શ્રેષ્ઠ અનિરુદ્ધ/૨૬. આખી રાત

૨૬. આખી રાત


આખી રાત
નાના મારા ઘર પછવાડે વરસ્યાં પારિજાત!
કૈં વરસ્યાં પારિજાત,
અહો કૈં વરસ્યાં પારિજાત
કે સુગંધને સરવરિયે ખીલી એણે
મંજુલ સારસના સૂરોની ગૂંછી એની રમ્ય બિછાત!
એવાં વરસ્યાં પારિજાત!

ખીલું ખીલું એ હસે પોયણી,
પાંખડીએ એને તો
રમતો ચંદ્રકિરણનો ભાર ઊતરી આવ્યો
લાવ્યો અંધકારને તળિયે સૂતા સૂર
અજાણ્યા સૂર —
જે પ્રકાશને ખોળે જઈ ધીમે જાગે —
એવી ફૂલ ફૂલને છાની છાની પવને કીધી વાત!
— અને બસ, વરસ્યાં પારિજાત!

જાગે રે મધરાત
મારી જાગે રે મધરાત
એના રમ્ય પોપચે ઝૂકી મારી જાગે રે મધરાત!
એને કોણ કહે કે હલકે અવ તો આછાં આછાં જલ
કલકલ… કલકલ…
એ જલમંગલમાં ધન્ય અમારાં ઝબકોળાયાં ગાત!
બ્હાર તો વરસ્યાં પારિજાત!

ઊઘડ્યાં દ્વાર
પછી શી વાર?
આંગણે પૂર્યા ઉષાએ રંગ
અને ત્યાં હલક્યાં અંગેઅંગ —
વહી ગઈ રાત?
જવા દો વાત —
નાના મારા ઘર પછવાડે વરસ્યાં પારિજાત!
આખી રાત —
— અને આ મ્હેકે રમ્ય પ્રભાત!