ નાટ્યકૃતિઓનાં મુખ્ય પાત્રોને અભિયનથી જીવંત કરવાનું બહુમાન રિચર્ડ બરબેજને ઘટે છે. કદાચ મહાભારતકાર વ્યાસ અને શ્રીગણેશ વચ્ચેની સ્પર્ધા જેવું મહાભાગ્ય પણ બરબેજનું હશે જ! રોમિયો, શાયલોક, ત્રીજો રિચર્ડ, હૅમ્લેટ, મેકબેથ અને લીઅર શેક્‌સ્પિયર સર્જે અને નાટ્યકારની સાક્ષીએ જ બરબેજ ત્રુટિ રહિત અભિનયમાં એમને ભજવી બતાવે એ જ એના અભિનયની અકલ્પનીય ઇયત્તા લેખાય. અર્વાચીન યુગમાંય સિદ્ધ અભિનેતાનું અંગત જીવન અવાચ્ય હોય છે. જ્યારે બરબેજ પેલા પવિત્ર કૂપ માર્ગે કુટુંબવત્સલ જીવન વિતાવી શક્યો હતો. એનાં સાતે સંતાનો પિતૃછાયામાં ઊછર્યાં હતાં. નોંધાયું છે તે પ્રમાણે એક જ વાર એ અત્યંત સંક્ષુબ્ધ બન્યો હતો, જ્યારે એના મકાનમાં હાથ મારીને કોઈએ બીજી વસ્તુઓ સાથે એનાં બાળકોનાં વસ્ત્રોને પણ ઉઠાવી લીધાં હતાં. અનેક નાટકોના સમ્રાટ બરબેજે વસ્ત્રો વિનાનાં બાળકોની ચિંતા કરી હતી. કોઈ પણ વર્ષમાં બરબેજ રંગભૂમિ પર આવે એટલે લંડન એ નાટક જોવાને થોકેથોક ઊમટતું. કદાચ બરબેજને ધ્યાનમાં લઈને જ શેક્‌સ્પિયરે એક સ્થળે લખ્યું છે કે જેમ કોઈ અભિનયપટુ નટ રંગભૂમિ ઉપર સંવાદ પૂરા કરીને જનાન્તિકે વિચરે ત્યારે મુગ્ધ બનેલો પ્રેક્ષક કેટલીયે ક્ષણો રંગભૂમિ ઉપર ઉપસ્થિત બીજાં પાત્રોને જોવા છતાં મનમાં લેતો નથી તેમ... 1619માં બરબેજનું અવસાન થયું. તે જ માસમાં રાણી એનનું પણ અવસાન થયું. એક કવિએ તો નોંધ્યું પણ છે કે બરબેજના અવસાનથી લંડને એવો આઘાત અનુભવ્યો કે રાણીના અવસાનનો અણસાર પણ ન રહ્યો. પાત્રોના અંતરમનને વ્યક્ત કરવાની શેક્‌સ્પિયરી ફાવટમાં બરબેજના અભિનવપાટવનો કેટલો ફાળો હશે એ તો કોણ કહી શકે? બરબેજના પડોશમાં નટ કાઉલી રહેતો હતો જેણે ‘વાતનું વતેસર’ નાટકમાં દરોગા વર્જીસનું પાત્ર લીધું હતું એવો ઉલ્લેખ મળી આવ્યો છે. શોરડીચ વિસ્તારમાં મૂળ ‘થિયેટર’ અને ‘જવનિકા’ (The Curtain) એમ બે નટઘરો હતાં એટલે નટો માટે એ અનુકૂળ વિસ્તાર હતો. કવિ શેક્‌સ્પિયર પ્રારંભનાં થોડાંક વર્ષો આ વિસ્તારમાં રહ્યો હતો. આવો જ બીજો રંગભૂમિ-વિસ્તાર નદીને સામે કાંઠે સથાર્ક હતો. ‘ગુલાબ’ અને રાજહંસ’ એમ બે નટઘરો આ વિસ્તારમાં હતાં. ચેમ્બરલેઇન મંડળીના ઑગસ્ટીન ફિલિપ અને ટોમસ પોપ આ વિસ્તારમાં રહેતા હતા. ઑગસ્ટીનને પાંચ સંતાનો હતાં. પોપ અવિવાહિત રહ્યો અને પાંચ અનાથ બાળકોને પોતાને ઘેર ઉછેર્યાં. અવસાન સમયે પોતાની તલવાર એણે બરબેજને વારસામાં આપી. મંડળીના હિસાબકિતાબ હેમિન્ગ અને કૉન્ડેલના હાથમાં સલામત હતા. એમનો વસવાટ નટઘર વિસ્તારમાં ન હતો, પરંતુ શહેરના આકર્ષક પશ્ચિમ ભાગમાં તેઓ વસતા હતા. હેમિન્ગને ચૌદ બાળકો હતાં. ઉપરાંત નવ જેટલા કિશોરોને એણે તાલીમ આપીને ઉછેર્યા હતા. કૉન્ડેલને નવ સંતાનો હતાં અને અનેક કિશોરોને એના કુટુંબમાં સ્થાન હતું. એ વિસ્તારના દેવળના તેઓ વહીવટદારો હતા. નટોના જગતમાં એમની સાખ એવી કે લાખોના વહીવટમાં કદી કજિયો ન નોંધાયો અને જ્યારે રાજ્ય સમક્ષ નટમંડળીઓએ રક્ષણ માટે અરજ ગુજારી ત્યારે રાજ્યમંત્રી જોડે મંત્રણા કરીને શરતો સ્વીકારવાનું કામ એકલા હેમિન્ગને સોંપ્યું. નટોના કૌટુંબિક જીવનને જેબ આપે તેવી