શ્રેષ્ઠ અનિરુદ્ધ/૭. પીપળાના પર્ણમર્મરની ભાષા

૭. પીપળાના પર્ણમર્મરની ભાષા


પીપળાના પર્ણમર્મરની ભાષા જાણે છે તું?
તો શું જોઈને સૂતરના આંટા ચડાવ્યા?
ગોદાવરીન પાણીએ ગઈકાલથી વહેણ બદલ્યું છે
હવે ત્યાં કોણ પર્ણકુટિ બાંધશે?
ધોધ તો શિલાઓ પર માથાં પટક્યા કરશે
તું ક્યાં સુધી ઊભી રહીશ?
આમ જો, પણે મેઘધનુષ ખેંચાયું.
સમાન્તર રેખાઓની આળપંપાળ મૂકી દે.
મારા નામના તોતિંગ દરવાજા
નથી ધરતીકંપ, નથી ઝંઝાવાત,
તોય કેમ અફળાયા કરે છે વારંવાર?
લાવ તારો હાથ મારા હાથમાં
બદલાઈ જાય મારી રેખાઓનો લય.
પ્રલયથી કદી ડર્યો નથી
ને તેથી જન્મ્યો ત્યારથી ખોદ્યા કર્યો છે પિરામિડ.
આમ જો, વર્ષાની ધારાઓ અધવચ્ચે જ અટકી ગઈ
ને આંસુની ખારાશ પીને પડ્યો છે સમુદ્ર.
મારી આંખો નિરભ્ર છે
તારાં નક્ષત્ર-સૂર્ય-ચંદ્રને પ્રકાશવું હોય
તો ભલે આવે.