શેક્સ્પિયર/આયુષ્યમાન સિદ્ધિ અને –
૧૬૦૪ પછીનાં વર્ષોમાં શ્રી અને સરસ્વતીનાં વૈમનસ્ય વિશેની પ્રસિદ્ધ લોકોક્તિ કવિને નડી નથી. જૅમ્સના રાજ્યકાળનાં પ્રથમ વર્ષો કવિ શેક્સ્પિયરના જીવનનાં સર્વથા સમૃદ્ધ વર્ષો નીવડ્યાં. જાગતિક સમૃદ્ધિ સાચે જ કલાસર્જનમાં વિઘ્નરૂપ હોય તો આ વર્ષોમાં કવિએ તેને વિઘ્નહર બનાવી છે. આમ તો કવિને ઉદ્યમી લેખનકાર્ય માટે વીસ વર્ષો મળ્યાં હતાં. તે વર્ષોમાં કવિ ‘પવિત્રો વાડપવિત્રો વા’ પ્રત્યેક અવસ્થામાં આગવાં સર્જનોમાં અભિવ્યક્ત બન્યો છે. વિભિન્ન આશ્રયદાતાની નોખી નોખી ઝાંય એના ચિદાકાશમાં પ્રકાશી ઊઠી છે. યુવાન સાઉધમ્પ્ટનના રુચિતંત્રને અનુકૂળ મુક્ત હાસ્ય અને રંગીન પ્રણયનાં સુખાન્ત નાટકો શેક્સ્પિયરે ચડતી યુવાનીમાં રચ્યાં છે. આગના ભડકા જેવા ઇસેક્સને આકર્ષે તેવાં તવારીખી નાટકો કવિએ ઢળતી યુવાનીમાં સર્જ્યાં; તો પાંડિત્ય અને ગૌરવને વરેલા શાણા રાજવી જૅમ્સનો આશ્રય પામી કવિએ પોતાની ચાલીશીનાં પ્રથમ વર્ષો ઊંડી જીવનચિકિત્સાનાં અને સૂક્ષ્મ માનવ્ય મનોરથોને નિવેદિત કરનારાં શ્રેષ્ઠ કરુણાન્ત નાટકોના લેખનમાં ગાળ્યાં છે. આમ શેક્સ્પિયરની પરિણત પ્રજ્ઞાનાં ઉત્તમ સર્જનો કાલક્રમે જગતસાહિત્યમાં ઉમેરાયાં. જેમ ‘હૅમ્લેટ’ નાટકમાં તેમ ‘ઑથેલો’, ‘રાજા લિયર’ અને ‘મૅકબેથ’ નાટકોમાં ઉરના તારસ્વરો અને ચિત્તના દુર્બોધ વ્યાપારો સમેત માનવીના વિશ્વ સાથેના સુગમ અને દુર્ગમ સંબંધોના વિવર્તોનું રૂપનિર્માણ થયું છે. રાણી એલિઝાબેથના સર્વપરિચિત ‘અહમ્’ની શેક્સ્પિયરે સ્તુતિવચનોથી કદી આળપંપાળ નહોતી કરી. રાજા જૅમ્સના વિદ્યાવ્યાસંગ અને ઋજુ સ્વભાવમાં કવિએ એવું કશુંક ભાળ્યું છે, જેનો સીધો અને પરોક્ષ ઉલ્લેખ અનેક નાટકોમાં એની કલમપ્રસાદી બન્યો છે. રાજાના પૂર્વજોના સંતર્પણ જેવી ‘મૅકબેથ’ નાટકની કથા સ્કૉટલૅન્ડના ઇતિહાસમાં એણે શોધી છે. ‘રાજા આઠમા હેન્રી’ નાટકમાં ધર્માચાર્ય કેન્મરના મુખે શેક્સ્પિયરે રાજા જૅમ્સનો સીધો ઉલ્લેખ કરાવી આવાં વચનો ઉચ્ચાર્યાં છે : “આકાશમાં ઉજ્જ્વલ તારક જેવો રાજા ઉદય પામશે અને રાણી એલિઝાબેથ જેવો યશસ્વી અને અવિચળ નીવડશે. શાન્તિ અને સમૃદ્ધિ, પ્રેમ, સત્ય અને પ્રૌઢ પ્રતાપ એનાં જ હશે અને ઉપવનની લતાસમ એને વીંટળાઈને વૃદ્ધિ પામશે.”
–A new sovereign,
Shall star-like rise, as great in fame as she was,
And so stand fixed; peace, plenty, love, truth and terror...
Shall then be his, and like a vine grow to him....
‘તાલ-બેતાલ’ (Measure for Measure) નાટકમાં રાજા જૅમ્સનો એકરાર હોય તેવી વાણી વિન્સેન્શિઓ બોલે છે : “પ્રજા મને વહાલી છે. પરંતુ ઠસ્સાથી એમની નજરોમાં સમાવું મને ગમતું નથી. એમનો ઉમળકો કદાચ અનિવાર્ય હશે, કિંતુ એમના ઘોષિત જયનાદ અને તુમુલ સ્વાગત મને નથી રુચતાં. હું એમ પણ માનું છું કે આવું બધું જીરવી શકે તેવા માનવીની વિવેકશક્તિનો હ્રાસ થાય છે.”
I love the people,
But do not like to stage me to their eyes.
Though it do well, I do not relish well
Their loud applause, and aves vehement,
Nor do I think the man safe of discretion,
That does affect it...
