સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/સાહિત્યવિચારની સાર્વત્રિકતા
સાહિત્યવિચારની સાર્વત્રિકતા
આ દૃષ્ટિબિંદુમાં કંઈક તથ્ય અવશ્ય છે. પણ એને તાત્પર્ય રૂપે જ સ્વીકારવા જેવું છે, શબ્દશઃ, સ્થૂળ અર્થમાં નહીં. સાહિત્યની સર્વકાલીનતા – સાર્વત્રિકતા જેવી પણ કોઈ ચીજ છે જ ને પોતાના દેશકાળની સીમાને વટી જતી વિશાળ સાહિત્યરુચિ જેવી પણ કોઈ ચીજ છે જ. નહીં તો ઈસુની ચોથી – પાંચમી સદીમાં ભારતમાં થયેલા કાલિદાસના ‘શાકુન્તલ’ને અઢારમી – ઓગણીસમી સદીમાં જર્મનીમાં થયેલા ગેટે માથે મૂકીને નાચે એવું કંઈ બને ખરું? આપણી વચ્ચેયે એવા કેટલાબધા લોકો છે કે જે વિવિધ દેશકાળના સાહિત્યનું આકર્ષણ અનુભવે છે ને એમાં રસમગ્ન બને છે. દરેક સાહિત્યમાં સર્વકાલીનતા અને તત્કાલીનતાના અંશો વિદ્યમાન હોય છે અને એનો વિવેક કરીને એનો આસ્વાદ લેવાનું કોઈ પણ દેશકાળના સુજ્ઞ સાહિત્યરસિકને માટે શક્ય હોવાનું. નૂતન સર્જનાત્મકતાના ગર્ભમાં પણ કશીક પરંપરાનિષ્ઠતા અને સનાતનતા હોવાની અને નૂતનતાથી વિમૂઢ થયા વિના, એમાં પ્રવેશ કરીને એના હાર્દ સુધી પહોંચવાનું શક્ય બનવાનું. જો સાર્વત્રિક સાહિત્યતત્ત્વ ને સાર્વત્રિક સાહિત્યરુચિ જેવું કંઈક હોય તો સાર્વત્રિક સાહિત્યસમજ જેવું પણ કંઈક હોવું જોઈએ, ભલે જુદાજુદા દેશકાળમાં એ જુદાજુદા વેશ પહેરીને આવતી હોય, ભલે જુદાજુદા દેશકાળમાં એ સમજનાં જુદાંજુદાં પાસાં મુખ્યતા અને મહત્ત્વ પ્રાપ્ત કરતાં હોય. વિવિધ દેશકાળના સાહિત્યવિચારો વચ્ચે મેળ શોધવાના આપણે પ્રયત્નો કરીએ છીએ એ શું બતાવે છે? ભાષા – પરિભાષાના વાઘા ઉતારી લઈએ તો કેટલોક મેળ એમની વચ્ચે આપણે સ્થાપિત નથી કરી શકતા? અને એક દેશકાળનો સાહિત્યવિચાર બીજા દેશકાળમાં હંમેશાં અપ્રસ્તુત બની જતો હોય છે? વિવેચનનો ઇતિહાસ એવું કંઈ બતાવતો નથી. ઍરિસ્ટોટલનો કાવ્યવિચાર યુરોપમાં સદીઓ સુધી પ્રમાણભૂત બની રહ્યો અને આજેયે – યુરોપમાં તેમજ આપણે ત્યાં પણ – એનું પ્રમાણ આપવામાં કશો સંકોચ નડતો નથી. [1] યુરોપીય વિદ્વાનોએ સંસ્કૃત સાહિત્યને એમનાં વિવેચનધોરણોથી શું જોયું – તપાસ્યું નથી? અને આજે નિતનવાં ફૂટ્યે જતા સાહિત્યસિદ્ધાંતો ને સાહિત્યની વિશ્લેષણપદ્ધતિઓનો વિનિયોગ ભૂતકાલીન કૃતિઓ પ્રત્યે નથી થતો શું? આ રીતે તો કેટલીક વાર સાહિત્યકૃતિના રસરહસ્યના નવા પ્રદેશો ખુલ્લા થતા હોય છે, એનો નવો તાજો મૂલ્યબોધ થતો હોય છે.
- ↑ જુઓ : “We have talked too long (and expended much sentiment in talking) on the supremacy of Indian Poetics but invariably in theoretical terms and in isolation, without reference to actual works of art except for stray passages and as touchstones... The time has come for us to make serious efforts to test the adequacy of these critical concepts in responding to a given work of art. One is embarrassed to see them dismissed as obsolete in knowledgeable circles while Aristotle, sharing much the same antiquity, still enjoys an enviable status in Indian literary circles and in discussions of Indian literature too...” (સી. ડી. નરસિંહૈયા, ઈસ્ટ વેસ્ટ પોએટિક્સ ઍટ વર્ક, સંપાદકીય, પૃ. IX.)