શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/કીડીબ્હેન અને સાકર

કીડીબ્હેન અને સાકર


એક હતાં કીડીબ્હેન!
સાવ નાનાં,
ભારે શાણાં!

રમતાં રમતાં આવે
ને રમતાં રમતાં જાય;
રમતાં રમતાં ખાય
ને રમતાં રમતાં ગાય!

બધાં એમને કરતાં વ્હાલ;
બધાં એમની લેતાં ભાળ.

ઘઉંનો દાણો દેતું કોઈ,
દિયે ખાંડનો દાણો કોઈ,
કોઈ દિયે છે મધ,
કોઈ દિયે છે રસ,
હોંશે હોંશે જમે,
પછી પ્રેમથી રમે.
એક દિવસ એ કીડીબ્હેનને થયું:
‘લાવ, આજ તો ફરવા જઉં.’
એ તો ઊપડ્યાં
ટગમગ ટગમગ ચાલ્યાં જાય,
ઊભી બજારે જોતાં જાય,
જોતાં જાય ને ગાતાં જાય,
ગાતાં જાય ને ઘૂમતાં જાય…
એમ જતાં’તાં કીડીબાઈ,
એક હાટડી ત્યાં દેખાઈ.
એ હાટડીએ ખાંડ મળે,
ઘી, સાકર ને ગોળ મળે.
ત્યાં માખી-મંકોડા બહુ,
કીડીબ્હેનના દોસ્તો સહુ!
કીડીબ્હેન તો રાજી રાજી!
સૌનાં જાણે હોય ન માજી!

કીડીબ્હેન ત્યાં ફર્યા કરે,
મનમાં સતત વિચાર્યા કરે:
‘આ હું લઉં કે પેલું લઉં?
આ હું ખઉં કે પેલું ખઉં?’
સાકરનો એક દીઠો ગાંગડો,
ધોળો જાણે બરફ!
તડકે થાતો ચળક!
કીડીબ્હેનને એમ થયું કે લઈ જઉં એને તરત!
કીડીબ્હેન તો છેક છોટાં,
સાકરટુકડા મોટા મોટા!
કેમ કરી લઈ જવાય ઘેર?
સૂઝે ન એની એકે પેર!
કીડીબ્હેન તો ખૂબ મથ્યાં,
સાકર-ટુકડો ના જ ચસે;
ખેસવવાને ખૂબ મથ્યાં;
તસુભાર પણ નહીં ખસે!
કીડીબ્હેન તો થાકી ગયાં,
હતાશ થઈને બેસી પડ્યાં,
ત્યાં આવી કીડીની મા,
કીડીબ્હેનને કહે:
‘કેમ આમ તું બેસી પડે?’
તને કઈ તકલીફ નડે?’
કીડીબ્હેન તો કહે:
‘મા, આ સાકર-ટુકડો જો,
નથી જરાયે ચસતો,
કેમ કરીને લઈ જવો તે ઘરે?’
કીડીબ્હેનની મા એ સુણી હસતાં હસતાં કહે:
‘એમ વાત છે તારી!
સાકરના ટુકડાની સામે
ઓછી શક્તિ તારી!
છોડ, એકલી બધી મથામણ,
સાદ પાડા માસીને,
મામી, કાકી, ફોઈ બધાંને.
દોડ, બધાંને તેડ,
પછી આ સાકરને તું ખસેડ.’
કીડીબ્હેન તો દોડ્યાં ઝટપટ,
તેડી લાવ્યાં સૌને સટપટ.
એક કીડી આવી,
બીજી કીડી આવી,
ત્રીજી કીડી આવી,
ચોથી આવી,
પાંચમી ને છઠ્ઠીયે આવી,
સાત, આઠ ને નવમી આવી,
દસમી આવી,
ઘડીકમાં તો સોમી આવી!
ત્રણમાંથી થઈ ત્રણસો કીડી
સાકરને સૌ વળગી;
સાકર-ટુકડો ચસતો જાય…
સૌ સાકરને ખાતાં જાય…
સાકર-ટુકડો ખસતો જાય…
સાકર-ટુકડો દરમાં ગયો,
દિવાળીનો વેંત જ થયો,
દિવાળી તો આવી
ને કીડીઓએ સાકર ઉપર ઝાપટ ખરી લગાવી!
કીડીઓ સાકર ખાતી જાય,
ઘૂમતાં ઘૂમતાં ગાતી જાય:
‘ભેગાં થઈને લાવ્યાં ત્યારે
સાકર આવી સાકર!’
ભેગાં થઈને ખાધી ત્યારે
સાકર લાગી સાકર!
એકલપેટાં ખાય એમની સાકર ફિક્કી ફિક્કી,
સાથે બેસી ખાય એમની સાકર મિઠ્ઠી મિઠ્ઠી!
સંપ કરે તે સાકરિયાં ભાઈ, સાકરિયાં!
સંગ કરે તે સાકરિયાં ભાઈ, સાકરિયાં!
સાકરિયાં હો સાકરિયાં!
કીડીબ્હેન પણ સાકરિયાં!
સાકર ખાતાં ખાતાં આજે
બધાં આપણે સાકરિયાં!

*