(Measure of Measure)
આ વર્ષોમાં (૧૬૦૪ થી ૧૬૦૮) શેકસ્પિયરે રચેલાં કરુણાન્ત નાટકોને ભજવતાં અને ચર્ચતાં જગતના સાહિત્યરસિકો આજદિન પર્યન્ત થાક્યા નથી. લેખનકાર્યની પ્રથમાવસ્થામાં પણ શેક્સ્પિયરે રોમના રાજકારણનું, ‘ટિટસ એન્ડ્રોનિક્સ’નું કરુણાન્ત નાટક રચ્યું હતું. તે પછી એણે ‘રોમિયો અને જુલિયેટ’ નાટક રચીને નવ્ય પ્રણયનું કરુણ ગાન આપ્યું હતું. ‘ત્રીજો રિચર્ડ’ નાટકમાં એણે આસુરી વૃત્તિના ઉદય અને ઉન્મૂલનનો ઇતિહાસ રજૂ કર્યો હતો. બીજા રિચર્ડના નાટકમાં શિથિલ મનોબળની હૃદયદ્રાવક નિષ્ફળતા એણે નિરૂપી છે. ‘રાજા જ્હૉન’ નાટકમાં રાજ્ય માટે પાપ આચરતા જ્હૉનનો કરુણાન્ત એણે વર્ણવ્યો હતો, અને અનૌરસ ફોલ્કનબ્રિજના વહેવારુ દેશપ્રેમના બળે નિષ્ફળ રાજાના મૃત્યુ પછી દેશને ઊગરી જતો દર્શાવ્યો હતો. જુલિયસ સીઝર,’ નાટકમાં ફરી એક વાર રોમના ઇતિહાસને કવિએ ઉથલાવ્યો હતો અને સીઝર તેમજ બ્રુટ્સની દ્વિગુણિત કરુણ નિષ્ફળતાનું સ્મરણ કરાવ્યું હતું. આ છ નાટકોમાં માનવજીવનના કરુણ અંશોને સમજવા અને નાટ્યાંકિત કરવા શેક્સ્પિયરે મથામણ કરી હતી. આરંભની કૃતિઓમાં કવિએ પુરોગામી અને સમકાલીન નાટ્યકારોને અનુસરીને રૂઢિવશ સર્જન કર્યું છે. લૅટિન ચિંતક અને નાટ્યકાર સેનેકાની અસર નીચે કિડ આદી અંગ્રેજ નાટ્યકારોએ રચેલાં ‘વેરની વસૂલાત’ જેવાં બદલાનાં નાટકો (Revenge Plays)નો પ્રભાવ અને સંસ્કાર કવિનાં આ નાટકોમાં વરતાય છે, સાથે જ મધ્યયુગનાં દેશી બોધનાટકો (Moralities) સતત નજર સામે રહ્યાં છે. વળી પશ્ચિમ યુરોપમાં ફૂંકાતા ક્રાંતિના વાયરાનાં તૂફાન કવિમાનસનું આત્યંતિક પ્રેરકબળ રહ્યાં છે. ‘હૅમ્લેટ’ થી ‘કોરિયોલેનસ’ સુધીની શેક્સ્પિયરની નિતાન્ત કરુણરચના કદાચને ૧૬૦૦ પહેલાંનાં વર્ષોમાં ન સંભવે. ધર્મશ્રદ્ધા ખોઈ બેઠેલા યુગમાં બુદ્ધિગમ્ય કટાક્ષ અને જીવનનું દોષદર્શન જેટલું સુગ્રાહ્ય હોય તેટલું સહજ કારુણ્યદર્શન ન પણ હોય. અંધશ્રદ્ધાના જમાનામાં માનવજીવનના સહુ પ્રશ્નો અણપૂછ્યા રહે છે. ઉભય યુગમાં ગ્રીસની અને શેક્સ્પિયરની કારુણ્યદર્શિકા રચનાઓ ભાગ્યે જ સાંપડે. જૂનું હજુ જીવતું હતું અને નવું ઉદય પામી રહ્યું હતું તેવા યુગમાં શેક્સ્પિયર હવે પ્રૌઢ બન્યો હતો. પાંચેક કરુણાન્ત નાટકો રચીને એણે રંગભૂમિની ક્ષમતા તપાસી લીધી હતી. પ્રણય અને રાજ્યપલટાનાં, યુદ્ધ અને શાન્તિનાં નાટકો રચીને એને માનવસંબંધોનાં વિવિધ પાસાંનો પરિચય મેળવી લીધો હતો. પંડના અને અન્યના ભાગ્યપલટાના સાક્ષી બનીને એણે વિશાળ અનુભવનો સંગ્રહ કર્યો હતો. કાવ્યસાધનાને સાચી ધર્મસાધના માની શકાય તેવી માનવજીવનની ‘શાશ્વતિ’ શેક્સ્પિયરની ૧૬૦૦ પછીની મહાકૃતિઓમાં પ્રતિષ્ઠિત બને છે. નાટ્યકાર એનો એ હતો પણ પ્રત્યેક કૃતિ એની ચેતનાના વિકાસનું સોપાન બની છે. ‘ટિટસ’ના પાત્રમાં સુલક્ષણા વીરની અવનતિ ચીતરીને, ‘રોમિયો અને જુલિયેટ’ નાટકમાં સામાજિક ખુન્નસના વાતાવરણમાં પ્રેમના મૃદુ કુસુમને મૂરઝાતું દર્શાવીને, ત્રીજા રિચર્ડના પાત્રમાં અદમ્ય દુષ્ટતાના વિકાસ અને વિલયને નોંધીને, બીજા રિચર્ડના અને રાજા જ્હૉનના ચારિત્ર્યમાં સત્તાસ્થાને રહેલા નિર્બળ મનને સહાનુભૂતિથી વ્યકત કરીને અને સીઝરના તોર અને બ્રુટ્સની આદર્શ ઘેલછાને વ્યક્ત કરીને હવે કવિની દૃષ્ટિમાં ‘અખિલાઈ’ એવી સમાઈ છે કે ચાર મહાકૃતિઓમાં વ્યક્તિવિશેષની કથા ઉકેલતાં હૅમ્લેટ, ઑથેલો, લિયર, મૅકબેથ – કવિવાણી ધરિત્રીના સહુ માનવોની જાતકકથા ઉચ્ચારે છે. હવે શેક્સ્પિયરની કૃતિઓમાં સમાજસ્વીકૃત નીતિનિયમોની અગ્નિપરીક્ષા થાય છે. માનવજીવનને અને માનવસમાજને ક્ષીણકાય બનાવી રહેલા ‘અસદ્’ના સ્થૂળ અને સૂક્ષ્મ વિભાવોનું અનિમેષ નયને હવે કવિ જગતને દર્શન કરાવે છે. જેમ શ્રીમદ્ ભગવદ્ગીતા વિશે નિઃશંક કહી શકાય કે અર્જુન અને શ્રીકૃષ્ણનાં નામો બાદ કરતાં ગીતાનો પ્રત્યેક શ્લોક જગતના કોઈ પણ દેશમાં કોઈ પણ સમયે સ્વીકૃતિ પામી શકે છે, તેમ શેક્સ્પિયરની ચારે મહાકૃતિઓ વિશેષ નામો બાદ કરતાં માનવજાતિની અનુભૂતિ બને છે. વધુ ઇષ્ટ તો એ વાત છે કે શેક્સ્પિયરે સાંપ્રદાયિક અર્થમાં ધર્મને એક વેંત દૂર રાખીને વિશાળ અર્થમાં માનવજીવનમાં ધર્મને શોધ્યો છે. એનાં પ્રથમ કરુણાંત નાટકોમાં કારુણ્યદર્શન એકાદ પાત્ર કે