શ્રેષ્ઠ અનિરુદ્ધ/૨૭. શબરી

૨૭. શબરી


એક ભીલડીએ તપોવન સીચ્યાં કે શબરી વનવાસી.
ડાળડાળે ફળફૂલ કંઈ હીંચ્યાં કે શબરી વનવાસી.
સર પંપાને કાંઠડે રહેતી કે શબરી વનવાસી.
એ તો વાયરાને વાત કહેવી કે શબરી વનવાસી.
મારા રામજી અજોધ્યાથી આવે કે શબરી વનવાસી.
એને કિયાં કિયાં ફળ બહુ ભાવે કે શબરી વનવાસી.
એણે તરુ તરુ ભમી ફળ ચાખ્યાં કે શબરી વનવાસી.
મધમીઠાં તે વીણી વીણી રાખ્યાં કે શબરી વનવાસી.
નીર પંપાનાં કેવાં તો ડહેક્યાં કે શબરી વનવાસી.
બધા ધરતીના કણ કણ મહેક્યા કે શબરી વનવાસી.
ડાળ ઝાલીને દૂર દૂર જોયું કે શબરી વનવાસી.
પછી હરખનું આંસુ એક લોહ્યું કે શબરી વનવાસી.