અનેક ઝીણી વિગતો મળી આવી છે. પોતાનાં સંતાનોની સાથોસાથ તાલીમ માટે બીજાનાં સંતાનોને ઉછેરવામાં નટપત્નીઓએ કેવું માતૃત્વ દર્શાવ્યું તેનું એક ઉદાહરણ ટુલી નામનો કિશોરાવસ્થામાં અવસાન પામેલો એક નટ મૂકી ગયો છે. નાનકડી એની જિંદગાનીમાં બચેલા ત્રીસ પાઉંડ એ શ્રીમતી બરબેજ અને શ્રીમતી કૉન્ડેલને વસિયતનામું કરીને આપતો ગયો. આવું જ બીજું ઉદાહરણ નટરાજ એલીનના તાલીમી કિશોર જ્હૉન પાઇકનું છે. એલીન સાથે બીજાં ગામોમાં પ્રવાસે નીકળેલા પાઇકે એલીકની પત્નીને લખેલો પત્ર મળી આવ્યો છે. કુટુંબનાં બધાં શરીરે સ્થૂળ એવા જ્હૉન પાઇકને ડુક્કરના વહાલસોયા નામે બોલાવતાં. ડુક્કરની વિનંતિથી એલીને એક પત્ર લખ્યો હતો જેમાં કિશોર ડુક્કરે સહુને સ્મરણ કહ્યાં હતાં, ખાસ કરીને પ્રભાતમાં એને જગાડનારી ડોલીને અને એનાં વસ્ત્રો અને જૂતાંની સંભાળ રાખનારી સારાને. બાલસહજ ઉલ્લાસથી લખતંગ પછી એણે ઉમેર્યું હતું : તમારો નાનકો રૂપાળો કચકચિયો અને વાતોડિયો ડુક્કર. નટોના સંસારનું એક હૃદયંગમ લક્ષણ એ હતું કે તેઓ એકબીજાને વારંવાર ભેટસોગાદ ધરતા. વસિયતનામામાં પરસ્પર મિલકત અને કુટુંબની સોંપણ કરી જતા અને વહાલસોયાં સંતાનો અને લાડકાં તાલીમી કિશોરોને વિશ્વાસથી પરસ્પર સાચવણી માટે આપી જતા. આવા વિશ્વાસમૂલક એમના જીવનને યાદ કરીને લખાયું હતું કે આ સૌની યોગ્યતા હજુય લોકસ્મૃતિ બનીને જીવંત રહી છે. ચેમ્બરલેઇન મંડળીએ 1594થી જ શેક્‌સ્પિયરને એવો અપનાવ્યો કે 1594ની વસંતમાં રાજમહેલમાં રજૂ થયેલાં નાટકોની ભજવણીમાં સરપાવરૂપે મળેલી રકમ બરબેજ, શેક્‌સ્પિયર અને કૅમ્પને હાથોહાથ આપવામાં આવી એવો હવાલો રાજ્યના દફતરમાં મળી આવ્યો છે. અમૂલ્ય કૃતિઓના લેખક શેક્‌સ્પિયરની લેખક તરીકેની આવક વર્ષે વીસેક પાઉંડની થાય. શેક્‌સ્પિયર યોગક્ષેમ પરત્વે નિર્ભય બન્યો એ નટ તરીકેની આવકથી. મંડળીના રિવાજ મુજબ દરવાજે ઊભીને પ્રેક્ષકોના પ્રવેશશુલ્કને એકઠું કર્યા પછી નટોની હાજરીમાં એક મંજૂષામાં રાખવામાં આવતું અને બે જુદી જુદી ચાવીવાળું તાળું લગાવીને મંજૂષાચાવી બે વ્યક્તિઓને આપવામાં આવતી. સપ્તાહમાં એક વાર મંજૂષા ઉઘાડીને નાણું ગણી લેવાતું અને ખરચ બાદ કરીને બાકીનું ભાગ મુજબ વહેંચાતું. ટીપે ટીપે આવેલું નાણું ભાગીદારો સહેલાઈથી ન ખરચી શકતા. નટોના સ્વભાવ મુજબ સ્થાવર મિલકતમાં એ નાણું વપરાતું. શેક્‌સ્પિયરે નાણું મેળવ્યું નટની રીતે અને વાપર્યું પણ નટની રીતે. સ્ટેટફર્ડના દેવાદાર બનેલા જ્હૉન શેક્‌સ્પિયરના આ જ્યેષ્ઠ પુત્રે ગામ છોડ્યું તો ખરું પણ કાળજું રાખ્યું બાપની ડાળે. એટલે ભાગીદાર બન્યાનાં બે વર્ષમાં એણે પિતાની ભદ્રપદવાંછનાને ફલવતી કરી અને રાજ-આજ્ઞાથી ‘શ્રીમાન’નું બિરુદ અને મોભો પિતાને અપાવ્યાં અને 1597માં સ્ટેટફર્ડ ગામતળની મોટી મહોલાત ‘નવી હવેલી’ (New Place) ખરીદી લીધી. આ રીતે વ્યવસાય પરત્વે શેક્‌સ્પિયર નચિંત્, નરવો અને સુખી થયો. એને વિષે અનેક મુખે પ્રમાણ મળ્યું કે અત્યંત મધુર અને વિનમ્ર એનું વ્યક્તિત્વ હતું. સંઘર્ષપ્રિય એના યુગમાં સાહિત્યની એક પણ તકરારમાં એનું નામ નથી. એક કવિમિત્રે તો લખ્યું છે કે શેક્‌સ્પિયર, તારી પ્રતિભા કલહપ્રિય નથી કિંતુ સંયમિની છે! ચેમ્બરલેઇન મંડળીનાં નાટકો નદીકાંઠે આવેલા શોરડીચ વિસ્તારનાં ‘થિયેટર અને ‘જવનિકા’માં ભજવાતાં. મંડળી સ્થપાયાના પ્રથમ વર્ષથી જ એનાં નાટકોના વિશેષ પ્રયોગો રાજમહેલમાં અને ઉમરાવોની હવેલી કે અન્ય સ્થળોએ અવારનવાર રજૂ થયા છે. 