પ્રસંગમાં સીમિત હતું તે ‘હૅમ્લેટ’ પછી કૃતિના સમસ્ત વિશ્વમાં વ્યાપી વળ્યું છે. એટલે કે શેક્સ્પિયરની પ્રૌઢ કળા હવે અનુભૂતિના સમુચ્ચયમાં જીવનના ગૂઢ સંકેતો નિરૂપે છે. હવેનું પ્રત્યેક નાટક માનવીના જીવનમાં, અસદ્-નો પ્રવેશ, તેની સાથેનો સંઘર્ષ અને એ સંઘર્ષના કરુણાપ્રેરક અંશોનું કાવ્યાંકિત સ્મરણ બને છે. પ્રત્યેક કૃતિ અનન્ય એટલા ખાતર છે કે દરેકમાં સમષ્ટિ સાથે જુદા જ સંદર્ભમાં વ્યક્તિનું દર્શન થયું છે. ઉપરાંત માનવઅનુભૂતિ વિશે શેક્સ્પિયરની આંતરસૂઝ સર્વગ્રાહી હોવાથી પ્રત્યેક નાટકમાં અનુભવનો નવો નવો વેશ એણે રચ્યો છે. ચારે કૃતિઓ એક રીતે અતિજ્ઞાનના પ્રવેશકો છે, કારણ કવિનાં કરુણાન્ત નાટકોમાં વનનાં મૂલ્યોનું અવબોધન છે. એ સાચું કે કવિની રીત વૈજ્ઞાનિક કે તાર્કિક નથી. એનાં સત્યો કલ્પનાનાં સત્યો છે, એટલે જ ઊર્મિનો આવિષ્કાર પામ્યાં છે. શેક્સ્પિયરની ચેતનાના વિકાસ સાથે અને કાવ્યસર્જનની પ્રક્રિયા સાથે એનાં નાટકોના અર્થ એવા સુસંગત વિકાસ પામ્યા છે કે શેક્સ્પિયરના કારણ્યદર્શનની કોઈ તાર્કિક વ્યાખ્યા શક્ય નથી. ધર્મદ્રષ્ટિ જોડે કવિદૃષ્ટિનું સામ્ય આટલું જ કે ઉભય જીવનના અદૃષ્ટ મર્મોને પામવા યત્ન કરે છે, જીવનનાં રહસ્યોને વ્યકત કરવા મથે છે. પરંતુ શેક્સ્પિયરની ઇષ્ટદેવી સરસ્વતી હોવાથી જીવનના મર્મોનાં સૂક્તો એણે નથી રચ્યાં. પરંતુ વિશિષ્ટ વ્યક્તિ અને વિશિષ્ટ કાર્યોના સંદર્ભમાં એણે પ્રીછેલા જીવનમર્મો કાવ્યરૂપે અવતર્યા છે. સમર્થ નાટ્યકાર હતો એટલે નાટકના વ્યક્તિવિશેષોનું પ્રતીતિજનક અને જીવંત પાત્રાલેખન એણે કર્યુ છે. પ્રેક્ષકોનાં સમસંવેદન પ્રાર્થી શકે એટલું જીવનસામ્ય એનાં પાત્રોને મળ્યું છે. પરંતુ એ વારતાનાં પાત્રો છે, જીવનના માનવી નથી, એ સત્ય વીસર્યાથી વિવેચન વિપથ બને છે. સાચા અર્થમાં તો કવિએ જેનું દર્શન કર્યું છે તેવા મર્મને વ્યકત કરવા માટે આ પાત્રો, એમનાં કાર્યો, નાટકનો પ્રત્યેક ભાગ, આદિ અને અંત સમગ્ર રીતે મૂર્ત એવું પ્રતીક રચે છે. કવિ શેક્સ્પિયરનો રાહ તત્ત્વજ્ઞાની કરતાં ન્યારો છે. અમૂર્ત સંકેતોને એણે કલ્પનાના સંદર્ભોમાં અને જીવનસમ પ્રસંગોમાં પ્રીછ્યા છે, નહીં કે તર્કમાં. તર્ક અને ઊર્મિ વચ્ચેની તાણ કવિના કારુણ્યદર્શનમાં છે. માનવીની અસહાય કરુણાવસ્થા અને અસહ્ય નિર્વેદનું એક કેન્દ્ર ઊર્મિ અને તર્ક વચ્ચોને આ સંઘર્ષ છે. શેક્સ્પિયરનાં કરુણાન્ત નાટકોમાં જીવનયાત્રામાં દુરિતના ગ્રાહમાં સપડાતા માનવોની કથા જુદા જુદા ત્રણ આકાર દર્શાવે છે. હૅમ્લેટ નાટક શેક્સ્પિયરના કારુણ્યદર્શનનું આમુખ બન્યું છે. હૅમ્લેટમાં શેક્સ્પિયરે જન અને જીવન વિશે કૂટ પ્રશ્નો પૂછ્યા છે. આદર્શ અને આવેશના ધક્કે ચડેલો માનવ આત્મોપલબ્ધિ વિના કર્તવ્યને પામી શકતો નથી અને આત્મજ્ઞાનનો અણસાર મેળવ્યા પછી સહજભાવે કર્તવ્યને સાધે છે એ વિશ્વખ્યાત હૅમ્લેટની ફલશ્રુતિ છે. ૧૬૦૪ના નવેમ્બરની ૧લીએ રાજા જૅમ્સ અને ડેન્માર્કના રાજકુમાર ફ્રેડરિકની સમક્ષ કવિનું ‘ઑથેલો ઉર્ફે વેનિસનો મૂર’ નાટક ભજવાયું. ઑથેલો બનેલા બરબેજની વય ત્યારે અડતાલીસની હતી. આ ભજવણીની એક પરોક્ષ અસર લંડનના શોરડીર વિસ્તારના સંત લીઓનાર્ડ દેવળના ચોપડે નોંધ પામી છે. વિલિયમ બિશપ નામના એક નાટ્યરસિક પ્રેક્ષકે નાટકના પ્રભાવમાં આવીને પોતાની નવજાત બાલિકાનું નામ ડેસ્ડીમોના રાખ્યું હતું. ‘ઑથેલો’ના સર્જનમાં શેક્સ્પિયરની નાટ્યકલા નવું શિખર સર કરે છે. આરોહણની આ ચરમ અવસ્થામાં કવિની પ્રેરણા અભિનવ સ્રોતમાં પ્રગટે છે. ઉદ્દિપ્ત કલ્પના અને ઊંડા ચિંતનનો પ્રવાહ હવે કાવ્યધારામાં વહે છે. નાટ્યસર્જન લેખે ‘હૅમ્લેટ’ ક્ષતિમુક્ત ન હતું. અનેક નટનિર્માતા સ્વીકારે છે કે થેલો ક્ષતિરહિત નાટ્યસર્જન છે. શેક્સ્પિયરનાં નાટકોમાં પણ અપૂર્વ એવા ચેતનથી ‘ઑથેલો’નાં પાત્રો જીવે છે, સ્નેહગાંઠ બાંધે છે અને જીવનની યાતના સહે છે. આખાય નાટકમાં વાણી કે વર્તનનો એક પણ અતિરેક નથી. દરેક બનાવ વાણી અને વર્તનની અનિવાર્ય ઘટના છે. નાટકમાં વ્યકત થયેલા જીવનને કવિએ સદ્-અસદ્ વચ્ચેના વિવેકની કરુણ કસોટીરૂપે આકાર આપ્યો છે. શેક્સ્પિયરના કારુણ્યદર્શનની આ પ્રથમ તરાહ છે. ઑથેલોના ચિરસ્મરણીય પાત્રમાં કવિની નજર રંગદ્વેષથી મુક્ત