સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/આનંદવર્ધનના ભણકારા

આનંદવર્ધનના ભણકારા

કુંતકના આવા કેટલાક કાવ્યવિચારોની પ્રભાવકતા સ્વીકાર્યા પછીયે, એ નોંધવું જોઈએ કે, જાણકારોને આમાં ઘણે ઠેકાણે આનંદવર્ધનના ભણકારા વાગ્યા વિના રહેતા નથી. આનંદવર્ધન મહાકવિના શબ્દાર્થની એકરૂપતા અને કાવ્યશબ્દની અનન્યતા દર્શાવે છે, (ધ્વન્યાલોક, ૨.૧૬ અને વૃત્તિ) અલંકારોનું બહિરંગત્વ નહીં, અંતરંગત્વ જ એમને ઇષ્ટ છે, કવિને એ પણ કાવ્યસૃષ્ટિનો પ્રજાપતિ માને છે અને કવિપ્રતિભાનું આનન્ત્ય સ્થાપિત કરે છે. કાવ્યતત્ત્વજ્ઞ ને સહૃદયના કાવ્યબોધ તથા કાવ્યાસ્વાદનેયે એ યોગ્ય રીતે લક્ષમાં લે છે. કુંતકની આ વાતો આ રીતે સાવ નવી નથી, પણ એ નવી રીતે મુકાયેલી છે, પોતાનો ભાર લઈને આવેલી છે અને તેથી આપણને સવિશેષપણે આકર્ષ્યા વિના રહેતી નથી.