1594ની નાતાલમાં રાણી એલિઝાબેથના ગ્રીનીચ મહેલમાં મંડળીએ ત્રણ રાત નાટકો ભજવ્યાં હતાં અને મહેનતાણાના 20 પાઉંડ બરબેજ, શેક્‌સ્પિયર અને હાસ્યનટ કૅમ્પને મળ્યા હતા. રાણી એલિઝાબેથના સ્વભાવમાં ત્રેવડનું સ્થાન હતું. એટલે નગરની રંગભૂમિનાં નીવડેલાં નાટકો જ રાજમહેલના પ્રયોગોમાં રજૂ થયાં. પરિણામે રાણીને ઓછા ખર્ચે શ્રેષ્ઠ નાટકો મેળવી લીધાનો સધિયારો રહ્યો, પરંતુ રાજત્વનાં પ્રતીક સમી રાણી એલિઝાબેથના રાજદરબારમાં નાટકો પૂરા દમામથી ભજવી શકાય તે હેતુથી મનોરંજન અધિકારી ટિલ્ની(Master of Revels)ની સૂચના પ્રમાણે નાટકના પાત્રને અનુકૂળ પરિધાન રાજ્યને હિસાબે તૈયાર થયાં. નાતાલ પહેલાં આખો માસ સુથાર, દરજી, રંગારા, ચિતારા કામે લાગી ગયા. મ્હોરાં બનાવનારા અને બનાવટી દાઢી, મૂછ અને જટા માટે કુશળ કારીગરો તડામાર કામે લાગી જતા. આવા કામકાજના વિગતે હિસાબ રાખવામાં આવતા. રાતપાળી કામ ચાલતું ત્યારે મશાલ અને મીણબત્તીના ખર્ચા નોંધાયા છે. શેક્‌સ્પિયરના નાટકમાં ઘર વેચીને જામા સીવડાવનારા ફતન દેવાળિયા યુવાનોના ઉલ્લેખ આવે છે. ‘વેનિસના વ્યાપારી’ નાટકમાં તો અંગ્રેજ ઉમરાવનું વર્ણન કરતાં નાયિકા પોર્શિયા કહે છે કે કેવો વર્ણસંકર એનો વેશ છે! એણે અંગરખું ઈટલીનું પહેર્યું છે તો સુરવાલ ફ્રાન્સથી આણી છે. પાઘ એની જર્મનીમાં ખરીદેલી છે તો રીતરસમ વળી બધાય દેશની. “How oddly he is suited! I think he bought his doublet in Italy, his round hose in France, his bonnet in Germany and his behaviour everywhere." (The Merchant of Venice, I, iii) નાટ્યકારનું શરસંધાન લક્ષ્યવેધી હતું તેના પુરાવા નાટકોના વસ્ત્રપરિધાન માટે રાજ્યે અને મંડળીઓએ ખરચેલી રકમના આંકડામાં મળે છે. શેક્‌સ્પિયરની મંડળીનું વિશેષ ખર્ચાળ ખાતું વેશભૂષા (Costumes) રહ્યું છે. અત્યારનું ઇંગ્લૅન્ડ પહેરવેશની બાબતમાં પ્રમાણમાં એકધારું અને અલ્પરંગી લાગે એટલું વસ્ત્રવૈવિધ્ય અને રંગપ્રાચુર્ય શેક્‌સ્પિયરની રંગભૂમિને નયનાભિરામ ઠેરવે છે. એટલે જ અર્વાચીન ઇંગ્લૅન્ડના વસ્ત્ર વિધાયકોએ પ્રજાને વિનંતી કરી હતી કે વસ્ત્રોની પસંદગીમાં રંગોને પ્રાધાન્ય આપો. તેમાંય એલિઝાબેથ રાણીનો દરબાર તો રંગથી છલકાતો. ત્યાં નાટક ભજવાય ત્યારે તો પ્રેક્ષાગાર અને રંગપીઠ ઉભય વચ્ચે સ્પર્ધા રચાય. નમતી સાંજે સાજ, અસબાબ સાથે નાવડી હંકારીને મંડળી ગ્રીનીચ પહોંચી, રાતના દશ સુધીમાં ત્વરિત પાઠ અને અભિનય સહુ પતાવ્યાં ત્યાં સુધીમાં પ્રેક્ષાગાર રાજરત્નોથી દીપ્યું. દશને ટકોરે ‘આમુખ’(Prologue)ની પૂર્વતૈયારી કરીને લાલીના અભાવે ગાલને ચીમટા દઈ સૂત્રધારે સુરખી લાવવાનો જનાન્તિકે અખતરો કર્યો તેવામાં રાણીનું આગમન થયું. એમનું સન્માન કરીને પ્રેક્ષકો શાન્ત પડ્યા ને સૂત્રધારે ‘આમુખ’નું નિવેદન