બનીને રંગીન ત્વચાથી મઢેલા માનવતત્ત્વની અનુમેય અનુભૂતિ સાથે તારામૈત્રક રચી શકી છે. મોરોક્કોનો આજન્મ યુદ્ધવીર ઑથેલો અને વેનિસના અતિસંસ્કારી સમાજની નિર્દોષ કન્યા ડેસ્ડીમોનાના પરસ્પર સ્નેહની આ કથામાં વિભિન્ન સંસ્કૃતિ વચ્ચેના સામાજિક અજ્ઞાનનો સંદર્ભ ઉમેરાતાં નાટકનું કારુણ્ય ગાઢ બન્યું છે. આપણા યુગમાં સામ્યવાદી દેશો ઉમંગથી ભજવી શકે એવા પ્રતીતિજનક અને જીવંત સામાજિક અસહિષ્ણુતાનું વાતાવરણ ઑથેલો-ડેસ્ડીમોનાને ઘેરી વળ્યું છે. મોરોક્કોની મૂરજાતિ અને વેનિસની યુરોપીય સંસ્કૃતિના નૃવંશીય અને માનસિક યથાર્થનું ઑથેલો, નાટકમાં કવિએ જતન કર્યું હોવાથી, સામાજિક વાસ્તવના અને સામાજિક સંઘર્ષના કરુણ નાટક લેખે સામ્યવાદી દેશોએ વારંવાર ‘ઑથેલો’ ભજવ્યું છે. અર્વાચીન સમયને રંગદ્વેષના ભીષણ તાંડવ અજાણ્યાં ન હોવાથી શ્યામરંગી ઑથેલો અને ગૌરાંગી ડેસ્ડીમોનાનાં દુઃખદર્દ આંતરરાષ્ટ્રીય સુમેળનો બોધપાઠ બની રહે, પરંતુ કેવળ સામાજિક બોધ એ ‘ઑથેલો’ નાટકનો મર્મ નથી જ. દુરિતથી ગ્રસિત નિષ્ઠાવાન માનવની યાતના અને શક્ય હોય તો ઉદ્ધારનું પ્રતીક કવિએ ઑથેલોમાં રચ્યું છે. જેમ સંસારમાં તેમ કલ્પનાસૃષ્ટિમાં કવિએ સત્ય અને સત્યાભાસ વચ્ચેની પરખમાં ગોથાં ખાતી માનવતાનું હૃદયદ્રાવક સર્જન કર્યું છે. પરદેશી ઑથેલો, એકલવીર ઑથેલો, વેનિસના અતિસંસ્કારી સમાજની નિર્દોષ બાળિકા સમી ડેસ્ડીમોનાનો સ્નેહભાજન બની પ્રૌઢ વયે એની સાથે વિવાહ કરે છે તે પછી નાટકનો પ્રારંભ થાય છે. ઉભયના જીવનનું ‘સ્નેહ’ પરમ સત્ય છે. આદમ અને ઈવના નંદનવનમાં અહિરૂપે પ્રવેશીને શેતાને ઈવને લોભાવી પાપમાર્ગે વાળી હતી. તેવી રીતે ઑથેલો-ડેસ્ડીમોનાના સંવાદી જીવનમાં પ્રામાણિકતાના સ્વાંગમાં પ્રવેશ પામી ‘ઈયાગો’ નામનો શેતાન ઑથેલોને ભોળવીને પત્નીહત્યાના પાપમાર્ગે એને પ્રેરે છે. નિર્દોષ પત્નીના વધ પછી સંભ્રાંત ઑથેલોને કારમું સત્ય સમજાય છે અને તન, મન અને આત્માનું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરીને પૂરા ગૌરવથી પોતાનો વધ નીર્મીને મૃત્યુમાં પત્નીનો તે સહભાગી બને છે. ઑથેલોનું કરુણતમ કૃત્ય પત્નીની હત્યા નથી, પરંતુ પત્નીના સતીત્વ વિષે સાશંક બન્યો ત્યારે પ્રામાણિકતાના સ્વાંગમાં આવેલા ઈયાગો ને એણે વિશ્વસ્ય ગણ્યો. અસદ્માં આવો ઇતબાર એ જ ઑથેલોનું, એટલે માનવીનું, કારુણ્યકેન્દ્ર છે. સત્ય અને આભાસને પારખવામાં વિવેકક્ષતિ કોની ન થાય? અનિષ્ટ કદી નિર્બળ નથી હોતું. ‘ઈયાગો’ એવા અસદ્-નો આકર્ષક પ્રતિનિધિ છે. ડેસ્ડીમોના પ્રેમ અને સ્વાર્પણથી પતિતોદ્વારનું પ્રતીક છે. ધર્મની ભાષામાં વધસ્તંભે લટકીને માનવીને કલ્યાણ અર્પનાર ઈસુ છે. પાપપુંજથી રજોટાયેલો પણ સત્યદર્શનની ક્ષમતાથી મુક્તિ પ્રાપ્ત કરનાર માનવનું પ્રતીક ઑથેલો છે. તો જીવનવૃક્ષને વળગેલી વિષવેલ અમરવેલનું પ્રતીક ઈયાગો છે. બધાંય શુભતત્ત્વોનો એ હાડવેરી ઈર્ષ્યાનું મૂર્ત સ્વરૂપ છે. તો ડેસ્ડીમોના ઉન્નત પ્રેમની મૂર્તિ છે. ‘હૅમ્લેટ’ નાટકમાં ભ્રષ્ટ સમાજનું પ્રારંભે અમંગળ દર્શન હતું, તો ‘ઑથેલો’ નાટકનો પ્રારંભ પાપના મૂર્ત સ્વરૂપ ઈયાગોના પ્રવેશથી થયો છે. બુદ્ધિનો ઘમંડ ઈયાગોના ચારિત્ર્યનું કેન્દ્ર બન્યો છે એની શ્રદ્ધા ‘આભાસ’ને સ્વીકારે છે અને સત્યને ટાળે છે. આદિમાનવ આદમ અને આદિનારી હવા ઈડનનું નંદનવન ગુમાવીને સંસારમાં વસ્યાં તે વિષેની ખ્રિસ્તી સમાજની પુરાણકથાના અર્વાચીન પ્રતીક જેવા ‘ઑથેલો’ નાટકમાં શેક્સ્પિયરે માનવીના શુદ્ધ સ્નેહમાં રહેલી પાપમોચનની દિવ્ય શક્તિને ચાક્ષુષ બનાવી છે. આમ ઈટાલીના વાર્તાકાર સિન્થિયોની મલીન વાર્તાને શેસ્પિયરે વેનિસ અને સાઇપ્રસ દ્વીપની રમણીય પાર્શ્વભૂની આડમાં ગોઠવીને અને પાત્રોના અંતરમનના સંઘર્ષો અને ઉલ્કાપાતોના વિધ્વંસક આઘાતો અર્પીને માનવીના મનને વિશીર્ણ થતું અને જિજીવિષાને મૃત્યુનું આહ્વાન કરતી દર્શાવીને અંતે મૃત્યુ સમીપે પૂર્વવત્ ગૌરવને મેળવી આપનાર મહાદર્શનનુ ઊર્ધ્વીકરણ લાધ્યું છે. શેક્સ્પિયરના ‘મૅકબેથ’ નાટકના રચનાકાળ વિષે વિવિધ અનુમાન રજૂ થયાં છે. એનાં બીજાં નાટકો રાજા સમક્ષ ભજવાયાં હતાં તેના પુરાવા દફતરે ચઢ્યા છે. પરંતુ ‘મૅકબેથ’ નાટક રાજા જૅમ્સના પૂર્વજ બૅન્કો (Banquo)ને રજૂ કરતું