શ્રેષ્ઠ અનિરુદ્ધ/૨. કદાચ

૨. કદાચ


મારાં નયન,
તેજ તમારું ગુમાવી ન બેસતાં
કદાચ આ સૂરજ નવા તેજે ઊગે પણ ખરો.

મારાં ચરણ,
તમે ઢગલો ન થઈ જતાં એકાએક
કદાચ કોઈ અણજાણ કેડીએ એનો સાથ મળે પણ ખરો.

મારી શ્રવણેન્દ્રિય,
છોડી ન દેશો તમારી શક્તિને
કદાચ કોઈ નવતર પંખીનું ગીત સંભળાય પણ ખરું.

મારી નાસિકા,
ન જવા દઈશ તારી ઘ્રાણશક્તિને
કદાચ કોઈ સાવ અજાણ્યું ફૂલ મહોરે પણ ખરું.

મારાં પ્રકંપિત ટેરવાં,
જોજો ન ચાલી જાય તમારી સ્પર્શશક્તિ
કદાચ કોઈ તેજલ સ્પર્શનો આનંદકંપ મળે પણ ખરો.

મારી રૂપેરી વાણી,
ન છોડી દઈશ તારું લય-નર્તન
શબ્દ કોઈ નવા લયે નિ:સમયમાં તરે પણ ખરો.