શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/દીવા! દીવા!! દીવા!!!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
દીવા! દીવા!! દીવા!!!



દીવા, દીવા, દીવા!
ઘરમાં દીવા,
ઘરની આંખો જેવા ઝળહળ ગોખે દીવા,
તુલસીક્યારે,
પાણિયારે ને પણે ઉંબરે,
વળી દેવના સ્વચ્છ પાલખે,
પ્રસન્નતાએ પમર્યા કરતા દીવા, દીવા.

દીવા, દીવા, દીવા!
રસ્તે રસ્તે અજવાળું પાથરતા દીવા,
ચૉરે ચૌટે ચાંદ બતાવે એવા દીવા!

નવલખ તારાની ચૂંદડીએ
ઊતરે રાત અમાસ;
ગામ-ધરાના દૈવતનો શો
તરવર થતો પ્રકાશ!

સૌના ઘરમાં,
ઘરમાં રહેનારા સૌ જનમાં,
સૌ જનના વ્હાલા જનપદમાં,
અંધકારની હસતી આંખે
એવા ચકમક દીવા,
જેવા હૈયાના ઉત્સવના ઝમરખ દીવા!
દીવા! દીવા!! દીવા!!!

*