હોવા છતાં અને જૅમ્સના અભ્યાસવિષય જેવાં પ્રેતસૃષ્ટિનાં પાત્રો દર્શાવતું હોવા છતાં રાજ્યદરબારમાં ‘મૅકબેથ’ ભજવાયાનો એક પણ ઉલ્લેખ હજુ સુધી નથી મળ્યો. ગ્લોબ નટઘરમાં ‘મૅકબેથ’ની ૧૬૧૦ના એપ્રિલની વીસમી તારીખે થયેલી રજૂઆતનો ઉલ્લેખ સાયમન ફૉરમને કર્યો છે તે મળી આવ્યો છે. એણે લખ્યું છે કે નાટકના બીજા દૃશ્યમાં મૅકબેથ અને બૅન્કો અશ્વારૂઢ બનીને પ્રવેશ્યા હતા. જ્હૉન માર્સટનના ‘સોફોનિસ્બા’ નાટકમાં (૧૬૦૬માં) બૅન્કોના પ્રેતનો સીધો ઉલ્લેખ થયો છે. ઉપરાંત ‘મૅકબેથ’ નાટકમાં ડંકનની હત્યા પછીના ‘દ્વારપાળ દૃશ્ય’માં (The Porter’s Scene) કૅથોલિક પાદરી વિશેના ઉલ્લેખને ૧૬૦૫ના ‘દારૂગોળા કાવતરા’ (Gun Powder Plot) જોડે સંબંધ હતો, એમ દર્શાવીને ૧૬૦૫ કે ૧૬૦૬ના વર્ષને ‘મૅકબેથ’નો રચનાકાળ માની લેવાય છે. પરંતુ રાજા જૅમ્સને મુખ્યત્વે નજરમાં રાખીને લખાયેલું નાટક રાજા જૅમ્સે જોયાનો કશો પુરાવો ન મળી આવે એ શી રીતે બને? શેક્સ્પિયરે રચેલાં અન્ય તવારીખી નાટકોનું વસ્તુ અંગ્રેજ ઇતિહાસકાર હોલિનશેડનાં ‘વૃત્તાન્તો’(Chronicles)માં મળી આવે છે. પરંતુ ‘મૅકબેથ’ની કથા સ્કોટલૅન્ડના ઇતિહાસકાર વિલિયમ સ્ટુઅર્ટના ‘સ્કૉટિશ વૃત્તાન્તો’ને આધારે કવિએ રચી છે. હોલિનશેડની તવારીખમાં મૅકબેથની પત્ની વિશે કેવળ એક પંક્તિનો ઉલ્લેખ છે, જ્યારે સ્ટુઅર્ટે એનાં વ્યક્તિત્વનું સવિસ્તર વર્ણન કર્યું છે. લૅડી મૅકબેથ સ્કૉટલૅન્ડના સિંહાસનની વારસ હતી, એના પ્રથમ પતિ અને સંતાનોનો દુશ્મનોએ વસવાટને આગ લગાડી નાશ કર્યો હતો. કેવળ એક બાળકને છાતીસરસો ચાંપી તે બરફના તોફાનમાં ભાગી છૂટી હતી. રાજ્યના વારસાના લોભે ઉમરાવ મૅકબેથ એનો પતિ બન્યો હતો. આટલી વાત સ્ટુઅર્ટે કહી છે. શેક્સ્પિયરના અન્ય કોઈ નાટકમાં નથી વપરાયા તેવા સ્કૉટિશ બોલીના શબ્દો જેવા કે Skirr, latch, gruel, cribb’d ‘મૅકબેથ’માં વપરાય છે. બીજા દેશો વિશેનાં નાટકોમાં શેક્સ્પિયર આર્ડન વિસ્તારના ગ્રામજનોને સહેલાઈથી ઉમેરે છે. પરંતુ ‘મૅકબેથ’ નાટક સાદ્યંત સ્કૉટલૅન્ડના રુક્ષ નિસર્ગ અને રુક્ષ માનવોનું નાટક બન્યું છે. એ ધ્યાનમાં લેતાં એમ અનુમાન થયું છે કે ઇસેક્સના વધ પછી ૧૬૦૧ની સાલમાં શેક્સ્પિયરની મંડળી રાણીના અણગમાના ભયે સ્કૉટલૅન્ડના પ્રવાસે ઊપડી હશે. ૧૬૦૧ની સાલમાં ૮મી સપ્ટેમ્બરે કવિના પિતાનું અવસાન થયું, ત્યારે કવિ સ્ટેટફર્ડમાં હાજર ન હતા. ૧૬૦૨ની સાલમાં રજી મેને દિવસે કવિએ ૧૦૭ એકર જમીન ખરીદી તે વખતે પણ એમના વતી એમના ભાઈ ગિલ્બર્ટે કબજો લીધો અને દસ્તાવેજ મેળવ્યા એવો સ્પષ્ટ પુરાવો છે, તો કવિ હતા ક્યાં? ૧૬૦૩માં ગાદીનશીન થતાં જ રાજા જૅમ્સે ફ્લેચર અને શેક્સ્પિયરની મંડળીને આશ્રય આપ્યો. તે ફ્લેચરનો પરિચય શેક્સ્પિયરને ક્યારે થયો? આનો જવાબ સ્કૉટલૅન્ડના દફતરોમાં મળી આવ્યો છે. ૧૬૦૧ની સાલમાં – એટલે ઇસેક્સના વધ પછી – ફ્લેચર લંડનના બાર જેટલા નટોને સ્કૉટલૅન્ડના પ્રવાસે લઈ ગયો હતો. પહેલાં રાજધાની એડિનબરામાં, તે પછી એબરડીન અને ઇનવરનેસમાં એમણે ખેલ રજૂ કર્યા હતા. એડિનબરાથી ઇનવરનેસ જતાં માર્ગમાં ‘મૅકબેથ’ નાટકનાં બધાં જ સ્થળો – ગ્લેમિસ, કોડોર, બર્નામનું અરણ્ય અને ડન્સિનેન આવતાં હતાં. માર્ગ એવો વિકટ હતો કે રાજાએ નટમંડળી સાથે રક્ષકો મોકલ્યા હતા. એડિનબરા નગરપાલિકાના દફતરમાં રાજા જૅમ્સનો આજ્ઞાપત્ર જળવાયો છે જેમાં બાર અંગ્રેજ નટો માટે બાર ગાદલાં વગેરેનો પ્રબંધ સૂચવ્યો છે. એબરડીનના મહાજને આ નટોના માનમાં ભોજન-સમારંભ યોજ્યો હતો તેનો ખરચો ખતવાયો છે. ૧૭૬૭માં સ્કૉટિશ ઇતિહાસકાર ગથરીએ લખ્યું હતું કે, આ પ્રવાસમાં કવિ શેક્સ્પિયર નટમંડળીમાં હતા તેવા પુરાવા એને મળ્યા છે. આમ બન્યું હશે એમ માનવાને એક વધુ કારણ એ રહે છે કે રાજા જૅમ્સને આવો પૂર્વપરિચય હશે એટલે જ ઇંગ્લૅન્ડમાં પ્રવેશ કરતાં જ એમણે શેક્સ્પિયરની મંડળીને ‘રાજભૃત્યો’નું બહુમાન આપ્યું હશે. ઉપરાંત શેક્સ્પિયરનું ‘મૅકબેથ’ નાટક ટૂંકું હોવા છતાં શબ્દાર્થ અને ધ્વનિમાં સાંગોપાંગ સ્કૉટલૅન્ડના વાતાવરણમાં તરબતર બન્યું છે તેનું પ્રમાણ આવા કોઈક પ્રવાસને જ ઘટાવી શકાય. ‘મૅકબેથ’ જો ‘ઑથેલો’ પછી રચાયું હોય તો દાંપત્યજીવનમાં સીમિત કારુણ્ય હવે સમસ્ત માનવસમાજનું, સારાએ રાષ્ટ્રનું