કર્યું.... સચવાયેલા ઉલ્લેખો આટલે જ અટકે છે. જેના સાન્નિધ્યમાં સામંતોને ઊભવું પડતું અને રાજદૂતો પણ ઘૂંટણ નમાવતા તેવી રાણી એલિઝાબેથના પ્રાસાદમાં ભજવાયેલ નાટકની ઝાંખીનો આપણને આથી વિશેષ અધિકાર પણ કયો? પરંતુ 28મી ડિસેમ્બર, 1594ની રાતે ચેમ્બરલેઇન મંડળીએ નવા ધારાશાસ્ત્રીઓ સમક્ષ ગ્રે ઇન (Grey Inn) વિદ્યાલયના પટાંગણમાં ‘ગોટાળાની ગમ્મત’ (Comedy of Errors) શીર્ષકનું નાટક ભજવ્યું ત્યારે જે રકાસ થયો તેનું પૂરું બયાન મળે છે. રાજમહેલના પ્રેક્ષકોના જ દરજ્જાના પરંતુ વધારે યુવાન પ્રેક્ષકો પ્રેયસીઓ સહિત એ પ્રયોગમાં હાજર રહ્યાં. નાતાલની રજાઓ હતી અને યુવાનીની મસ્તી હતી એટલે પ્રેક્ષકોનો તરવરાટ સમાતો ન હતો. લંડનમાં વકીલાતની ચાર સંસ્થા હતી. ત્યાંના છાત્રોની અલ્પ સંખ્યા વકીલાતના ધંધામાં જોડાતી. ઉમરાવ કુટુંબોના ફરજંદો લંડનમાં જિંદગી માણવા પાંચસાત વર્ષ આવાં વિદ્યાધામોમાં પ્રવેશ મેળવતા. પરિણામે ત્યાંનો વસવાટ એવો ખર્ચાળ ગણાતો કે શ્રીમંત પિતા પ્રત્યેક છાત્રની પહેલી આવશ્યકતા લેખાતી. આવા છાત્રોને કાનૂન ઉપરાંત એમના દરજ્જાને શોભે તેવી અશ્વવિદ્યા, નૃત્ય, સંગીત અને અભિનયકળાનું શિક્ષણ અનિવાર્ય ગણાતું. પોતે અવેતન કળાકારો બનીને આવા વિદ્યાર્થીઓ રાણી સમક્ષ નાટકો ભજવતા જેમાં અન્તરિક્ષથી કામદેવનું અવતરણ થતું અને ભૂગર્ભમાંથી શિકોતરીઓ પ્રગટ થતી. તેમાંય ગ્રે ઇનના છાત્રોના નાટ્યપ્રયોગો માગ મુકાવે તેવા હતા. આવા કદરદાન પ્રેક્ષકો સમક્ષ શેક્‌સ્પિયરની મંડળીને 28મી ડિસેમ્બરે ‘ગોટાળાની ગમ્મત’ રજૂ કરવાનું બહુમાન મળ્યું. વિદ્યાલયના સિત્તેર ફૂટ લંબાઈના સભાગૃહમાં પૂર્વ છેડે મંચ બાંધ્યો હતો, પરંતુ નાટ્યપ્રયોગ સમયે નટોની ગમ્મત થઈ. પ્રેક્ષકોથી સભાગૃહ એવું ખીચોખીચ ભરાયું કે નટોને પ્રવેશ મેળવવો અને હલનચલન કરવું વસમું બન્યું. નારીવૃંદની ઉપસ્થિતિએ સમસ્યા જટિલ બની. મારવાડી ચણિયાને વિસરાવે તેવા એલિઝાબેથન ફાર્ધિન્ગેલને લીધે યુવતીઓએ વધારે સ્થાન રોક્યું હતું, સભાગૃહમાં અને છાત્રોનાં ઉલ્લસિત નયનોમાં. પરિણામે નાટક પૂરું ન ભજવાયું. અંતરિયાળ માંચડો તૂટી પડ્યો. ખેલ અધૂરો રહ્યો. સભાગૃહમાં દંગલ મચ્યું અને ગમ્મતનો સદંતર ગોટાળો થયો. બીજે દિવસે આ કાનૂની છાત્રોએ એક પંચ નીમીને અર્ધગંભીર હેતુથી મુકદ્દમો ચલાવીને આગલી રાતના ગોટાળા માટે જવાબદાર ઈસમોને નસિયત કરવાનું પ્રહસન ભજવ્યું, પરંતુ નટમંડળી કદી આ છાત્રોનો રોષ ન વહોરતી. સાત વર્ષ સુધી લંડનમાં રહીને એક પણ વર્ગમાં હાજર ન રહે અને પ્રત્યેક નવા નાટકમાં અવશ્ય ઉપસ્થિત થાય તેવા છાત્રો આ વિદ્યાધામોમાં વિપુલ સંખ્યામાં હતા. શેક્‌સ્પિયરની રંગભૂમિ પર નટીઓની ઉપસ્થિતિ ન હતી એટલે અનુમાન એવું નીકળે કે એના જમાનામાં યુવતીઓ ઘરરખું હશે. આવો તર્ક પ્રતિષ્ઠા વિનાનો ઠરે. રાણીના મનોરજંન અધિકારી ટિલ્લી (Tilney)એ પોતાના ગ્રંથમાં નોંધ્યું છે કે લંડનનગરીની રમણીઓ પુરુષો કરતાં જરાયે નીચું સ્થાન લેવા ઇંતેજાર ન હતી. ટિલ્લીએ આવી એક યુવતીનો મત નોંધ્યો છે કે પત્ની જેટલી પતિને વશવર્તી રહે એટલા જ વશવર્તી પતિએ બનવું રહ્યું, કારણ જેમ પુરુષોમાં તેમ નારીમાં