સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/પશ્ચિમનો પ્રભાવ


આધુનિક સાહિત્ય અને સાહિત્યવિચાર પર પશ્ચિમનો પ્રભાવ

એ સુવિદિત છે કે ભારતીય ભાષાઓનું અર્વાચીન કાળનું સાહિત્ય પૂર્વપરંપરા સાથેનો વિચ્છેદ બતાવે છે. એનો ઉદ્ભવ અને વિકાસ પાશ્ચાત્ય સાહિત્યના પ્રભાવ તળે થયો છે. પાશ્ચાત્ય પ્રજાના સંપર્કે આપણા જીવનમાં પરિવર્તન આણ્યું તેમ એ જીવનપરિવર્તને અને પાશ્ચાત્ય સાહિત્યના સંપર્કે આપણા સાહિત્યની પણ કાયપલટ કરી નાખી. એમાં નવા વિષયો દાખલ થયા, નવાં સ્વરૂપો-પ્રકારો-અભિવ્યક્તિતરાહો વિકસ્યાં અને નવા સાહિત્યિક આદર્શો સ્થાપિત થયા. વિવેચનના સિદ્ધાંતો, પદ્ધતિઓ, ઓજારો ને પરિભાષા, પછી, આપણે માટે પશ્ચિમનાં જ પ્રસ્તુત ગણાય ને? આપણે એમ જ માન્યું ને પશ્ચિમી સાહિત્યવિચારપ્રણાલી આપણે ત્યાં પ્રવર્તી રહી. આ સ્થિતિમાંથી આજે પણ આપણે મુક્ત થઈ શક્યા છીએ એમ કહેવાય એવું નથી. બેશક, આપણા સાહિત્યસર્જનમાં એતદેશીય પરંપરાઓ સાથે નાતો જોડવાની મથામણ અહીંતહીં જોવા મળે છે – દેશીપણાનો વાયરો વાવા લાગ્યો છે, પણ બીજી બાજુથી આપણે વિશ્વસાહિત્યના સંપર્કમાં મુકાઈ રહ્યા છીએ – અલબત્ત, પશ્ચિમના દ્વારથી – અને સ્વાભાવિક રીતે જ એમાંથી ઘણી અસરો ઝીલી રહ્યા છીએ. વૈશ્વિક પરિબળોના પ્રભાવ વચ્ચે સ્વની ખોજ એ આજના ભારતીય સાહિત્યકાર સામેનો મોટો પડકાર છે. પણ આવો કોઈ પડકાર આપણું વિવેચન અનુભવતું હોય એવું જણાતું નથી. સંસ્કૃતમાં સાહિત્યવિચારની એક સમૃદ્ધ અને સદ્ધર પરંપરા હતી એ હવે આપણે સારી રીતે જાણતા થયા છીએ પણ આપણા આજના સાહિત્યવિવેચનમાં એ ખપમાં આવી શકે એવો વિશ્વાસ આપણને જન્મતો નથી. આપણે એમ વિચારી છીએ કે પ્રાચીન સાહિત્યપરંપરાઓ જ જ્યાં લુપ્ત થઈ ગઈ છે ત્યાં એને અનુલક્ષીને ઘડાયેલો સાહિત્યવિચાર આજે ક્યાંથી કામમાં આવી શકે? અને આપણી આજની સાહિત્યપરંપરાઓ જ જો પશ્ચિમમાંથી આણેલી હોય તો એને માણવા-નાણવા માટેનાં ધોરણો પણ ત્યાંનાં જ સ્વાભાવિક ગણાય ને? દેખીતી રીતે તો આ વાત ખોટી છે એમ ન કહેવાય. કોઈ પણ સાહિત્યની આકૃતિપ્રકૃતિ એના સમય અને સમાજની અપેક્ષાઓ અને રૂઢિઓથી ઘડાતી હોય છે ને એનાં અવબોધ-આસ્વાદ-મૂલ્યાંકનનાં ધોરણો પણ એમાંથી નીપજતાં હોય છે. એ સાહિત્યને એની શરતે જ આપણે યોગ્ય રીતે પામી શકીએ. બહારનાં ધોરણોથી એને જોવા – તપાસવા જતાં તો મુશ્કેલી ઊભી થાય. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પાસે આજનાં સાહિત્યિક ધોરણો લઈને જઈએ છીએ ત્યારે આપણને નિરાશા થાય છે, એને અન્યાય કરવા જેવું પણ આપણાથી થઈ જાય છે. તો સામે, એ સાહિત્યમાં ન હોય એવું એમાં જોવાનું સાહસ પણ કોઈ વાર આપણાથી થઈ જાય છે! દરેક સાહિત્યપરંપરા જ નહીં, દરેક સાહિત્યકૃતિ – ખાસ કરીને નૂતન સર્જનાત્મકતા ધરાવતી કૃતિ–પણ પોતાના આસ્વાદ-મૂલ્યાંકનનાં ધોરણો પોતે જ ઊભી કરતી હોય છે એવો અભિપ્રાય ધરાવવા સુધી પણ આજે તો આપણે ઘણી વાર જઈએ છીએ.