કારુણ્ય બને છે એમ નોંધવું પડે. ‘રાજા લિયર’ નાટકની માફક ‘મૅકબેથ’ નાટક સમષ્ટિના યોગક્ષેમનું નાટક બન્યું છે, પરંતુ દેશના રાજકીય કારુણ્યથી વિશેષ ઊર્મિઉદ્રેક ‘મૅકબેથ’ દંપતીના સર્વનાશમાં મળી આવે છે. મૅકબેથના માનસિક સંઘર્ષો એની સ્વગતોક્તિમાં વ્યક્ત થયા છે. એનો કરુણતમ સંઘર્ષ એના અંતરાત્મા સાથેની મથામણોમાં વાચા પામ્યો છે. ઉપલક નજરે રાજા ત્રીજા રિચર્ડની પુનરુક્તિ જેવી મૅકબેથની જીવનયાત્રા સાચા અર્થમાં અંતરના અવાજને દબાવીને જીવન બસર કરતી હરકોઈ વ્યક્તિની અતિ કરુણ આત્મકથા બને છે. ‘પાપનો તિરસ્કાર હોય, પાપીનો નહિ’ એ ધર્મ-વાક્યને જાણે પુસ્તક-પ્રતીતિને બદલે પ્રેક્ષકોની અનુભૂતિ બનાવવું હોય તેવા આહ્વાનથી કવિએ નાટકના તંતુએ તંતુને ગૂંથ્યો છે. પાપી મૅકબેથના અંતરમાં કવિએ એવા જગતકાજીને બેસાડ્યો છે કે પ્રેક્ષક મૅકબેથના જીવન વિશે ચુકાદો આપવાનું વીસરી જાય. વ્યક્તિ, કુટુંબ, સમાજ અને જગત – આ ચારે સ્તરોને વ્યાપી વળતું કારુણ્ય ‘મૅકબેથ’ નાટકનું વિશિષ્ટ લક્ષણ ઠર્યું છે. ખ્રિસ્તી સમાજના શેતાનની ગતિને સમાંતર મૅકબેથની ગતિ રહી છે. “Evil be thou my good” કહેનારો શેતાન અને પાપનું લાંછન પૂરું પ્રીછ્યા છતાં પાપમાર્ગે જાતને ધકેલતો મૅકબેથ નિરંકુશ મનોરથ (overvaulting ambition) રૂપી સુવર્ણમૃગનો શિકાર બન્યો છે. જાણે પાપનું પગેરું કાઢ્યું હોય તેમ કવિ ‘મૅકબેથ’ નાટકમાં અરમાનોમાં રહેલા મદને છતો કરીને ગીતાવચન કહે છે કે આનો પ્રેર્યો પુરુષ પાપમ્ આચરતિ પરંતુ, જે સ્વેચ્છાથી પાપને સ્વીકારે છે તે અનિવાર્ય રીતે માનવથી વિમુખ બને છે. મૅકબેથનું દાંપત્ય પાપકૃત્યો દ્વારા સહન કરવી પડતી એકલતાનું કલાત્મક ચિત્ર અંકિત કરે છે. શત સહસ્ર વીંછુડંખ સહન કરતી દૃઢ મનોબળની સ્વામિની લૅડી મૅકબેથની અનિદ્રા અને આત્મહત્યા અગનજાળ જેવું સત્ય સ્પષ્ટ કરે છે કે અસદ્ છેવટે તો આત્મનાશનો પંથ છે. રાજા ડંકનનું ખૂન કર્યાથી મૅકબેથ દંપતીનો જીવનરસ વરાળ બનીને ઊડી જાય છે. જીવનનાં શુભ તત્ત્વો એક પછી એક દૂર થાય છે, છેવટે રહે છે કેવળ પ્રયોજનવિહોણું અસ્તિત્વ, આશાવિહોણી આવતી કાલ. મૅકબેથનો કંપાવનારો ચિત્કાર છે કે પછી તો માનવસુલભ ભય પણ એણે ગુમાવ્યો છે :
I have almost forgot the taste of fears:
The time has been, my senses would have cool’d
To hear night shriek
I have supp’d, full with horrors
Direness, familiar to my sfalughterous thoughts,
Cannot once start me.
‘ભયનો આસ્વાદ હવે તો હું વીસરી ગયો છું. એવોય સમય હતો જ્યારે રાત્રિમાં આક્રોશના સ્વરો સાંભળીને મારાં ગાત્ર થીજી જતાં... પરંતુ હવે તો ભીષણ તત્ત્વોનું મેં આકંઠ પાન કર્યું છે. મારા ઘાતકી વિચારોના સખા બનેલા ભીષણ દર્શનથી હવે હું નથી છળી શકતો.’ ઇન્સાનિયત ગુમાવી બેઠેલા મૅકબેથના જીવનનો ભીષણ હ્રાસ નિરૂપીને કવિ જાણે જીવતા દોજખ જેવા અસ્તિત્વને ચીંધીને કહે છે કે પાપના સર્વનાશ પછી જ નવો સમાજ આકાર લેશે. ૧૬૦૫ પછીનાં વર્ષોમાં કવિએ સ્ટ્રેટફર્ડની મુલાકાત વારંવાર લીધી. બેતાલીસની વયે કવિને સર્જન અને સંસારનાં ઇપ્સિતો સુલભ હતાં. રાજા જૅમ્સની શીળી છત્રછાયામાં અને લંડન નગરીના નટધરોમાં કવિને પેલું બધું મળ્યું હતું જેના વિના મૅકબેથ જીવ્યો હતો :
That which should accompany old age
As honour, love, obedience, troops of friends.
(Macbeth, V. V. 19-28)
“માન, સ્નેહ, વશવર્તી સ્વજનો અને મિત્રોનાં વૃન્દ – આ બધાં વૃદ્ધાવસ્થાનાં સાચાં સંગાથી ગણાય.’ શેક્સ્પિયર હતો એટલે સુખનો મીણો એણે નથી અનુભવ્યો, સિદ્ધિનો નશો એને નથી નડ્યો. જીવનની સમતુલા એણે સાચવી જાણી છે. રાજ્યાશ્રયની અને રાજપ્રસાદની મોહિનીનાં સમીપે દર્શન કર્યા પછી હવે તો ૧૨૫મા સૉનેટનું એનું આત્મનિવેદન વિશેષાર્થ પામ્યું છે :
Were’t aught to me I bore the canopy,
With my extern the outward honoring
Or laid great basis for eternity,
Which proves move short then waste or runing?
Have i not seen dwelers onv from and fevour
Lose all and more by paying too much rent
For compound sweet forgoing simple savour
Pitiful thrivers , in their gazing spent?