આત્મા વસે છે, પુરુષોના જેવી જ મેધાવી સ્ત્રીઓ પણ છે! સારાં કુટુંબોની આવી મનોહારી અને મનસ્વી કિશોરીના આધારે શેક્‌સ્પિયરની હૃદયંગમ નાયિકાનું સર્જન થયું. ‘ગોટાળાની ગમ્મત’ નાટકની ભજવણી વખતે ગ્રે ઇનના સભાગૃહમાં તરખાટ મચાવનાર દુક્તીઓ આવી હતી. એલિઝાબેથના સંસ્કારી પ્રજાજનોમાં લગ્નપ્રસંગે કે વિશેષ અતિથિના સત્કાર માટે ઘરઆંગણે નાટકો રજૂ કરવાની પ્રથા હતી. શેક્‌સ્પિયર મંડળીના આશ્રયદાતા લૉર્ડ હંસ્ડનને આ રીતે એક રાજદૂતનું સન્માન કરવા 1595માં મંડળી નિમંત્રી હતી. જેક પેટિટ નામના એક ભાષાશિક્ષકે એન્થની બેકનને 1595ની સાલમાં લખેલા એક પત્રમાં સર જ્હૉન હેરિંગ્ટનની હવેલીમાં નવા વર્ષે બસો અતિથિ સમક્ષ રજૂ થયેલા શેક્‌સ્પિયરના ‘ટિટસ એન્ડોનિકસ’ના નાટ્યપ્રયોગોનું વર્ણન કર્યું છે. શેક્‌સ્પિયરનું ‘વાસંતી રાત્રિનું સ્વપ્ન’ કોઈ ઉચ્ચ કુટુંબના લગ્નોત્સવ નિમિત્તે રચાયાની સંભાવના છે. એક હકીકત સ્પષ્ટ છે. કોઈ નટમંડળી પોતાના નવા નાટકનો પહેલો પ્રયોગ આવા ખાનગી નિમંત્રણે નહોતી આપતી. નાટક કેવું જશે તેની સાચી કસોટી જાહેર પ્રયોગોમાં મળી રહેતી. ખાલી પ્રેક્ષાગારમાં કરેલાં રિહર્સલો તો જાત સાથે કરેલી કુસ્તી જેવાં ગણાય. ભિન્ન ભિન્ન મતિવાળા પચરંગી સમુદાય સાથે ભજવણીનો મેળ મળે ત્યારે જ નાટ્યાનુભવ સાર્થ બને. એટલે નવાં નાટકોની ચકાસણી નટગૃહમાં જાહેર ભજવણી દ્વારા થતી. સામાન્ય પ્રેક્ષકો પાસેથી સાધુવાદ મેળવી શકાય તો જ નાટકોને રાજપ્રાસાદમાં અને શ્રીમંતોની હવેલીમાં રજૂ કરવામાં આવતાં. તેમાંય શેક્‌સ્પિયરની મંડળીના નટો તો અભિનય ઉપરાંત પોતીકાં નાણાં પણ નવા નાટકમાં હોમી દેતાં. એટલે નવું નાટક ચેમ્બરલેઇન મંડળીને મન લોકરુચિ સાથેનું જૂગટું હતું. જેમ જીવનમાં તેમ નટઘરમાં એ જમાનાના પ્રેક્ષકો આશુતોષ પણ હતા અને દુર્વાસા પણ. દુરારાધ્ય આ પ્રેક્ષકોને કામણ કરવાનું સાહસ શેક્‌સ્પિયરે હૃદયની દુર્બળતા ત્યજીને ઉપાડ્યું અને 1595માં ‘રોમિયો અને જુલિયટ’ રચીને તરુણ પ્રેમનું યશોગાન જગતમાં ગૂંજતું કર્યું. પ્રાણાન્વિત પંચેન્દ્રિયો શેક્‌સ્પિયરની આ વર્ષોની ઉપલબ્ધિ છે. એક ખૂણે લાકડાનો ખાલી માંચડો અને આજુબાજુ ભિન્ન ભિન્ન રુચિના અને પૃથક્ પૃથક્ સ્તરોના આશાભર્યા પ્રેક્ષકો. જેમના સાન્નિધ્યે કવિ નાટ્યકારે પેલા સૂના મંચ ઉપર બે ચોઘડિયાંની ઇન્દ્રજાળ રચવાની હતી. મંચની સામે ખુલ્લા આભ નીચે ઊભેલું સસ્તા દરનું લોક અને ત્રણે બાજુ અટારીઓમાં વધારે કિંમત ચૂકવીને આસને બેઠેલા પ્રેક્ષકો જાણે સહુ મળીને એક ચેતનવંતું સાજ બન્યા હતા. નાટકના ગજ વડે નાટ્યકારે એ સમુદાયને ઘડીમાં હાસ્યમુખરિત, ઘડીમાં વેદનાથી કંપિત તો ઘડીમાં ગાજતો તો ઘડીમાં વિસ્તબ્ધ અને ક્ષણેક મૌનબદ્ધ – એમ અનેક તાનપલટા રચવાના હતા. 1594 પછી આ જીવંત સાજ ઉપર શેક્‌સ્પિયરે ઉસ્તાદનો જાદુ અજમાવ્યો છે. પ્રેક્ષકો ભલેને એલિઝાબેથના સમયના હોય કળાકાર ધીરે ધીરે એવો આત્મલીન થતો ગયો, અન્તસ્થનાં એવાં અતલ ઊંડાણમાં એ સરતો ગયો કે વશીભૂત પ્રેક્ષકોમાં પણ એણે કાલાતીત સ્પન્દનોની ઝંકૃતિ અને સંવેદના જગાડ્યાં. નટઘરમાં પુનઃ પ્રવેશેલા શેક્‌સ્પિયરે ખભેથી જે ખડિયો ઉતાર્યો તેમાં નાટ્યવખરી લેખે હતાં કાવ્ય, કરુણા અને હાસ્ય. પ્રથમ બે વર્ષોમાં એણે બે નવાં નાટકો રચ્યાં : ‘વાસંતી રાત્રિનું સ્વપ્ન’ અને ‘રોમિયો અને જુલિયટ.’ પ્રણય અને પરિણયનું નાટક ‘વાસંતી રાત્રિ’ કવિનું પ્રેક્ષકોમાં પ્રેરેલું દિવાસ્વપ્ન છે. નજરબંધીના પ્રયોગોમાં ઝાઝી સામગ્રી શાની હોય? વિનમ્ર શેક્‌સ્પિયરે અનન્ય મોહિની દર્શાવીને ઍથેન્સના ધીરોદાત્ત ઠાકોર દ્વારા એ નાટકમાં જાહેર કર્યુ છે કે પ્રેક્ષકોની ઉત્તેજિત કલ્પના જો વહારે ન ધાય તો શ્રેષ્ઠ નાટકો પણ કેવળ પડછાયા ઠરે, પરંતુ પ્રેક્ષક જો કલ્પનાશીલ હોય તો કાચાં નાટકો પણ કાચાં ન જ રહે. "The best in this kind are but shadows and the worst no worse if imagination amend them." (M. B. D. V., i. 210)
નાટકનાં પ્રેક્ષણ અને વાચન વિશે આટલી રૂખ આપીને રચેલું ‘વાસંતી સ્વપ્ન’ હાસ્યાન્વિત પ્રેમતત્ત્વનું બ્રહ્માંડદર્શન બન્યું છે. જેણે જીવનનું દાસત્વ કદી સ્વીકાર્યું ન હતું અને સદૈવ નિજાનંદ માણ્યો હતો અને જેણે અશ્રુભીનાં નયનો પણ હસી ઊઠે તેવાં આનંદવિભોર ઍથેન્સનગરની રચના કરી હતી તે રાજા થિસિયસના ત્રિયારાજ્યની મહારાણી હિપોલિટા સાથેના પરિણયની પાર્શ્વભૂમાં શેક્‌સ્પિયરે લિએન્ડરના હર્મિઆ પ્રત્યેના અને ડિમિટ્રીયસના હેલેના વિષયક પ્રેમનું પ્રહસન રચ્યું છે. સાથે જ રાજાના લગ્નોત્સવમાં ઇતર વર્ણના કેટલાક ઉત્સાહી કિંતુ અણપઢ કારીગરોએ ભજવેલા પેરેમસથીસ્બી’ની કરુણ કથાની હાસ્યાસ્પદ વાત જોડી છે. એ રીતે પ્રેમના ઊર્મિપેયમાં તેણે કાર્બન વાયુ ભેળવ્યો છે. પ્રેમીઓને અને ભવાયાને સમીપવર્તી ઉપવનમાં સપ્રયોજન આકર્ષીને શેક્‌સ્પિયરે કવિની સોગાદ જેવી ‘પરીલોક’ની ઝાંખી કરાવી છે. પરીઓનો રાજા ઓબેરોન રૂઠ્યો છે. પરીરાણી ટિટાનિયા ભારતદેશથી એક કુમારને ઉઠાવી લાવી છે અને એણે રાજા જોડે રૂસણું લીધું છે. સ્વમાની ઓબેરોને રાણીની સાન ઠેકાણે આણવા અનુચર પકને યુક્તિ શીખવી છે. પક કશેથી ચમત્કારી પ્રણયકુસુમ આણે છે ને ચાંદનીમાં રિહર્સલ કરી રહેલા કારીગર ‘બોટમ’ને ગર્દભરાજ બનાવી પોઢેલી ટિટાનિયા સમીપે લઈ જઈને પક રાણીની આંખમાં પ્રણયકુસુમનું અંજન કરે છે ત્યારે રાણી સત્વર ગર્દભ ‘બોટમ’ના પ્રેમમાં પડે છે. પક, એનાં રાજારાણી અને પ્રણયકુસુમ બધુંય કપોલકલ્પિત પરંતુ પરીરાણીના પ્રેમને આકસ્મિક મેળવી બેઠેલો કારીગર ‘બૉટમ’ સર્વાંશે પ્રતીતિજનક માનવ છે. અનુચર પરીઓ પાસે ‘બાચકો ઘાસ’ અને તોબરો દાણા અને થોડુંક મધ માગતો ‘બોટમ’ અને જાદૂનો અમલ ઊતર્યા પછી સાથીદારો મશ્કરી કરે તે પહેલાં જ પોતાના ગર્દભત્વનો રાસો લખવાનું વચન આપતો ‘બોટમ’ શેક્‌સ્પિયરનું પહેલું ત્રિપરિમાણ સર્જન છે. કવિની કલ્પનાસૃષ્ટિમાં ચરવા પેઠેલું અવિસ્મરણીય પ્રાણી છે. જાણે કે શેક્‌સ્પિયરે એકાદ દવલાંને ઈસુની કરુણાથી ઇહલોક અને પરલોકમાં રમતું ન મૂક્યું હોય! ‘બોટમ’ના અપાર્થિવ સહોદર જેવો ‘પક’ શેક્‌સ્પિયરે પરીલોકને અર્પણ કર્યો છે જનપદમાં વીતેલું શૈશવ અને ગ્રામીણ નરનારને મુખે સાંભળેલી ભૂત, પ્રેત અને જિન્નાતની અપરંપાર વાતોના સંસ્કારને ગાળીને કવિએ ઉપવનની વનશ્રી, ચાંદની રાત, પ્રીતની ઋતુ – આટલામાંથી કમનીય પરીલોક સર્જ્યો છે. પ્રણયકુસુમનો અવળચંડો ઉપયોગ કર્યા વિના પકને ચેન નથી. એટલે વનમાં ભાગી આવેલા ઍથેન્સના પ્રેમીઓની આંખમાં અંજન કરીને ભળતી જ પ્રેયસીનું અનુસરણ પક તેમની પાસે કરાવે છે અને આ બધા છબરડાથી વ્યસ્ત બનેલા માનવો પર હાસ્ય વેરતો પક ઉચ્ચારે છે : “કેવાં મૂર્ખ છે આ માનવો!” “What fools these mortals be!’ પરંતુ ઓબેરોન અને ટિટાનિયા વચ્ચે સુમેળ સ્થપાય છે અને પકની આવડતથી માનવપ્રેમીઓ પૂર્વવત્ સાચી પ્રેયસી મેળવે છે. રાજા થિસિયસના મહેલમાં લગ્નોત્સવ પ્રસંગે કારીગરો ઉમંગે નાટક ભજવે છે. અદમ્ય ‘બોટમ’ વીર પિરેમસનો પાઠ કરે છે. જોકે એ પોતે તો નાયિકા થીસ્બી બનવા પણ ઉત્સુક હતો અને જરૂર પડ્યે વાર્તામાં નાયિકાને સિંહનો ભેટો થાય છે તેથી ‘સિંહ’ બનવા પણ ઉદ્યત હતો. પોતે સિંહ બનીને કેવી ગર્જના કરશે તેના ખ્યાલમાં એ મશગૂલ હતો ત્યારે કોઈએ એને યાદ આપી કે રાણી અને તેની સહિયરો સિંહની ગર્જનાથી ફફડી ઊઠશે. તરત જ ‘બોટમે’ ફેરવી તોળ્યું કે પોતે બુલબુલ અને પારેવાં જેવો મૃદુ ઘુઘવાટ કરશે અને સિંહનું માથું દૂર કરીને સન્નારીઓને સાંત્વન આપશે. વાર્તામાં પ્રેમીઓની આડે ઊભેલી દીવાલનો ઉલ્લેખ હતો. ભીંતના પાત્રને શી રીતે રજૂ કરવું એ પ્રશ્નનો ઉકેલ પણ ‘બોટમે’ શોધ્યો હતો. એક આદમી શરીરે ચૂનો લગાવી તખ્તા પર ઊભો રહે. તેવી જ રીતે એક પાત્રનો હાથમાં દીવો લઈને ચંદ્રમા તરીકે એણે પ્રવેશ કરાવેલો. આમ ‘વાસંતી સ્વપ્ન’માં શેક્‌સ્પિયરે પ્લેગનાં વર્ષોંની યાતનાઓ અને સૉનેટની વિષકન્યાના ઝેરને વિસારે પાડીને નરવું હાસ્ય પ્રાપ્ત કર્યું છે. નાટકમાં નાટક ઉમેરીને એણે કાલ્પનિક સૃષ્ટિને વાસ્તવનો આધાર આપ્યો છે. ‘પ્રણય’ની અનુભૂતિને એણે સામાન્ય જનોમાં, લોકોત્તર પુરુષોમાં અને દિવ્યલોકમાં પરંપરિત કરીને રંગભૂમિના સીમિત વ્યાપમાં પ્રેમના અસીમ વિસ્તારનું દર્શન કરાવ્યું છે. ‘સાચા પ્રેમને વિઘ્નો અનેક’ (The course of true love never did run smooth), આમ ભાખીને વિધિને ઉપાલંભ દેવાનો માર્ગ છોડીને એણે પ્રેમીઓની સોંપણ કલ્પનાની પરીને કરી છે. એણે કલ્પના વિનાનાં નાટકોને પડછાયા કહ્યા, પરંતુ આ નાટકમાં એણે કલ્પના વિનાના માનવોનો પડછાયો પડવા ન દીધો. નાટક જાણે પોતે ન લખ્યું હોય પણ પેલા દિવ્ય વિદૂષક પકની એ કૃતિ હોય તેમ શેક્‌સ્પિયરે હાસ્યની ઝટપમાં પાગલ, પ્રેમી અને કવિ – સહુને સાબદા કર્યા છે.

"The lunatic, the lover, and the poet,
Are of imagination all compact.
One sees more devils than vast hell can hold :
That is the madman. The lover, all as frantic,
Sees Helen’s beauty in a brow of Egypt.
The poet’s eye in a fine frenzy rolling,
Doth glance from heaven to earth, from earth to heaven;
And as imagination bodies forth
The forms of things unknown, the poet’s pen
Turns them to shapes, and gives to airy nothing
A local habitation and a name.
Such tricks hath strong imagination
That, if it would but apprehend some joy,
It comprehends some bringer of that joy."