‘મને ઊંચું પદ મળે તેથી શો ફેર પડે? દેખાવનાં માન પામવાં એટલે દેખાવને માન આપવાનાં! ચિરંતન યશની આશાએ આદરેલાં ચણતર નિર્જન, વેરાન કે બરબાદ સ્મારકો કરતાં વહેલાં નાશ પામે છે. રાજમહેલોની રીતરસમો અને રાજકૃપાના અભિલાષી જનોને જાત વેચીને સર્વસ્વ ખોતાં મેં ક્યાં નથી દીઠાં? જીવનનો સરળ રસ છોડીને ષડ્-રસના પકવાનનાં એ લુબ્ધ જીવોને શું કહેવું? દયામણા એ જીવો રાજદ્વારની શોભા જોતાં જોતાં જ નિસ્તેજ વિરમે છે.’ ગ્રામજીવનના સરળ રસ (Simple Savour) કવિએ ત્યજ્યા નથી અને વતનના ગામડાને વિસાર્યું નથી. પિતાના અવસાન સમયે દૂર વિચરતો કવિ ૧૬૦૫ની સાલમાં જુલાઈ માસની ચોવીસમી તારીખે પોતાના ભાણેજ – બહેન જોનના પુત્ર – ના નામકરણ પ્રસંગે સ્ટ્રેટફર્ડમાં ઉપસ્થિત રહ્યો છે. એ દિવસે સ્ટ્રેટફર્ડમાં દેવસ્થાન જાગીરના હક્ક કવિએ ચારસો પાઉંડ આપીને ખરીદ્યાના દસ્તાવેજ મળી આવ્યા છે. સને ૧૬૦૭માં કવિએ એના જીવનનો મોટો સામાજિક વહેવાર ઉકેલ્યો છે.પોતાની લાડકી દીકરી સુઝાન્નાનો લગ્નસમારંભ જૂનની પાંચમી તારીખે એણે યોજ્યો હતો. શેક્સ્પિયર પરિવારની ત્રણ પેઢી આ ધન્ય પ્રસંગની શોભા બની હતી. કવિની માતા મેરી, કવિ-પત્ની એન, બંધુઓ ગિલ્બર્ટ અને રિચર્ડ, ભગિની જોન, બનેવી વિલિયમ હાર્ટ, ભાણેજા વિલિયમ અને ટોમસ અને નાની પુત્રી જુડિથ – આ બધો કુટુંબમેળો તે દિવસે ભેગો મળ્યો હતો. પુત્રી સુઝાન્ના પિતાનાં થોડાંક લક્ષણો ધરાવતી હોવાની પ્રતીતિ ગામને હતી. એને વિષે લખાયું છે કે:
Witty above her sex, but that’s not all,
Wise to salvation was good Mistress Hall.
Some thing of Shakespeare was in that, but this
Wholly of him with whom she is now in bliss.
‘ભલાં શ્રીમતી હૉલ (સુઝાન્ના) સ્ત્રીઓમાં અનન્ય એવાં પ્રત્યુત્પન્નમતિ હતાં. ઉપરાંત તેઓ ધર્મશાણાં હતાં. પિતા શેક્સ્પિયરની અસર એમણે ઝીલી હતી, પરંતુ સવિશેષ તો એમણે જગતપિતાનો પ્રભાવ ઝીલ્યો હતો જેમના સુખધામના તેઓ નિવાસી બન્યાં છે.’ આવી પુત્રીનો સંબંધ બાંધવામાં કવિએ સુયોગ્ય પાત્ર શોધ્યું હતું. ગામના નામાંકિત યુવાન દાક્તર જ્હૉન હૉલનો જન્મ કૅથોલિક ખાનદાનમાં થયો હતો. તે ઑક્સફર્ડ વિદ્યાપીઠના સ્નાતક હતા અને યુરોપનો પ્રવાસ કરીને ફ્રાન્સમાં દાકતરી જ્ઞાન પામ્યા હતા. વૈદકીય કૌશલ્ય અને મિલનસાર સ્વભાવથી તેઓ લોકપ્રિય બન્યા હતા. દૂરદૂરથી એમની પાસે સારવાર માટે દરદીઓ આવતા અને વોરિક વિસ્તારનાં આગેવાન કુટુંબોના હૉલ કૌટુંબિક સલાહકાર હતા. લગ્ન પછી કવિના તેઓ સાખપડોશી હતા અને કવિની મિલકતના તેઓ વારસ હતા. રાજા ચાર્લ્સે એમને ‘સર’નો ઇલકાબ નવાજેશ કર્યો ત્યારે વિવેકથી એમણે ઇલકાબ પાછો વાળ્યો હતો અને રાજમાન નકાર્યા બદલ દંડ ભરી દીધો હતો. એમણે પ્રત્યેક દરદી અને દર્દની વિગતે નોંધ રાખી હતી, જેનો પ્રથમ ભાગ ‘અંગ્રેજ પ્રજાનાં દર્દોના સૂચક કિસ્સા’ એ નામે પ્રસિદ્ધ થયો હતો. બધી નોંધ લૅટિન ભાષામાં હતી અને પત્ની સુઝાન્નાએ અનુમતિ ન આપ્યાથી બીજા ભાગનું પ્રકાશન થયું નથી. કદાચ એ નોંધોમાં એમના જગપ્રસિદ્ધ દર્દી કવિ શેક્સ્પિયરની બીમારીનું વર્ણન સ્થાન પામ્યું હશે, કારણ કવિની છેલ્લી માંદગીમાં દાક્તરી સારવાર એમણે કરી હતી. ઇંગ્લૅન્ડના એક નામી તબીબ ડૉ. આર. સિમ્પસને ૧૯૯૫માં ‘શેક્સ્પિયર અને વૈદક’ (Shakespeare and Medicine) નામનો ગ્રંથ પ્રસિદ્ધ કર્યો છે. એમાં શેક્સ્પિયરનાં નાટકોનાં વૈદકીય અવતરણો ઉતારીને એમણે કવિના વૈદક વિશેના પરિચય અને વલણોની ચર્ચા કરી છે. બીજી વિદ્યાઓ વિશે કવિએ અવારનવાર અછડતા કટાક્ષો કર્યા હશે, પરંતુ વૈદક વિશે એણે આદર સેવ્યો છે અને તબીબી પ્રત્યે માનભર્યું વલણ દર્શાવ્યું છે. એના મૂળમાં લાડકી પુત્રીના પતિ, સ્વજન અને મિત્ર દાક્તર હૉલનો નિકટ પરિચય હોઈ શકે. માનવમનના જ્ઞાત અને અજ્ઞાત રોગોનો પરખંદો કવિ તનના તબીબને અવગણી શક્યો નથી એવો તોષપ્રદ સામાજિક સંબંધ ૫મી જૂન, ૧૬૦૫ના દિવસે વિધિપૂર્વક રચાયો. કૌટુંબિક શુભ પ્રસંગ પ્રત્યે કવિ પુનઃ નટઘર ભેગા થયા અને જુલાઈની નવમી અને દસમી તારીખે ઇંગ્લૅન્ડની મુલાકાતે આવેલા ડેન્માર્કના રાજવી સમક્ષ શેક્સ્પિયરની મંડળીએ નાટકો રજૂ કર્યાં : કદાચ ‘હૅમ્લેટ-ડેન્માર્કનો રાજકુમાર’ અને ‘મૅકબેથ’. ‘હૅમ્લેટ’ નાટકમા ડેન્માર્કની પ્રજાના સુરાપ્રેમનો ઉલ્લેખ દૂર કરવામાં આવ્યો હશે. પરંતુ આ પ્રસંગે રાજ્યે આપેલી એક મહેફિલમાં રાજવંશી નબીરાઓ શરાબી બનીને આવ્યાનું નોંધાયું છે. એ વર્ષના ઑક્ટોબર માસમાં શેક્સ્પિયરની મંડળી દેશના પૂર્વ અંચલના પ્રવાસે નીકળી હતી. ચોથી ઑક્ટોબરે ડૉવર નગરીમાં એમણે નાટક ભજવ્યું. પરદેશી પ્રવાસીઓ માટે ડૉવર ઇંગ્લૅન્ડનું પ્રવેશદ્વાર ગણાયું છે. સાગરતટ અને ડુંગરાઓ વચ્ચે વસેલું એ નગર સ્વદેશ પાછા ફરતાં અંગ્રેજોના હૈયામાં હિલોળા જન્માવે છે. ડૉવર નજીકના ચૂનાના ડુંગરો પાછા ફરેલા અંગ્રેજને ઘર જડ્યાનાં વધામણાં અર્પે છે. ડૉવર જાય અને ડુંગરા ન ખૂંદે તેની અંગ્રેજિયત લાજે. કવિએ આ ડુંગરા ખૂંદ્યા છે એટલું જ નહિ, પરંતુ ૧૬૦૭ના વર્ષાન્તે પ્રથમ વાર ભજવાયેલા એના સર્વોત્કૃષ્ટ સર્જન ‘રાજા લિયર’ નાટકની એક પરાકાષ્ઠા જેવું ડુંગરની ધારેથી દીઠેલું જગત્દર્શન એ નાટકમાં સ્થાન પામ્યું છે. દુષ્ટ પુત્રને હૈયું આપી બેઠેલો અને રાજકારણની ક્રૂરતાથી આંખો ખોઈ બેઠેલો ઉમરાવ ગ્લોસ્ટર આત્મહત્યાના ઇરાદાથી એક અજાણ્યાની આંગળી પકડીને (જે એનો સાચો અને ભલો પુત્ર એડગર છે.) ડુંગરાની ધારે પહોંચે છે. ત્યાં દીઠેલા દૃશ્યનું એડગર આવું વર્ણન કરે છે :
Come on, Sir; here’s the place: stand still.
How fearful and ‘tis to cast one’s eyes so low!
The crows and choughs that wing the midway air
Show scarce gross as bettles; half way down
Hangs one that gathers samphire, dreadful trade!
Methinks he seems no bigger than his head.
The fisermen that walk upon the beach
Appear like mice, and you tall anchoring bark
Diminished to her cock her cock s buoy
Almost too small for surge
The murmuring surge
That on the annumbered idle pebbles chafes,
Cannot be heard so high. I’ll look no more,
Lest my brain turn, and the deficient sight
Topple down headlong.
(King Lear, Act IV, Sc. 6)
‘રાજા લિયર’ નાટક ૨૬મી ડિસેમ્બર, ૧૬૦૬ની સાંજે (St. Stephen’s Night) વ્હાઇટ હૉલમાં રાજા જૅમ્સની નિશ્રામાં ભજવાયું હતું. પ્રાચીન બ્રિટનના ઇતિહાસમાંથી લીધેલું આ નાટક પણ ‘મૅકબેથ’ નાટકની માફક વિશ્વવ્યાપી અસદ્-નું ભીષણ દર્શન કરાવે છે. પરંતુ મૅકબેથનો સર્વનાશ રચતું દુરિત લિયરને કાંચનશુદ્ધિ અર્પતી વહ્નિજાળ બને છે. વિશ્વસાહિત્યની સાદ્યંત કરુણામંડિત કૃતિઓમાં ‘રાજા લિયર’ નાટક અપ્રતિમ લેખાય છે. મહાનદ સિંધુનાં મૂળ જેમ નાનાવિધ નિર્ઝરોમાં મળી આવે છે, તેવી જ રીતે શેક્સ્પિયરના સમકાલીન એક રાજપુરુષના અંગત જીવનમાં લિયરના અણસાર વર્તાય છે. સંતાનોની હૈયાહીણી ક્રૂરતાથી રાજા લિયરને પાગલ બનતો શેક્સ્પિયરે ચીતર્યો છે. પરંતુ લિયરની મૂળ વાર્તામાં એની પ્રમત્ત દશાનો કોઈ અણસાર નથી. પરંતુ સર બ્રાયર એનેસિલ નામના એલિઝાબેથના એક અંગરક્ષક, જેઓ રાજા લિયરની માફક ત્રણ પુત્રીના પિતા હતા તેઓને પાછલી વયમાં કૃતઘ્ની પુત્રીઓનો વસમો અનુભવ પ્રાપ્ત થયો હતો. એમની મોટી બે પુત્રીએ અદાલતમાં ઘા નાખી હતી કે એમના પિતાને પાગલ ગણવા અને મિલકતનો કબજો પોતાને સોંપવો. ત્યારે એમની ત્રીજી પુત્રી જેનું નામ પણ લિયરની પુત્રી જેવું જ કોર્ડેલ (Cordell) હતું તેણે અરજ ગુજારી હતી કે રાણી એલિઝાબેથની અને રાજ્યની સેવામાં કાયા ઘસી નાખનાર એના વૃદ્ધ પિતાને મૃત્યુ સમયે ‘પાગલ’નો સરપાવ મળે તે કોઈ રીતે વાજબી ન હતું. (Deserved a better agnomination than at his last grasp to be recorded and registered a lunatic.) વૃદ્ધ નૃપતિ લિયરે જેમને રાજપાટ વહેંચી આપ્યાં હતાં તે પુત્રીઓ લોહીતરસી બનીને પિતાની મમતાને પીંખે છે ત્યારે રાજાનો જમાઈ ઉમરાવ આલ્બેની જાણે માનવજાતનું ભાવિ વાંચતો હોય તેમ ઉદ્ગાર કાઢે છે : ‘એવા પણ દુર્દિન આવશે જ્યારે માનવજાત સાગરના મહામત્સ્યો બનીને એકબીજાને ભરખી જશે.’
Humanity must perforce prey on itself
Like monsters of the deep.
વૃદ્ધ રાજા લિયરને શુંયે સૂઝ્યું તે ભરી રાજસભામાં રાજકુમારીઓના પિતૃપ્રેમના માપ પ્રમાણે રાજ્યનું વિભાજન કરવાનો નિર્ણય કર્યો. પુરાણ કાળના અબાધિત ઐશ્વર્યના સ્વામી જેવા અને વિધુર રાજાની જ્યેષ્ઠ અને વચેટ કુંવરીઓ – રિગન ગોનેરિલ – દંભી વચનોથી રાજકૃપા મેળવી શકી.