- M. N. D. V., i. 7-21

“પાગલ, પ્રણયી અને કવિ, ત્રણેયનો પુદ્ગલ કલ્પના. પાગલને દોજખમાંય ન સમાય એટલા દાનવો દેખાય, મસ્ત પ્રેમીને કોઈ શામળીમાં રંભાનું દર્શન થાય. ભાવાવેશમાં કવિની દૃષ્ટિ દ્યાવાપૃથિવી ઘૂમી રહે અને કલ્પનાસૃષ્ટ અદીઠને એની લેખિની મૂર્ત કરે, અમૂર્તનું એ સ્થળ-કાળમાં સ્થાપન કરે. સર્જક કલ્પનાનું એવું તો બળ કે આનંદના અણસારમાત્રથી આનંદના મૂળ સ્રોતને એ શોધી વળે.” ‘વાસંતી સ્વપ્ન’માં આનંદના મૂળ સ્રોત સુધી એટલે કાવ્યાન્વિત અને હાસ્યાન્વિત પ્રણયદર્શન સુધી કવિનો ભાવાવેશ ટક્યો છે. મધ્યરાત્રિએ નાટક પૂરું થયા પછી થિસિયસના મહેલમાં ઠરતા અંગારાના આથમતા પ્રકાશમાં પથરાયેલા પડછાયા જેવાં પરીલોકનાં દિવ્ય તત્ત્વો ભરતવાક્ય ઉચ્ચારે છે :

“નવયુગ્મોની મહાર્દ શય્યાનો વરદાન હો.
પ્રકૃતિની કશીયે વિકૃતિ ભાવિ સંતતિને ન સ્પર્શે!”
"And the blots of Nature’s hand
Shall not in their issue stand."

પક પાસે નાટકને અંતે મૂકેલા ‘પ્રત્યામુખ’માં શેક્‌સ્પિયરે વિદ્યુતનો ઝબકારો સજૉવ્યો છે : “પરછાંઈ જેવા અમે કશુંક મનદુ:ખ આપ્યું હોય તો માની લેજો કે તમે મટકું માર્યું હતું અને અમે સ્વપ્નાંનો સંભાર હતાં.”

"If we shadows have offended
Think but this and all is mended,
That you have but slumb’red here,
While these visions did appear.’

1595નો શેક્‌સ્પિયર આવાં દિવાસ્વપ્નોનો સ્વપ્નદ્રષ્ટા હતો. સૉનેટોમાં “સત્તાના ઑથારમાં મૂક બનેલી એની કળા” (Art made tongue-tied with authority) રંગભૂમિના માનવમેળામાં ફરીને મુખરિત બની છે. આત્મોપલબ્ધિની મહાદશાને એ પામ્યો છે. હવે એનાં નાટકોની વિવિધ સામગ્રી જીવન અને વાચનમાંથી આવી મળે છે, પરંતુ એ વિગતો આળસ મરડીને જીવંત નાટ્યદેહ પામે તેવી સંજીવની કવિએ કલ્પનારસાયણમાં શોધી છે. પ્રાચીન કવિજને ગાયેલો ‘પ્રેમ પદારથ’ હવે જૂજવાં રૂપ ધારણ કરે છે. અસૂયા, ઉદાસી, ક્રોધ અને સંતાપ – પ્રેમીઓને આવાં વિવિધ સ્વરૂપો આ નાટકોમાં પ્રાપ્ત થાય છે. ગમે તેવા અપ્રતીતિજનક પ્રસંગોના બંધનમાં એવાં જીવંત પાત્રોને એ બાંધી લે છે કે બુદ્ધિજન્ય પરિમિતતા વિસારે પડે છે. પરીઓની રાણી ટિટાનિયાના ઉત્સંગે લાડ પામેલો ગર્દભાકૃતિ સામાન્ય જન ‘બોટમ’ શેક્‌સ્પિયરની વ્યાપક કલ્પનાનું સત્ય છે. પ્રેમની ક્ષણોમાં વળી કોણ કાક અને કોણ દહીથરું? અને પ્રેમાનુભૂતિ રહિત માનવનું વળી ગૌરવ કેવું? સત્ય અને આભાસનો આવો વદતોવ્યાઘાત આ નવા નાટ્યકારનું આગવું લક્ષણ છે. સમયનાટકનાં ક્ષણિક રમકડાં જેવાં આપણે સહુ ક્ષણિકના માપે અનુભવને સારવતાં જ્ઞાનનો ગર્વ અનુભવીએ છીએ. કવિ શેક્‌સ્પિયર બે પ્રહરના નાટકના ક્ષણિકત્વને શત શરદનું ક્ષણિકત્વ ધારણ કરતાં જીવન સાથે સરખાવીને અને નાટક અને જીવન ઉભયના ક્ષણિકત્વને ચિરંતન પ્રેમના શાશ્વત તત્ત્વ સાથે સંયોજીને પ્રેક્ષકને ક્ષણભર દિવ્ય ચક્ષુનું દાન કરે છે. સાથે જ પ્રેક્ષકો પ્રતિ એનું વલણ સંસ્કારી રહે છે. જાણે સાઉધમપ્ટનને ‘સ્વામી’ કહ્યાનો ડંખ રૂઝવવો હોય તેમ હવે કવિ પ્રેક્ષકસમુદાયને ‘મારા માલિક’ ‘Masters’ કહીને સંબોધે છે. પોતાનાં નાટકોને પડછાયા ગણી એ પડછાયાને પદાર્થ કરનારી માનવસમૂહની કલ્પનાશક્તિને એ વંદે છે. પોતાનાં સર્જનોના પ્રેરક બળ જેવી કાવ્યશક્તિને આવી રીતે સમષ્ટિમાં રહેલી કલ્પનાશક્તિની સહોદરી એ સમજે છે. આમ ફ્લોદ્ગમે શેક્‌સ્પિયરની કલા વિનમ્રતાની માધુરી લાભે છે એ કવિની મૂલ્યવાન ઉપલબ્ધિ છે.


  1. જુઓ સૉનેટ 87 : Thus have I had thee, as a dream doth flatter, In sleep a King, but waking no such matter,